- આનંદ શુક્લ
રાહુલ ગાંધીની
રાજકીય કારકિર્દીને ખતમ કરવાની કોશિશો ભાજપ અને તેના સમર્થકો દ્વારા થવી સ્વાભાવિક
છે. પરંતુ રાહુલ ગાંધીને અનિયંત્રિત આક્રમકતા તરફ દોરનારી તેમની સલાહકાર મંડળી કોઈ
ખતરનાક પ્રયોગ કરી રહી છે. તેના કારણે નાદુરસ્ત તબિયત ધરાવતા સોનિયા ગાંધી પર
2024ની લોકસભાની ચૂંટણી લડવાનું દબાણ વધી ગયું છે. તેની સાથે રાહુલ ગાંધીની ખુદની
રાજકીય કારકિર્દી પર ખતરો ઉભો થયો છે
કોંગ્રેસ અધ્યક્ષ
રાહુલ ગાંધી પોતાની છબી બદલવાની કોશિશો પોતાની સલાહકાર મંડળી સાથે મળીને કરી રહ્યા
છે. રાહુલ ગાંધીની આક્રમકતા જોવા મળી છે. તેઓ પીએમ મોદી અને ભાજપ-આરએસએસને સતત
નિશાને લેતા રહ્યા છે. પરંતુ રાહુલ ગાંધીની આક્રમકતા કોઈ ખાસ વ્યૂહરચના સાથેની
દેખાય રહી નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે રાહુલ ગાંધીની સરળતાનો ક્યાંક તેમની
આસપાસની મંડળી ફાયદો ઉઠાવી રહી હશે. રાહુલ ગાંધીની આક્રમકતાએ તેમને એક રાજકીય
ચક્રવ્યૂહમાં ફસાવી દીધા છે અને હવે તેમની લોકસભાની સદસ્યતા પર લટકતી તલવાર છે.
તેની સાથે જ તેમના જૈફવયે પહોંચેલા અને નાદુરસ્ત તબિયત ધરાવતા સોનિયા ગાંધી પર 2024ની
લોકસભા ચૂંટણી લડવાનું દબાણ વધી ગયું છે. તો રાહુલ ગાંધીના કોંગ્રેસની ડ્રાઈવિંગ
સીટ પરથી હટવાનો ખતરો છે. ભલે મલ્લિકાર્જૂન ખડગે કોંગ્રેસના અધ્યક્ષ હોય, પણ હાલ ચાલે તો રાહુલ
ગાંધીનું જ છે. આવા સંજોગોમાં રાહુલ ગાંધીના ડ્રાઈવિંગ સીટ પરથી હટવાની સાથે
પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસની ડ્રાઈવિંગ સીટ પર આપોઆપ આવી જશે. આમ થવાની
સ્થિતિમાં સતત ટીકાઓનો મારો સહન કરી રહેલા રાહુલ ગાંધી રાજકીય કારકિર્દીમાં કદાચ
પાછળ ધકેલાય જશે.
સુરતની કોર્ટે
મોદી સરનેમ ફોજદારી બદનક્ષી મામલે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે. ગાંધી પરિવારના
ઘણાં દિગ્ગજ આવા પ્રકારના કાયદાકીય પડકારો સામે પોતાનો રાજકીય સિતારો ભૂતકાળમાં
ચમકાવી ચુક્યા છે. પરંતુ ત્યારની રાજકીય પરિસ્થિતિ અને હાલની રાજકીય પરિસ્થિતિ
બેહદ અલગ છે. પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ પોતાની સામેના કેસોનો ઉપયોગ
સહાનુભૂતિ માટે કર્યો હતો. લોખંડી મહિલા આરોહ-અવરોહ વચ્ચે પોતાના રાજકીય વર્ચસ્વને
કટોકટી લાગુ કર્યા છતાં જાળવી શક્યા અને તેમણે છેલ્લો શ્વાસ લીધો ત્યારે પણ તેઓ
વડાંપ્રધાન જ હતા. તો રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધીએ ઓફિસ ઓફ પ્રોફિટ કાયદામાં
સંસદની સદસ્યતા ગુમાવી હતી અને તેને બાદમાં ફરીથી જીતીને પાછી મેળવી હતી.
પરંતુ રાહુલ
ગાંધી માટે તો પરિસ્થિતિ બેહદ વિકટ છે. રાહુલ ગાંધીને જામીન તો મળી ગયા છે, પરંતુ તેમની સજા પર રોક
નહીં લાગવાની સ્થિતિમાં તેમના 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ લાગી જશે.
કહેવામાં આવે છે
કે કોંગ્રેસ અને તેના નેતા તાજેતરની ઘટના હેઠળ રાહુલ ગાંધીને મહાત્મા ગાંધીની જેમ
દેખાડીને ઈમેજ મેકઓવરની કોશિશ કરી રહ્યા છે. વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ
ગાંધીને સત્તાની સામે થનારા મહાત્મા ગાંધીની જેમ દેખાડવા માંગે છે. કોંગ્રેસ રાહુલ
ગાંધીને અયોગ્ય ઘોષિત કરવાની સ્થિતિને લઈને પણ તૈયારી કરી રહી છે. કોંગ્રેસના
રણનીતિકારો રાહુલ ગાંધીની એવી છબી બનાવવાની કોશિશ કરી રહ્યા છે કે જ્યાં એવું
દેખાડી શકાય કે તેઓ સાંસદ નહીં રહે તો પણ શક્તિશાળી છે. પરંતુ કુલ મળીને 2024ની
લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન પદને લઈને તેમને ચહેરો બનાવવાની વાત આવી સ્થિતિમાં
પુરી થઈ જશે. આવા સંજોગોમાં બદલાયેલી સ્થિતિ કદાચ વિપક્ષી એકતાને અનુકૂળ પણ બની
શકે છે અને રાહુલ ગાંધીને પાછળ ધકેલીને તેમના બહેન પ્રિયંકા ગાંધીને રાજકીય મંચ પર
મોટી ભૂમિકામાં પણ લાવી શકે છે.
No comments:
Post a Comment