હેમંત શર્મા
રામલીલા મેદાનમાં સૌના આકર્ષણનું કેન્દ્ર બનેલા અન્ના હજારે કોઈ વ્યક્તિનું નામ નથી. અન્ના પ્રતીક છે ભ્રષ્ટ વ્યવસ્થા સામે ઝઝુમવાનું. અન્ના સંકલ્પ અને દ્રઢ નિશ્ચયનું નામ છે.
કોઈપણ સંગઠન વગર અન્નાનું આંદોલન ગુજરાતથી ગૌહાટી સુધી જે રીતે ફેલાયું, તેનાથી સરકાર ઘૂંટણિયે પડી ગઈ. અત્યાર સુધી જે લોકો એ કહેતા હતા કે ભ્રષ્ટાચાર આ દેશમાં મુદ્દો રહ્યો નથી, તેઓ ખોટા સાબિત થયા. શહેરી મધ્યમ વર્ગ અને નવયુવાનોને લાગ્યું કે અન્નાની હાર તેમનો વ્યક્તિગત પરાજય છે. જો આ આંદોલન કચડવામાં આવશે, તો રાજનેતાઓ નિરંકુશ થઈ જશે. ગાંધીના અનશનનું હથિયાર હંમેશા માટે કચડાઈ જશે. આ ડરે આમ જનતાને સરકાર વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરવા મજબૂર કરી.
અન્નાએ કોંગ્રેસનું જે નુકસાન એકલપંડે કર્યું, તે નુકસાન આખો વિપક્ષ મળીને અત્યાર સુધીના કાર્યકાળમાં કરી શક્યો ન હતો. અન્નાએ એક ઝાટકામાં સરકારનું નૈતિક બળ ખતમ કરી નાખ્યું. ભ્રષ્ટાચાર વિરુદ્ધ છેડાયેલો જંગ કોંગ્રેસ વિરુદ્ધના યુદ્ધમાં ફેરવાઈ ગયો. કોંગ્રેસ અનાયાસ ભ્રષ્ટાચારના ટેકેદારોના પક્ષમાં નજરે પડી. પહેલી વાર અન્નાએ શહેરી અરાજનીતિક વર્ગને સડકો પર ઉતાર્યો. જે યુવાવર્ગ દ્વારા સખત મહેનત કરીને રાહુલ ગાંધી પોતાની રાજકીય જમીન શોધી રહ્યાં હતા, તે નવયુવાનો એક જ ઝાટકામાં 74 વર્ષના આ વૃદ્ધની નજીક ચાલ્યા ગયા. મંડલ આંદોલન બાદ રાજનીતિ પહેલી વાર સંસદથી નીકળીને સડક પર આવી અને કટોકટી લાગ્યા વગર અન્નાએ ડાબેરીઓથી લઈને ભાજપ સહીત આખા વિપક્ષને એકજૂટ કરી દીધો.
અન્ના હજારેના આ આંદોલનનો સૌથી વધારે ઝાટકો રાહુલ ગાંધીને લાગ્યો છે. આખા દેશના નવયુવાનોએ જે રીતે આ આંદોલનમાં ભાગ લીધો અને શહેરી યુવાનોનો ગુસ્સો સડકો પર જે રીતે ઉતર્યો, તે રાહુલ ગાંધીની રાજનીતિ માટે ખતરાનો સંકેત છે. રાહુલ દેશભરમાં ફરીને આ નવયુવાન પેઢીના સહારે રાજકારણ પર કાબજો જમાવવા ચાહતા હતા. એક ઝાટકામાં આ આધાર આ ડોસાની સાથે ચાલ્યો ગયો, કારણ કે ભ્રષ્ટાચારથી ત્રસ્ત યુવાનોને અન્નાના આંદોલનમાં એક વિશ્વાસ અને ભરોસો દેખાયો. જે રાજકીય પક્ષોએ તોડયો હતો.
રાહુલ ગાંધીની રાજકીય શૈલીમાં કોંગ્રેસના જે યુવાનો સંગઠન અને સરકારમાં આવ્યા, તેનાથી એક ખાસ પ્રકારના શહેરી મધ્યમ વર્ગ, અંગ્રેજી પરસ્ત શાસક વર્ગ ઉભર્યો હતો. મોટાભાગના વિદેશોમાં ભણેલા આ યુવા નેતાઓનો સમાજને બોધ અંગ્રેજિયતની આસપાસ છે. અન્નાના આંદોલનમાં ભારતના તે નવયુવાનો ફરી સામે આવ્યા છે, જે અત્યાર સુધી સત્તા પરિવર્તનમાં ભાગીદાર બનતા રહ્યાં છે. જેપી આંદોલન બાદ આ પેઢી રાજનીતિમાં હાસિયા પર હતી. હવે આ પેઢી ફરીથી પોતાની સક્રીયતા દેખાડી રહી છે.
આ દેશની જનતા ભ્રષ્ટાચારનો હિસાબ લે છે. ઈતિહાસમાં આપણે ઘણીવાર જોયુ છે. ચારસો સાંસદોની સાથે એક પરમ પ્રતાપી વડાપ્રધાન થયા હતા. તેમના પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા. આંદોલન થયા. ચૂંટણીમાં જનતાએ હિસાબ ચુકતે કર્યો. લાલુ યાદવ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો. આજે તે હાસિયા પર છે. તે પ્રકારે કેન્દ્રની હાલની સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ છે. એટલે કે લોઢું ગરમ છે. રાજનીતિમાં અત્યાર સુધી દર્શક ગેલેરીમાં બેઠેલા લોકો પહેલીવાર આંદોલન માટે સડક પર નીકળ્યા છે. માત્ર મીણબત્તી લઈને સડક પર જવાથી કંઈ થશે નહીં. પોલિંગ બૂથ પર પણ જવું પડશે.
વડાપ્રધાન મનમોહન સિંહે સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે અનશન ઠીક નથી, સંસદીય લોકતંત્રને પડકાર ફેંકી શકાય નહીં. તો શું ગાંધીએ દેશમાં અનશન અને સત્યાગ્રહને ગેરબંધારણીય કહેવામાં આવે? વડાપ્રધાન એમ પણ કહી ગયા કે ભ્રષ્ટાચારથી નિપટવા માટે અમારી પાસે કોઈ જાદૂઈ છડી નથી. અજીબ વાત છે. સરકાર પાસે જનઆંદોલનોને કચડવા માટે લાકડી છે, પરંતુ ભ્રષ્ટાચારથી નિપટનારો દંડો નથી. સરકાર પાસે ભલે કોઈ જાદૂઈ છડી નથી, પરંતુ આ દેશની સર્વશક્તિમાન જનતા પાસે એક લાકડી છે. આ લાકડી જ્યારે ચાલે છે, તો સરકાર સત્તાથી ઉખડી જાય છે. ઈતિહાસ સાક્ષી છે.
No comments:
Post a Comment