- આનંદ શુક્લ
2024ની લોકસભાની
ચૂંટણીમાં વિપક્ષી એકતાથી મોદીની લોકપ્રિયતા પર સવાર ભાજપને હરાવવાની રણનીતિ પર
ઘણાં વિપક્ષી નેતાઓ કામ કરી રહ્યા છે. પરંતુ વિપક્ષી એકતાની ગાડીમાં ચોથું પંક્ચર
થઈ ચુક્યું છે. મજબૂત પ્રાદેશિક પક્ષો કોંગ્રેસથી દૂર જઈ રહ્યા છે.
સમાજવાદી
પાર્ટીની તાજેતરની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં નિર્ણય કરાયો છે કે 2024ની લોકસભાની
ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંનેથી સમાન અંતર રાખવામાં આવશે. સમાજવાદી પાર્ટીના
અધ્યક્ષ અખિલેશ યાદવ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તથા ટીએમસી સુપ્રીમો મમતા
બેનર્જી વચ્ચે બેઠક પણ થઈ હતી. અખિલેશે કોંગ્રેસ અને કમ્યુનિસ્ટોમાંથી કોઈની પણ
સાથે જોડાણ નહીં કરવાની વાત કહી છે. ટીએમસી તો પહેલા જ કોંગ્રેસ-ભાજપથી અંતર
રાખવાની વાત કરી ચુકી છે.
ભાજપને હરાવવામાં
કોંગ્રેસની ભૂમિકા પર કરાયેલા સવાલનો જવાબ આપતા અખિલેશ યાદવે કહ્યુ હતુ કે
કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી છે અને તેણે પોતાની ભૂમિકા ખુદ નક્કી કરવી પડશે. ડાબેરી
મોરચો પણ પોતાનો માર્ગ ખુદ નક્કી કરે.
સાગરદિધી
વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટીઓની મિલીભગતથી નારાજ
મમતા બેનર્જી પહેલા જ બંને પાર્ટીઓ સાથે ગઠબંધન નહીં કરવાની વાત કહી ચુક્યા છે.
80 લોકસભા બેઠકો
ધરાવતા યુપીની અગ્રણી પ્રાદેશિક પાર્ટી સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસથી અંતર બનાવી
લીધું છે. સમાજવાદી પાર્ટી આમ કરનારી ચોથી પ્રાદેશિક પાર્ટી છે. આ પહેલા
તેલંગાણાની બીઆરએસના અધ્યક્ષ અને મુખ્યમંત્રી કે. ચંદ્રશેખરરાવ, ઓડિશાના બીજૂ જનતાદળના
પ્રમુખ અને મુખ્યમંત્રી નવીન પટનાયક અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ
પહેલા જ કોંગ્રેસ અને ભાજપથી અંતર બનાવાનો ઈરાદો જાહેર કરી દીધો છે. મમતા બેનર્જી
અને નવીન પટનાયક વચ્ચે મહત્વની બેઠક પણ થવાની છે. કુલ મળીને વિપક્ષી એકતામાં ચાર
ગાબડા પડી ચુક્યા છે. એટલે કે ત્રીજા મોરચા જેવી સ્થિતિ આકાર લઈ રહી છે. જેનો
ભાજપને 2024માં ફાયદો થવાની ગણતરીઓ પણ મૂકાય રહી છે.
No comments:
Post a Comment