- આનંદ શુક્લ
બોલો અરવિંદ
કેજરીવાલ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના સૌથી મોટા મદદગાર સાબિત થવાની સંભાવના
છે. તો અખિલેશ યાદવ- મમતા બેનર્જી પણ વિપક્ષી એકતામાં પંક્ચર પાડીને ભાજપને જ યુપી
અને પશ્ચિમ બંગાળમાં ફાયદો કરાવે તેવી પુરી શક્યતા છે.
2024ની લોકસભાની
ચૂંટણી પહેલા 15 રાજ્યોમાં ભાજપના ચૂંટણી સમીકરણો સાધવામાં નરેન્દ્ર મોદીની
લોકપ્રિયતા અને અમિત શાહની રાજકીય મુત્સદીની મોટી ભૂમિકા રહેવાની છે. પશ્ચિમ બંગાળ, બિહાર, યુપી, પંજાબ અને દિલ્હી એમ કુલ
પાંચ રાજ્યોમાં ભાજપ બેઠકો વધારવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. આના માટે ભાજપ
પછાત અને લાભાર્થી એવા હિંદુ વોટરોના 65થી 70 ટકાને પોતાના ખેમામાં જોડવાની કોશિશ
કરી રહ્યું છે.
તો પંજાબમાં 38
ટકા હિંદુઓ છે, તેમને ખાલિસ્તાની
હંગામામાં ભગવા રંગે રંગવાની કોશિશો પૂર્ણતાના આરે છે. શીખ વોટરો માટે અકાલીદળ, કોંગ્રેસ અને આમ આદમી
પાર્ટી પરસ્પર લડશે, તો પંજાબની 13
બેઠકોમાં ભાજપ એકલા હાથે અથવા તાલમેલથી કેટલીક વધુ બેઠકો જીતી જશે. આમ આદમી પાર્ટી
અને કોંગ્રેસનું સીટ શેરિંગ મામલે સાથે આવવું મુશ્કેલ છે. 2024ની લોકસભાની
ચૂંટણીમાં ખાલિસ્તાનના મામલાને લઈને અરવિંદ કેજરીવાલ હિંદુ અને શીખ બંનેમાં ખરાબ
રીતે બદનામ થાય તેવી રણનીતિને પણ ધાર અપાશે.
ભાજપ માટે હવે
કેજરીવાલ તમામ રીતે ઉપયોગી છે. કેજરીવાલનો ઉપયોગ ભાજપ પોતાની રણનીતિમાં પંજાબમાં
હિંદુઓને સાથે જોડવા, દિલ્હી-હરિયાણામાં
પંજાબીઓને પોતાની તરફ ખેંચવા આમ આદમી પાર્ટીના ભ્રષ્ટાચારના મુદ્દાથી વોટરોનું
મોબિલાઈઝેશન કરશે. તો હરિયાણા, હિમાચલ, રાજસ્થાન, ઉત્તરાખંડ સહીતના
રાજ્યોમાં કેજરીવાલ સામેના આ બંને મુદ્દાને પ્રચારમાં આવરી લઈને કોંગ્રેસના વોટ
કાપવાની ગુજરાત જેવી રણનીતિ પણ અખત્યાર કરવામાં આવશે. 2024માં આમ આદમી પાર્ટીને
શૂન્ય પર સમેટીને દિલ્હી વિધાનસભામાં પણ તેના સફાયાની વ્યૂહરચનાને ભાજપના
રણનીતિકારો ધાર આપશે.
તો પશ્ચિમ
બંગાળમાં વસ્તીના કુલ 70 ટકા હિંદુઓમાંથી 45 ટકા હિંદુ વોટરોને જોડવાની ભાજપની
રણનીતિ છે. ઘણી હદે ગત લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કારગર પણ નીવડી છે. ભલે
ભાજપ આનાથી જીત્યું નહીં, પણ તેને બેઠકો તો
અપાવી હતી. તો બિહારમાં સમ્રાટ ચૌધરીને ભાજપે પ્રદેશ પ્રમુખ બનાવીને બિન-યાદવ
હિંદુ વોટરોને ખેંચવાની વ્યૂહરચના પર કામ શરૂ કર્યું છે. જેડીયુને બિહારમાં
લોકસભાની ચૂંટણીમાં 15 ટકા વોટ પર સમેટવાની કોશિશ કરાય રહી છે. બિહારમાં મુસ્લિમ
અને પછાત વર્ગના લોકોની બહુમતીવાળા વિસ્તારોમાં ભાજપની રણનીતિ અલગ-અલગ છે.
યુપીમાં માયાવતી
બાદ અખિલેશ યાદવ ભાજપના પરોક્ષ મદદગારની છબી મુસ્લિમોમાં બની રહી છે. આવી જ ઈમેજ
મમતા બેનર્જીની પશ્ચિમ બંગાળના મુસ્લિમોમાં બની રહી છે. આમ યુપી-પશ્ચિમ બંગાળમાં
અખિલેશ યાદવ અને મમતા બેનર્જી ભાજપના મદદગાર સાબિત થઈ શકે છે. ઘણાંનું માનવું છે
કે મોદી વિરોધી તમામ સેક્યુલર વોટ અને મુસ્લિમ વોટરો મનમાં રાહુલ ગાંધી અને
કોંગ્રેસને ઝુઝારું માની રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે કોંગ્રેસ ખતમ થાય તેવું
કેટલાક વિપક્ષી દળો પણ ઈચ્છી રહ્યા છે અને આ પ્રાદેશિક પક્ષો ખતમ થાય તો
કોંગ્રેસનો પ્રભાવ વધે તેવું પણ કોંગ્રેસી નેતાઓ માની રહ્યા છે. આમ મોદી-શાહને
2024માં સત્તામાંથી હટાવવાનું નક્કી કરનારા વિપક્ષ પાસે આંતરીક વર્ચસ્વની લડાઈના
તેમના સામુહિક આપઘાતના ઘણાં ઉપાયોમાંથી એક સાબિત થવાની પુરી શક્યતા છે.
No comments:
Post a Comment