Saturday, 25 March 2023

રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ્દ, કોંગ્રેસને વિપક્ષનો સાથ-ભાજપનો પલટવાર -

- આનંદ શુક્લ

રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા ગયા બાદ લડાઈ ચાલુ રહેશેનો હુંકાર ભર્યો છે. અન્ય વિપક્ષી દળોએ પણ કોંગ્રેસને સાથ આપ્યો છે.  તો ભાજપે પણ પલટવાર કરીને રાહુલ ગાંધીને નિશાને લીધા છે.

મોદી સરનેમ બદનક્ષી કેસમાં સુરત કોર્ટમાંથી 2 વર્ષની સજા પામેલા રાહુલ ગાંધી હવે લોકસભા સચિવાલયની કાર્યવાહી બાદ ભૂતપૂર્વ સાંસદ થઈ ચુક્યા છે. નોટિફિકેશન પ્રમાણે, તેમનું સંસદ પદ 23 માર્ચથી રદ્દ કરાયું છે. તેમના બહેન પ્રિયંકા ગાંધીએ કહ્યુ છે કે અમારી રગોમાં દોડતા લોહીની ખાસિયત છે કે સત્તાલોભી તાનાશાહ સામે ઝુક્યા નથી અને ઝુકીશું નહીં.

તો કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કાર્યવાહીને યોગ્ય ઠેરવતા કહ્યુ છે કે રાહુલ ગાંધી ગાળ આપી રહ્યા હતા. તેઓ કોઈ લોકતાંત્રિક ચર્ચા કરી રહ્યા ન હતા.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે મોદીના ન્યૂ ઈન્ડિયામાં વિપક્ષી નેતાઓ નિશાને છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમને સૌથી ઓછું ભણેલા અને ઈતિહાસમાં સૌથી ભ્રષ્ટ પીએમ ગણાવીને રાહુલ ગાંધીને સમર્થન આપ્યું છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે આજે ચોરને ચોર કહેવો પણ ગુનો થઈ ગયું છે. તો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ પોતાના નેતાઓ આઝમ ખાન અને તેમના પુત્રની વિધાનસભા સદસ્યતા જવાના મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે.

 

2013નું “કમ્પ્લિટ નોનસેન્સ” એક્ટ રાહુલ ગાંધીને ભારે પડયું - -

 

-  આનંદ શુક્લ

મનમોહનસિંહ સરકારના સુપર બોસ હોવાનું દર્શાવવા માટે કરવામાં આવેલી એક નોન-સેન્સ હરકત આજે રાહુલ ગાંધી માટે કમ્પ્લિટ નોન-સેન્સ સાબિત થઈ છે. ચર્ચા છે કે મનમોહનસિંહ સરકારના ઓર્ડિનન્સને કમ્પ્લિટ નોન-સેન્સ ગણાવીને જાહેરમાં ફાડનારા રાહુલ ગાંધીને આજે હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે.

સપ્ટેમ્બર-2013નું નોન-સેન્સ 24 માર્ચ, 2023ના રોજ કમ્પ્લિટ નોનસેન્સ સાબિત થયું છે. ભારતીય રાજનીતિ કોઈ 3 કલાકની ફિલ્મ નથી કે જેમાં એન્ગ્રીયંગ મેનની ભૂમિકા ભજવીને અમિતાભ બચ્ચનની જેમ મિલેનિયમ સ્ટાર બની જવાય. આ એટલા માટે યાદ કરવું પડે છે, કારણ કે મોદી સરનેમ પર વાંધાજનક ટીપ્પણીના બદનક્ષી કેસમાં સુરતની કોર્ટમાંથી 2 વર્ષની સજા મળ્યા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીની સદસ્યતાને રદ્દ કરીને તેમને હાલ તો પૂર્વ સાંસદ બનાવી દીધા છે.

આના માટે રાહુલ ગાંધીની સપ્ટેમ્બર-2013માં કરવામાં આવેલી એક જ ભૂલ જવાબદાર હોવાનું કહેવામાં આવે છે. રાહુલ ગાંધીએ યુપી વિધાનસભાની ચૂંટણી વખતે ભ્રષ્ટાચારના મુદ્દે વાત કરતા તત્કાલિન મનમોહન સરકારના ઓર્ડિનેન્સની કોપી ફાડી હતી. જો કે તે પણ એક નાટક હોવાનું બાદમાં મીડિયાએ ઉજાગર કર્યું હતું.

મનમોહનસિંહની સરકાર સુપ્રીમ કોર્ટના એક ચુકાદા બાદ વટહુકમ લાવી હતી. આ વટહુકમાં 2 વર્ષ અથવા તેથી વધારેની સજાના તુરંત બાદ કોઈ ધારાસભ્ય અથવા સાંસદની સદસ્યતા નહીં છીનવવાની જોગવાઈ હતી.

પરંતુ કોંગ્રેસના તત્કાલિન ઉપાધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીએ સુપર બોસની અદામાં મનમોહનસિંહ સરકારે લાવેલા ઓર્ડિનેન્સને કમ્પ્લિટ નોન-સેન્સ ગણાવીને ફાડી નાખ્યો હતો. ત્યારે પણ રાહુલ ગાંધી પર એ કહેતા નિશાન સાધવામાં આવ્યું હતું કે તેમણે ચૂંટાયેલી સરકારના કેબિનેટ દ્વારા પારીત વટહુકમને ફાડવાની ભૂલ કરી છે.

જુલાઈ-2013માં લિલી થોમસ વિરુદ્ધ ભારત સરકાર કેસમાં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાથી આ મામલો શરૂ થયો હતો. સુપ્રીમ કોર્ટે જનપ્રતિનિધિત્વ કાયદાની કલમ-8 પેટા કલમ-4ને રદ્દ કરી હતી. તેમાં કોઈ ધારાસભ્ય અથવા સાંસદને સજા મળ્યા બાદ ત્રણ માસનો સમય અપીલ માટે મળતો હતો. તેના પછી અપીલ પર ચુકાદા સુધી તેમની સદસ્યતા જળવાય રહેવાની જોગવાઈ હતી. આ ચુકાદાને પલટવા માટે તત્કાલિન મનમોહન સિંહની સરકાર ઓર્ડિનન્સ લાવી હતી. તેને રાહુલ ગાંધીએ કમ્પ્લિટ નોનસેન્સ ગણાવીને ફાડી નાખ્યો હતો. તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ ત્યારે આની સામે વાંધો વ્યક્ત કર્યો હતો અને તેમણે કેન્દ્રીય કાયદા મંત્રીને બોલાવીને સ્પષ્ટીકરણ માંગ્યું હતું. જો આજે તે ઓર્ડિનન્સને ફાડવામાં આવ્યો ન હોત, તો આજે તેની જોગવાઈઓથી રાહુલ ગાંધી પોતાનું સાંસદ પદ બચાવી લેત..

હવે ટ્રાયલ કોર્ટ રાહુલ ગાંધીની સજા ઘટાડે અથવા સમાપ્ત કરે. તેના સિવાય હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જઈને તેઓ રાહતની અપીલ કરે અને ઉપલી અદાલતો સજા ઘટાડો તો ફરીથી રાહુલ ગાંધીનું સાંસદ પદ બહાલ થઈ શકે છે.

 

કોર્ટના ચુકાદા પર રાહુલ ગાંધી સામે કાર્યવાહી થઈ છે, આમા જયરામ રમેશ ભારતીય લોકશાહી માટે ઓમ શાંતિ કેમ? -

- આનંદ શુક્લ

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ થયા બાદ જયરામ રમેશે કહ્યુ છે ભારતીય લોકશાહી ઓમ શાંતિ... તો કોંગ્રેસે ટ્વિટર હેન્ડલ પરથી જણાવ્યું છે લડાઈ ચાલુ છે...

વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ્દ કરવામાં આવી છે. સુરત કોર્ટ દ્વારા મોદી સરનેમ બદનક્ષી કેસમાં 2 વર્ષની સજા બાદ લોકસભા સચિવાલયે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી બાદ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા છે. કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પર પ્રતિક્રિયા અપાય છે કે રાહુલ ગાંધીજીની લોકસભા સદસ્યતા સમાપ્ત કરી દેવાય. તેઓ તમારા અને આ દેશ માટે સતત સડકથી સંસદ સુધી લડી રહ્યા છે, લોકશાહીને બચાવવાની દરેક શક્ય કોશિશ કરી રહ્યા છે. દરેક ષડયંત્ર છતાં તેઓ આ લડાઈ કોઈપણ કિંમતે ચાલુ રાખશે અને આ મામલામાં ન્યાયસંગત કાર્યવાહી કરશે. લડાઈ ચાલુ છે.

તો તેમના બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે જે લોકોએ દેશના નાણાં લૂંટયા, ભાજપ તેમના બચાવમાં કેમ ઉતર્યું છે ? તપાસથી કેમ ભાગી રહ્યું છે? જે લોકે તેમના પર સવાલ ઉઠાવી રહ્યા છે, તેમના પર કેસ કરવામાં આવે છે. શું ભાજપ ભ્રષ્ટાચારીઓનું સમર્થન કરે છે? નીરવ મોદી ગોટાળો- 14 હજાર કરોડ, લલિત મોદી ગોટાળો- 425 કરોડ, મુકુલ ચોકસી ગોટાળો- 13500 કરોડ॥

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ છે કે રાહુલ ગાંધીના સાચું બોલવાની સજા મળી છે. રાહુલ ગાંધી દેશની સચ્ચાઈને સૌની સામે મૂકી રહ્યા છે, આ ભાજપને પસંદ નથી. અમે લડતા રહીશું, લોકશાહીની સુરક્ષા કરવા માટે જેલમાં જવા માટે પણ તૈયાર છીએ.

તો કોંગ્રેસના મીડિયા પ્રભારી મહાસચિવ જયરામ રમેશે કહ્યુ છે કે અમે કાયદાકીય અને રાજકીય બંને રીતે આ લડાઈ લડીશું. અમે ભયભીત અથવા મૌન નહીં થઈએ. પીએમ સાથે જોડાયેલા અદાણી મહામેગા ગોટાળામાં જેપીસીના સ્થાને રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવાયા છે. ભારતીય લોકશાહી ઓમ શાંતિ.

તો શશી થરુરે પણ કોર્ટના ચુકાદાના 24 કલાકમાં આ કાર્યવાહીની ઝડપને લઈને સ્તબ્ધ થઈ ગયાની વાત કહી છે. તેમણે આને લોકશાહી માટે અશુભ સંકેત ગણાવ્યા છે. તો દિગ્વિજયસિંહે આ બધું પીએમ મોદીના નિર્દેશથી થયાનો દાવો કર્યો છે અને કહ્યુ છે કે અદાણી પર જેપીસી કરાવીને રહીશું.

લોકસભાની સદસ્યતા જવી રાહુલ ગાંધી માટે રાજકીય શહાદત કે રાજકીય કારકિર્દી રોળનારી ઘટના? -

 

- આનંદ શુક્લ

લોકસભા સચિવાયલે સુરત કોર્ટના 2 વર્ષની સજાના ચુકાદા બાદ ત્વરીત કાર્યવાહી કરીને રાહુલ ગાંધીની સંસદની સદસ્યતાને રદ્દ કરી છે. રાહુલ ગાંધીને લાગેલો આંચકો તેમને પોલિટિકલી શહીદ બનાવશે કે તેમની રાજકીય કારકિર્દીને રોળનાર સાબિત થશે? આનાથી કોંગ્રેસને ફાયદો થશે કે વિપક્ષી એકતામાં કોંગ્રેસની પીએમ પદના ચહેરાની 2024ની દાવેદારીની હવા નીકળી જશે?

લંડનથી પાછા ફર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં દુર્ભાગ્યે  હું સાંસદ છું અને મને આશા છે કે મને સંસદમાં બોલવા દેવામાં આવશે, તેવું કહ્યું હતું. પરંતુ તેમની બાજૂમાં બેઠેલા કોંગ્રેસના મીડિયા પ્રભારી જયરામ રમેશે તેમના કાનમાં કહ્યુ હતુ કે તમે કહ્યુ કે દુર્ભાગ્યથી હું સાંસદ છું, આના પર તેઓ તમારી મજાક ઉડાવી શકે છે. આ વાત માઈકમાં રેકોર્ડ થઈ હતી. પરંતુ હવે રાહુલ ગાંધીને મોટો આંચકો લાગ્યો છે અને લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ્દ કરી છે. સૂરત કોર્ટમાં મોદી સરનેમ માનહાનિ કેસમાં બે વર્ષની સજા અને ઉપલી અદાલતમાં જવા માટે 30 દિવસના જામીન પર રહેલા રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી માટે હાલ આને એક દુર્ભાગ્ય માનવામાં આવે છે.

જનપ્રતિનિધિ કાયદા પ્રમાણે, જો સાંસદ અને ધારાસભ્યને કોઈ મામલામાં 2 વર્ષ કે તેથી વધારે સજા થાય તો તેમાં તેની સદસ્યતા રદ્દ થઈ શકે છે. એટલું જ નહીં સજાની અવધિ પૂર્ણ કર્યા બાદ 6 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે અયોગ્ય પણ થાય છે. એટલે કે કુલ આઠ વર્ષ માટે ચૂંટણીથી દૂર રહેવું પડે છે.

રાહુલ ગાંધી પાસે હજીપણ પોતાની લોકસભાની સદસ્યતા બચાવવાના વિકલ્પ છે. પોતાને રાહત માટે તેઓ હાઈકોર્ટમાં ચુકાદાને પડકારી શકે છે. જ્યાં સૂરત સેશન કોર્ટ ચુકાદા પર સ્ટે લગાવે, તો સદસ્યતા બચી શકે છે. હાઈકોર્ટ સ્ટે લગાવી નહીં તો તેવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટમાં પણ તેઓ જઈ શકે છે. સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મળવાની સ્થિતિમાં પણ તેમની સદસ્યતા બચી શકે છે. પરંતુ જો ઉપલી અદાલતમાંથી રાહત નહીં મળે, તો રાહુલ ગાંધી 8 વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં.

રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારની રેલીમાં 13 એપ્રિલ, 2019માં કહ્યુ હતુ કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની સરનેમ કોમન કેમ છે? તમામ ચોરોની સરનેમ મોદી કેમ હોય છે? ભાજપના નેતા પુર્ણેશ મોદીની ફરિયાદના આધારે રાહુલ ગાંધીને સુરત કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી.

જો કે સુરત કોર્ટે 15 હજાર રૂપિયાના જાત મુચરકા પર જામીન આપતા જામીન આપ્યા હતા. કોર્ટે પોતાના 170 પૃષ્ઠોના ચુકાદામાં કહ્યુ છે કે આરોપી ખુદ સાંસદ છે અને સુપ્રીમ કોર્ટની સલાહ બાદ પણ આચરણમાં કોઈ પરિવર્તન આવ્યું નથી.

ગાંધીજી પાસે કોઈ ડિગ્રી નહીં હોવાનો જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલનો દાવો -

 

-  આનંદ શુક્લ

ભારતીયોના દિલોમાં રાષ્ટ્રપિતાનો દરજ્જો ધરાવતા મહાત્મા ગાંધી પાસે કોઈ ડિગ્રી નહીં હોવાનો દાવો થયો છે. આ દાવો બીજા કોઈએ નહીં, પણ કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ કર્યો છે.

મહાત્મા ગાંધી તેમના બેરિસ્ટર હતા અને લંડન તેમજ દક્ષિણ આફ્રિકામાં તેમણે વકીલાત કરી હતી. પરંતુ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાનો દાવો છે કે ગાંધીજી પાસે કોઈ ડિગ્રી ન હતી. થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ડિગ્રી પર પણ સવાલો ઉઠયા હતા. હવે ગાંધીજીની ડિગ્રી પર બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિએ મોટો દાવો કર્યો છે.

મનોજ સિંહાએ ગ્વાલિયરની આઈટીએમ યુનિવર્સિટીમાં 23 માર્ચે પોતાના સંબોધનમાં શહીદ દિવસ પર આ દાવો કર્યો હતો. મનોજ સિંહાએ ગાંધીજી માટે સારી વાતો કહેતા કહ્યુ હતુ કે જેટલા પડકારો આવ્યા, જેટલી પરીક્ષાઓ આવી, તેમણે સત્ય ક્યારેય છોડયું નહીં અને મહાત્મા ગાંધીએ અંતરનાદને ઓળખી લીધો. પરિણામ થયું કે રાષ્ટ્રપિતા બની ગયા. એક અન્ય બાબત તમને કહેવા માંગુ છું. કદાચ ઓછા લોકોને ખબર હોય. દેશના ઘણાં ભણેલા-ગણેલાઓને પણ ભ્રાંતિ છે કે ગાંધીજી પાસે લૉ ડિગ્રી હતી. ગાંધીજી પાસે કોઈ ડિગ્રી ન હતી. મંચ પર બેઠેલા કેટલાક લોકો પણ આ વાતનો પ્રતિકાર કરશે, પરંતુ હું તથ્યો સાથે વાત કરીશ.

મનોજ સિંહાએ કહ્યુ હતુ કે  કોણ કહેશે કે ગાંધીજી શિક્ષિત-પ્રશિક્ષિત ન હતા? પરંતુ શું તમને ખબર છે કે તેમની પાસે કોઈ યુનિવર્સિટી ડિગ્રી અથવા ક્વાલિફિકેશન ન હતું. તેમની પાસે બસ એક હાઈસ્કૂલ ડિપ્લોમા હતો. લૉ પ્રેક્ટિસ કરવા માટે તેમણે ક્વાલિફાઈ કર્યું હતું, પરંતુ તેમની પાસે કોઈ લૉ ડિગ્રી ન હતી.

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ આ વાત કહીને શિક્ષણ માટે ડિગ્રી જરૂરી નહીં હોવાની વાતો કરવા લાગ્યા હતા. જો કે એમકેગાંધી ડોટ ઓઆરજી પ્રમાણે, ગાંધીજીએ યુનિવર્સિટી કોલેજ લંડનથી ત્રણ વર્ષોમાં કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરી હતી તેવો ઉલ્લેખ છે.

 

ચારા ચોરવીરના લાલે ગુજરાતીઓને ઠગ ગણાવવાની કરી ગુસ્તાખી -

 - આનંદ શુક્લ

રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને વિવાદીત ટીપ્પણી કરીને પોતાની સંસદીય સદસ્યતા પર જોખમ વ્હોરી લીધું છે. હવે ઈડી-સીબીઆઈના સકંજામાં ફસાયેલા આરજેડીના નેતા અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ ગુજરાતીઓની લાગણીને ઠેસ પહોંચાડતું નિવેદન કરીને હદ વટાવી છે.

પીએનબી ગોટાળાના આરોપી મેહુલ ચોક્સી પરથી રેડ ક્રોસ નોટિસ હટાવવાને મામલે વાત કરતા બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ગુજરાતીઓ પર વિવાદીત ટીપ્પણી કરી છે. તેજસ્વી યાદવની ટીપ્પણી વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ગુજરાતી જ ઠગ હોઈ શકે છે. પણ ભાઈ તેજસ્વી યાદવ તમારી રાજકીય લડાઈ અલગ છે અને ગુજરાતીઓને ઠગ ગણાવવા અલગ છે, આ વધારે પડતું પણ તમને નથી લાગતું...?

વાયરલ વીડિયોમાં તેજસ્વી યાદવ મેહુલ ચોક્સીને મળેલી રાહતને લઈને કહેતા સંભળાય છે કે  બે ઠગ છે ને. આજે દેશની સ્થિતિ જોવામાં આવે તો માત્ર ગુજરાતી જ ઠગ હોઈ શખે છે અને તેમના ઠગને માફ કરવામાં આવશે. એલઆઈસીના પૈસા, બેંકાના પૈસા આપી દો અને પછી તે લોકો લઈને ભાગી જાય તો કોણ જવાબદાર હશે? અથવા આ ભાજપાઈ જ ભાગી જાય તો શું થશે? કેટલા લોકો છે આવા. તેમના મિત્રો તેમના યાર, જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, પરંતુ તેમના પોપટ પાંજરામાંથી નીકળતા નથી.

મેહુલ ચોકસી સિવાય તેજસ્વી યાદવે તેમના અને તેમના પરિવાર પર લેન્ડ ફોર જોબ મામલે સીબીઆઈ અઆને ઈડીની કાર્યવાહીને લઈને નિવેદન આપ્યું હતું. તેજસ્વીને રિપોર્ટરે પુછયું કે ભાજપના લોકો કહે છે કે તેજસ્વી યાદવને જેલમાં જવું પડશે, તો તેમણે કહ્યુ હતુ કે ભાજપ જે ઈચ્છશે તે જ થશે? તાનાશાહી છે શું ? ત્યારે તો અમે કહી રહ્યા છીએ કે લોકશાહી અને બંધારણ ખતરામાં છે. આ લોકો બધું કંટ્રોલ કરવા માંગે છે. બે વાર સીબીઆઈએ તપાસ કરી લીધી છે. લીગલ મેટર છે, માટે લીગલી સામનો કરીશું અમે લોકો. પરંતુ આ જાણવું જરૂરી છે કે તેની પાછળ સ્ક્રિપ્ટ રાઈટર છે કોણ?

તેજસ્વી યાદવના નિવેદન પર બિહાર ભાજપ સોશયલ મીડિયા પ્રબંધન વિભાગના પ્રમુખ રંજન કુમાર ગૌતમે કટાક્ષ કરતું ટ્વિટ કર્યું હતું કે તેજસ્વી યાદવે બધાં ગુજરાતીઓને ઠગ ગણાવ્યા, ચારા ચોરવીરના લાલ તેજસ્વી યાદવના વક્તવ્યને હંમેશા યાદ રાખજો ગુજરાતવાસીઓ... ગુજરાત આવવા પર આને દાંડિયા નૃત્ય કરાવીને પશુઓનો ચારો ખવડાવવાનું ભૂલતા નહીં.

મહત્વપૂર્ણ છે કે પંજાબ નેશનલ બેંક ગોટાળાના આરોપી મેહુલ ચોક્સીને ઈન્ટરપોલમાંથી મોટી રાહત મળી છે. અપરાધ નિયંત્રણ અને પોલીસ સહયોગ સાથે જોડાયેલા આ આંતરરાષ્ટ્રીય સંગઠને ચોક્સી પર લગાવેલી રેડ કોર્નર નોટિસ પાછી ખેંચી લીધી છે. મેહુલ ચોકસી 13 હજાર 500 કરોડ રૂપિયાના પીએનબી ગોટાળાના મુખ્ય આરોપીઓમાં સામેલ છે. તે જાન્યુઆરી-2018માં ભારતમાંથી ફરાર થયો હતો. આને સીબીઆઈની મેહુલ ચોકસીને ભારત લાવવાની કોશિશને આંચકા તરીકે જોવાય છે.

ટ્રોલિંગથી રાહુલ ગાંધી ચિઢાયા

 

 -  આનંદ શુક્લ

સોશયલ મીડિયા પર રાહુલ ગાંધીને ઘણી બાબતો પર ટ્રોલ કરવામાં આવે છે.  કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના જેકેટ પર હાથ લગાવતા વીડિયોની ક્લિપ વાયરલ કરીને દાવો કરાયો હતો કે રાહુલ ગાંધી પોતાનું નાક સાફર કરીને જેકેટ પર લુંછી રહ્યા છે. રાહુલ ગાંધીએ જૂના વીડિયો પર આજે સંસદ પરિસરમાંથી બહાર આવતી વખતે કટાક્ષ કર્યો હતો.

સોશયલ મીડિયા માહિતી માટે વરદાન છે. પરંતુ દુષ્પ્રચાર માટેનું હથિયાર પણ છે. રાહુલ ગાંધીનો એક જૂનો વીડિયો વાયરલ થયો હતો અને તેમા દાવો કરાયો હતો કે મલ્લિકાર્જૂન ખડગેની પીઠ પર પોતાનું નાક સાફ કરીને લુછી રહ્યા છે. જો કે આ વાયરલ વીડિયો જેવું બતાવાયું છે, તેવો ન હતો.

રાહુલ ગાંધીએ સંસદ પરિસરની બહાર આવી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને સહારો આપતા દેખાયા હતા અને પોતાના જૂના વીડિયો પર તેમણે કટાક્ષ પણ કર્યો હતો.

રાહુલ ગાંધી આ વીડિયોમાં ખડગેને કહેતા દેખાય રહ્યા છે કે જો હું તમને હાલ અડું છું, તો તેઓ કહે છે કે મેં તમારી પીઠ પર હું મારું નાક લુંછી રહ્યો છું. શું તમે જોયું છે? હું ત્યાં તમારી મદદ કરી રહ્યો છું, તે કહે છે કે હું નાક લુંછી રહ્યો છું.

રાહુલ ગાંધીએ આ કટાક્ષ મલ્લિકાર્જૂન ખડગેની સાથેના 18 માર્ચના વીડિયો પર તેમના ટ્રોલિંગ મામલે કર્યો હતો. તે વીડિયોમાં ખડગે અને રાહુલ ગાંધી સંસદમાંથી બહાર નીકળી રહ્યા હતા. રાહુલ ગાંધી મલ્લિકાર્જૂન ખડગેની પાછળ ચાલી રહ્યા હતા. રાહુલે તેમને પુછયું હતું કે ખડગેજીની કાર ક્યાં છે. ત્યારે એક શખ્સે કહ્યુ કે કાર પાછળ ઉભી છે. ત્યારે રાહુલ ખડગેને પુછે છે કે તમારે ક્યાં જવું છે? હું તમને મૂકી જવું. પછી બંને એક જ કારમાં બેસી ગયા.

મહત્વપૂર્ણ છે કે ગુરુવારે સુરતની કોર્ટે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા આપી હતી. તેની સાથે તેમને ઉપલી અદાલતમાં અપીલ માટે 30 દિવસના જામીન પણ મળ્યા છે. તેના પછી તેઓ સંસદની કાર્યવાહીમાં સામેલ થવા આવ્યા હતા. સંસદમાં સત્તાપક્ષ રાહુલ ગાંધીની લંડન સ્પીચ પર માફીની માગણી કરી રહ્યો હતો અને વિપક્ષ અદાણી-હિંડનબર્ગ મામલે જેપીસી તપાસની માગણી કરી રહ્યો હતો. હંગામાને કારણે કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત થઈ હતી.