Saturday, 25 March 2023

લોકસભાની સદસ્યતા જવી રાહુલ ગાંધી માટે રાજકીય શહાદત કે રાજકીય કારકિર્દી રોળનારી ઘટના? -

 

આનંદ શુક્લ

લોકસભા સચિવાયલે સુરત કોર્ટના 2 વર્ષની સજાના ચુકાદા બાદ ત્વરીત કાર્યવાહી કરીને રાહુલ ગાંધીની સંસદની સદસ્યતાને રદ્દ કરી છે. રાહુલ ગાંધીને લાગેલો આંચકો તેમને પોલિટિકલી શહીદ બનાવશે કે તેમની રાજકીય કારકિર્દીને રોળનાર સાબિત થશે? આનાથી કોંગ્રેસને ફાયદો થશે કે વિપક્ષી એકતામાં કોંગ્રેસની પીએમ પદના ચહેરાની 2024ની દાવેદારીની હવા નીકળી જશે?

લંડનથી પાછા ફર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં દુર્ભાગ્યે  હું સાંસદ છું અને મને આશા છે કે મને સંસદમાં બોલવા દેવામાં આવશે, તેવું કહ્યું હતું. પરંતુ તેમની બાજૂમાં બેઠેલા કોંગ્રેસના મીડિયા પ્રભારી જયરામ રમેશે તેમના કાનમાં કહ્યુ હતુ કે તમે કહ્યુ કે દુર્ભાગ્યથી હું સાંસદ છું, આના પર તેઓ તમારી મજાક ઉડાવી શકે છે. આ વાત માઈકમાં રેકોર્ડ થઈ હતી. પરંતુ હવે રાહુલ ગાંધીને મોટો આંચકો લાગ્યો છે અને લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ્દ કરી છે. સૂરત કોર્ટમાં મોદી સરનેમ માનહાનિ કેસમાં બે વર્ષની સજા અને ઉપલી અદાલતમાં જવા માટે 30 દિવસના જામીન પર રહેલા રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી માટે હાલ આને એક દુર્ભાગ્ય માનવામાં આવે છે.

જનપ્રતિનિધિ કાયદા પ્રમાણે, જો સાંસદ અને ધારાસભ્યને કોઈ મામલામાં 2 વર્ષ કે તેથી વધારે સજા થાય તો તેમાં તેની સદસ્યતા રદ્દ થઈ શકે છે. એટલું જ નહીં સજાની અવધિ પૂર્ણ કર્યા બાદ 6 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે અયોગ્ય પણ થાય છે. એટલે કે કુલ આઠ વર્ષ માટે ચૂંટણીથી દૂર રહેવું પડે છે.

રાહુલ ગાંધી પાસે હજીપણ પોતાની લોકસભાની સદસ્યતા બચાવવાના વિકલ્પ છે. પોતાને રાહત માટે તેઓ હાઈકોર્ટમાં ચુકાદાને પડકારી શકે છે. જ્યાં સૂરત સેશન કોર્ટ ચુકાદા પર સ્ટે લગાવે, તો સદસ્યતા બચી શકે છે. હાઈકોર્ટ સ્ટે લગાવી નહીં તો તેવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટમાં પણ તેઓ જઈ શકે છે. સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મળવાની સ્થિતિમાં પણ તેમની સદસ્યતા બચી શકે છે. પરંતુ જો ઉપલી અદાલતમાંથી રાહત નહીં મળે, તો રાહુલ ગાંધી 8 વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં.

રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારની રેલીમાં 13 એપ્રિલ, 2019માં કહ્યુ હતુ કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની સરનેમ કોમન કેમ છે? તમામ ચોરોની સરનેમ મોદી કેમ હોય છે? ભાજપના નેતા પુર્ણેશ મોદીની ફરિયાદના આધારે રાહુલ ગાંધીને સુરત કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી.

જો કે સુરત કોર્ટે 15 હજાર રૂપિયાના જાત મુચરકા પર જામીન આપતા જામીન આપ્યા હતા. કોર્ટે પોતાના 170 પૃષ્ઠોના ચુકાદામાં કહ્યુ છે કે આરોપી ખુદ સાંસદ છે અને સુપ્રીમ કોર્ટની સલાહ બાદ પણ આચરણમાં કોઈ પરિવર્તન આવ્યું નથી.

No comments:

Post a Comment