બૃજેશ સિંહનું વિશ્લેષણ, સૌજન્ય-તહેલકા હિંદી
દુશ્મની જમકર કરો લેકિન યે ગુંજાઈશ રહે, જબ કભી હમ દોસ્ત હો જાયે તો શર્મિંદા ન હો- બશીર બદ્રના આ શેરને ઉમા ભારતીએ પહેલા જરૂર વાંચ્યો હશે અને સાંભળ્યો હશે. પરંતુ તેમા છુપાયેલા મર્મને ઘણી સારી રીતે તેઓ આજે અનુભવી રહ્યાં હશે. 2005માં પાર્ટીમાંથી હાંકી કઢાયા બાદ અટલ-અડવાણીથી લઈને ભાગ્યે જ પાર્ટીનો કોઈ મોટો નેતા એવો હશે જેને તેમણે સારું-ખોટું કહ્યું નહીં હોય. છ વર્ષના રાજકીય વનવાસ બાદ તેઓ ફરી એકવાર ભાજપમાં પાછા આવ્યા છે. આ દરમિયાન ભાજપના અન્ય નેતાઓ સાથે તેમના સંબંધો કેટલા તળિયે પહોંચી ગયા હતા, તેની ઝલક તે કાર્યક્રમમાં સારી રીતે જોવા મળી કે જેમાં ગડકરીએ ઉમા ભારતીની ઘર વાપસીની ઘોષણા કરી.
ઉમાના ઘર વાપસી કાર્યક્રમમાં પાર્ટીના અધ્યક્ષ નીતિન ગડકરીને બાદ કરતા કોઈ મોટો નેતા ન હતો. ઉમા ભારતીના ગૃહ રાજ્યમાંથી કે જ્યાં તેમણે દિગ્ગીના દસ વર્ષના શાસનને ત્રણ ચતુર્થાંસ બુહમતીથી ઉખાડી ફેંક્યું હતું અને તેમને જે ઉત્તર પ્રદેશની રાજકીય જવાબદારી સોંપવામાં આવી છે, ત્યાંથી પણ કોઈ મોટો નેતા હાજર રહ્યો ન હતો.પાર્ટીમાં પાછા લેવાનો ઉત્સાહ ન તો ગડકરીને ચહેરા પર દેખાઈ રહ્યો હતો અને ન તો ઘર વાપસીની ખુશી ઉમા ભારતીના ચહેરા પર દેખાઈ રહી હતી. કંટાળાથી ભરેલા તે કાર્યક્રમમાં ઉમા અને ગડકરી બંનેના ચહેરા દર્શાવી રહ્યાં હતાં કે હજી ઘર વાપસી થઈ છે, દિલ વાપસી નહીં.
મધ્ય પ્રદેશમાં અસલી ખેલ 2013માં થશે જ્યારે વિધાનસભાની ટિકિટ વહેંચવાનો વખત આવશે. શું ત્યારે તેમાં ઉમા ભારતીની કોઈ ભૂમિકા નહીં હોય?
ગત છ વર્ષોમાં ભાજપમાં ઘણો ફેરફાર થઈ ચુક્યો છે. આ સમયગાળામાં જ્યાં ઉમા ભારતી પહેલી-બીજી પંક્તિના નેતાઓને સારું-ખોટું કહેતાં રહ્યાં, ત્યાં ભોપાલથી લઈને દિલ્હી સુધી તેમના રાજકીય વિરોધી વધુ મજબૂત બનીને સ્થાપિત થતા ગયા. જ્યાં શિવરાજ સિંહ ચૌહાન એક લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે રાજ્ય અને પાર્ટીમાં સ્થાપિત થઈ ચુક્યા છે, ત્યાં કેન્દ્રમાં અટલ-અડવાણી યુગ લગભગ સમાપ્તિની અણિ પર છે. અટલજી ક્યારનો સંન્યાસ લઈ ચુક્યા છે અને અડવાણી પરિવારના એક એવા વડીલ તરીકે છે કે જેમનું સમ્માન બધાં કરે છે, પરંતુ સાંભળતુ કોઈ નથી. પાર્ટીની કમાન પૂર્ણપણે બીજી પંક્તિના નેતાઓના હાથમાં છે. આ એ નેતા છે જેમની સાથે ઉમાને ક્યારેય બન્યું નથી. આ નેતાઓએ મળીને ઉમાની રાજકીય હત્યાની સ્ક્રિપ્ટ પણ લખી હતી. હવે આ સ્થિતિમાં ઉમા રાજ્યથી લઈને કેન્દ્ર સુધી દિલ પર ઝખમ આપનારા આ નેતાઓ સાથે કેવી રીતે તાલમેળ બેસાડશે તે જોવા જેવી વાત હશે. ભાજપના જે નેતાઓની હેસિયત તેમની આસપાસ પણ ન હતી, તેઓ આજે પાર્ટીની ટોપ પોસ્ટ પર છે. ઉદાહરણ તરીકે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાન. જે સમયે ચૌહાને રાજકારણનો કક્કો શીખવાની શરૂઆત કરી હતી, તે સમયે ઉમા ભારતી રાજકીય ક્ષિતિજ પર છવાયેલા હતા.
લોકોમાં એ વાતની ચર્ચા છે કે જે સ્થિતિમાં ઉમાની પાર્ટીમાં વાપસી થઈ છે તેનાથી શું ઉમાના વ્યવહાર પર કોઈ અસર પડશે? શું હવે તે પાર્ટીના અનુશાસિત સિપાહી બનીને, પહેલા ઘટેલી વાતો ભૂલીને તેમને જે કહેવામાં આવશે તે કરશે? શું તેઓ પહેલાની જેમ આખાબોલા અને આક્રમક નહીં રહે, કારણ કે પોતાના આ ગુણો અથવા અવગુણોની કિંમત તેમને છ વર્ષ વનવાસ સહન કરીને ચુકવવી પડી હતી. મોટાભાગના જાણકારો માને છે કે આજે ભલે ઉમા ભારતી પર વિભિન્ન શરતો લાદીને તેમની ઘર વાપસી થઈ છે, પરંતુ તેઓ આગામી સમયમાં પોતાના મૂળ સ્વરૂપમાં ફરીથી દેખાશે. તો શું તેમની ઘર વાપસી, શિવરાજ સિંહ ચૌહાન અને ભાજપના કેટલાંક રાષ્ટ્રીય નેતાઓ માટે ખતરાની ઘંટડી છે જેને વાગતી રોકવા માટે આ નેતાઓએ ગત કેટલાંક સમયથી આકાશ-પાતાળ એક કર્યું હતું. તહેલકાના મધ્ય પ્રદેશ બ્યૂરો ચીફ કહે છે કે ભલે ઉમાએ પુનરાગમનને ધ્યાનમાં રાખીને પાર્ટી અને સંઘની તમામ શરતોનો સ્વીકાર કરી લીધો છે પરંતુ તેઓ વધારે દિવસ તેને નિભાવી શકશે નહીં. જે લોકો ઉમાને ઓળખે છે તેઓ એ વાતને પણ સારી રીતે જાણે છે કે તેમને કોઈપણ શરત કે સીમામાં બાંધી શકાય તેમ નથી.
ઉમા અને તેમનું આંગણુ
મધ્ય પ્રદેશના રાજકીય વર્તુળોથી લઈને કોફી હાઉસ અને ચ્હાની દુકાન પર આ સમયે જ ચર્ચા ચાલી રહી છે કે ઉમાના પુનરાગમનથી રાજ્યની રાજનીતિ પર શું અસર થશે. કેટલાંક લોકો શિવરાજ સિંહ પર કટાક્ષ કરીને કહી રહ્યા છે કે અબ તેરા ક્યા હોગા રે કાલિયા. વરિષ્ઠ રાજકીય વિશ્લેષક એન. ડી. શર્મા કહે છે કે ભલે ઉમાને હજી ઉત્તર પ્રદેશની જવાબદારી આપવામાં આવી છે. પરંતુ તેમને મધ્ય પ્રદેશ પર અસર નાખતા કોઈ રોકી શકશે નહીં. મોડા વહેલા તેઓ રાજ્યની રાજનીતિ અને અહીંના રાજનેતાઓને જરૂરથી પ્રભાવિત કરશે. તેને વધારે સ્પષ્ટ કરીને શર્મા જણાવે છે કે રાજ્ય ભાજપમાં મોટી સંખ્યામાં એવા ધારાસભ્યો અને કાર્યકર્તા છે જે ઉમા સાથે જોડાણ રાખે છે. પહેલા તેઓ ઉમા ભારતીને મળી શકતા ન હતા કારણ કે તેઓ પાર્ટીમાં ન હતા અને મામલો અનુશાસનનો બની જાત. પરંતુ હવે તેમને રોકી શકાશે નહીં. હવે તેઓ ઉમાને કોઈને કોઈ બહાને મળી શકશે. ઉમાને ઉત્તર પ્રદેશ સુધી સીમિત રાખીને મધ્ય પ્રદેશથી દૂર કરવાની ભાજપની કોશિશ પર શર્મા કહે છે કે હવે પાર્ટીના કોઈ નેતા અથવા કાર્યકર્તા એમ કહે કે તેઓ લખનૌ થઈને બનારસ જઈ રહ્યા છે, ગંગા સ્નાન કરવા તો કોઈ શું કરી લેશે
.
ઉમાની નજીક રહેલા પ્રદેશ ભાજપના એક નેતા જણાવે છે કે તેમના પુનરાગમનની અસર ઝડપથી પાર્ટી અને સરકારના નિર્ણયો પર પણ દેખાવા લાગશે. હવે પાર્ટી અને સરકારથી નારાજ કોઈપણ ભાજપી નેતા અને કાર્યકર્તા પાસે એક નવું ઠેકાણું છે, જ્યાં જઈને તેઓ પોતાનું દુખડું રડી શકશે. શર્મા કહે છે કે શિવરાજ પણ હવે આ પ્રકારે મુક્ત થઈને કામ કરી શકશે નહીં અને ઉમાના ટેકેદારોને સાથે લઈને ચાલવાની કોશિશ કરશે. તેમના પ્રમાણે, અસલી ખેલ તો 2013માં હશે જ્યારે વિધાનસભામાં ટિકિટ વહેંચણીનો વખત આવશે. આ અસલી ખેલ સંદર્ભેના સવાલના જવાબમાં શર્માએ સવાલ કર્યો છે કે શું તમને લાગે છે કે આમા ઉમા ભારતીની કોઈ ભૂમિકા નહીં હોય?
હવે પાર્ટી અને સરકારથી નારાજ કોઈપણ ભાજપી નેતા અને કાર્યકર્તા પાસે તેમના દુખડા રોવાનું એક નવું ઠેકાણું છે.
જો ઉપર-ઉપરથી સમજવામાં આવે તે માની લો કે ટીકમગઢના લોકો ઉમા પાસે જઈને તેમને કોઈ ફરીયાદ કરે છે અથવા મદદ માંગે છે તો શું તેઓ એમ કહેશે કે તેઓ અત્યારે કંઈ કરી શકશે નહીં કારણ કે તેઓ હવે ઉત્તર પ્રદેશ જોઈ રહ્યાં છે. રાજકીય પંડિતોના જણાવ્યા પ્રમાણે, એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ઉમાના કદના પ્રદેશ ભાજપમાં કોઈ નેતા નથી. તેમના કદની આગળ આ તમામ ઘણાં ટૂંકા છે. નદીમાં મોટી હોડી ઉતરે તો નાની નાની કશ્તિઓ પર અસર પડવી નક્કી છે. શર્મા કહે છે કે કંઈપણ થઈ જાય પરંતુ ઉમાના મનમાં રાજ્યના નેતાઓ પ્રત્યે કડવાશ છે, તે ઓછી નહીં થાય. હા, બની શકે છે કે તેઓ તેને થોડા સમય માટે છુપાવી લે, પરંતુ તેને ભૂલી શકશે નહીં. તેની અસર આગળ દેખાશે.
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ગિરિજાશંકર કહે છે, ઉમાના આવવાથી પ્રદેશ ભાજપ પર કોઈ ખાસ પ્રભાવ પડશે નહીં, કારણ કે ગત છ વર્ષોમાં ઘણો ફેરફાર થઈ ચુક્યો છે. ભારતીય જનશક્તિ પાર્ટીના રાજ્યમાં જે હાલ થયા છે તે જણાવે છે કે તેમણે પોતાની ક્ષમતાઓને ઘણી વધારે આંકી લીધી હતી. પરંતુ ધનંજય સિંહ, ગિરિજાશંકરની વાત સાથે સંમત નથી. ઉમા ભારતીના પુનરાગમનની રાજ્યની રાજનીતિ પર અસર ન પડે તે અસંભવ છે, ભલે તે લખનૌમાં રહીને કામ કરે, પરંતુ શું તેઓ રાજ્યથી બહાર રહી રાજ્યની રાજનીતિને પ્રભાવિત નહીં કરે. ધનંજય સિંહ કહે છે, હાલ શિવરાજ સિંહ ચૌહાન એક મોટા ક્ષત્રપ બની ચુક્યા છે. તેવામાં શું ભાજપમાં કોઈ વૈકલ્પિક કેન્દ્ર બિંદુ શોધી રહેલા નેતા ઉમા ભારતીની આસપાસ એકઠા નહીં થાય. ઉત્તર પ્રદેશમાં જે રાજકીય કોકટેલ તૈયાર થશે, મધ્ય પ્રદેશ તેની અસરથી અછૂત રહી શકશે નહીં. રાજ્યની રાજધાનીમાં ઉમાના પુનરાગમનની સાથે ઢોલ-નગારા તેના સાક્ષી છે.
બીજી તરફ પાર્ટી ઉમાના મામલામાં ફૂંકી-ફૂંકીને ડગ માંડી રહી છે. તેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે લોધ બહુલ જબેરા બેઠક પર પેટાચૂંટણી થવાની છે, પરંતુ ભાજપે ઉમાને સ્ટાર પ્રચારકોની યાદીમાં જગ્યા આપી નથી. મધ્ય પ્રદેશ પર ઉમાની દૂરગામી અને અવશ્યભાવી અસર પડવાની વાત ધ ટેલિગ્રાફના એસોસિએટ એડિટર રશીદ કિડવઈ કૂટનીતિક ભાષામાં કંઈક આવી રીતે વ્યક્ત કરે છે, ઉમા ટ્રેનથી જ મોટા ભાગે પ્રવાસ કરે છે અને તમે જાણો છો કે દિલ્હીથી ભોપાલ જનારી ટ્રેન ઉત્તર પ્રદેશ થઈને જાય છે. જો આને કંઈક સ્પષ્ટ કરીએ તો કહી શકાય કે ઉત્તર પ્રદેશમાં મળનારા દરેક પડકારને પાર કરીને ઉમા ત્યાં કંઈક કમાલ કરવામાં સફળ થઈ જાય છે, તો મધ્ય પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે પોતાના વિરોધીઓ માટે તેઓ નવી મુસીબતનો પર્યાય બની જશે. અને જો તેઓ ત્યાં કંઈ ખાસ કરી શકશે નહીં અથવા તેમને કંઈ ખાસ કરવા દેવામાં આવશે નહીં, તો પોતાના ઘરમાં તો બધાંને શરણ જોઈએ જ.
ઉમા અને ઉત્તર પ્રદેશ
ઉમાના પુનરાગમન સમયે પાર્ટી અધ્યક્ષ નીતિન ગડકરીએ તેમને ફૂલોનો ગુલદસ્તો આપીને કાંટાવાળો તાજ પણ પહેરાવી દીધો. ગડકરીએ ઘોષણા કરી કે ઉમા ભારતી 2012માં થનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે. ઉત્તર પ્રદેશમાં પાર્ટી ચોથા ક્રમે છે. ઉત્તર પ્રદેશ જ એ સ્થાન છે, જ્યાં અયોધ્યા આંદોલને બે બેઠકોવાળી પાર્ટીને આગળ જતા સત્તામાં પહોંચાડી દીધી. પાર્ટી આ વખતે પણ કંઈક આ પ્રકારનો કરિશ્માની રાહ જોઈ રહી છે. તાજેતરમાં લખનૌમાં થયેલી પાર્ટી કાર્યસમિતિની બેઠકમાં રાજનીતિની ચાસણીમાં હિંદુત્વના ઘોલને મેળવવાની ઈચ્છા ફરીથી મજબૂત થતી દેખાઈ રહી છે. અને જ્યારે ચૂંટણીની વૈતરણી હિંદુત્વની નાવના સહારે પાર કરવાની ઈચ્છા હોય તો ઉમાથી સારો નાવિક અન્ય કોઈ હોઈ શકે નહીં. જણાવવાની જરૂર નથી કે 90ના દશકના અયોધ્યા આંદોલનની આગ સળગાવવાનું અને તેમાં સતત ઘી નાખવાનું કામ ઉમાએ સારી રીતે કર્યું. આગથી ભલે ઘણું બધું સળગીને રાખ થઈ ગયું, પરંતુ એ આગની જ્વાળાઓથી ઉમાની રાજકીય કેરિયરને ચમક મળી જે આજે પણ કાયમ છે. ઉત્તર પ્રદેશે જ ઉમાના રાજકીય કદને રાતો રાત એટલું ઉંચું કરી દીધું કે તેમના નામની સાથે ફાયરબ્રાંડ જોડાઈ ગયું અને તેઓ સમકાલીન નેતાઓથી વર્ષો આગળ નીકળી ગયા.
આજે ઉમાને આ રાજ્યની જવાદારી સોંપવામાં આવી છે. જો કે 92થી લઈને અત્યાર સુધીમાં પરિસ્થિતિ ઘણી બદલાઈ ચુકી છે. રાજ્યમાં ભાજપ આજે ઘણી ખરાબ સ્થિતિમાં છે. અહીં ભાજપના મોટા નેતા ભૂતકાળમાંથી બહાર આવવા ઈચ્છતા નથી. મુરલી મનોહર જોશીને લાગે છે કે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રમાં મંત્રી રહી ચુક્યા છે, તેમનું ઉત્તર પ્રદેશમાં શું કામ. રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રમાં મંત્રી અને ત્યાર બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ખુમારીમાં ડૂબેલા છે. કલરાજ મિશ્ર ઉત્તર પ્રદેશના સફળ અધ્યક્ષોમાંથી એક માનવામાં આવતા હતા, હવે તેનાથી ઉપર ઉઠીને કિંગ મેકર બની ચુક્યા છે. વિનય કટિયાર રામમંદિર આંદોલનના સૌથી તેજ-તર્રાર નેતા હતા. તેમના પર પણ તે જ બજરંગી ભૂતકાળ સવાર છે. આવો જ કંઈક હાલ લાલજી ટંડન, કેશરીનાથ ત્રિપાઠી, ઓમપ્રકાશ સિંહ વગેરે ભૂતપૂર્વ અધ્યક્ષોનો પણ છે. કોઈપણ વર્તમાન પરિસ્થિતિઓ પ્રમાણે પોતાની ભૂમિકા નિભાવવા જ ચાહતુ નથી. બધાં પોતાના જૂના રેકોર્ડને છાતીએ વળગાડીને ચાલી રહ્યાં છે. નવી ભૂમિકામાં આવવા માટે ન તો તેમની પાસે દમ બચ્યો છે અને નતો તેઓ કોઈ જોખમ ઉઠાવવા ચાહે છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા કલ્યાણ સિંહ પહેલા જ પાર્ટીમાંથી બહાર છે.
ઉમા ભારતી મહિલા, સાધ્વી અને પછાત વર્ગમાંથી છે, તેના કારણે તેઓ માયાવતીના સોશ્યલ એન્જિનિયરીંગને પડકારવાનું વિચારી શકે છે.
ઉત્તર પ્રદેશની રાજનીતિ પર લાંબા સમયથી નજર રાખનારા વરિષ્ઠ રાજકીય વિશ્લેષક શરત પ્રધાન કહે છે કે ભાજપ રાજ્યમાં ઘણી દયનીય સ્થિતિમાં છે. ઉપરથી પરસ્પરની જૂથબંધી કોઢમાં ખાજનું કામ કરી રહી છે. પ્રધાન માને છે કે ઉમા ભારતીને રાજ્યની કમાન સોંપવાથી ભાજપને નિશ્ચિતપણે ફાયદો થશે. ઉમા આખા ઉત્તર પ્રદેશમાં કોઈ પરિચયના મોહતાજ નથી. આખા રાજ્યમાં તેમને લોકો જાણે છે. ત્યારે રાજ્યના નેતાઓ એક સીમિત ક્ષેત્રમાં જ પ્રભાવ ધરાવે છે. પ્રધાનના જણાવ્યા પ્રમાણે, ઉત્તર પ્રદેશમાં ઉમાના આવવાથી રાજ્ય ભાજપને બે મોટા ફાયદા થશે. પહેલો કલ્યાણ સિંહના પાર્ટીમાંથી બહાર થવાને કારણે બુંદેલખંડ અને રુહેલખંડની 20થી 22 બેઠકો પર લોધ વોટોના નુકસાનની સંભાવનાને ઉમા ભારતી ઘણી હદ સુધી ઓછી કરી શકશે. બીજું ઉમાની છબી એક કટ્ટર હિંદુ નેતાની છે, જે આક્રમક છે, મહિલા, સાધ્વી ને પછાત વર્ગમાંથી છે. હિંદુઓને ફરીથી ભાજપ સાથે જોડવામાંતેઓ કામિયાબ થઈ શકે છે. આ સિવાય ભીડ ખેંચવામાં તેમનો કોઈ હરીફ નથી. તેઓ જણાવે છે કે વિનય કટિયારે પણ પોતાની એક કટ્ટર હિંદુની છબી બનાવી છે, પરંતુ સમસ્યા એ છે કે લોકો તેમને ગંભીરતાથી લેતા નથી. આ સિવાય માયાના સોશ્યલ એન્જિનિયરીંગને પડકારવાનું ઉમા વિચારી શકે છે. માયા વિરુદ્ધ ઉમાની લડાઈ રોચક હશે.
પરંતુ આવું થશે તો ત્યારે જ્યારે ઉમા ભારતીને ઉત્તર પ્રદેશમાં ખુલીને કામ કરવાનો મોકો આપવામાં આવશે. પ્રધાન કહે છે, ઉમાની રાહ અહીં પણ મુશ્કેલીઓથી ભરેલી છે. કારણ કે અહીંના નેતા ઉમાની ઉપસ્થિતિથી ખુશ નથી. દબાયેલા અવાજમાં કહે છે કે પાર્ટીએ એક બહારના વ્યક્તિને અહીં નેતા બનાવીને મોકલી દીધી. અમે લોકો આટલા વર્ષોથી શું ઘાસ કાપી રહ્યા છીએ. ઉમાના બેહદ નજીકના એક સજ્જન જણાવે છે કે પ્રેસ કોન્ફરન્સમાં મૌખિક ઘોષણા સિવાય પાર્ટીએ ઉમાજી માટે હજી કોઈ જવાબદારી સ્પષ્ટ કરી નથી. જો પાર્ટીની આવી જ મનસા છે તો તેમણે પાર્ટીના બંધારણ પ્રમાણે લેખિત ઘોષણા કરવી જોઈએ, કોઈ સમિતિના સભ્ય બનાવીને અથવા પછી પ્રદેશ પ્રભારી ઘોષિત કરીને. અહીં તો તમામ વાતો હવામાં થઈ રહી છે. આ ખીજ ઈશારો છે કે ગડકરી અને સંઘને જેટલું જોર ઉમાને પાર્ટીમાં લાવવા માટે લગાડવું પડયું છે તેનાથી ઘણું વધારે જોર પાર્ટીમાં આગળ વધારવા લગાડવું પડશે.
ઉમા અને રાષ્ટ્રીય રાજનીતિ
જ્યારે ઉમા છ વર્ષ પહેલા પાર્ટીમાં હતી, ત્યારની ભાજપ અને છ વર્ષ બાદની ભાજપમાં ઘણો ફેરફાર થઈ ચુક્યો છે. જ્યારે તેઓ પાર્ટી છોડીને ગયા હતા, ત્યારે પાર્ટી અટલ-અડવાણી યુગમાં હતી, હવે સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીનો યુગ ચાલી રહ્યો છે. પાર્ટીને દશા અને દિશા આપવાની જવાબદારી બીજી પંક્તિના નેતાઓના હાથમાં આવી ગઈ છે, જેમની સાથે ઉમાને ક્યારેય બન્યું નથી અને તેઓ તેમની વિરુદ્ધ સતત બોલતા રહ્યાં છે. એન. ડી. શર્મા કહે છે કે કેન્દ્રની રાજનીતિ કરી રહેલા આ બીજી પંક્તિના નેતાઓને ઉમાના કદ અને ક્ષમતાઓનો સારી રીતે અહેસાસ છે. તેમાંથી મોટાભાગના ઉમાની આગળ ક્યાંય ઉભા રી શકે તેમ નથી. તેથી જ તો તેમણે ઉમાની વાપસીના માર્ગમાં રોડા નાખી રાખ્યા હતા, પાર્ટીમાં કોઈ મોટો નેતા એવો નથી જે ઉમાની વાપસીના પક્ષમાં હતો. તમામની વચ્ચે એક આમ રાય બની ચુકી હતી કે તેમને પાર્ટીમાં પાછા આવવા દેવા નથી, કારણ કે ઉમા પાર્ટીમાં પાછા ફરશે તો આ બધાં પર ભારે પડશે.
આજે નહીં તો કાલે ઉમા ભારતીએ બીજી પંક્તિના નેતાઓ સાથે સંઘર્ષ કરવો પડશે. કારણ કે તેમની પાસે પોતાનું કદ અને ઈતિહાસ છે.
ધનંજય સિંહે કહ્યું છે કે અટલ-અડવાણી બાદ કોઈ અન્ય નેતા જે તેમના કદની આસપાસ પણ દેખાતા હતા, તો તે હતા ઉમા ભારતી. બીજી પંક્તિના નેતાઓમાં તે સૌથી આગળ હતા. અટલ-અડવાણી બાદ ઉમા જ ભાજપના એકમાત્ર નેતા હતા જેમને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દરેક શખ્સ ઓળખતો હતો. માટે એ સ્વાભાવિક હતું કે અટલ-અડવાણી યુગ બાદ ઉમાના હાથમાં પાર્ટીની કમાન હોત. આ વાતનો પાર્ટીના દરેક નેતાને આભાસ હતો, માટે તો તેમની વાપસી ન થાય તેના માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં હતા. આજે ભલે શિવરાજથી લઈને રમનસિંહ સુધીના ઘણાં નેતાઓ ઉભરી આવ્યા હોય, પરંતુ આ લોકો ગત પાંચથી દસ વર્ષનું પરિણામ છે. અને ઉમા 90થી રાજનીતિમાં એક મજબૂત સ્તંભ બની ચુક્યા હતા. શર્મા કહે છે કે જો આપણે ભાજપની બે મહિલા નેતાઓ અર્થાત સુષ્મા સ્વરાજ અને ઉમા ભારતીની સરખામણી કરીએ તો માલૂમ પડશે કે ઉમાના મુકાબલે સુષ્મા ક્યાંય ઉભા રહી શકે તેમ નથી. તેમની સ્થિતિ એ છે કે તેઓ પોતાના દમ પર વિદિશાની પોતાની લોકસભાની બેઠક પણ જીતી શકે તેમ નથી. આજે પણ અટલ-અડવાણી બાદ ભાજપમાં ઉમાના કદને ટક્કર આપનાર કોઈ નથી. જો કે નરેન્દ્ર મોદી જેવા નેતા પણ ગત દસ વર્ષમાં ઘણાં શક્તિશાળી થઈને ઉભર્યા છે. શર્મા કહે છે કે આજે નહીં તો કાલે ઉમાનો બીજી પંક્તિના નેતાઓ સાથે સંઘર્ષ થઈને રહેશે. કારણ કે તેમનું પોતાનું એક કદ અને ઈતિહાસ છે. ભવિષ્યમાં પાર્ટીના નેતાઓમાં પાર્ટી પર વર્ચસ્વ માટે યુદ્ધ છેડાવાની પ્રબળ સંભાવના છે. હજી તો પાર્ટીએ ઉમાને ઉત્તર પ્રદેશમાં મોકલ્યા છે, પરંતુ ઉત્તર પ્રદેશની ચૂંટણીની સમાપ્તિ બાદ શું.
જાણકાર ઉમા ભારતી વિરુદ્ધ વધુ એક ષડયંત્ર રચાવા તરફ ઈશારો કરે છે. તેમના માનવા પ્રમાણે, જો કે એ સ્પષ્ટ છે કે ઉમાની ભાજપમાં વાપસી સંઘના દબાણમાં થઈ છે અને કોઈ નેતા તેમની વાપસીના પક્ષમાં ન હતા, તો સ્પષ્ટ છે કે આ બધાં નેતા ચાહશે નહીં કે ઉમા ભારતી મજબૂત બને. માટે તેઓ રાજકીય રીતે તેમને ક્યારેય સફળ થવા દેશે નહીં અને સતત કમજોર કરવાની કોશિશ કરતાં રહેશે.
આવી સ્થિતિમાં ઉમાની રાહ ઘણી મુશ્કેલી ભરેલી છે. બીજી તરફ કેટલાંક જાણકારો એમ પણ માને છે કે નીતિન ગડકરી પણ ઉમાની જેમ સંઘ દ્વારા અધ્યક્ષની ખુરશી પર બેસાડવામાં આવ્યા છે અને પાર્ટીમાં પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે તેમને પણ ઉમા ભારતી જેવા સહારાની જરૂરત છે. ઉમા પણ સ્વચ્છ છબીને કારણે તેમને પસંદ કરે છે. તો આવી સ્થિતિમાં ગડકરી, તેના સમર્થક અને વર્તમાનમાં હાશિયા તરફ જઈ રહેલા કેટલાંક નેતા ફરી એકવાર ભાજપમાં સ્થાપિત થવામાં ઉમાના ઘણાં કામમાં આવી શકે છે.
No comments:
Post a Comment