Thursday, 18 August 2011

બીજી આઝાદી (?)ની લડાઈ


લલિત સુરજન
સુપ્રસિદ્ધ સામાજીક કાર્યકર્તા અન્ના હજારેએ ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવાના ઉદેશ્યથી લોકપાલ નિયુક્ત કરવા માટે પોતાનું તાજેતરના આંદોલનની શરૂઆત કરી હતી, પરંતુ ધીરેધીરે તેનું સ્વરૂપ બદલાતું ગયું અને હવે તો અન્ના વ્યવસ્થા પરિવર્તન તથા બીજી આઝાદીની લડાઈનું આહ્વવાન કરવા લાગ્યા છે. 15 ઓગસ્ટની સાંજે દિલ્હીમાં તેમણે પ્રેસની સામે વક્તવ્ય આપ્યું તેમાં જળ, જંગલ, જમીનના મુદ્દા પણ તેમણે ઉઠાવ્યા તથા વીસ રૂપિયા રોજી વિરુદ્ધ કરોડોની કમાણી તથા ભૂમિ અધિગ્રહણ કાયદા વગેરેની ચર્ચા કરી. તેમની વાતો સાંભળીને લાગે છે કે અન્ના હજારે સંભ્રમમાં છે અથવા લોકોને તેઓ ભ્રમમાં નાખી રહ્યાં છે. એ સંભાવનાથી પણ ઈન્કાર કરી શકાય નહીં કે તેઓ કોઈ અન્ય શક્તિઓના હાથમાં મ્હોરું બની ગયા છે. 

અન્ના હજારેને, જેમ કે બધાં જાણે છે, પોતાના ગામ રાલેગાંવ સિદ્ધિમાં ગ્રામ સુધારના અનેક કાર્યક્રમો સફળતાપૂર્વક લાગુ કરવાને કારણે સૌથી પહેલા ખ્યાતિ મળી. તેનો ઉપયોગ તેમણે મહારાષ્ટ્રમાં ભ્રષ્ટ રાજનેતાઓ વિરુદ્ધ મુહિમ છેડવામાં કર્યો જેમાં તેમને આંશિક સફળતા પણ મળી. એ હકીકત આપણે તાજેતરના વર્ષોમાં જોઈ છે કે કોઈ એક ક્ષેત્રમાં અનુકરણીય કામ કરનારા લોકોને નાયક બનાવીને તેમની છબીનો ઉપયોગ આવા અન્ય ક્ષેત્રોમાં પણ કરવાની કોશિશ કરવામાં આવી. જેના માટે તેઓ પૂરી રીતે તૈયાર ન હતા. ટી. એન. શેષન અને જી. કે. ખૈરનાર વગેરે તેના ઉદાહરણ છે. 

હું સમજું છું કે અન્નાની પણ સ્થિતિ કંઈક એવી થઈ રહી છે. રાલેગાંવ સિદ્ધિમાં તેમનું કામ આખા દેશમાં એક આદર્શ તરીકે માનવામાં આવે છે. તેમના માર્ગદર્શનમાં તેનું અનુકરણ અન્યત્ર પણ થઈ શકતું હતું, પરંતુ અન્નાએ વચ્ચે જ બીજો રસ્તો પસંદ કરી લીધો. જે પ્રકારે સારા ખેલાડીઓને કંપનીઓ પોતાના મોડલ બનાવી લે છે, તેવી રીતે અન્નાને પણ એક નવી મુહિમમાં મોડલ તરીકે ઉભા કરી દેવામાં આવ્યા. તેઓ હાલ જનલોકપાલ બિલના મસીહા તરીકે આપણી સામે છે, પરંતુ શું અન્નાએ આવા કોઈ બિલની જરૂરત, પ્રાસંગકિતા, ઉપયોગિતા, ઔચિત્ય વગેરે સંદર્ભે કોઈ વિચાર કર્યો હતો? પોતાના રાજ્યોમાં ભ્રષ્ટ નેતાઓ વિરુદ્ધ આંદોલન કરનારા અન્ના શું એ જોઈ રહ્યાં ન હતા કે ગત એક વર્ષ દરમિયાન જ લોકપાલ વગર પણ ભ્રષ્ટાચારના મોટામોટા મામલાઓ ઉજાગર થયા છે. ત્યાં સુધી કે મોટા પ્રભાવશાળી લોકોને પણ જેલની હવા ખાવી પડી છે. શું તેનાથી એ નિષ્કર્ષ નથી નીકળ તો કે વર્તમાન વ્યવસ્થામાં પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પુરતો અવકાશ છે, તો પછી લોકપાલની જીદ્દ શેના માટે?

જો તર્ક માટે લોકપાલની જરૂરિયાત માની પણ લેવામાં આવે તો તેના માટે કેવા પ્રકારની મુહિમ ચલાવી જોઈતી હતી? અન્ના હજારે અને તેમના સાથી પોતાના તરફથી એક સારો મુસદ્દો તૈયાર કરીને દેશની જનતા સામે રજૂ કરી શકતા હતા કે લોકપાલ આવો હોય. પરંતુ અન્નાએ તેની જગ્યાએ બીજો રસ્તો અપનાવ્યો. તેમણે સરકાર સાથે બેસીને મુસદ્દો તૈયાર કરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો. અહીં તે સત્તાના ચરિત્રને સમજવામાં ચૂક કરી ગયા. તેમણે સંયુક્ત સમિતિની આટલી બેઠકોમાં સામેલ થવાની જરૂરત જ ન હતી. જે સૂચન પોતાના તરફથી આપવાનું હતું, તે તેઓ એક બેઠકમાં આપી આવત. એટલે કે કુલ મળીને તેમણે પોતાના પ્રસ્તાવોના પક્ષમાં સીધેસીધે જનમત એકઠો કરવો જોઈતો હતો, પરંતુ તેમણે આવું કર્યું નથી. 

એટલું જ નહીં. અન્ના હજારેએ સંસદની પ્રામાણિકતા પર પણ સવાલ ઉભો કર્યો અને ચૂંટણી પ્રણાલી પર પણ, તેમણે એ કહીને દેશની જનતાનું અપમાન કર્યું કે પૈસા અને શરાબથી વોટરોને ખરીદી શકાય છે. બીજા શબ્દોમાં તેમણે દેશની લોકતાંત્રિક વ્યવસ્થા પર જ પ્રશ્ન ચિન્હ લગાવી દીધું. આવું કરતી વખતે શું અન્ના ઐતિહાસિક તથ્ય ભૂલી ગયા કે 1977થી લઈને અત્યાર સુધી દેશના મતદાતાઓએ તમામ લાલચો છતાં સરકારો બદલી છે. ક્યાંક એવું તો નથીને અન્ના લોકપાલ બિલની આડમાં યુપીએ ખાસ કરીને કોંગ્રેસ પર જ આક્રમણ કરવા ચાહતા હતા? કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ જે અપમાનજનક રીતે અન્ના પર આક્રમણ કર્યું, તે મને સ્વીકાર્ય નથી, પરંતુ અન્ના પર જવાબી હુમલો શું એટલા માટે કરવામાં આવ્યો કે કોંગ્રેસ પાર્ટી અન્નાના આંદોલન પાછળ સરકારને સંકટમાં નાખવાની સંધિ જોઈ રહી છે? જો આવું ન પણ હોય તો પણ ખુદ અન્નાના અનશન આચરણ કેટલાંક સવાલો ઉભા કરે છે. અન્ના એક તરફ પોતાને ગાંધીવાદી કહે છે, તેનો અર્થ એ થયો કે તેઓ સત્યાગ્રહ, અહિંસા અને સવિનય કાનૂન ભંગમાં વિશ્વાસ ધરાવે છે, પરંતુ બીજી તરફ તેઓ ગાંધીના રસ્તાને છોડીને શિવાજીના માર્ગ પર ચાલવાની ઘોષણા પણ કરે છે. તેનો અર્થ એ થયો કે તેમને હિંસાથી કોઈ પરહેજ નથી. તેમનો દિલ્હીમાં જ અનશન કરવાનો આગ્રહ પણ સમજથી પર છે. મહાત્મા ગાંધી તો જ્યાં રહેતા હતા, ત્યાં ઉપવાસ કરી લેતા હતા. તેમણે બ્રિટિશ સરકારના કાયદાનું ઉલ્લંઘન કર્યું તો તેનો બચાવ કરવાની જગ્યાએ જેલમાં જવાનું તેમણે યોગ્ય માન્યું. અન્ના જો ગાંધીના રસ્તા પર ચાલત તો રાલેગાંવ સિદ્ધિમાં આંદોલન કરી શકતા હતા અને ત્યારે કદાચ મજબૂરીથી કોઈ દિવસે સરકારે તેમના દરવાજે આવવું પડત.

અન્ના હજારેએ 15 ઓગસ્ટની રાત્રે દેશવાસીઓને પોતાના ઘરોમાં અંધારું કરવાની જે અપીલ કરી, તે એક સ્વાધીન દેશની અસ્મિતાની બિલકુલ વિપરીત હતી. તેમણે લોકોને ઓફિસમાંથી રજા લેવાની પણ દરખાસ્ત કરી. આ શું વાત થઈ. જો તેમની પાસે ગાંધી જેવું નૈતિક બળ હોત તો લોકો રજા લઈને નહીં, પરંતુ રાજીનામું આપીને તેમના આંદોલનમાં સામેલ થઈ ગયા હોત. અન્નાએ 15 ઓગસ્ટની સાંજે મીડિયાને પોતાના પરિવારનું સભ્ય ઘોષિત કર્યું અને આશા વ્યક્ત કરી કે બંને સાથે મળીને લડાઈ લડશે. તેનાથી સ્પષ્ટ ખબર પડે છે કે અન્ના હજારેને મીડિયાની ચરિત્રની બિલકુલ જાણ નથી અને તેમને જે ક્ષણિક પ્રસિદ્ધિ મળી રહી છે, તેનાથી તેઓ આત્મમુગ્ધ થતાં જઈ રહ્યાં છે. 

એક તરફ જ્યાં અન્ના હજારેની સરખામણી ગાંધી સાથે કરવામાં આવી રહી છે, તો બીજી તરફ જયપ્રકાશ નારાયણ સાથે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે ખુલ્લેઆમ અન્નાનું સમર્થન કર્યું છે. ભાજપ વારંવાર કટોકટીની દુહાઈ આપી રહ્યું છે. ભાજપ કદાચ આ જ ચાહે છે કે એક વખત આવી પરિસ્થિતિ ખરેખર પેદા થઈ જાય, જેથી તેના પછી સત્તામાં આવવાનો મોકો તેને મળી શકે. પરંતુ હવે આ દેશમાં કટોકટી લાગવી અશક્ય છે અને તેવી પરિસ્થિતિ પણ આજે નથી. અન્ના હજારેનું વ્યક્તિત્વ જેપીની સરખામણીએ ઘણું નાનું છે અને તેમનું અનુકરણ કરવા માટે આજે કોઈ બીજો શરદ યાદવ અથવા તેમના જોવો કોઈ યુવા નેતા નથી. કુલ મળીને આ આંદોલનના કારણે જનતાનું ધ્યાન બીજી ઘણી બાબતો પરથી હટી રહ્યું છે. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોને કદાચ આ સ્થિતિ અનુકૂળ લાગે છે.
સૌજન્ય- દેશબંધુ

No comments:

Post a Comment