Tuesday, 12 July 2011

સવાલ જમીનનો જ નહીં, ખેડૂતોના અસ્તિત્વનો પણ છે


 
કૈલાસ સત્યાર્થી

રાહુલ ગાંધીની પદયાત્રા પર ભાત-ભાતની ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે. તેને ખેડૂતોના નામે રાજકારણ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ શું ખેડૂતોને તેમનો હક અપાવવા માટે કોઈ બિનરાજકીય રીત પણ છે? જે પણ કંઈ હોય તેમની પદયાત્રાથી ખેડૂતોનો મુદ્દો ફરી એકવાર ગરમ થઈ ગયો છે. તે દરમિયાન યમુના એક્સપ્રેસ વે સાથે લાગેલા ગામોમાં ખેડૂતોની જમીન પાછી આપવાનો સુપ્રીમ કોર્ટનો આદેશે પણ જમીન અધિગ્રહણના સરકારી ગોરખ ધંધા પર પણ સવાલ ઉભા કરી દીધા છે. ગ્રામીણોની જદ્દોજેહદ ગ્રેટર નોઈડાના ભટ્ટા-પારસૌલ ગામ સુધી જ સીમિત નથી, પરંતુ મહારાષ્ટ્રમાં પ્રસ્તાવિત જૈતાપુર પરમાણુ ઊર્જા કેન્દ્ર નિર્માણ, ઓરિસ્સામાં પાસ્કો, ઝારખંડ વગેરે ડઝનબંધ સ્થાનો પર ચાલુ છે.

અધિગ્રહીત જમીનોનો ભાવ વધારે માંગવો એક મહત્વપૂર્ણ મુદ્દો છે, પરંતુ દેશના ખેડૂત જે ગંભીર સમસ્યાઓ સામે ઝઝુમતા અસ્તિત્વની લડાઈ લડી રહ્યાં છે, તેના મૂળમાં જવાની જરૂર છે. તેમાં કેટલાંક મૂળિયા ઘણાં જૂનાં છે તથા અન્ય કેટલીક નવી આર્થિક નીતિઓથી નંખાયા છે. આના ઉકેલના નક્કર ઉપાયો કર્યા વગર ખેડૂતોનું ભલું સંભવ નથી.

નુકસાનમાં ખેતી

આઝાદી પહેલા ચંપારણના ખેડૂતોનો મુદ્દો મહાત્મા ગાંધીએ ઉઠાવ્યો હતો, જે તેમની સત્યાગ્રહની પહેલી પ્રયોગશાળા સાબિત થયો. બિહારમાં 30ના દશકમાં સ્વામી સહજાનંદે પણ ખેડૂત આંદોલન ચલાવ્યા હતા. આઝાદી બાદ દેશની રાજકીય અને આર્થિક પ્રાથમિકતાઓ બદલાઈ. નેહરુજીના માળખાગત વિકાસ અને પશ્ચિમી ઔદ્યોગિકીકરણના મોડલ, જમીન અને ગામ સાથે સંબંધિત મુદ્દાઓ સતત હાશિયા પર ચાલ્યા ગયા. 80ના દશકના આવતા એ સાબિત થઈ ચુક્યુ હતું કે ખેતી, નફાનો નહીં નુકસાનનો સોદો બની ચુકી છે. પારંપરીક ખેતીનો વિકાસ આપણી સરકારોની પ્રાથમિકતા ક્યારેય હતી નહીં. વૈજ્ઞાનિકતાના નામ પર પશ્ચિમથી આયાતિત કૃષિશાસ્ત્ર આપણી સરકારી નીતિ પર પ્રભાવી થતું ગયું. તે વખતે સામાન્ય લોકો એ સમજી શક્યા નહીં કે તે કથિત વિજ્ઞાન પાછળ અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓના ભારે નફાનું જ્ઞાન છુપાયેલું છે.

બ્રિટિશ જમાનાના કાયદા

અંગ્રેજોના જમાનામાં ઈંગ્લેન્ડની મહારાણીને ભારતીય જમીનોના અધિગ્રહણના અસમીતિ અધિકાર આપનારો જે ભૂમિ અધિગ્રહણ કાયદો, 1894માં બનાવાયો તેનો સૌથી મોટો શિકાર આઝાદ ભારતના ખેડૂતો બન્યા. આ કાયદાની આડમાં સરકારે મનફાવે તે રીતે ખેડૂતોની જમીન અધિગ્રહીત કરતી રહી. આ સિવાય, ગામડાંઓમાં વીજળી અને પાણી પુરતા પ્રમાણમાં ન મળવાથી અને તેના સતત મોંઘા થતા દરોને કારણે ખેડૂત ખરાબ રીતે પ્રભાવિત થયો. ખેતી માટે કરજ આપવા માટે વિભાગો અને બેંકો ખેડૂતોને ફાયદો પહોંચાડવાની જગ્યાએ તેમના હિતો પર કુઠારાઘાત કરતી રહી. રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ વગેરેથી કરજ વસૂલીના નામે અમાનવીય અત્યાચાર, બળાત્કાર, ખુલ્લેઆમ લૂંટ અને આગચંપી સુધીની ફરીયાદો ભારતની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી. 1983માં સુપ્રીમ કોર્ટે આને બેહદ ગંભીર મામલો માનીને એક જાહેરહિતની અરજી તરીકે સ્વીકારીને કરજ મુક્તિનો મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો.

80ના દાયકાના મધ્યમાં જ ખેડૂતોની પીડા અને આક્રોશ મહારાષ્ટ્ર તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં બે અલગ-અલગ આંદોલન તરીકે ઝડપથી ફૂટી પડયો. આ બંને આંદોલનના મુદ્દા ખેત ઉત્પાદનોના વધતા બજાર મૂલ્ય સુનિશ્ચિત કરવા અને વીજળી, પાણી તથા અન્ય પડતર મૂલ્યોમાં કાપ કરવાનો હતો. ખેડૂત આંદોલનોની આ આંધીથી ગભરાઈને સત્તારુઢ તથા વિપક્ષી પાર્ટીઓએ તેમના મુદ્દાઓને પોતાના ચૂંટણી ઘોષણા પત્રમાં સ્થાન આપ્યું હતું. વડાપ્રધાન થયા બાદ વિશ્વનાથ પ્રતાપ સિંહે ખેડૂતો પર લદાયેલા હજારો કરોડના કરજ માફ કરવા પડયા. પરંતુ 90ના દશકમાં જ્યાં એક તરફ આપણો દેશ આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની તરફ છલાંગ મારતો ચાલ્યો, તો બીજી તરફ ખેડૂત આંદોલન સતત નબળા થતા ગયા.

કદાચ આ જ કારણ છે કે ગત દસ વર્ષોમાં લગભગ અઢી લાખથી વધારે ખેડૂતો આત્મહત્યા માટે મજબૂર થઈ ગયા. વિશ્વ બેંકના એક ભૂતપૂર્વ ઉપાધ્યક્ષના જણાવ્યા પ્રમાણે, આગામી ચાર વર્ષોમાં એટલે કે 2015 સુધી ભારતને 20 કરોડ ખેડૂત ખેતીવાડી છોડી દેશે અને ગામથી વિસ્થાપિત થઈને શરણાર્થી બની જશે. દેશના કૃષિ મંત્રી શરદ પવાર ખુદ માને છે કે દેશમાં 85 ટકા ખેડૂતો અઢી એકરથી પણ ઓછી જમીન ખેડનારા છે, તેનાથી નફો તો દૂર તેમનો ગુજારો પણ સંભવ નથી. દેશમાં ખાદ્યાન્ન ઉત્પાદનનું ક્ષેત્રફળ સતત ઘટીને 14 લાખ હેક્ટરથી પણ ઓછું રહી ગયું છે. ગત વર્ષ ઔદ્યોગિક વિકાસનો દર જ્યાં 16.8 ટકા આંકવામાં આવ્યો હતો, ત્યાં કૃષિ વિકાસનો દર 5 ટકાના આંકડાને પણ સ્પર્શી શક્યો નથી.

જાગરૂક થયો ખેડૂત

જો કે આજે દેશનો ખેડૂત જે ગંભીર પડકારો સામે ઝઝુમી રહ્યો છે, તેમાં હાલના સમયમાં સૌથી વધારે મહત્વપૂર્ણ મુદ્દો નિશ્ચિતપણે જમીનોના અધિગ્રહણનો છે. હવે ખેડૂત પોતાની જમીનોને લઈને જાગરૂક થઈ રહ્યો છે અને આંદોલન ચલાવી રહ્યો છે, માટે હવે તેના હિતોની નોંધ લેવાઈ રહી છે. બીજી તરફ, કોર્ટે દિલ્હીની નજીક ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં જમીન અધિગ્રહણને રદ્દ કર્યું છે. આ પ્રકારે મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં પ્રસ્તાવિત જૈતાપુર પરમાણુ વીજળી સંયંત્ર સિવાય મહારાષ્ટ્રમાં જ રાયગઢમાં ખેડૂતોના જબરદસ્ત આક્રોશ બાદ રિલાયન્સના વિશેષ આર્થિક ક્ષેત્ર-સેઝ બનાવવા માટે આપવામાં આવી રહેલી 10 હજાર હેક્ટર જમીનના અધિગ્રહણને સરકારે રોકવું પડયું છે. પશ્ચિમ બંગાળના સિંગુરમાં ટાટા અને નંદીગ્રામમાં ઈન્ડોનેશિયાઈ કંપની સલીમ ગ્રુપને કેમિકલ ફેક્ટરીઓ લગાવવા માટે આપવામાં આવતી જમીનોના અધિગ્રહણને પોલીસ અને ખેડૂતો વચ્ચેના હિંસક સંઘર્ષ બાદ રોકી દેવામાં આવ્યું છે. ઝારખંડમાં સ્ટીલનું કારખાનું લગાવવા માટે મિત્તલ ગ્રુપને આપવા માટે 120 વર્ગ કિલોમીટર જમીનનું અધિગ્રહણ પણ વિવાદોમાં ફસાયેલું છે. ઘણાં અન્ય રાજ્યોમાં પણ આવી જદ્દોજેહદ ચાલુ છે.

અધિગ્રહણમાં ખેડૂતોના હિતો અને યોગ્ય વળતર માટે સખત કાયદા જરૂરી છે. પરંતુ જ્યાં સુધી ખેતી, ઉદ્યોગ, પર્યાવરણ અને માળખાગત વિકાસમાં સંતુલન બનાવીને એક દૂરગામી રાજકીય દ્રષ્ટિ પેદા નહીં થાય, ત્યાં સુધી આ સમસ્યાઓનું કોઈ સ્થાયી સમાધાન નીકળી શકશે નહીં. આ બધાં માટે જરૂરી છે કે સરકારો સૌથી પહેલા પ્રોપર્ટી ડીલરવાળી પોતાની ભૂમિકા બદલે.
(સૌજન્ય- નવભારત ટાઈમ્સ)

No comments:

Post a Comment