Monday, 15 August 2011

આવી રીતે સ્વાસ્થ્ય સારું નહીં થાય



અરવિંદ કુમાર સેન

રાજકીય ઝંઝાવાતોમાં ફસાયેલી યુપીએ-2 સરકાર હંમેશા ઉંચા વિકાસ દરનો હવાલો આપીને પોતાની પીઠ ઠોકે છે.

પરંતુ ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (આઈઆઈપી)ના તાજેતરના આંકડાએ આ દાવાઓની પોલ ખોલી નાખી છે. આ આંકડા પ્રમાણે મે માસમાં ઔદ્યોગિક ઉત્પાદનનો દર 5.6 ટકા રહ્યો છે. આ ગત નવ માસનું લઘુત્તમ સ્તર છે અને એક વર્ષ પહેલા આ સમયે આઈઆઈપી 8.5 ટકાના સ્તરે હતો.
ડિસેમ્બર 2010થી સતત આઈઆઈપીના આંકડામાં ઘટાડો નોંધાય રહ્યો છે, પરંતુ નીતિ-નિર્માતા ઓલ ઈઝ વેલની ધુનમાં મગ્ન છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં આવી રહેલા સતત ઘટાડાથી સ્પષ્ટ છે કે અર્થવ્યવસ્થાની સેહત દુરસ્ત હોવાના દાવા ખોખલા છે. આઈઆઈપીમાં ત્રણ ચતુર્થાંસથી વધારે ભાગીદારી રાખનારા વિનિર્માણ ક્ષેત્ર અને 14.2 ટકા યોગદાન કરનારા ખનન ક્ષેત્રમાં આ વખતે પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. 

મે માસમાં વિનિર્માણ ઉદ્યોગનો વિકાસ દર માત્ર 5.6 ટકા રહ્યો, જે ગત વર્ષની સમાન અવધિમાં 8.9 ટકા હતો. જ્યારે ખનન ઉદ્યોગની હાલત તો વધુ ખરાબ રહી છે. મે માસમાં આ ઉદ્યોગે 1.4 ટકાના દરથી વિકાસ કર્યો, જ્યારે ગત વર્ષની સમાન અવધિમાં આ આંકડો 7.9 ટકા હતો. મૂડીગત ઉત્પાદનોમાં પણ આશા પ્રમાણે તેજી ન હોવાને કારણે રોકાણનો માહોલ પણ સુસ્ત જ બનેલો છે. કેટલાંક  અર્થશાસ્ત્રીઓએ આઈઆઈપીમાં આવેલા ઘટાડાનું ઠીકરું રિજર્વ બેંકના માથે ફોડયું છે. માનવામાં આવી રહ્યું છે કે મોંઘવારી ઓછી કરવાની રિજર્વ બેંકની મૌદ્રિક કવાયતોની કિંમત ઉદ્યોગોએ ચુકવવી પડી રહી છે.
આઈઆઈપી એટલે ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક કોઈ દેશની અર્થવ્યવસ્થાના ઔદ્યોગિક ક્ષેત્રમાં કોઈ ખાસ અવધિમાં ઉત્પાદનની હાલતના સંદર્ભમાં જણાવે છે. ભારતમાં દર મહીને આઈઆઈપીના આંકડા જારી કરવામાં આવે છે અને આ આંકડા આધાર વર્ષના મુકાબલે ઉત્પાદનમાં વધારા કે ઘટાડાનો સંકેત આપે છે. તાજેતરના ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક નવા માપદંડના આધારે કાઢવામાં આવ્યો છે. 1993-94ના આધાર વર્ષની જગ્યાએ આ વખતે સરકારે 2004-05ને આધાર વર્ષ માનીને આઈઆઈપીના આંકડા જારી કર્યા છે. જો કે આઈઆઈપીમાં ઘટાડા માટે આકલનના નવા આધાર વર્ષને જવાબદાર માની શકાય નહીં. મહત્વપૂર્ણ છે કે જ્યારે પહેલી વાર માર્ચમાં નવા અધાર વર્ષ પ્રમાણે આઈઆઈપીની ગણના કરવામાં આવી તો અડધા ટકાનો વધારો જોવા મળ્યો હતો. 

એ સાચું છે કે માત્ર આઈઆઈપીના વલણના આધારે જ અર્થવ્યવસ્થાના પાટા પરથી ઉતરવાની ઘોષણા ઉતાવળ હશે. પરંતુ આ ઘટાડો આપણી નીતિગત ખામીઓ તરફ ઈશારો કરી રહ્યો છે. આઈઆઈપીમાં સૌથી વધારે દખલ રાખનારું વિનિર્માણ ક્ષેત્ર લાંબા સમયથી સરકારી ઉપેક્ષાનો શિકાર છે. સરકાર ગાઈ-વગાડીને સકળ ઘરેલુ ઉત્પાદ (જીડીપી)માં વિનિર્માણ ક્ષેત્રની ભાગીદારી 25 ટકા સુધી વધારવાના સોનેરી સપના જોવે છે, પરંતુ આ યોજનાને આખરી ઓપ આપવાના નિર્ણયનો અભાવ છે. ચીને 1980થી જ વિનિર્માણ ક્ષેત્રને પોતાની અર્થવ્યવસ્થાનું ગ્રોથ એન્જિન બનાવેલ છે અને લાખો લોકોને રોજગાર ઉપલબ્ધ કરાવી રહ્યું છે. ચીનથી વિપરીત આપણે ત્યાં મજબૂત નીતિના અભાવમાં વિનિર્માણ ક્ષેત્ર ગત બે દશકમાં 15 ટકાના આંકડા પર અટકેલું છે. સાથે જ આ ક્ષેત્ર પ્રત્યક્ષ વિદેશી રોકાણને આકર્ષિત કરવામાં પણ નિષ્ફળ રહ્યું છે. 

આઈઆઈપીનું બીજું સૌથી મોટું ભાગીદાર ખનન ક્ષેત્ર પણ દિશાહીન સરકારી નીતિઓના ભમ્મરમાં ફસાયેલું છે. કોલસા ક્ષેત્રની ઝડપ જ્યાં ભૂમિ અધિગ્રહણ અને પર્યાવરણ સંબંધિત લંબિત વિવાદોએ રોકી રાખી છે, ત્યાં ગેસ ક્ષેત્ર ભ્રષ્ટાચાર અને કુપ્રબંધનના આરોપોથી ઘેરાયેલું છે. ભ્રમના આ માહોલમાં નવા રોકાણની વાત કરવી બેઈમાની હશે. ટેક્સટાઈલ, મશીન અને ઉપકરણ અને કેમિકલ સહીત ઘણાં ક્ષેત્રોમાં ચારથી છ ટકાનો ઘટાડો નોંધાયો છે. આઈઆઈપીના તાજેતરના આંકડા માત્ર નિકાસના મોરચા પર જ રાહતનો સંકેત આપે છે, પરંતુ આ રાહત પણ અસ્થાયી છે. ભારતમાં નિકાસ મુખ્યત્વે યૂરોપ અને અમેરિકાને કરવામાં આવે છે, પરંતુ બંને ક્ષેત્રોની બગડતી આર્થિક સેહતથી નિકાસમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. 

મોંઘવારી વિરુદ્ધ ભારતીય રિજર્વ બેંકના મૌદ્રિક અભિયાનના ચાલુ રહેવાની સ્થિતિમાં ઈન્ડિયા ઈન્કની મુસીબતોમાં વધારો થવાની સંભાવના છે. હાલ રાજકોષીય નુકસાન બેહદ ઉંચા સ્તરે છે, બાહ્ય ઋણના આંકડા મોટા થઈ રહ્યાં છે અને કર્જની માગણી પણ ઝડપ પકડી રહી છે. 

રિજર્વ બેંક કર્જની માંગ 24 ટકાથી 20 ટકાના સ્તર પર લાવવા ચાહે છે અને આ લક્ષ્યને હાસિલ કરવા માટે આરબીઆઈ વ્યાજ દરોમાં વધારાનો તબક્કો યથાવત રાખશે. તેવામાં જો કંપનીઓ મનચાહેલા દર અને ઈચ્છિત માત્રમાં ઘરેલુ સ્તર પર કર્જ ભેગું કરી શકશે નહીં તો તે તેના માટે દેશની બહાર જશે, તેનાથી બાહ્ય ઋણની મર્યાદા વધશે. આ સમય ભારતના બાહ્ય ઋણ જીડીપીના પ્રમાણમાં બીજા ઘણાં વિકાસશીલ દેશોની સરખામણીએ બેગણાંથી લઈને ત્રણ ગણાં સુધી છે. 

ગત ઘણાં વર્ષોમાં આર્થિક વર્તુળોમાં આ વલણ રજૂ કરવામાં આવે છે કે ભારત પ્રગતિના તેજ પથ પર અગ્રેસર છે. આ ઠીક વાત છે પરંતુ આગળ તસવીર એટલી ખુશનુમા નજરે પડતી નથી અને આર્થિક રફ્તાર આઠ ટકાથી નીચે રહી શકે છે. 9-10 ટકા વિકાસ દર માટે સરકારે એ પાયાના મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે જેના પર રહેમ નજર રાખવાથી તે અચકાઈ રહી છે. કોઈ બેમત નથી કે કોઈ મોટા, વ્યાપક અને ઘેરા ઔદ્યોગિક આધાર વગર નવ ટકાનો વાર્ષિક વિકાસ દર લાંબા સમયગાળા સુધી કાયમ રાખી શકાય. ગ્રામીણ અને કસ્બા વિસ્તારોમાંથી નીકળી રહેલા યુવકોને રોજગાર આપવા માટે દેશને વિનિર્માણ ક્ષેત્રને મજબૂત પાયો ઉપલબ્ધ કરાવવો પડશે. 

દેશની સાઠ ટકા યુવા વસ્તીને જો રોજગાર ઉપલબ્ધ કરવામાં આવશે નહીં તો તે વસ્તી દેશ પર ભારે બોજ સાબિત થશે. જો કે આઈઆઈપીના આંકડાએ સરકારને ફરી એક વખત ઉદ્યોગોના સંકટથી અવગત કરી છે. નાણાં મંત્રી પ્રણવ મુખર્જીએ આઈઆઈપીમાં ઘટાડાને ચિંતાજનક પાસા તરીકે સ્વીકાર્યો છે, પરંતુ આ રોગનો કોઈ ઈલાજ તેમણે જણાવ્યો નથી. આ પહેલા કે ઉદ્યોગનો આ રોગ અર્થવ્યવસ્થાના બાકી ક્ષેત્રોમાં પણ ફેલાય, સરકારને સમય રહેતા સાર્થક પ્રયાસ શરૂ કરી દેવો જોઈએ.

સૌજન્ય- રાષ્ટ્રીય સહારા

No comments:

Post a Comment