ભારતમાં કરોડપતિઓની સંખ્યા 2009ની સરખામણીએ 2010માં 20 ટકા વધીને 1.53 લાખ થઈ ગઈ છે. તેની સાથે જ ભારત દુનિયાની સૌથી ધનવાન વસ્તીવાળા દેશોની યાદીમાં 12મા ક્રમે પહોંચી ગયું છે. પહેલા ભારત દુનિયાના સૌથી ધનવાન દેશોની યાદીમાં 14મા ક્રમે હતું.
આ વાત મેરિલ લિંક વેલ્થ મેનેજમેન્ટ એન્ડ કેપજેમિનીના વાર્ષિક વર્લ્ડ વેલ્થ રિપોર્ટમાં સામે આવી છે. ભારતમાં કરોડપતિઓની સંખ્યામાં થયેલા તાજેતરના વધારાથી એશિયા-પેસિફિકે અમીર વસ્તીના મામલામાં યૂરોપને પણ પાછળ રાખી દીધું છે. હાઈ નેટવર્થ ઈન્ડિવિજ્યુઅલ (એચએનઆઈ) પોપ્યુલેશનના મામલામાં ભારત પહેલી વખત 12મા ક્રમે પહોંચ્યુ છે.
એચએનઆઈ એવા લોકો છે કે જેમની પાસે રોકાણ કરવા માટે ઓછામાં ઓછી 20 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમા રહેવાની મુખ્ય જગ્યા, સંગ્રહ અને ઉપભોગની વસ્તુઓ સામેલ થતી નથી. ભારતના આ ધનકુબેરોમાં એશોઆરામના મામલામાં પણ ઉદારતા દેખાય છે. ઉદાહરણ તરીકે કાર, બોટ અને જેટમાં તેમનો રસ વધ્યો છે. સાથે જ રમતો પ્રત્યે પણ તેમની દિલચસ્પી વધી છે.
એચએનઆઈ પોપ્યુલેશનના મામલામાં અમેરિકા ટોપ પર છે. ત્યાર બાદ જાપાન, જર્મની, ચીન, યૂકે, ફ્રાંસ, કેનેડા, સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, બ્રાઝિલ અને ભારત છે. એશિયા-પેસિફિકમાં ભારતનું સ્થાન ચોથું છે. પહેલા ક્રમે જાપાન, ત્યાર બાદ ચીન, ઓસ્ટ્રેલિયા અને ભારત છે. એચએનઆઈ પોપ્યુલેશનના મામલામાં એશિયા-પેસિફિક વિસ્તાર ઉત્તર અમેરિકા બાદ દ્વિતિય ક્રમે છે.
No comments:
Post a Comment