Monday, 20 May 2024

ભારતીય જનસંઘનો પ્રારંભ

 

સ્વતંત્રતા બાદ નહેરુની નીતિઓએ જનસંઘની સ્થાપનાની પૃષ્ઠભૂમિ તૈયાર કરી-

મુસ્લિમ લીગી મહજબી ઉન્માદ થકી ભારતના પાગલા થયા અને દેશના પૂર્વ અને પશ્ચિમી પડખાઓમાં પાકિસ્તાન નામનું નાસૂર અસ્તિત્વમાં આવ્યું. ભારતના ભાગલા બાદ નહેરુવાદી કૉંગ્રેસની રાજનીતિમાં તફાવતની આશા પણ થોડાક જ સમયગાળામાં ઠગારી સાબિત થવા લાગી હતી. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હિંદુવાદી વિચારધારાવાળા લોકોને ખાસ પસંદ કરતા ન હતા. તેઓ ત્યારે કૉંગ્રેસના સર્વોચ્ચ નેતા હતા અને 1947થી 1964 સુધીના 17 વર્ષ દરમિયાન તેમણે સત્તા સંભાળી હતી. નહેરુના કાર્યકાળમાં કૉંગ્રેસની અંદર રહેલા હિંદુવાદી નેતાઓને એક પછી એક કદ પ્રમાણે વેતરીને કિનારે કરવાની પ્રક્રિયા ચાલુ રહી, કારણ કે સ્વતંત્રતા પહેલાની કૉંગ્રેસની નીતિઓ દેશના ભાગલા પછીના સ્વશાસનમાં પણ ચાલુ રહી. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા બાદ માત્ર બે વર્ષના સમયગાળામાં કૉંગ્રેસની અંદરના હિંદુવાદી નેતાઓને નહેરુએ ઠેકાણે પાડવાનું શરૂ કરી દીધું હતું.

નહેરુનો ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રત્યેનો અણગમો-

દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ એક હિંદુવાદી નેતા હતા. પટેલ કૉંગ્રેસમાં નહેરુ કરતા સિનિયર અને મહાત્મા ગાંધીની લગભગ લગોલગ પણ હતા. સ્વતંત્રતા પ્રાપ્તિ વખતે સરદાર પટેલ દેશના વડાપ્રધાન તરીકે કૉંગ્રેસ સંગઠનની પહેલી પસંદ હતા. પરંતુ મહાત્મા ગાંધીએ જવાહરલાલ નહેરુને વડાપ્રધાન પદે યોગ્ય ગણાવ્યા હતા. પટેલ સાથેના નહેરુના મતભેદો સર્વવિદિત છે. કોંગ્રેસની અંદર હિંદુવાદી નેતાઓમાં પટેલ સિવાય ડૉ. રાજેન્દ્રબાબુસંપૂર્ણાનંદ અને પુરુષોત્તમદાસ ટંડન સામેલ હતા. બંધારણીય સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બને નહીં તેના માટેની કોશિશો દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કરી હતી. નહેરુ દેશના પહેલા ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીને દેશના પહેલા રાષ્ટ્રપતિ બનાવવા માંગતા હતા. તેમ છતાં ડૉ. રાજેન્દ્રપ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. સરદાર પટેલના સંકલ્પના પ્રતાપે સોમનાથ મંદિરનો પુનરોદ્ધાર થઈ રહ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના સામેલ થવા પર નહેરુએ આકરો વિરોધ કર્યો હતો. જો કે રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સોમનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થયા હતા.

નહેરુ અને ટંડન વચ્ચે ખેંચતાણ-

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી 29 જુલાઈ, 1950ના રોજ દિલ્હીમાં શરણાર્થી સમૂહોની એક મોટી બેઠકમાં ભાગ લેવા ગયા હતા. જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર હિંદુ રાષ્ટ્રવાદીઓએ મુખર્જીનું સ્વાગત કરતા બેનરો લહેરાવ્યા હતા કે અમારે નહેરુની હિંદુ વિરોધી અને કાયર સરકાર જોઈતી નથી અને નહેરુ-લિયાકત કરાર મુર્દાબાદ. તો બીજી તરફ મુખર્જી બાદ કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને સરદાર પટેલના નિકટવર્તી પુરુષોત્તમદાસ ટંડને નહેરુની નીતિઓનો પડકારી હતી. દેશભરના પાંચ હજાર ડેલિગેટ્સ અને 15 હજાર લોકોના સંમેલનની કૉંગ્રેસના નેતા પુરુષોત્તમ દાસ ટંડને અધ્યક્ષતા કરી હતી. 90 મિનિટના ભાષણમાં ટંડને નહેરુ-લિયાકત કરાર પૂર્વ પાકિસ્તાનમાંથી હિંદુઓના પલાયનને રોકવામાં નિષ્ફળ રહ્યાનું જણાવ્યું. સંમેલનના સમાપનમાં પ્રસ્તાવ પારીત થયો કે પાકિસ્તાન પોતાની જમીન પર દિલ્હી સમજૂતી લાગુ કરાવવામાં નિષ્ફળ રહ્યું છે.

બે મહીનાની અંદર 2 સપ્ટેમ્બર, 1950ના રોજ કોંગ્રેસના નાગપુર અધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં પુરુષોત્તમદાસ ટંડને જે. બી. કૃપલાનીને હરાવ્યા હતા. ટંડનને સરદાર પટેલના વિશ્વાસુ તરીકે અને કૃપલાનીને નહેરુના સમર્થનવાળા ઉમેદવાર તરીકે જોવામાં આવતા હતા. આમ ટંડનની જીતને એક રીતે પાકિસ્તાન અને શરણાર્થીઓને લઈને તત્કાલિન કોંગ્રેસ સરકારની નીતિઓના કારણે નહેરુની હાર તરીકે જોવામાં આવી હતી. કોંગ્રેસમાં નહેરુવાદ અને હિંદુવાદી નેતાઓ વચ્ચે એક મોટી તિરાડ આનાથી સપાટી પર પણ આવી ચુકી હતી. કૃપલાનીએ બાદમાં કહ્યુ હતુ કે સરદાર પટેલે ખુદ ઘણાં કોંગ્રેસી મુખ્યમંત્રીઓને ટેલિફોન કરીને ટંડનને ટેકો આપવાનો અનુરોધ કર્યો હતો. તો ચૂંટણીની પૂર્વસંધ્યાએ નહેરુએ પણ કથિતપણે જી. રામચંદ્રનને પત્ર લખ્યો હતો અને તેમાં ટંડનની ઉમેદવારીનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. આમ ટંડનની જીત નહેરુએ કોંગ્રેસના હિંદુવાદી નેતાઓના પડકાર તરીકે લીધી હતી.

20-21 સપ્ટેમ્બર, 1950ના રોજ નાસિકમાં સંમેલનમાં ભાગ લેવા જતી વખતે ઝાંસીમાં પુરુષોત્તમ દાસ ટંડને કહ્યુ હતુ કે તેઓ અને અન્ય નેતાઓ એ સવાલ પર નિર્ણય કરવા માટે નાસિક જઈ રહ્યા છે કે આ સ્થિતિમાં કોંગ્રેસને જીવિત રહેવું જોઈએ કે મરી જવું જોઈએ. આ નિવેદન વખતે યુપીના મુખ્યમંત્રી અને હિંદુવાદી નેતા ગોવિંદ લ્લભ પંત પણ હાજર હતા. આનાથી કોંગ્રેસમાં ઉભી થયેલી તિરાડની સ્થિતિને સ્પષ્ટ સમજી શકાય છે.

નાસિકમાં નહેરુ અને ટંડનના શક્તિ પ્રદર્શન વચ્ચે અખબારોમાં કોંગ્રેસના વિભાજનની સંભાવનાઓની ચર્ચા હતી. તેના કારણે ભારતમાંથી મુસ્લિમોના વધુ એક પલાયનની શક્યતા હતી. તો પાકિસ્તાનમાંથી હિંદુ શરણાર્થીઓના આવવાની ઝડપમાં પણ વધારાની શક્યતા હતી. કોંગ્રેસના વિભાજનની શક્યતાઓને જોતા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ તટસ્થ રહ્યા હતા. પોતાની ચૂંટણી બાદ ટંડને નહેરુ અને પટેલ સાથે મુલાકાતો કરી હતી. તેની પાછળનો ઉદેશ્ય હતો કે નહેરુની નીતિઓ પર વિચારોનું સ્વતંત્ર અને સ્પષ્ટ આદાન-પ્રદાન થઈ શકે. વૈચારીક મતભેદ છતાં નહેરુ અને ટંડન સાથે કામ કરવા માટે સંમત હતા. પરંતુ તિરાડ એટલી પહોળી થઈ ચુકી હતી કે નહેરુના સરકાર અને પાર્ટીની વર્કિંગ કમિટીમાંથી રાજીનામાની સંભાવના શરૂ થઈ હતી. જો કે ત્યારે મીડિયાના એક જૂથમાં માન્યતા હતી કે નહેરુએ રાજીનામાનું મન બનાવ્યું ન હતું. ભારે વરસાદ વચ્ચે નાસિકમાં નહેરુએ મંચ પરથી કહ્યુ હતુ કે હું વડાપ્રધાન છુંકારણ કે તમે લોકોએ મને ચૂંટયો છે. જો તમે ચાહો છો કે હું પીએમ રહુંતો મારા નેતૃત્વનું સ્પષ્ટપણે પાલન કરવું પડશે. જો તમે મને વડાપ્રધાન તરીકે ઈચ્છતા નથીતો જણાવી દો. હું ચાલ્યો જઈશ. ખચકાઈશ નહીં અને ચર્ચા પણ નહીં કરું.

નહેરુએ શરણાર્થીઓ અને પોતાની નીતિઓની ટીકાની વાત કરતા લોકશાહી મૂલ્યો અને ભીડતંત્રની વચ્ચે અંતર સ્પષ્ટ કરતું ભાષણ કર્યું અને જે લોકોએ ટંડનને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટયા હતાતેમણે નહેરુના કોમવાદ પરના પ્રસ્તાવને ભારે બહુમતીથી પારીત કર્યો હતો. તણાવ ચાલુ રહ્યો અને હિંદુવાદી નેતાઓએ એક વર્ષની અંદર નહેરુના વિશ્વાસપાત્ર સંચાર મંત્રી રફી અહમદ કિદવઈને રાજીનામું આપવા મજબૂર કર્યા. તેના પછી 7 ઓગસ્ટ, 1951ના દિવસે નહેરુએ કોંગ્રેસ વર્કિંગ કમિટી અને સેન્ટ્રલ ઈલેક્શન બોર્ડમાંથી રાજીનામું આપી દીધું. પરંતુ તે સમયે નહેરુ વધુ મજબૂત સ્થિતિમાં હતા.

નહેરુએ રાજીનામા બાદ કોંગ્રેસ સંસદીય દળમાં વિશ્વાસ મત જીત્યો અને 8 સપ્ટેમ્બર સુધીમાં તેમને કોંગ્રેસ અધ્યક્ષ પદે પણ ચૂંટવામાં આવ્યા. ટંડનને રાજીનામું આપવું પડયું અને નહેરુને આ જીત ત્યારે મળી કે જ્યારે આઝાદ ભારતની પહેલી ચૂંટણીને એક માસનો સમય બાકી હતો. કોંગ્રેસની અંદરના હિંદુવાદીઓ નહેરુની પાકિસ્તાન નીતિને લઈને ડૉ.   શ્યામાપ્રસાદ મુખર્જીની ટીકાઓ સાથે સંમત હતા. પરંતુ કોંગ્રેસમાં વિભાજનના મામલે તેઓ હટી ગયા હતા. વડાપ્રધાન તરીકે નહેરુએ ખુદને કોંગ્રેસ સંગઠનના કામકાજથી દૂર રાખ્યા હતા. સરદાર પટેલે પોતાના નિધન સુધી કોંગ્રેસ પાર્ટી સંગઠનને ચલાવ્યું હતું. જો કે 15 ડિસેમ્બર, 1950ના રોજ સરદાર પટેલનું નિધન થવાની સાથે કોંગ્રેસના હિંદુવાદી નેતાઓએ પોતાના એક મજબૂત સમર્થકને ગુમાવ્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસ સંગઠન અને કેન્દ્ર સરકારનું નિયંત્રણ નહેરુની પાસે હતું.  કોંગ્રેસની અંદરની હિંદુવાદીઓ અન નહેરુવાદીઓની લડાઈને આરએસએસ અને હિંદુ મહાસભાએ નજીકથી જોઈ હતી.  આ લડાઈમાં નહેરુ હારી ગયા હોતઆ વાતની સંભાવનાથી ઈન્કાર થઈ શકે નહીં કે મુખર્જી અને સંઘ બંને કોંગ્રેસ સાથે સહજ હોત. કોંગ્રેસ પાર્ટી ત્યારે હિંદુ રાષ્ટ્રવાદી પાર્ટી થઈ શકતી હતી. નહેરુની જીતે આવી તમામ સંભાવનાઓને સમાપ્ત કરી. આ ઘટનાક્રમ વચ્ચે દેશની પહેલી લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગયા બાદ ભારતીય જનસંઘની સ્થાપના થઈ હતી. લોકસભાની ચૂંટણી પ્રક્રિયા વચ્ચે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને હિંદુત્વના મુદ્દાઓને વરેલી નવી પાર્ટી ભારતીય જનસંઘને તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ રાજકીય ગણતરીઓ સાથે કોમવાદી ગણાવવાનું શરૂ કરી દીધું હતું. નહેરુએ લોકસભામાં ચિડાઈને કહ્યુ હતુ કે હું જનસંઘને કચડી નાખીશ. તો ભારતીય જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ જવાબ આપ્યો હતો કે હું તમારી કચડી નાખવાની માનસિકતાને કચડી નાખીશ.

જનસંઘની સ્થાપના અને રાજનીતિ પર પ્રભાવ-

ભારતીય જનસંઘની સ્થાપના 21 ઓક્ટોબર, 1951ના રોજ નવી દિલ્હીમાં રાધોમલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં થઈ હતી. બલરાજ ભલ્લાએ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની ભારતીય જનસંઘના અખિલ ભારતીય અધ્યક્ષ તરીકે નિયુક્તિ થઈ હતી. ભારતીય જનસંઘની સ્થાપના ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીપ્રોફેસર બલરાજ મધોક અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી. હાલ ભારતીય જનતા પાર્ટી જે વૈચારિક અને સંગઠનિક વારસો અને નવા ભારતનો વિચાર લઈને આગળ વધી રહી છેતેનો મૂળ સ્ત્રોત ભારતીય જનસંઘ છે.

સ્વતંત્રતા બાદની ભારતીય રાજનીતિમાં જનસંઘની સ્થાપના રાજકીય દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ હતી. ભારતીય જનસંઘ તત્કાલિન નહેરુવાદી રાજનીતિના મોડલને પડકારવું અને એક વૈકલ્પિક મોડલ રજૂ કરવાનો સૌથી સબળ પ્રયાસ હતો. 73 વર્ષ પહેલા કરવામાં આવેલો પ્રયાસ સફળ પણ થઈ ચુક્યો છે. ભારતની સ્વતંત્રતા બાદ તત્કાલિન ભારતીય રાજનીતિનું કેન્દ્રબિંદુ પંડિત જવાહરલાલ નહેરુ અને નહેરુવાદી વૈચારીક માળખું જ હતા. તે સમયે કોઈ નહેરુ અને કોંગ્રેસના વૈચારીક તથા સંગઠનિક માળખાને સફળતાપૂર્વક પડકારી શકેતેવું કલ્પી શકે તેવી પણ સ્થિતિ ન હતી. પરંતુ ભારતીય જનસંઘે આમ કર્યું અને પહેલા બીજેએસ તરીકે અને બાદમાં તેના નવા અવતાર ભારતીય જનતા પાર્ટીએ નહેરુ અને કોંગ્રેસના પોલિટિકલ મોડલને પડકાર્યા. હાલના સમયમાં નહેરુવાદ અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો છે અને જનસંઘ જે વિચારધારાને લઈને આગળ વધ્યો હતોતેની સ્વીકાર્યતા વધારે છે. ભાજપના ઝડપી દેશવ્યાપી વિસ્તરણનું કારણ આ વિચારધારાની સ્વીકાર્યતા છે.

જનસંઘની સ્થાપનાની પૃષ્ઠભૂમિ-

ભારતીય જનસંઘની સ્થાપનામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મુખ્ય ભૂમિકા હતી. 1925માં વિજયાદશમીના પાવન પર્વથી પ્રારંભ કરનાર આરએસએસએ શરૂઆતથી જ નહેરુવાદને સ્વીકાર્યો ન હતો. સંઘ એક શુદ્ધ ભારતીય મોડલની સ્થાપનાનું સમર્થક રહ્યો છે. 1948માં મહાત્મા ગાંધીની હત્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ખોટી રીતે પ્રતિબંધ લગાવાયો હતો. આવા સંકટના સમયમાં સંઘના સમર્થનમાં કોઈ રાજકીય અવાજ ભાગ્યે જ જોવા મળ્યો હતો. સંઘના સ્વયંસેવકોને જ્યારે નિશાન બનાવાયા હતાત્યારે તત્કાલિન કોઈપણ રાજકીય પક્ષ તેમના ટેકામાં ખુલીને સામે આવ્યો નહીં.

1949માં જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરથી પ્રતિબંધ હટાવાયોત્યારે સગંઠનની અંદર ભવિષ્યની રૂપરેખાને લઈને તલસ્પર્શી ચર્ચા થઈ હતી. સંઘનો એક વર્ગ ઈચ્છતો હતો કે તે સીધું રાજનીતિમાં આવે. પરંતુ ઘણાં સ્તરે ચર્ચા બાદ દ્વિતિય સરસંઘચાલક પ.પૂ. માધવ સદાશિવ ગોલવલકર ઉપાખ્ય શ્રીગુરુજીએ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રીય વિચારધારની રાજનીતિ કરીને જાહેર જીવનમાં ભારતીય મોડલ્સને સ્થાપિત કરી શકે તેવા રાજકીય પક્ષની સ્થાપનાના પ્રયાસોને ટેકો આપવાનો નિર્ણય કર્યો હતો.

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું હિંદુ મહાસભામાંથી રાજીનામું -

વિખ્યાત શિક્ષણવિદ્દ સર આશુતોષ મુખર્જીના બેસિસ્ટર પુત્ર ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી 1939માં હિંદુ મહાસભામાં જોડાયા હતા. તેઓ 15 ઓગસ્ટ, 1947ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના પ્રથમ કેબિનેટમાં મિનિસ્ટ્રી ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ સપ્લાયના મંત્રી બન્યા હતા. કેબિનેટમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાથે ઘનિષ્ઠતા ધરાવતા ડૉ. મુખર્જીએ 1948માં હિંદુ મહાસભામાંથી રાજીનામું આપ્યું હતું.

1944માં વિનાયક દામોદર સાવરકરના રાજીનામા બાદ હિંદુ મહાસભાના અધ્યક્ષ બનેલા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનો અભિપ્રાય હતો કે સ્વતંત્રતા બાદ હિંદુ મહાસભાની સદસ્યતા માત્ર હિંદુઓ સુધી જ મર્યાદીત રહેવી જોઈએ નહીં. (સ્ટેટ્સમેન, 23 નવેમ્બર, 1948, પ્રેસ નિવેદન, કોલકત્તા). મહાત્મા ગાંધીની હત્યા બાદ, જ્યારે હિંદુ મહાસભા સામે સાર્વજનિક શત્રુતા વધી ગઈ, તો તેમણે 6 ફેબ્રુઆરી, 1948ના જણાવ્યું હતું કે હિંદુ મહાસભા પોતાની નીતિઓને ફરીથી બદલીને પોતાના દરવાજા કોઈપણ ધર્મના નાગરિક માટે ખોલી નાખે.

(મુખર્જી, 6 ફેબ્રુઆરી, 1948નું નિવેદન, સ્ટેટ્સમેન, 7 ફેબ્રુઆરી, 1948 પૃષ્ઠ1,7 અને હિંદુ રાષ્ટ્રવાદ અને ભારતીય રાજનીતિ- ભારતીય જનસંઘની ઉત્પત્તિ અને વિકાસ, બી. ડી. ગ્રાહમ, કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ, 1990માં ઉલ્લેખિત)

જો કે હિંદુ મહાસભાની દિલ્હીમાં આયોજીત કાર્ય સમિતિની 6-7 નવેમ્બર, 1948ની બેઠકમાં રાજકીય ગતિવિધિઓને ફરીથી શરૂ કરીને સદસ્યતા માત્ર હિંદુઓ સુધી જ મર્યાદીત રાખવાનો પણ નિર્ણય કર્યો તેના પછી ડૉ. મુખર્જીએ 23 નવેમ્બરે તે સમિતિમાંથી રાજીનામું આપ્યું અને 26 ડિસેમ્બરે અખિલ ભારતીય સમિતિની બેઠકમાં તેમના રાજીનામાની પુષ્ટિ કરવામાં આવી. (સ્ટેટ્સમેન (કોલકત્તા), 9 નવેમ્બર, 1948, 24 નવેમ્બર 1948 અને 27 ડિસેમ્બર, 1948)

નહેરુ કેબિનેટમાંથી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું રાજીનામું-

નહેરુના પ્રથમ કેબિનેટમાંથી જ તેમની સરકારની નીતિઓ સામે આકરો વિરોધ રાજીનામા સ્વરૂપે સામે આવ્યો હતો. ભાગલા સાથેની સ્વતંત્રતા બાદ મુસ્લિમ બહુમતી ધરાવતા પૂર્વ બંગાળમાંથી ત્યાંની અતિશય ગંભીર પરિસ્થિતિમાંથી બચવા હિંદુઓ કોલકત્તા આવવા લાગ્યા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી ખાન નહેરૂને મળવા દિલ્હી આવ્યા હતા. લિયાકત-નહેરૂ પેક્ટ 8 એપ્રિલ,  1950ના રોજ થયો. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારત-પાકિસ્તાન વચ્ચેના નહેરુ -લિયાકત પેક્ટ સામે નારાજગી વ્યક્ત કરી હતી. ડૉ. મુખર્જીએ નહેરુ પર બંગાળી હિંદુઓ સાથે વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો હતો. આ બંગાળી હિંદુઓને તત્કાલિન પૂર્વ પાકિસ્તાનમાં કોમવાદી હિંસામાં નિશાન બનાવાય રહ્યા હતા.

નહેરુ-લિયાકત પેક્ટના દિવસે જ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ પૂર્વ બંગાળમાં હિંદુઓની સ્થિતિ અંગે સરકારની નીતિઓનો વિરોધ કરતા કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું. તેમના સિવાય બંગાળના મંત્રી કે. સી. નિયોગીએ પણ રાજીનામું આપી દીધું હતું. તે દિવસે સાંજે દિલ્હીના અગ્રણી નાગરિક ગ્રુપે ડૉ. મુખર્જીનું સ્વાગત કર્યું હતું. જેમાં દિલ્હીના આરએસએસના સંઘચાલક હંસરાજ ગુપ્તાદિલ્હીમાં સંઘના પ્રચારક વસંત કૃષ્ણ ઓકલાલા મોઘરાજ ભલ્લામૌલીચંદ્ર શર્માભારત પ્રકાશનના પ્રકાશ દત્ત ભાર્ગવ સહીત આશરે 1200 વ્યક્તિઓની હાજરીમાં આ કાર્યક્રમ થયો. નાગરિકોએ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી જેવા નેતૃત્વની આવશ્યકતા હોવાની લાગણી પણ વ્યક્ત કરી હતી. 21 મે, 1950ના રોજ કલકત્તાના લોકોએ એમનું ભવ્ય સ્વાગત કર્યું. ઓર્ગેનાઈઝરનું ફ્રંટ પેજ આ સ્વાગત કાર્યક્રમ માટે જ સમર્પિત થયું હતું.

ભારતીય જનસંઘની સ્થાપનાની પ્રક્રિયા મૂળથી ટોચ તરફની યાત્રા-

જનસંઘની સ્થાપના સંગઠનાત્મક દ્રષ્ટિકોણથી પણ અનોખો પ્રયોગ હતો. જનસંઘની ઔપચારીક સ્થાપના પહેલા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ 1951ની શરૂઆતમાં નાગપુરમાં આરએસએસના સંઘચાલક બાબાસાહેબ ઘટાટેના નિવાસસ્થાને શ્રીગુરુજીબાલાસાહેબ દેવરસ અને ભાઉરાવ દેવરસની સાથે મુલાકાત કરી હતી. આ બેઠક મહત્વપૂર્ણ હતી. આ બેઠકમાં જ આરએસએસએ જનસંઘની સ્થાપનાને સંપૂર્ણ સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો. તેની સાથે કેટલાક પ્રચારકોને પણ જનસંઘના સંગઠનાત્મક કામ માટે મોકલ્યા હતા. આ પરંપરા જનસંઘની અનુગામી ભારતીય જનતા પાર્ટીમાં પણ ચાલુ છે.

આમ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેનો ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો સંપર્ક તેમના નહેરુ કેબિનેટમાંથી રાજીનામું આપતા પહેલાથી જ હતો. ડૉ. મુખર્જીએ સંઘને જનસંઘમાં જોડાવાની વાત શ્રી ગુરુજીને કરી હતી. પરંતુ તેને માન્ય રાખવામાં આવી નહીં. પરંતુ સંઘના ચુનિંદા સ્વયંસેવકો અને પ્રચારકોને આ કામ માટે સોંપવાની વાત કરવામાં આવી હતી. જેમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સહીતના પ્રચારકો સામેલ હતા.

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી કેબિનેટમાંથી બહાર આવ્યા બાદ આખું વર્ષ ભારતમાં ફર્યા અને અનેક લોકો તથા સમૂહોને મળ્યા હતા. દિલ્હી ગ્રુપના સતત સંપર્કમાં હતા અને બંગાળમાં પણ હિંદુ મહાસભાના નેતા નિર્મલચંદ્ર ચેટર્જી સાથે વિસ્તૃત પ્રવાસ કર્યો હતો. નવી પાર્ટીની આવશ્યકતા જણાયા બાદ કોલકત્તા પાસે ગોબરડંગામાં 8 એપ્રિલ, 1951ના રોજ આને લઈને નિર્ણય કરવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે રાજકીય પક્ષો પહેલા પોતાના રાષ્ટ્રીય એકમને સ્થાપિત કરીને બાદમાં પ્રાંત અને જિલ્લા સ્તર પર યૂનિટ્સની સ્થાપના કરતા હોય છે. પરંતુ ભારતીય જનસંઘના મામલામાં તેના રાષ્ટ્રીય સ્તરે ઔપચારીકપણે સ્થાપિત થતા પહેલા જ પ્રાંતસ્તરીય એકમો સ્થાપિત થઈ ચુક્યા હતા. પંજાબપેપ્સૂ એટલે કે પટિયાલા અને પૂર્વ પંજાબ રાજ્ય સંઘદિલ્હી વગેરે સ્થાનો પર યૂનિટ્સની સ્થાપના મે-1951માં થઈ ચુકી હતી. તેના 6 માસમાં પશ્ચિમ બંગાળઉત્તરપ્રદેશરાજસ્થાન અને મધ્ય ભારતમાં પણ પ્રાંતીય એકમોની રચના થઈ હતી.

ડૉ. મુખર્જીએ પોતાના સંબોધનમાં કોંગ્રસની નીતિ દેશને વિઘટીત કરનારી હોવાનું જણાવીને અખિલ ભારતીય પાર્ટી સમયની માંગ હોવાનું જણાવ્યું હતું. 5 મે, 1951ના રોજ પીપલ્સ પાર્ટીની ઘોષણા કરવામાં આવી હતી. 27 મે, 1951ના રોજ દિલ્હી ગ્રુપે જાલંધરમાં ભારતીય જનસંઘની ઘોષણા કરી હતી. બલરાજ ભલ્લા પ્રમુખમૌલીચંદ્ર શર્મા ઉપપ્રમુખ અને બલરાજ મધોકને મંત્રી તરીકે ચૂંટવામાં વ્યા હતા. જૂનના આખરમાં મુખર્જી મુંબઈ ગયા અને જમનાદાસ એમ. મહેતાની ડેમોક્રેટિક સ્વરાજ પાર્ટીના અધિવેશનમાં હાજર રહ્યા હતા. 2 સપ્ટેમ્બર, 1951ના રોજ લખનૌ યુનિટમાં રાવ કિરનપાલસિંહ પ્રમુખ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની સેક્રેટરી તરીકે નિયુક્તિ થઈ હતી. 2 સપ્ટેમ્બર, 1951ના રોજ ઈન્દૌરમાં મધ્ય ભારત અને ભોપાલ માટે જનસંઘની સ્થાપના થઈ અને બદ્રીલાલ દવે પ્રમુખ અને મનોહરરાવ મોઘે સેક્રેટરી નિયુક્ત થયા. રાજસ્થાનમાં 13 ઓક્ટોબર, 1951ના રોજ જયપુરમાં થયું અને ચિરંજીલાલ મિશ્રા પ્રમુખ તરીકે ચુંટાયા અને તેના બે સેક્રેટરીમાંથી એક સુંદરસિંહ ભંડારી હતા. સપ્ટેબર, 1951માં મૈસૂર હાઈકોર્ટના ભૂતપૂર્વ જસ્ટીસ જી. પરમસિન્હાના અધ્યક્ષપદે કર્નાટક યુનિટનો પ્રારંભ થયો. 2 ઓક્ટોબરે ‘સતના’ યુનિટ વિન્ધય પ્રદેશ માટે સ્થાપિત થયું. 28 ઓક્ટોબરે ગોહાટીમાં આસામ યુનિટની સ્થાપના થઈ. 1951ના નવેમ્બર મધ્યમાં અમદાવાદમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિટ માટે નિયુક્તિ થઈ. 13-14 ઓક્ટોબરે પટનામાં બિહાર યુનિટ ઠાકુર પ્રસાદ સેક્રેટરી તરીકે સ્થાપિત થયા.

21 ઓક્ટોબર, 1951ના રોજ પંજાબ જનસંઘે રાષ્ટ્રીય પાર્ટીની રચના માટે દિલ્હીમાં બેઠક બોલાવી મધોક તેના સંયોજક હતા. આ પહેલા મધોકના કહેવા પ્રમાણેતેઓ લાલા હંસરાજ ગુપ્તાભાઈ મહાવીર અને શર્માજીમુખર્જીના દિલ્હીના નિવાસસ્થાને બેઠકનું નિમંત્રણ આપવા ગયેલા.

પંજાબબંગાળઉત્તરપ્રદેશમધ્ય ભારતબિહારરાજસ્થાનવિંધ્ય પ્રદેશ અને કર્નાટક,  આ સિવાય નીલકાંતદાસ ઓડિશાપ્રેમનાથ ડોગરા (પ્રમુખ પ્રજા પરિષદ) જમ્મુમહારાજ આર. એન. સિંગ દેવ પટનાપ્રમુખ ગણતંત્ર પરિષદ ઓડિશાઆર. શંકર પ્રમુખ હિન્દુ મહામંડલ ત્રાવણકોર અને ડી. પી. મિશ્રા મધ્ય પ્રદેશમાં જનસંઘ માટે સક્રિય હતા. મોટાભાગના પ્રાંતીય એકમોની રચના થઈ ચુકી હતી અને બાદમાં જનસંઘની ઔપચારીકપણે 21 ઓક્ટોબર, 1951ના રોજ દિલ્હીમાં આયોજીત એક રાષ્ટ્રીય સંમેલનમાં અખિલ ભારતીય રાજકીય પક્ષ તરીકે સ્થાપના કરવામાં આવી હતી.

જનસંઘની વિચારધારા-

નહેરુવાદને પડકારતા ભારતીય જનસંઘે પોતાના સ્થાપના સંમેલનના પ્રથમ ઘોષણાપત્રમાં જ સ્વદેશીને પ્રોત્સાહનગૌરક્ષા સુનિશ્ચિત કરવીસત્તાનું વિકેન્દ્રીકરણપાકિસ્તાન પર મજબૂત નીતિકાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવુંભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવું અને નીતિગત નિર્ણય લેવાના પશ્ચિમી માળખા સાથે બંધાયેલા રહેવાની માનસિકતાને ખતમ કરવી જેવી બાબતોને સમાવવામાં આવી હતી.

ભારતીય જનસંઘના સ્થાપના સંમેલનના ઘોષણાપત્રથી સ્પષ્ટ થઈ ચુક્યું હતું કે આ વૈચારીક અને રાજનીતિક લડાઈ તત્કાલિન નહેરુ સરકારની અભારતીય માનસિકતા ભારતની સમસ્યાઓના ઉકેલમાં અડચણરૂપ બની રહી છે. નહેરુ અને તેમની કોંગ્રેસ સરકાર ભારતને પશ્ચિમની નકલ બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી હતી. આ પ્રકારની નહેરુ અને તત્કાલિન કોંગ્રેસ સરકારની વિચારધારા ભારતના રાષ્ટ્રીય હિતો માટે બંધબેસતી ન હતી. ભારતના વિકાસપથનું નિર્માણ અને માર્ગદર્શન સ્વદેશમાં વિકસિત ભારતીય વિચારના આધારે થવું જોઈ અને તેને પશ્ચિમી વૈચારીક અને નીતિગત માળખાના પ્રભાવથી મુક્ત રાખવું ખૂબ જ આવશ્યક હતું.

જનસંઘનો આર્થિક દ્રષ્ટિકોણ-

ભારતીય જનસંઘના પાર્ટી દસ્તાવેજોના પહેલા ખંડને 1973માં જાહેર કરવામાં આવ્યો હતો અને તેની પ્રસ્તાવના સંઘના પ્રચારકજનસંઘના વરિષ્ઠ નેતા અને બાદમાં ભાજપના પ્રથમ વડાપ્રધાન બનેલા ભારતરત્ન અટલ બિહારી વાજપેયીએ લખી હતી. જનસંઘના આર્થિક દ્રષ્ટિકોણ બાબતે વાજપેયીએ કહ્યુ હતુ કે આર્થિક મુદ્દાઓ પર જનસંઘનો દ્રષ્ટિકોણ શરૂઆતથી જ વ્યવહારીક વિચાર પર આધારીત રહ્યો છે. આ વિચાર માત્ર સંપૂર્ણ રાષ્ટ્રીયકરણને જ નહીંપરંતુ ફ્રી એન્ટરપ્રાઈઝને પણ નામંજૂર કરે છે અને એક મિડલ ક્લાસનું સમર્થન કરે છે. તેણે સંરક્ષણ ઉદ્યોગના રાષ્ટ્રીયકરણની તરફદારી કરી હતી. પરંતુ અન્ય ઉદ્યોગોના સંદર્ભે એક દ્રષ્ટિકોણનું સૂચન કર્યુંજેમાં રાજ્ય વિનિયમનના આધારે વપરાશકારો અને ઉત્પાદકોના હિતોમાં સમાનપણે વિસ્તાર કરવા માટે ખાનગી ઉદ્યમોને પ્રોત્સાહિત કરાયો. 1951માં જનસંઘના ત્રિ-આયામી દ્રષ્ટિકોણ- ઉત્પાદનમાં વૃદ્ધિવિતરણમાં સમાનતા અને ઉપભોગમાં સંયમ- આજે પણ એટલા જ માન્ય છે કે જેટલા ત્યારે હતા.