અભય કુમાર દુબે, સૌજન્ય- અમર ઉજાલા
સરકાર અને જાહેર જીવનના ભ્રષ્ટાચારથી બચવા માટે થઈ રહેલી જદ્દોજેહાદનું આગળ જઈને જે પણ પરિણામ નીકળે, પરંતુ ઓછામાં ઓછી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આ સમયે આપણો દેશ રાજકીય ક્ષેત્રમાં સક્ષમ અને કુશળ નેતૃત્વની ઘેરી કમીના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. સરકાર, વિપક્ષ અને લગભગ તમામ રાજકીય પક્ષો તો નેતૃત્વના સંકટના શિકાર છે જ, સરકાર વિરુદ્ધ નાગરીક હસ્તક્ષેપની ઈચ્છા રાખનારા તત્વોને પણ ખબર નથી કે રાજકીય નેતૃત્વ ખરેખર શું છે. તેનું સૌથી વધારે દિલચસ્પ ઉદાહરણ ત્યારે જોવા મળ્યું, જ્યારે જન લોકપાલ બિલ માટે સંઘર્ષ કરી રહેલા અન્ના, વિદેશી બેંકોમાં જમા કાળું ધન કાઢવાનું અભિયાન ચલાવનારા બાબા રામદેવ અને આ બંનેના પ્રયત્નોના દમ પર પોતાની રાજનીતિને પાણી પાવાની કોશિશ કરનારા ગોવિંદાચાર્ય વચ્ચે આ મુદ્દાઓ પર ચર્ચા થઈ.
અન્નાનું કહેવુ હતુ કે રામદેવમાં સામાજીક આંદોલન ચલાવવા માટે જરૂરી નેતૃત્વ ક્ષમતાનો અભાવ છે. જ્યારે ગોવિંદાચાર્યનું કહેવુ હતુ કે રામદેવ અને અન્ના, બંને જ રાજકીય નેતૃત્વની ક્ષમતાથી વંચિત છે. એ સાચું છે કે રામદેવમાં જો રાજકીય કૌશલ હોત, તો તેઓ તે રાત્રે દેશના નાયક બની શકતા હતા. જો તેઓ સૂત્રો પોકારત ટેકેદારોથી ઘેરાઈને પોલીસને માત્ર અડધો કલાક રોકી શકત, તો પછી રામદેવ આખા દેશને રાજકીય યોગ શીખવવાનો દાવો કરવાની સ્થિતિમાં આવી જાત. આ અનોખો મોકો તેમના હાથમાંથી વહી ગયો. પરંતુ રામદેવની નેતૃત્વકારી ક્ષમતાઓ પર પ્રશ્નચિન્હ લગાવનારા હજારેએ શું કર્યું? તેમણે પોતાના કૌશલહીન નિવેદનોથી જીતેલી બાજી હાથમાંથી જવા દીધી.
તેમનુ પહેલું અનશન ભારતીય લોકતંત્રની ઐતિહાસિક ઘડી બની શકતું હતું, પરંતુ તેમણે પોતાની ટિપ્પણીઓ દ્વારા એ તમામ ડાબેરી અને સેક્યુલર તત્વોને પોતાના પર શંકા કરવા માટે મજબૂર કરી દીધા, જે ખુદ કોઈ સરકાર વિરોદી નૈતિક સહારાની શોધમાં હતા. જો અન્ના તે ભૂલ ન કરત, તો આજે તેની સાથે તમામ ડાબેરી કાર્યકર્તાઓ ઉભા હોત અને તેમના પર સંઘના મ્હોરા હોવાનો આરોપ લગાવતા પહેલા કોંગ્રેસ સો વખત વિચારત. આ બંનેની રાજકીય બુદ્ધિ પર શંકા કરનારા ગોવિંદાચાર્યની સ્થિતિ પણ કંઈ સારી નથી. અટલ બિહારી વાજપેયીને મ્હોરા કહેવાની રણનીતિક ભૂલને કારણે આજ સુધી રાજકીય વનવાસ કાપી રહેલા ગોવિંદાચાર્યે પોતાના વક્તવ્યોથી સંઘ પરિવાર અને રામદેવના સૂત્રનો પર્દાફાશ કરી દીધો. પરંતુ ગોવિંદાચાર્ય જેવા લોકો પૃષ્ઠભૂમિમાં રહીને જ કોઈ આંદોલનનો સાથ આપી શકે છે. જનતાની આગેવાની કરવી તેમના વશની વાત નથી.
બીજી તરફ પ્રવર્તમાન સરકારનો બંદોબસ્ત કંઈક આ પ્રકારે છે કે સર્વોચ્ચ નેતૃત્વના રાજકીય આયામ તેના વહીવટી પક્ષથી સંપૂર્ણપણે કપાઈ ગયા છે. રાજનીતિની કમાન સોનિયા ગાંધીના હાથમાં છે અને વહીવટી બાગડોર મનમોહન સિંહની પાસે છે. શરૂઆતમાં આ સમીકરણ ઘણું નવું અને પ્રભાવશાળી લાગતું હતું, પરંતુ તેની સીમાઓ સ્પષ્ટ થવા લાગી છે. નેતૃત્વના બે ધ્રુવોમાં વહેંચાઈ જવાને કારણે આ સરકાર ઘણી વાર સારી પહેલથી વંચિત નજરે પડી છે. સરકારની આ નાકામીઓને કારણે તેના વિરુદ્ધ ઉઠનારો એક અવાજ પણ ઘણા મોટા પડઘાનું રૂપ લઈ લે છે. વિપક્ષનું નેતૃત્વ પણ એવા લોકોના હાથમાં છે, જે સતત એવી હરકતો કરતા રહે છે કે જેનાથી તેમની પાર્ટી શર્મસાર થાય છે અથવા તેમની પાસે મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ પર અમલ કરવા માટે કોઈ લાઈન જ હોતી નથી.
ડાબેરીઓની હાલત એ છે કે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં ભાગ લેવાની વાત તો દૂર રહી, તેમની પાસે કોઈ પ્રકારનું નિવેદન આપવાની રાજકીય બુદ્ધિ પણ રહી નથી. કમ્યુનિસ્ટ પાર્ટીઓની આવી બિચારપણાની સ્થિતિ પહેલીવાર જોવા મળી છે. એ સાચું છે કે સિવિલ સોસાયટીના અસ્તિત્વથી તેમને સૈદ્ધાંતિક ગુંચવણ છે, પરંતુ ભ્રષ્ટાચારના સવાલ પર પોતાની સ્વતંત્ર રાજનીતિ કરવાથી તેમને કોઈએ રોક્યા નથી.
ભારતીય જાહેર જીવનમાં નેતૃત્વની મુખ્યત્વે ત્રણ પેટર્ન રહી છે. પહેલુ રૂપ છે, બુદ્ધિજીવી પ્રકારના જનનેતાનું. તેનું પ્રતિનિધિત્વ ગાંધી, નેહરુ, લોહિયા, ચરણ સિંહ અને જયપ્રકાશ નારાયણ જેવી હસ્તીઓના હાથમાં રહ્યું છે. આ નેતૃત્વકારી પેઢીમાં બંને પ્રકારની ક્ષમતાઓ હતી. તે સરકાર પણ ચલાવી શક્તી હતી અને વિપક્ષનો ઝંડો પણ બુલંદ કરતી હતી. દુર્ભાગ્યે આ પ્રકારના નેતાઓની પેઢી હવે સમાપ્ત થવાના આરે છે. નેતૃત્વનું બીજું રૂપ, સંગઠન આધારીત નેતાઓનું રહ્યું છે. વલ્લભભાઈ પટેલ, હરકિશન સિંહ સુરજીત અને લાલકૃષ્ણ અડવાણીની ગણતરી આ પ્રકારના નેતાઓમાં થાય છે.
સોનિયા ગાંધી પણ આ પ્રકારના નેતા છે. નેતૃત્વનો ત્રીજો પ્રકાર જાતિગત અને સમુદાયગત નેતાઓનો છે. મુલાયમ સિંહ યાદવ, માયાવતી, ચંદ્રાબાબુ નાયડુ જેવા લોકો આ પરંપરાની દેણ છે. આ લોકો રાજકીય કુશળતાના ધની છે અને તેમની પાસે જનાધાર પણ છે. પરંતુ તેમની મુશ્કેલી એ છે કે તેમની પહોંચ અને અપીલ રાષ્ટ્રીય નથી. શું આ વિડંબણા નથી કે આઝાદીના ચોસઠ વર્ષ બાદ પણ આપણું લોકતંત્ર આવી ક્ષણોનો સામનો કરી રહ્યું છે, જ્યારે તેજીથી ઉભરી રહેલા ભારતની બાગડોર સંભાળનારા હાથ મંચ પરથી ગેરહાજર છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્રને એક એવા નેતાની પ્રતિક્ષા છે, જેની આંગળીઓ જનતાની નસ પર હોય, જે પક્ષ અને વિપક્ષની ભાષા એકસાથે બોલવામાં માહેર હોય, જે માત્ર આમ નહીં, ખાસની આગેવાનીનો પણ દાવો કરી શકે.
No comments:
Post a Comment