Showing posts with label સુભાષ કશ્યપ. Show all posts
Showing posts with label સુભાષ કશ્યપ. Show all posts

Saturday, 20 August 2011

ભ્રષ્ટાચારથી મુક્તિનો માર્ગ


સુભાષ કશ્યપ

ભ્રષ્ટાચારને લઈ મધ્યમવર્ગ અને યુવાનોમાં ભારે આક્રોશ છે. તેનાથી આજે દેશનું એક મોટું જનમાનસ પ્રભાવિત અને પરેશાન છે. માટે ભ્રષ્ટાચારને લઈને લડાઈ રહેલી સિવિલ સોસાયટીની માગણી પ્રત્યે સરકારનું ટકરાવપૂર્ણ વલણ કોઈપણ દ્રષ્ટિએ યોગ્ય કહી શકાય નહીં, પરંતુ તે સરકારની હઠધર્મિતાનું પરિચાયક છે. આ સંસદીય લોક પ્રક્રિયાની દ્રષ્ટિથી પણ હટીને છે. દેશના પ્રત્યેક નાગરીકને બંધારણે આ અધિકાર આપ્યો છે કે તે કેવળ પોતાની માગણી જ ન કરી શકે, પરંતુ તેનાથી સંબંધિત પ્રસ્તાવ અથવા બિલ સરકાર પાસે વિચારાર્થ પ્રસ્તુત કરી શકે છે. આ પ્રસ્તાવ અથવા બિલને માનવું અથવા ન માનવું સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને તે ચાહે તો સંસદમાં મૂકે અથવા ન મૂકે? અન્ના હજારેની ટીમ દ્વારા બનાવાયેલું જનલોકપાલ બિલ પણ આ શ્રેણીમાં આવે છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અન્ના હજારેની ટીમ અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે લાંબો વિચાર-વિમર્શ અને મેળ-મિલાપ થવા છતાં સંસદની સ્થાયી સમિતિ પાસે જે પ્રસ્તાવ મોકવામાં આવ્યો તે સશક્ત લોકપાલની સંભાવનાઓ કમજોર કરનારો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર ભ્રષ્ટાચાર સામે લડાઈ પ્રત્યે ઘણી પ્રતિબદ્ધ નથી અને તેની પાસે એ અપેક્ષા પણ કરી શકાય નહીં, કારણ કે વર્તમાન રાજકીય પક્ષ વ્યવસ્થા અને ચૂંટણી વ્યવસ્થા દોષપૂર્ણ હોવાથી ભ્રષ્ટ લોકોની સંખ્યા સંસદમાં વધારે છે અને ભ્રષ્ટ લોકો ક્યારેય ઈચ્છશે નહીં કે આવો કોઈ પ્રસ્તાવ પારિત થાય અથવા કાયદો બને જેનાથી તેમના હાથ આસાનીથી મરડી શકાય.

ભ્રષ્ટાચાર સામે લડાઈ માટે અન્નાની ટીમને અને દેશના બીજા વર્ગોને કેટલીક વધારે વ્યવહારીક વાતો પર ભાર મૂકવાની જરૂરત છે. સૌથી પહેલા આપણે એ વાતને સમજવી પડશે કે ભ્રષ્ટાચાર છે શું અને તેનું કારણ તથા સ્ત્રોત શું છે? ભ્રષ્ટાચારના મૂળમાં વ્યવસ્થા સર્વોપરી છે અને વ્યવસ્થાને બદલ્યા વગર આપણે ભ્રષ્ટાચાર સામે લડાઈ લડી શકીએ નહીં. આ વ્યવસ્થામાં ફેરફાર માટે સૌથી પહેલું પગલું છે તે દોષપૂર્ણ રાજકીય પક્ષ વ્યવસ્થા અને ચૂંટણી પ્રક્રિયામાં તાત્કાલિક સુધારો લાવવો. આ સિવાય આપણે સંસદીય, વહીવટી અને ન્યાયિક વ્યવસ્થામાં પણ મોટા સ્તરે ફેરફાર કરવા પડશે, જેના માટે વધુ મોટા પ્રયાસની જરૂરત છે. અન્ના હજારેએ સમજવું જોઈએ કે તેમની લડાઈ ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે છે, ન કે જનલોકપાલ માટે. એક સશક્ત લોકપાલની તેમની લડાઈ યોગ્ય છે, પરંતુ એ માની લેવું પણ ઠીક નહી થાય કે માત્ર લોકપાલ બનાવી દેવાથી ભ્રષ્ટાચારનો રાવણ મરી જશે.

લોકપાલની મર્યાદામાં ન્યાયતંત્ર અને વડાપ્રધાનને અનિવાર્યપણે સામેલ કરવાની તેમની માગણી પણ યોગ્ય નથી, કારણ કે કોઈ એક સંસ્થા પાસે આટલી વધારે શક્તિઓ હોવી કોઈપણ દ્રષ્ટિથી યોગ્ય નથી. એક જ લોકપાલને આટલી વધારે શક્તિ આપવાથી તો સારું એ છે કે આપણે સંસદીય લોકપાલ અલગ બનાવીએ અને ન્યાયિક લોકપાલ અલગ કરીએ. તેનાથી સંસ્થાઓની વચ્ચે પરસ્પર ટકરાવને પણ રોકી શકાશે અને તેમના અધિકાર ક્ષેત્રોની વિશિષ્ટતા પણ કાયમ રહેશે, પરંતુ તેના માટે બંને પક્ષોએ ફરીથી મળી-બેસી એક રાજકીય સમાધાન શોધવાની દિશામાં કામ કરવાની જરૂરત છે. જ્યાં સુધી અન્નાના આમરણ અનશનની વાત છે, તો એ પણ યોગ્ય નથી, કારણ કે સમાધાનનો રસ્તો વાતચીતથી જ નીકળી શકે છે, ન કે પોતાની વાતો પર અક્કડ રહેવાથી. સરકારે શરૂઆતમાં જ અન્નાની ધરપકડ કરી તેમને અને તેમના ટેકેદારોને વધુ આક્રોશિત થવાનો મોકો આપી દીધો જેના માટે નિશ્ચિતપણે સરકાર દોષિત છે, પરંતુ હવે જ્યારે સરકારે પણ વાતચીતની પેશકશ કરી છે તો અન્નાની ટીમએ ફરીથી પોતાની વાત મૂકવી જોઈએ. એક રસ્તો એ પણ હોઈ શકે છે કે અન્નાની ટીમ સંસદની સ્થાયી સમિતિની સામે પોતાની વાતો અને પ્રસ્તાવ રજૂ કરે. તેના સિવાય કોઈ સાંસદ વ્યક્તિગત રીતે પણ સિવિલ સોસાયટીના બિલને સંસદમાં રજૂ કરી શકે છે. 

સંસદની સ્થાયી સમિતિની પાસે સરકાર દ્વારા રાખવામાં આવેલા લોકપાલ બિલનું સ્વરૂપ હજી અંતિમ નથી અને તેમાં ફેરફાર કરી શકાય છે. સ્થાયી સમિતિ જ્યારે તેને અંતિમ સ્વરૂપ આપી દેશે તો તેને સંસદીય પટલ પર રજૂ કરવામાં આવશે, જેના પર સાંસદો ચર્ચા કરશે અને જો જરૂરત પડશે તો તેની જોગવાઈમાં અંતિમ અનુમતિ મળ્યા પહેલા ફેરફાર કરી શકશે. માટે હજી પણ સમય છે કે ટકરાવનો રસ્તાને છોડીને આમ સંમતિનો રસ્તો શોધવો જોઈએ. બીજું એ પણ સમજવું પડશે કે સરકાર અને સંસદ એક નથી. જો સરકાર અન્નાની વાતોને માને નહીં, તો સંસદમાં જઈ શકાય છે. જેના માટે બાકી રાજકીય પક્ષોએ પહેલ કરવાની જરૂરત છે. અન્ના હજારેને જોઈએ કે તેઓ પોતાના આમરણ અનશન ખતમ કરે અને બંધારણીય પ્રક્રિયામાં કોઈ પ્રકારની અડચણ ઉભી થવા ન દે. સિવિલ સોસાયટી આખા દેશની પ્રતિનિધિ થઈ શકે નહીં અને સંસદ તેનાથી ઘણી વધારે સર્વોચ્ચ અને સાર્વભૌમ છે. માટે પોતાની વાત અનિવાર્યપણે મનાવવા માટે સંસદ પર કોઈ પ્રકારનું દબાણ અથવા શરત થોપવાની વાત ઠીક નથી. તેમાં કોઈ બેમત નથી કે વર્તમાન વ્યવસ્થામાં તમામ ખામીઓ, વ્યાપક ભ્રષ્ટાચાર અને અસંવેદનશીલતાના કારણે જ સ્થિતિઓ આટલી ગુંચવાઈ છે. 

સરકારનું એ કહેવું યોગ્ય નથી કે સિવિલ સોસાયટીનો મુસદ્દો સંસદમાં રજૂ કરી શકાય નહીં. જો સોનિયા ગાંધીના નેતૃત્વમાં બનેલી રાષ્ટ્રીય સલાહકાર પરિષદા પ્રસ્તાવો કેબિનેટની મંજૂરીથી સંસદમાં મૂકવામાં આવે છે, તો સિવિલ સોસાયટીના પ્રસ્તાવોને સરકાર પોતાના પ્રસ્તાવમાં સામેલ કેમ કરી શકે નહીં? આ સંદર્ભમાં આપણે ભૂલવું જોઈએ નહીં કે રાષ્ટ્રીય સલાહકાર પરિષદ જેવી સુપર કેબિનેટ સંસ્થાઓની કોઈ વૈધાનિકતા નથી, માટે સિવિલ સોસાયટીને પણ સંસદનો પર્યાય માની શકાય નહીં, પરંતુ અહીં સવાલ ભ્રષ્ટાચારના મુદ્દાનો છે. લોકતાંત્રિક સંસ્થાઓની મર્યાદા અને અધિકાર ક્ષેત્રની વ્યાખ્યામાં પડવાથી વધારે જરૂરી ભ્રષ્ટાચારના પગ પર કુહાડી મારવાનું છે, જે અન્નાનો પણ ઉદેશ્ય છે. આજે જે સૌથી મોટી જરૂરત છે આખી વ્યવસ્થામાં પરિવર્તન લાવવાની, કારણ કે સખત કાયદા બનાવી દેવા માત્રથી પરિવર્તન આવી જવાની અપેક્ષા કરવી યોગ્ય નથી. તાત્કાલિક પણે ચૂંટણી અને રાજકીય પક્ષ વ્યવસ્થામાં એવું પરિવર્તન લાવવામાં આવે જેથી ભ્રષ્ટ લોકો ચૂંટાઈને જ ન આવી શકે અને જ્યાં સુધી એવું ન થાય ત્યાં સુધી ભ્રષ્ટાચારનું કેન્સર ખતમ થવાનું નથી. 

સૌજન્ય- દૈનિક જાગરણ

Monday, 1 August 2011

વ્યવસ્થા પરિવર્તનની દરકાર



સુભાષ કશ્યપ

સંસદનું મોનસૂન સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સત્તા પક્ષ અને વિપક્ષની તૈયારીઓને જોઈને એ શંકા પ્રબળ થઈ રહી છે કે આ સત્ર હંગામાની ભેંટ ચઢી શકે છે. શું હોઈ શકે તેનાથી બચવાના રસ્તા, આ મુદ્દા પર પેશ છે, એક બંધારણવિદ્દનો દ્રષ્ટિકોણ.

સંસદનું મોનસૂન સત્ર સોમવારથી શરૂ થયું છે. ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલી યુપીએ સરકાર આ સત્રમાં અનેક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવાની ઘોષણા કરી ચુકી છે. બીજી તરફ વિપક્ષ ભ્રષ્ટાચાર અને મોંઘવારીના મુદ્દા પર સરકારને ઘેરવા માટે કમર કસી ચુક્યો છે. તેવામાં આમ લોકો એ આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે આ સત્ર પણ હંગામાની ભેંટ ચઢી શકે છે. સંસદ સત્રને હંગામાથી બચાવવાનો શું છે રસ્તો, આ એક રાજકીય પ્રશ્ન છે અને તેનો હલ પણ રાજકીય પક્ષોને જ મળી-બેસીને કાઢવો પડશે.

કાયદાકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો ગૃહમાં અવ્યવસ્થા ન થાય, કાર્યવાહી સુચારુરૂપથી ચાલી શકે અને સંસદની ગરિમા બનેલી રહે, તેના માટે અનેક જોગવાઈ છે. અધ્યક્ષ મહોદય કડક પગલાં ઉઠાવી શકે છે. અડચણ પેદા કરનારા સાંસદોને કાઢી શકાય છે. આ સંદર્ભે ભૂતકાળના ઉદાહરણો પણ છે, જ્યારે એક દિવસમાં 60થી વધારે સાંસદો ગૃહમાંતી કાઢી મૂકાયા હતા. પરંતુ ત્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને સરકારને બે તૃતિયાંશ બહુમતી હાસિલ હતી. આજે સરકારની બહુમતી અત્યંત ઓછી અને સંદિગ્ધ છે. ટેકો આપનારા ક્યારે તેમની વિરુદ્ધ થઈ જાય, કહી શકાય તેમ નથી. આવા વાતાવરણમાં સત્તાપક્ષ માટે એ સંભવ નથી કે વિપક્ષના હંગામા કરી રહેલા તમામ સાંસદોને બહાર નીકાળી દેવાય.

રાજકીય દ્રષ્ટિથી પણ જોઈએ, તો વિપક્ષી સાંસદોને નીકાળીને સંસદને શાંતિપૂર્વક ચલાવવી કેટલી યોગ્ય-અયોગ્ય હશે, તેના પર પણ ઘણી ચર્ચા થઈ શકે છે. તેવામાં હાલ એ રસ્તો જ બચે છે કે બંને પક્ષ સાથે મળી ઈમાનદારીથી રસ્તો કાઢે, જેનાથી સંસદની ગરિમા પર કોઈ આઘાત ન થાય. બંને પક્ષ એક એવી સમજૂતી કરે, જેના તત્વાધાનમાં ગૃહ સુચારુ રીતે ચાલી શકે. પરંતુ એવી કોઈ સમજૂતી સુધી પહોંચવા માટે બંને પક્ષોએ ઈમાનદારીથી પહેલ કરવી પડશે. બંને પક્ષોએ એક હાથે આપવાની અને બીજા હાથે લેવાની નીતિ અપનાવવી પડશે. સત્તાપક્ષે વિપક્ષની કેટલીક માગણીઓ માનવી પડશે, જ્યારે વિપક્ષે પણ પોતાની કેટલીક માગણીઓ પર હઠનો ત્યાગ કરવો પડશે. 

સત્ર શરૂ થતાં પહેલા સર્વપક્ષીય બેઠકની જોગવાઈનો આ હેતુ છે. પરંતુ સામાન્ય રીતે બંને પક્ષો સત્ર શરૂ થતાં પહેલા આવી કોઈ સમજૂતી સુધી પહોંચવાની ઈમાનદાર કોશિશ કરતાં નથી. બાદમાં હંગામો થવાથી સત્તા પક્ષ આરોપ લગાવે છે કે વિપક્ષ ગૃહની ગરિમાનું હનન કરી રહ્યું છે, જ્યારે વિપક્ષ આરોપ લગાવે છે કે સરકાર તેમની માગણીઓ પર ધ્યાન ન આપીને ગૃહનો અનાદર કરી રહી છે, તેઓ તો યોગ્ય કોશિશ કરી રહ્યાં છે કે સરકાર જનતાનો અવાજ સાંભળે, જેથી લોકતંત્ર મજબૂત બની રહે. સંભાવના એ છે કે આ સત્રમાં પણ અમે અને તમે સત્તાપક્ષ તથા વિપક્ષ વચ્ચે આવી જ રસ્સાકશી થતા જોશો.

આ સમસ્યાની જડ આપણી રાજકીય વ્યવસ્થામાં છે. આ દેશનું દુર્ભાગ્ય છે કે જ્યારે પણ કોઈ પક્ષની તરફથી ભ્રષ્ટાચારની વાત કરવામાં આવે છે, તો બીજો પક્ષ પોતાનો બચાવ કરવાની જગ્યાએ એ કહે છે કે તમે પણ ભ્રષ્ટ છો. સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચાર બંને પક્ષોમાં ઘર કરી ચુક્યો છે. કોઈપણ દૂધનો ધોયેલો કહી શકાય તેમ નથી. 

હકીકતમાં આપણી રાજકીય વ્યવસ્થા જ એવી છે કે જેમાં તમામ પક્ષોને ભ્રષ્ટ બનવા માટે મજબૂર થવું પડે છે. કોઈપણ પક્ષને પોતાનો રાજકીય કાર્યક્રમ ચલાવવા અને ચૂંટણીમાં ભાગ લેવા માટે કરોડો-અબજો રૂપિયા જોઈએ. હવે કોઈ વ્યક્તિ નિ:સ્વાર્થ ભાવથી ઘોષિત ધન તો આ પક્ષોને દાનમાં આપશે નહીં, માટે આ પક્ષો માટે આવકનું સાધન બને છે અમીરોનું કાળું ધન અને ભ્રષ્ટાચાર. તેવામાં માત્ર એ કહેવાથી કે ભ્રષ્ટાચાર માટે રાજનેતા અને રાજકીય પક્ષ દોષી છે, અથવા પછી તેમના ઉપર જનલોકપાલ અથવા કોઈ અન્ય નામથી કોઈ પહેરો બેસાડી દેવાતી ભ્રષ્ટાચાર ખતમ નહીં થાય. આ ભ્રષ્ટાચારથી લડવાનો એક જ રસ્તો છે વ્યવસ્થાગત પરિવર્તન. આ પરિવર્તનની શરૂઆત જો કોઈ એક પગલાંથી કરવાની છે, તો આ પગલું લોકપાલ બિલન ન હોઈ શકે. તેના માટે પહેલું પગલું હશે ચૂંટણી સુધારનું. એક એવો સુધારો, જેનાથી રાજકીય પક્ષો માટે ભ્રષ્ટાચાર મજબૂરી ન રહી જાય અને જનતાના સાચા પ્રતિનિધિ ચૂંટાઈને સંસદમાં પહોંચે. જ્યારે સંસદમાં સારા લોકો ચૂંટાઈને આવશે, તો ગૃહની કાર્યવાહી સુચારુ રીતે ચલાવવા અને યોગ્ય નીતિઓ બનાવવા માટે આટલી માથાકૂટની જરૂર પડશે નહીં. 

અત્યારે લોકસભાના 150થી વધારે સાંસદો પર આપરાધિક મામલા ચાલી રહ્યાં છે. ત્રણસોથી વધારે સાંસદો કરોડપતિ છે, તેવું તેમણે ખુદ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે. બીજી તરફ 78ટકા સાંસદો એવા છે કે જેમના પક્ષમાં ઓછા, વિરોધમાં વધારે મત પડયા છે. ચૂંટણીની આવી વ્યવસ્થાથી ચૂંટાઈને આવેલા લોકોને જનતાના સાચા પ્રતિનિધિ કહેવા પર પણ સવાલ ઉઠે છે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત સાંસદોની સંખ્યા પણ નિરાશાજનક છે. જ્યારે ગૃહમાં આવા સાંસદો બેઠા હોય તો તેમની પાસે જનહિતના મુદ્દા પર ચર્ચાની આશા કેવી રીતે કરી શકાય છે? આ ચર્ચાથી બચવા માટે તેઓ હંગામો કરશે જ.
કેટલાંક સમય પહેલા મીડિયાએ દેશમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધ માહોલ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેનાથી સરકારને જ્યારે વ્યવસ્થા પરિવર્તનનું જોખમ મહેસૂસ થવા લાગ્યું, તો તેમણે જનાતનું ધ્યાન ભ્રષ્ટાચારથી હટાવીને લોકપાલ બિલ પર લગાવી દીધું. હવે લોકપાલ બિલનો મુસદ્દો કરીને ચર્ચાને એ તરફ વાળી દીધી છે કે વડાપ્રધાન લોકપાલ હેઠળ લાવવામાં આવવા જોઈે કે નહીં. આ આખી કવાયત ભ્રષ્ટાચારથી આમ જનતાનું ધ્યાન હટાવવાની સમજી-વિચારીને કરાયેલી સાજિશ છે. 

આપણે કોઈ એવી રાજકીય અને ચૂંટણી વ્યવસ્થા પર ચર્ચા કેમ કરતાં નથી, જેમાં એક સાચા અને ઈમાનદાર વ્યક્તિ વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચે. એવો ભ્રષ્ટ વ્યક્તિ વડાપ્રધાન તરીકે ચૂંટાય જ નહીં કે જેના પર પહેરો બેસાડવો પડે. અને પછી તમે કેટલાં પર પહેરા બેસાડી લેશો? વડાપ્રધાન પર પહેરો કરનાર જ ભ્રષ્ટ થઈ જાય તો શું તેની ઉપર, પછી તેનાથી પણ ઉપર વધુ એક પહેરો બેસાડતા જઈશું?
સમય આવી ગયો છે કે હવે ભ્રષ્ટાચાર ખતમ કરવાના અને સંસદની ગરિમાને બચાવવાના છીછરા પ્રયાસો બંધ કરી આ સમસ્યાના મૂળ પર પ્રહાર કરવામાં આવે. રાજકીય અને ચૂંટણી વ્યવસ્થામાં એવો ફેરફાર કરવામાં આવે, જેનાથી ભ્રષ્ટાચાર ખતમ થઈ શકે અને જનતાના સાચા હમદર્દ જ ચૂંટાઈને સંસદ સુધી પહોંચે.
(સૌજન્ય- પ્રભાત ખબર)