સુબ્રમણ્યમ સ્વામી
આજે આપણા દેશમાં ભ્રષ્ટાચાર એક ઘણો મોટો મુદ્દો છે. રોજબરોજ ગોટાળાની વધતી સંખ્યા અને તેની વ્યાપકતાને કારણે લોકોમાં તેના પ્રત્યે પહેલેથી જ ગુસ્સો હતો. સાથે 2જી અને કોમનવેલ્થ ગેમ્સના ગોટાળામાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં સરકારની આનાકાનીથી લોકોમાં એવી ધારણા બનવા લાગી કે સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ સખત પગલાં ભરવા માંગતી નથી.
ગત 5 એપ્રિલે થયેલા અન્નાના અનશનની આગળ ઝુકતી સરકારે જનલોકપાલ બિલ પર એક ડ્રાફ્ટિંગ કમિટી બનાવી દીધી. પંરતુ કેટલીક બેઠકો બાદ જ સિવિલ સોસાયટી અને સરકારી પ્રતિનિધિઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપથી સ્પષ્ટ થઈ ગયુ કે સરકાર કડક લોકપાલ કાયદો બનાવવાના પક્ષમાં નથી.
રહી-સહી કસર સંસદમાં રજૂ કરવામાં આવેલા નબળા લોકપાલ બિલે પૂરી કરી દીધી. આ પ્રકારે લોકોની અંદરનો ગુસ્સો ધીરેધીરે ઉકળતો રહ્યો અને આજે એક દેશવ્યાપી જનઆંદોલનમાં ફેરવાઈ ગયો.
અન્ના હજારે પહેલા જ ઘોષણા કરી ચુક્યા હતા કે સંસદના મોનસૂન સત્ર દરમિયાન જો 15 ઓગસ્ટ સુધી સખત લોકપાલ બિલ લાવવામાં આવશે નહીં, તો તેઓ આમરણ અનશન પર બેસશે. પરંતુ સરકારને લાગ્યું કે અન્ના પર વ્યક્તિગત હુમલા અને ધરપકડથી આ આંદોલનને કચડી નખાશે. એવી રીતે જેમ બાબા રામદેવના અનશનને રાત્રે પોલીસ દબંગાઈને કારણે સરકાર કચડવામાં કામિયાબ રહી હતી. પરંતુ જનસમર્થનના કારણે આ આંદોલને બીજું જ સ્વરૂપ ધારણ કરી લીધું, જેની કલ્પના સરકારે કરી ન હતી. એક વાત તો સ્પષ્ટ છે કે કેટલાંક મંત્રીઓ અને કોંગ્રેસી પ્રવક્તાઓની અન્ના પર કરવામાં આવેલી નકામી ટિપ્પણીઓથી મામલો વધુ બગડયો. સરકારના આ દાવ ઉલ્ટા પડયા.
ભ્રષ્ટાચારથી ઉબાઈ ગયેલી જનતાને અન્ના હજારે પરના વ્યક્તિગત હુમલાના કારણે એવું લાગ્યું કે સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ સખત પગલાં ઉઠાવવાની જગ્યાએ તેની વિરુદ્ધ લડનારને જ નિશાન બનાવી રહી છે. આમ જનતામાં અન્નાની છબી એક ઈમાનદાર વ્યક્તિની છે. એક એવા વ્યક્તિની છે જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંઘર્ષરત રહ્યો છે. લોકોને એક એવા નાયકની શોધ હતી જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમની અવાજને ઉઠાવી શકે. અન્ના હજારેના રૂપમાં જનતાને એક નેતૃત્વકર્તા મળી ગયો.
74 વર્ષની ઉંમરમાં તેમની સાદગી અને વ્યવસ્થા બદલવાની તેમની અપીલ લોકોના દિલમાં ઉતરતી ગઈ. ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમના વિચાર આમ જનતાના મનમાં ઉતરી ગયા. પોતાની વાતમાં ગાંધીજીની અહિંસાત્મક વાતોને અમલમાં લાવવાની જનતાને વિનંતી કરતા જે હોશ અને ઊર્જાથી તેઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યાં છે, લોકો તેની સાથે આપોઆપ જોડાય રહ્યાં છે. ખાસ વાત એ છે કે અન્નાનું આંદોલન સંપૂર્ણપણે બિનરાજકીય છે. તેમને ન તો ચૂંટણી લડવી છે અને ન તો તેનાથી કોઈ ફાયદો લેવો છે. અન્ના હજારેની આ પૃષ્ઠભૂમિ લોકોને આ આંદોલનથી જોડી રહી છે. ભલે જનલોકપાલ બિલના તમામ મુદ્દાથી સંમત થઈ શકાય નહીં, પરંતુ ભ્રષ્ટાચારનો મુદ્દો આમ જનતા સાથે જોડાયેલો છે. માટે સરકારે એક મજબૂત લોકપાલ બિલ સંસદમાં રજૂ કરવું જોઈતું હતું.
હાલનું સરકારી બિલ એટલું કમજોર છે કે તેનાથી ભ્રષ્ટાચાર રોકવો સંભવ નથી. સરકારી વલણને કારણે જ આખા દેશમાં આ આંદોલનથી લોકો જોડાય રહ્યાં છે. યુવાનો, બાળકો, વૃદ્ધો, મહિલાઓ તમામ આ ઐતિહાસિક આંદોલનનો ભાગ બનવા ચાહે છે. હવે આ આંદોલનનો ફલક પણ વ્યાપક થઈ ગયો છે. ભ્રષ્ટાચારના મુદ્દાથી શરૂ થયેલું આ આંદોલન વ્યવસ્થા પરિવર્તનથી લઈ ચૂંટણી સુધારના મુદ્દા સુધી પહોંચે છે. ભ્રષ્ટાચારને દૂર કરવા માટે વ્યવસ્થામાં પરિવર્તન કરવું ઘણું જરૂરી બની ગયું છે. ઘણાં સમય બાદ દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આટલો વ્યાપક લોકજુવાલ જોવા મળી રહ્યો છે. સરકાર અને તમામ રાજકીય પક્ષોએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાયદો બનાવવાની દિશામાં તાત્કાલિક પગલાં ઉઠાવવા જોઈએ.
હવે દેશના લોકો કોઈપણ કિંમતે ભ્રષ્ટાચારને સહન કરવા ચાહતા નથી. સંસદ અને તેની પ્રક્રિયાઓને આધાર બનાવીને આ આંદોલનને દબાવી શકાય નહીં. આ આંદોલનની ખાસિયત એ છે કે તે પૂરી રીતે અહિંસાત્મક છે. સરકારને અનશન સમાપ્ત કરવા માટે નમવું પડશે. કારણ કે આંદોલન જેટલું લાંબુ ચાલશે, સરકારની મુશ્કેલી એટલી વધતી જશે. લોકતંત્રમાં લોકોની ભાવનાઓનો ખ્યાલ રાખવો સરકારનું દાયિત્વ છે. તેને અહમનો મુદ્દો ન માની સરકારે વચ્ચેનો રસ્તો કાઢવાની કોશિશ કરવી જોઈએ.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ આ મુહિમ માત્ર અન્ના હજારેની નહીં, પરંતુ આમ જનતાની છે. લોકતંત્રમાં આમ જનતા જ સર્વોપરી હોય છે. જો ધ્યાન આપીએ તો બંધારણની પ્રસ્તાવનામાં પણ આ કહેવામાં આવ્યું છે કે જનતા સાર્વભૌમ છે અને બંધારણ સર્વોચ્ચ. તેવામાં સરકારે જનભાવનાનો ખ્યાલ રાખવો જોઈએ. આ તેનું કર્તવ્ય છે.
સૌજન્ય-પ્રભાત ખબર
No comments:
Post a Comment