Showing posts with label manmohan. Show all posts
Showing posts with label manmohan. Show all posts

Thursday, 7 July 2011

બાંગ્લાદેશનું સત્ય


મહેન્દ્ર વેદ, સૌજન્ય- અમર ઉજાલા

બાંગ્લાદેશ પ્રવાસના ઠીક પહેલા વડાપ્રધાન મનમોહન સિંહની આ પડોશી દેશ પર ટિપ્પણીના કારણે પેદા થયેલી ગલતફેમી હવે દૂર થઈ ગઈ હોય તેમ લાગે છે. વિદેશ મંત્રી એસ. એમ. કૃષ્ણા બાંગ્લાદેશ પહોંચી ચુક્યા છે અને તેમણે સ્પષ્ટ કર્યુ છે કે વડાપ્રધાનની ટિપ્પણીથી બંને દેશોના સંબંધો પર અસર પડશે નહીં. બીજી તરફ જમાત-એ-ઈસ્લામીએ પણ સ્પષ્ટ કર્યું છે કે તે બંને દેશો વચ્ચે સારા સંબંધો ઈચ્છે છે.

વાસ્તવમાં વડાપ્રધાને કેટલાંક પત્રકારોની સાથે વાતચીતમાં કહ્યું હતું કે બાંગ્લાદેશની 25 ટકા વસ્તી એ ભારત વિરોધી જમાત-એ-ઈસ્લામીની કસમો ખાય છે, જેના પર પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની અસર છે. તેમણે એ પણ કહ્યું હતું કે બાંગ્લાદેશનું રાજકીય પરિદ્રશ્ય કોઈપણ સમયે બદલાઈ શકે છે. અમને ખબર નથી કે જે આતંકવાદી તત્વોની બાંગ્લાદેશની જમાત-એ-ઈસ્લામી પર પકડ છે, તેઓ શું કરવાના છે. વડાપ્રધાન તો આ ક્ષેત્રમાં વધી રહેલી કટ્ટરતા પર ભારતની ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. તેમની આ ટિપ્પણીએ સામાન્ય રીતે ભારતની મિત્ર ગણાતી બાંગ્લાદેશની શેખ હસીના સરકારને એવા સમયે બેકફૂટ પર લાવી દીધી, જ્યારે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી લંબિત મુદ્દાઓ પર વાત થવાની છે.

ખરેખર શેખ હસીના સરકારે ઉલ્ફા ઉગ્રવાદીઓને બાંગ્લાદેશમાંથી ખદેડીને અને તેમને ભારતને સોંપીને સાહસિક કામ કર્યુ છે. હવે તે આની અવેજમાં ભારત પાસેથી કેટલીક છૂટ ચાહે છે. શેખ હસીના ભારતના પૂર્વોત્તર ક્ષેત્રના અલગ-થલગ પડેલા ઉપેક્ષિત વિસ્તારોમાં આવાગમન માટે રસ્તો આપવા માટે પણ રાજી છે. જો કે આ બંને મુદ્દાઓને કારણે તેમને રાજકીય પક્ષો, ઈસ્લામી જૂથો, રાજકીય ગઠબંધનનો લાભ ઉઠાવનારા નિહિત સ્વાર્થી તત્વો અને ગેરકાયદેસર વેપાર તથા દાણચારી કરનારા વ્યાવસાયિક લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

એમા કોઈ શંકા નથી કે મનમોહન સિંહે જે કંઈ કહ્યું, તે બાંગ્લાદેશ સંદર્ભે ભારતના આંતરીક મૂલ્યાંકનનું જ પરિણામ છે. તેમણે શ્રીલંકા અને પાકિસ્તાન સંદર્ભે પણ વાત કરી, પરંતુ આ પડોશી દેશોથી ભાગ્યે જ કોઈ પ્રતિક્રિયા આવી હશે.

ધ્યાન આપવા જેવી વાત એ છે કે જે 25 ટકા બાંગ્લાદેશીઓને ભારત વિરોધી ગણાવાયા છે, તે ઉખાણાની જેમ છે. બાંગ્લાદેશની સૌથી મોટી ઈસ્લામી પાર્ટી જમાત-એ-ઈસ્લામી ક્યારેય પણ વધારે વોટ હાસિલ કરી શકી નથી. ગત બે ચૂંટણીઓમાં, 1991 અને 2001માં તે 300 બેઠકોમાંથી માત્ર 18 બેઠકો જ જીતી શકી છે. મહત્વનું એ છે કે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની બેગમ ખાલિદા ઝીયા સરકારમાં જમાત સામેલ હતી અને 2001થી 2006 દરમિયાન તેના બે મંત્રી સરકારમાં હતા અને આર્થિક તથા સામાજીક મામલાઓ પર તેમની પકડ હતી.

વાસ્તવમાં કટ્ટરપંતી શક્તિઓ ક્યાંય પણ બહુમતમાં નથી. પરવેઝ મુશર્રફ કહેતા હતા કે માત્ર પાંચથી દશ ટકા પાકિસ્તાની જ કટ્ટરપંથી છે. જો કે તેમની ભૂમિકા પાકિસ્તાની સમાજને સંપૂર્ણપણે કટ્ટર બનાવવામાં છે. વડાપ્રધાનની ટિપ્પણી કદાચ આ ચિંતાઓને જ દર્શાવે છે.  

બધાં જાણે છે કે બાંગ્લેદશ અને પાકિસ્તાનનો સંયુક્ત ઈતિહાસ છે. ભારત વિરુદ્ધ કામ કરનારી આઈએસઆઈનો પ્રભાવ પણ જાણીતી વાત છે. તે ભૂતકાળમાં બાંગ્લાદેશની ધરતી પર પૂર્વોત્તરના ઉગ્રવાદીઓને આશ્રય આપતી હતી. પરંતુ ભારતે હસીના સરકારની કોશિશોનો સ્વીકાર કરવો જોઈએ, જેણે પૂરી રીતે તો નહીં, તો કેટલીક હદ સુધી આવી પ્રવૃતિઓ પર અંકુશ લગાવ્યો છે. જ્યારે હકીકત એ છે કે ત્યાં પોલીસથી લઈને નોકરશાહી અને ન્યાયતંત્ર સુધીમાં ભારત વિરોધીઓ અને પાકિસ્તાન સમર્થકોની અસર છે.

આ સિવાય એક તથ્ય એ પણ છે કે 15 વર્ષોના સૈનિક શાસન અને દસ વર્ષના બેગમ ખાલિદા ઝીયાના શાસન દરમિયાન બાંગ્લાદેશમાં મધ્યમ વર્ગ વિકસ્યો છે, જે સામાન્ય રીતે હસીના વિરોધી છે. તાજેતરમાં ઢાકામાં થયેલી વિશ્વ કપની ક્રિકેટ મેચો દરમિયાન પાકિસ્તાની ઝંડા લહેરાવા અને પાકિસ્તાન સમર્થક સૂત્રો લગાવવા બાંગ્લાદેશી મધ્યમ વર્ગમાં પ્રચલિત ભાવનાનું જ પ્રમાણ છે. ત્યાં એ ભાવના છે કે તે ત્રણ બાજુથી ભારતથી ઘેરાયેલું છે અને ચોથી બાજું બંગાળની ખાડી છે. તેણે વગર કારણે ભારત પ્રત્યે ભયની એક માનસિકતા બનાવી લીધી છે. હવે તેના સંદર્ભે તો કંઈ થઈ શકે તેમ નથી.

તેમ છતાં પણ તેની પાકિસ્તાન સાથે સરખામણી કરવી ખોટી છે. આ મધ્યમ વર્ગમાં સ્વાધીનતા સંઘર્ષની ભાવના અને ભાષા-સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ પ્રબળ છે. ત્યાંની સંસ્થાઓ, ઉદાહરણ તરીકે બાંગ્લાદેશની સેના પાકિસ્તાની સેનાની વિપરીત લોકમત પ્રત્યે સંવેદનશીલ છે. બાંગ્લાદેશ પાકિસ્તાન કરતા વધારે લોકતાંત્રિક છે.

વડાંપ્રધાન શેખ હસીના પોતાની શક્તિઓ અને મર્યાદાને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશમાં ઘેરી પહોંચ ધરાવનારા શક્તિશાળી ઈસ્લામિક જૂથો પ્રત્યે સચેત છે. આ કારણ છે કે સૈન્ય શાસન સમયે સુપ્રીમ કોર્ટ દ્વારા બંધારણમાં કરવામાં આવેલા બે સુધારા રદ્દ કરીને તેમણે દેશને ઈસ્લામિક ગણરાજ્ય બનાવાથી બચાવી રાખ્યો. તેઓ ઈસ્લામી રીતિ-રીવાજોને કાયદાના પુસ્તકો સુધી જ સીમિત રહેવા દેવા ઈચ્છે છે.

બાંગ્લાદેશની જનતા કટ્ટરપંથી નથી અને ન તો તેઓ ધર્મના રાજનીતિકરણની મંજૂરી આપે છે. જો કે તે કટ્ટરવાદ વિરુદ્ધ સામૂહિક રીતે ત્યાં સુધી એકજૂથ નહીં થાય, જ્યાં સુધી બાંગ્લાદેશના રાજનેતા તેના માટે તૈયાર નહીં થાય. શું આ કોઈપણ આવા સમાજ (આપણા સમાજ સહીત)નું સત્ય નથી, જ્યાં સામાન્ય લોકો માટે ધર્મનું મહત્વ છે?

Sunday, 26 June 2011

મનમોહન સરકાર દ્વારા આમ આદમીની હત્યાનું ષડયંત્ર!

-આનંદ શુક્લ

આમ આદમીના નામે સત્તા પર આવીને ખાસ માટે કામ કરવાની રાજકારણીઓની વૃતિથી દેશમાં ગરીબી અને ગરીબોની સંખ્યા બંને વધી રહ્યાં છે. તેનાથી પણ વિકટ પરિસ્થિતિ છે કે દેશમાં ગરીબો માટે જીવન ખૂબ જ વિકટ બની ગયું છે. સરકાર ઔદ્યોગિક ગૃહો અને મૂડીપતિઓને ફાયદાકારક નીતિઓ પર ચાલી રહ્યું છે. તેંડૂલકર સમિતિના રિપોર્ટ પ્રમાણે દેશમાં 37 ટકા લોકો ગરીબીની રેખાની નીચે જીવન ગુજારી રહ્યાં છે કે જેમને દિવસના 20 રૂપિયા પણ મળી રહ્યાં નથી. આવી પરિસ્થિતિમાં મોંઘવારીએ દેશમાં માઝા મૂકી છે. મોંઘવારીને છૂટો દોર આપતા સરકારે તાજેતરમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને કેરોસિનના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. જેના કારણે મોંઘવારી અને ફૂગાવાના દર ફરીથી ઉંચી સપાટીએ જશે. કલ્યાણ રાજની વિચારધારાને સ્થાને વિકાસ રાજ્યની વિચારધારાને અપનાવીને સરકારે દેશની ઘોર ખોદી છે.

સરકારને વિકાસ દર ટકાવી રાખવો હોય છે અને આ વિકાસદર સરકાર પાસેની મહેસૂલના દરોને કારણે ટકી રહે છે. સરકારની મહેસૂલમાં વધારો થાય, તો જ દેશનો વિકાસદર વધે છે. માટે સરકારે જ્યારથી જનકલ્યાણને સ્થાને વિકાસની રાજનીતિ હેઠળ કામ કરવાની શરૂઆત કરી છે, ત્યારથી દેશમાં મૂડીપતિઓ વધ્યા છે, સરકારની તિજોરીમાં આવક વધી છે. પરંતુ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ દ્વારા અપનાવાયેલા અર્થશાસ્ત્રની ખાસિયત એ છે કે ગરીબોના ખિસ્સા બિલકુલ ખાલી થવા લાગ્યા છે અને જે લોકો ગરીબીની રેખાની આસપાસ છે, તેઓ ગરીબીની રેખા નીચે ધકેલાય જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આ બંને મહાનુભાવોનું અર્થશાસ્ત્ર ક્રિમિનલ છે અને તેમની નીતિઓ આર્થિક આતંકવાદની નીતિઓ છે. તાજેતરમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે, દેશમાં 1.53 લાખથી વધારે કરોડપતિઓ છે. પરંતુ આજે દેશનો ગરીબ વધારે ગરીબ બની રહ્યો છે. ત્યારે અત્રે વિચારવું પડે કે દેશની આર્થિક નીતિઓમાં ઘણી મોટી ખામી છે.

દેશમાં ગરીબીની રેખાની નીચે અથવા તેની આસપાસ આવતા પરિવારોની મોંઘવારીને કારણે શું હાલત થશે? પેટ્રોલ 68 રૂપિયે લિટર, ડીઝલ 44 રૂપિયે લિટર, રાધણ ગેસમાં એકસાથે 50નો વધારો, કેરોસિનના ભાવમાં વધારો, દાળના ભાવ 80-90ની આસપાસ, દૂધ 32 રૂપિયે લિટર, વીજળીના ભાવમાં તોળાઈ રહેલો ભાવવધારો, જેના કારણે પાંચ વર્ષ પહેલા ભારતમાં વ્યક્તિ જેટલી આસાનીથી જીવતો હતો, તેટલી આસાનીથી 2011માં આમ આદમી જીવી શકે તેમ નથી. મોંઘવારીની રફતાર વધતી જ રહી છે. 11 જૂને સમાપ્ત થયેલા અઠવાડિયામાં ફૂગાવાનો દર 9.06 ટકા, જ્યારે ખાદ્ય પદાર્થોમાં ફૂગાવાનો દર 9.13 ટકા પહોંચ્યો હતો. આ પરિસ્થિતિથી માત્ર આમ આદમી જ ચિંતિત નથી, રિજર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ આવા દબાણોને કષ્ટકારક બતાવ્યા છે. રિજર્વ બેંક ચિંતિત છે, પરંતુ લાગે છે કે સરકાર આ બાબતે જરાપણ ગંભીર નથી.

તેને કારણે તો સરકાર વારંવાર પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો કરવાથી બાજ આવતી નથી. આર્થિક નીતિની સામાન્ય જાણકારી રાખનાર પણ સમજી શકે છે કે ઈંધણની કિંમતોમાં વદારો કરવાથી લગભગ તમામ ચીજોના ભાવ વધશે. રિજર્વ બેંક તો પોતાની તરફથી પ્રયત્ન કરી રહી છે, બની શકે કે તે આગામી દિવસોમાં બેંકના રેટ વધારી દે, પરંતુ સરકારે આમ આદમી માટે જે કરવું જોઈએ તે કરી રહી નથી. દોષ માત્ર કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનો નથી. મોંઘવારી માટે શાસકને સ્થાને વેપારી બની ગયેલી કેન્દ્ર અને રાજ્યોની સરકારો બરાબરની ગુનેગાર છે. આપણી સરકારોને કોઈપણ કિંમતે મહેસૂલમાં વધારો જોઈએ છે.

ભાવ જેટલા વધશે, સરકારની આવક એટલી જ વધતી જવાની છે. ગત એક વર્ષમાં પેટ્રોલિયમ પેદાશોથી સરકારને પ્રાપ્ત થયેલી મહેસૂલમાં 21 ટકાનો વધારો થયો છે. જેના કારણે વર્ષ 2010-2011માં કેન્દ્ર સરકારની મહેસૂલ 1,35,434 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રાજ્ય સરકારો પણ આમાથી ઘણી મહેસૂલ પ્રાપ્તિ કરી રહી છે. 2009-10માં રાજ્ય સરકારોને 72,082 કરોડ રૂપિયાની મહેસૂલ મળી હતી અને વર્ષ 2010-11માં 89,991 કરોડ રૂપિયા મહેસૂલ મળી છે. સરકાર એક તરફ આપણા ખિસ્સા ખાલી કરી રહી છે, તો બીજી તરફ તે ઓઈલ કંપનીઓને ઉધારી માટે મજબૂર કરી રહી છે. સરકારી ઓઈલ કંપનીઓની ઉધારી 1,23,000 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહ વડાપ્રધાન છે અને વિદ્વાન પ્રણવ મુખર્જી નાણાં મંત્રી છે, ત્યારે સવાલ એ છે કે જનતાને આખરે કઈ રાહત થઈ? મોંઘવારી આમ આદમીની કમર તોડી રહી છે અને સરકારને માત્ર તેમની મહેસૂલની પડી છે. વધતી મોંઘવારી અને ઓઈલના કારોબાર પર નજર કરવામાં આવે, તો સરકાર નફાખોર વેપારીથી પણ ખરાબ વ્યવહાર કરી રહી છે.

સરકારનો તર્ક છે કે દેશનો વિકાસ તેને પ્રાપ્ત થતી મહેસૂલની આવકમાંથી થઈ રહ્યો છે, પરંતુ સરકાર ભૂલી જાય છે કે વધતી મોંઘવારી વિકાસ અને તેના માટેના પ્રયત્નોની વ્યાપકતાને અર્થહીન સાબિત કરવા લાગી છે. દેશમાં હાલ ચાલતી આર્થિક નીતિઓથી કેટલાંક લોકોને લાભ પહોંચતો હશે, પરંતુ મોટાભાગના લોકો મુશ્કેલીમાં છે. દેશના કરોડો પરિવારો ધસમસતા મોંઘવારીના પૂરમાં બેહાલ બની રહ્યાં છે. તેમને ત્યાં બે વખત ચુલો પણ સળગતો નથી. તો બીજી તરફ દેશના ઉદ્યોગપતિઓ વિશ્વના સૌથી ધનવાન લોકોની યાદીમાં સ્થાન પામે છે, દેશમાં કરોડપતિઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

ભારતના આમ આદમી પર ચારે તરફથી સરકાર પ્રહારો કરી રહી છે. એક તરફ ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે, તો બીજી તરફ ભોજન બનાવવાના સાધનો મોંઘા થઈ રહ્યાં છે. ત્યારે સવાલ એ છે કે યુપીએ સરકારને આમ આદમીની સરકાર ગણાવવાનો દાવો કરનારી કોંગ્રેસનો હાથ ક્યાં છે? શું આ હાથ 2જી સ્પેક્ટ્રમ, કોમનવેલ્થ ગેમ્સ, આદર્શ સોસાયટી જેવાં કૌભાંડોના રૂપિયા ભેગા કરવામાં લાગેલો છે? તો બીજી તરફ ભ્રષ્ટાચાર અને કાળું નાણું બે અલગ મુદ્દા છે. તેના સંદર્ભે બાબા રામદેવ અને અન્ના હજારેએ અનશન કર્યા છે. વળી અન્ના 16 ઓગસ્ટથી લોકપાલ મુદ્દે અનશન પર બેસવાના છે. ત્યારે બંનેએ સમજવું જોઈએ કે ભારતની તાત્કાલિક સમસ્યા આમ આદમીને મોંઘવારીને કારણે કઠિન બનેલા જીવનનું કષ્ટ છે. આ બંને અનશનવીરોએ હકીકતમાં મોંઘવારી સામે વ્યાપક અનશન આંદોલન ચલાવવું જોઈએ અને નફાખોર વેપારી જેવી વિકાસની આર્થિક નીતિઓ પર ચાલતી સરકારને જનકલ્યાણની વેલફેર સ્ટેટની આઝાદી વખતની નીતિઓ પર લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ.