Saturday, 25 March 2023

ભારત-જાપાનના સંબંધો ઘણાં ઘનિષ્ઠ છે, પણ વધુ ઘનિષ્ઠતા માટે મોટી મજલ બાકી છે -

 

  - આનંદ શુક્લ

ભારત અને જાપાનના પારસ્પરીક દ્વિપક્ષીય સંબંધો વિરોધી ખેમામાંથી ઘનિષ્ઠતાની યાત્રા તરફ આગળ વધી રહ્યા છે. છેલ્લા બે દાયકામાં બંને દેશોના સંબંધો ઘણાં ઘનિષ્ઠ થઈ ચુક્યા છે. પરંતુ માનવામાં આવે છે, તેટલી ઘનિષ્ઠતા માટે હજી બંને દેશોને ઘણી મોટી મજલ કાપવાની છે. પીએમ મોદી અને પીએમ કિશિદા આ ઘનિષ્ઠતા તરફની યાત્રાને વધુ મજબૂત કરવા તરફ ફોક્સ કરી રહ્યા છે અને બંને દેશો માટે ચીનના સુરક્ષા પડકારો આના માટેનું કોમન ફેક્ટર છે.

જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા રશિયાના યુક્રેન પરના આક્રમણનો આકરો વિરોધ કરે છે. તો પૂર્વ અને દક્ષિણ ચીન સાગરમાં ચીનની દાદાગીરી અને ચીનના ખીલે કૂદતા ઉત્તર કોરિયાના મિસાઈલ-પરમાણુ કાર્યક્રમોથી તેઓ ચિંતિત પણ છે. કિશિદાએ કેટલાક માસ પહેલા જાપાનના ડિફેન્સ બજેટને આગામી પાંચ વર્ષ માટે બેગણો કરવાનું એલાન કર્યું હતું. જેથી જાપાન જવાબી હુમલો કરવાની ક્ષમતા વિકસિત કરીને ચીનની વિસ્તારવાદી બદઈરાદાઓને રોકવા માટે સક્ષણ બને. તો બીજી તરફ ભારત પણ લડાખ અને અરુણાચલ પ્રદેશ સહીતની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચીનના સૈન્ય જમાવડાની સ્થિતિથી ચિંતિત છે. ભારત-ચીન સીમા પર તણાવ મે-2020થી સ્થાયી બની ચુક્યો છે. માટે કિશિદાની ભારત યાત્રા પહેલા જાપાની વિદેશ મંત્રી યોશિમાસા હયાશીએ જાપાન, ભારતની સાતે મળીને વૈશ્વિક પડકારોનો મુકાબલો કરવા માંગે છે, તેવી મહત્વની ટીપ્પણી કરી હતી.

ભારત અને જાપાનને નજીક લાવવામાં ચીનનો ભય એક મહત્વપૂર્ણ કારક છે. આમા કોઈને કોઈ જ શંકા નથી. જાપાન બે દશકથી બારતને રોકાણમાં મદદ અને તકનીકી સહાયતા ઉપલબ્ધ કરાવવામાં સક્રિય રહ્યું છે. મેટ્રો, રેલવે, ઉત્તર-પૂર્વમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને સંયુક્ત સૈન્યાભ્યાસ બંને દેશો વચ્ચે વધતા સહયોગના ઉદાહરણ છે.

આમ છતાં જાપાન અને ભારતના સંબંધો જેટલા ઘનિષ્ઠ હોવા જોઈએ તેટલા ઘનિષ્ઠ નહીં હોવાનું માનવાને પણ કારણ છે. ભારત અને જાપાન વચ્ચે ઘણાં સંરક્ષણ ઉપકરણોના હસ્તાંતરણની સમજૂતી થઈ છે, પરંતુ ડિફેન્સ ક્ષેત્રમાં જમીની સ્તર પર કંઈ ખાસ આદાન-પ્રદાન થયું નથી. જાપાન, ભારતની ધરતી અને પાણી બંને પર ઉતરવામાં સક્ષણ એરક્રાફ્ટ વેચવા માંગતું હતું. પરંતુ ભારતને આ એરક્રાફ્ટ્સ મોંઘા લાગતા તે ડીલ થઈ શકી નહીં. ભારત, જાપાનની સબમરીનોને ખરીદવા માંગતું હતું, પરંતુ વાત અહીંથી બની નહીં, કારણ કે જાપાન ટેક્નોલોજી ટ્રાન્સફરને લઈને દુવિધામાં હતું.

જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંઝો આબે કરતા હાલના વડાપ્રધાન ફૂમિયો કિશિદા અલગ મિજાજ ધરાવે છે. કિશિદા યુક્રેન યુદ્ધના મામલે ભારતના રશિયા તરફી વલણથી સંમત હોય તેવું જાપાનની નીતિઓ પરથી લાગતું નથી. માટે કિશિદાની દિલ્હી મુલાકાત ભારતને ચીન-રશિયાની ધરીતી દૂર રાખવાના સામરીક મિશનનો ભાગ હોવાની પુરી સંભાવના છે. આનો અર્થ એ પણ નથી કે કિશિદા, મોદી સાથેની વાતચીતમાં જાપાન-ભારતના દ્વિપક્ષીય સંબંધો પર ધ્યાન કેન્દ્રીત નહીં કરે.

જાપાન દુનિયાના અમીર દેશો જી-7ની મેજબાની કરી રહ્યું છે, તો ભારત જી-20 દેશોની મેજબાની કરી રહ્યું છે. આ બંને મહત્વપૂર્ણ બેઠકોની તૈયારી પણ આ યાત્રાના એજન્ડામાં હશે. તેથી જ્યારે કિશિદા દિલ્હીની મુલાકાતે હોય અને વડાપ્રધાન મોદી સાથે વાત કરે, તો તેમા ભારત અને જાપાનના સંબંધો મજબૂતાય તરફ આગળ વધ્યા જ છે. કારણ કે ભારત અને ચીન બંને ચીનથી ઉભા થયેલા સુરક્ષા પડકારોનો સમાન રીતે સામનો કરી રહ્યા છે.

No comments:

Post a Comment