Monday, 20 June 2011

માકપા-ભાકપાની રાજકીય યાત્રા


બલબીર પુંજ, સૌજન્ય- દૈનિક જાગરણ


માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીનો વિલય શું ભારતીય રાજકારણમાં ડૂબતા સામ્યવાદમાં પ્રાણ પૂરી શકશે? શું ડાબેરી વિચારધારા વર્તમાન સમયમાં ભારતનું કોઈ કલ્યાણ કરી શકે છે? શું સામ્યવાદી દર્શન આજની બદલાતી પરિસ્થિતિઓમાં પ્રાસંગિક છે? વસ્તુત: પશ્ચિમ બંગાળમાં 34 વર્ષોથી અનવરત રાજમાં લાલ કિલ્લાના ધ્વસ્ત થયા બાદ માર્ક્સવાદી પાર્ટી આઘાતમાં છે. કેરળમાં માકપાના નેતૃત્વવાળો એલડીએફ ચાર બેઠકોના અંતરને કારણે સત્તામાંથી બેદખલ થયો. સ્વાભાવિક છે કે ડાબેરી વિચારધારાને લઈને આ પ્રકારનું આત્મમંથન ચાલી રહ્યું છે અને આ મંથનથી બંને પક્ષોના ફરી એકવાર ભેગા થવાનું સૂચન પણ આવ્યું છે.

ભારતમાં આર્થિક અને સામાજીક સ્તરે જે વિષમતાઓ છે, તેનું સૌથી મોટું કારણ સામ્યવાદી ચિંતન છે. વર્ષ 1800માં વિશ્વ વ્યાપારમાં ભારતની ભાગીદારી 20 ટકા હતી. અંગ્રેજોના શોષણને કારણે 1947 સુધીમાં આ આંકડો 2 ટકા પર આવી ગયો. ભારતીય અર્થવ્યવસ્થાને પંડિત જવાહરલાલ નેહરુના સમાજવાદી ચિંતન પર ચલાવવાના પ્રયત્નને કારણે 1991 સુધીમાં વિશ્વ વ્યાપારમાં ભારતની ટકાવારી 0.4 ટકા સુધી આવી પહોંચી. આંતરરાષ્ટ્રીય દેવાદારીઓ માટે આપણે સુવર્ણ ભંડાર ગીરવી મૂકવો પડયો અને ભારત, જે કોઈ સમયે સોને કી ચિડિયા કહેવાતું હતું, તેને દરેક જરૂરી ઉપભોક્તા વસ્તુઓ માટે જમાખોરી અને કાળાબજારથી ઝઝુમવું પડયું. ડાબેરીઓના વિકૃત સામાજીક દર્શનને કારણે જ્યાં હિંદુ સમાજને જાતિઓમાં વિભાજીત કરવાનો કુપ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે મઝહબના નામે મુસલમાનોનું એકીકરણ કરવામાં આવ્યું, જેની પરિણતિ ભારતના રક્તરંજીત વિભાજન અને અલગ પાકિસ્તાનથી થઈ. કમ્યુનિસ્ટ આંદોલનની સર્વાધિક અંતરઘાતી ભૂમિકા અને અક્ષમ્ય અપરાધ અલગતાવાદી શક્તિઓને પ્રોત્સાહન આપવું છે. ધર્મને જનતાનું અફીણ ગણાવતા કમ્યુનિસ્ટોએ જિન્નાને એ તમામ તર્ક-કુતર્ક ઉપલબ્ધ કરાવ્યા, જે એક અલગ મઝહબી રાષ્ટ્ર માટે જરૂરી હતા. કમ્યુનિસ્ટોનું આ આત્મઘાતી આચરણ સતત ચાલુ છે. આજે પણ મુસલમાનોના કટ્ટરપંથી વર્ગને કમ્યુનિસ્ટોનું તાત્કાલિક સમર્થન સહજ રીતે પ્રાપ્ત છે. ગુજરાતના રમખાણોના બહાને નરેન્દ્ર મોદી, ગુજરાત અને દેશને કલંકિત કરવાની મુહિમમાં લાગેલા તીસ્તા શીતલવાડ, અરુંધતિ રાય, મેધા પાટકર જેવા સ્વયંભૂ સામાજીક કાર્યકર્તાઓ ડાબેરી આભાથી ગ્રસિત છે. કેરળમાં મુસ્લિમ બહુલ મલ્લપુરમ જિલ્લાની રચના કરાવનારા માર્ક્સવાદીઓને કેરળ વિધાનસભા ચૂંટણીમાં પરાજયનો સ્વાદ એટલા માટે પણ ચાખવો પડયો, કારણ કે પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી બી. એસ. અચ્યુતાનંદન દ્વારા કરાયેલી ઈસ્લામિક કટ્ટરતાવાદની ટીકા સાથે ખુદને જોડી શકી નહીં.

ભારતમાં સામ્યવાદનો ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે 20મી સદીના ભારતીય ઈતિહાસની મહત્વપૂર્ણ ક્ષણોમાં કમ્યુનિસ્ટોએ મોટી ભૂલો કરી. કમ્યુનિસ્ટોએ ભારતની અખંડતાની જગ્યાએ તેને ટુકડાઓમાં વિભાજીત કરવાનો દરેક સંભવ પ્રયત્ન કર્યો. તેના કારણે કે. એમ. અશરફ અને હિરેન મુખર્જી જેવા કોમરેડોએ ભારતને રાજ્યોના સંઘ બનાવવાનો સિદ્ધાંત ઉછાળ્યો હતો. તેમણે 15 ઓગસ્ટ, 1947એ આઝાદી મળ્યા છતાં ભારતના સ્વતંત્ર અસ્તિત્વને નકાર્યું અને 1948માં ભારતીય સેના વિરુદ્ધ હૈદરાબાદના રજાકરોને પોતાની પૂરી મદદ આપી. સૈદ્ધાંતિક રીતે ભારતપરસ્તી અને ચીનપરસ્તીને કારણે માકપા બે ભાગમાં વિભાજીત ભલે થઈ, પરંતુ બંનેનો ઈતિહાસ ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ વૈમનસ્યતાનો ગવાહ છે. માઓ-ત્સે-તુંગના જન્મદિવસ 26 ડિસેમ્બર, 1926ના રોજ શરૂ થયેલા ભારતીય કમ્યુનિસ્ટ દળનું નામ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા રાખવામાં આવ્યું. જો તેમને પોતાના રાષ્ટ્ર પ્રત્યે ગર્વ હોત, તો તેનું નામ ઈન્ડિયન કમ્યુનિસ્ટ પાર્ટી પણ રાખી શકતા હતા.

આઝાદી બાદ લોકતંત્રનો ભાગ બનવું કમ્યુનિસ્ટોનો સ્વાંગ માત્ર છે. 1954માં કમ્યુનિસ્ટ નેતા પી. રામમૂર્તિએ એક રાષ્ટ્રીય મોરચાની રચનાની સલાહ આપી, કે જે પંડિત નેહરુની સરકારની પ્રગતિવાદી નીતિઓને પોતાનો ટેકો આપે. સોવિયત સંઘ અને ચીન સમર્થક કમ્યુનિસ્ટ ધડાઓમાંથી સોવિયત પ્રેમી કમ્યુનિસ્ટ નેહરુ સરકારની નજીક આવવા લાગ્યા. 1964માં મોહન કુમારમંગલમે ઔપચારીક રીતે કમ્યુનિસ્ટોના કોંગ્રેસમાં સામેલ થવાની પરંપરા શરૂ કરી. આ વ્યવસ્થાના અંતર્વિરોધોનો લાભ ઉઠાવીને વ્યવસ્થામાં ઘૂસણખોરી કરવી વ્યવસ્થા અને દેશને નબળો બનાવવાનું કાવતરું હતું. ઈન્દિરા ગાંધીની સરકારમાં કુમારમંગલમ જેવાં ઘણાં મંત્રીઓ તેમના નજીકના સલાહકાર હતા. કમ્યુનિસ્ટોની ઘૂસણખોરીનો પ્રભાવ પડવો નિશ્ચિત હતો. ન્યાયતંત્ર અને વહીવટી તંત્રને સરકાર પ્રત્યે વફાદાર બનાવવાનો વિચાર કમ્યુનિસ્ટોનો જ હતો, જેની અંતિમ પરિણતિ કટોકટીના સ્વરૂપમાં સામે આવી. કુમાર મંગલમ, એચ. આર. ગોખલે જેવાં બુદ્ધિજીવી પ્રતિબદ્ધ ન્યાયતંત્રની સાથે પ્રતિબદ્ધ નોકરશાહીની પણ પુરજોર તરફેણ કરતા હતા.

લોકતાંત્રિક પ્રક્રિયામાં સામેલ થવાનો દાવો કરનારા કમ્યુનિસ્ટોના આચરણ પ્રજાતાંત્રિક મૂલ્યોથી સર્વથા પ્રતિકૂળ રહ્યું છે. 24 મે, 1964ના પોતાના અંકમાં કમ્યુનિસ્ટોના મુખપત્ર સેનગોડી (લાલઝંડા)એ લખ્યુ હતુ,
સરકાર પ્રજાતાંત્રિક રીતે હટાવી શકાય તેમ નથી. તે માત્ર ક્રાંતિ દ્વારા જ બદલી શકાય છે. આ માનસિકતા આજે પણ જીવિત છે. વાસ્તવમાં ભારત અને ચીનના કમ્યુનિસ્ટોમાં એક પાયાગત તફાવત છે. ચીનના કમ્યુનિસ્ટ નેતાઓને પોતાની અપ્રાસંગિક થયેલી વિચારધારાથી વધારે પ્રેમ અને નિષ્ઠા પોતાના દેશથી છે. ચીનમાં સામ્યવાદી અધિનાયકવાદ હોવા છતાં મૂડીવાદી અર્થવ્યવસ્થા છે અને ચીન ચતુર્મુખી પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે ભારતના કમ્યુનિસ્ટ બદલાતા સમયની સાથે દેશહિતમાં પોતાને બદલવામાં અસમર્થ રહ્યા છે.

(બલબીર પુંજ
: લેખક ભાજપના રાજ્યસભાના સાંસદ છે.)

No comments:

Post a Comment