Showing posts with label price rise. Show all posts
Showing posts with label price rise. Show all posts

Tuesday, 28 June 2011

મોંઘવારીથી 6 લાખ કરોડ રૂપિયાનું ભારણ વધ્યું


મોંઘવારીના કારણે ગત ત્રણ વર્ષ દરમિયાન ભારતીય ઘરો પર લગભગ 6 લાખ કરોડ રૂપિયાનો બોજો અલગથી પડી રહ્યો છે.

રિસર્ચ ફર્મ ક્રિસિલના એક અભ્યાસ પ્રમાણે, મોંઘવારીનો દર 2008-09થી 2010-11 વચ્ચે 8 ટકા થઈ ગયો, જે તેના ગત ત્રણ વર્ષમાં 5 ટકા જ હતો. તેના કારણે લોકોની ખરીદ શક્તિ ઘટી અને એકસ્ટ્રા ખર્ચ 5.8 કરોડ રૂપિયા વધી ગયો.

2008થી 2011 વચ્ચે ખાદ્ય પદાર્થોની કિંમત ફેકટરીમાં તૈયાર વસ્તુઓના મુકાબલે ઘણી વધારે ઝડપથી વધી છે. ખાદ્ય પદાર્થોના ભાવમાં તેજી શરૂઆતમાં સપ્લાઈની કમીને કારણે આવી, જેની અસર બાદમાં અન્ય વસ્તુઓ પર પણ પડી. તેમ છતાં પણ બજારમાં ખાદ્ય અને બિન-ખાદ્ય બંને પ્રકારના પદાર્થોની માંગ ઝડપથી વધી છે. તેનું કારણ એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગની આવક સતત વધી છે. આવક વધવાની સાથે જ પ્રોટીન આધારીત ખાદ્ય પદાર્થો જેમ કે ઈંડા, મીટ, માછલી, દૂધ વગેરેની માંગ પણ વધી છે.

મોંઘવારીની અસર પણ બધાં પર એક જેવી પડતી નથી. ગરીબ વર્ગના લોકો ખાદ્ય પદાર્થો પર આવકનો મોટો ભાગ ખર્ચ કરે છે. મોંઘવારી દર વધારવામાં ખાદ્ય પદાર્થોનું મહત્વનું યોગદાન હોવાને કારણે ગરીબો પર મોંઘવારીની અસર વધારે પડે છે. મધ્યમ વર્ગ પોતાની આવકનો મોટો ભાગ ટીવી, ફ્રિજ જેવી વસ્તુઓ પર ખર્ચ કરે છે. કંસ્યૂમર ડ્યૂરેબલ કેટેગરીની આ વસ્તુઓના ભાવ ઘટવાનો લાભ મધ્યમ વર્ગને મળ્યો છે. પરંતુ ખાદ્ય પદાર્થોની મોંઘવારીએ આ લાભને ફિક્કો કરી દીધો છે.

Sunday, 26 June 2011

મનમોહન સરકાર દ્વારા આમ આદમીની હત્યાનું ષડયંત્ર!

-આનંદ શુક્લ

આમ આદમીના નામે સત્તા પર આવીને ખાસ માટે કામ કરવાની રાજકારણીઓની વૃતિથી દેશમાં ગરીબી અને ગરીબોની સંખ્યા બંને વધી રહ્યાં છે. તેનાથી પણ વિકટ પરિસ્થિતિ છે કે દેશમાં ગરીબો માટે જીવન ખૂબ જ વિકટ બની ગયું છે. સરકાર ઔદ્યોગિક ગૃહો અને મૂડીપતિઓને ફાયદાકારક નીતિઓ પર ચાલી રહ્યું છે. તેંડૂલકર સમિતિના રિપોર્ટ પ્રમાણે દેશમાં 37 ટકા લોકો ગરીબીની રેખાની નીચે જીવન ગુજારી રહ્યાં છે કે જેમને દિવસના 20 રૂપિયા પણ મળી રહ્યાં નથી. આવી પરિસ્થિતિમાં મોંઘવારીએ દેશમાં માઝા મૂકી છે. મોંઘવારીને છૂટો દોર આપતા સરકારે તાજેતરમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને કેરોસિનના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. જેના કારણે મોંઘવારી અને ફૂગાવાના દર ફરીથી ઉંચી સપાટીએ જશે. કલ્યાણ રાજની વિચારધારાને સ્થાને વિકાસ રાજ્યની વિચારધારાને અપનાવીને સરકારે દેશની ઘોર ખોદી છે.

સરકારને વિકાસ દર ટકાવી રાખવો હોય છે અને આ વિકાસદર સરકાર પાસેની મહેસૂલના દરોને કારણે ટકી રહે છે. સરકારની મહેસૂલમાં વધારો થાય, તો જ દેશનો વિકાસદર વધે છે. માટે સરકારે જ્યારથી જનકલ્યાણને સ્થાને વિકાસની રાજનીતિ હેઠળ કામ કરવાની શરૂઆત કરી છે, ત્યારથી દેશમાં મૂડીપતિઓ વધ્યા છે, સરકારની તિજોરીમાં આવક વધી છે. પરંતુ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ દ્વારા અપનાવાયેલા અર્થશાસ્ત્રની ખાસિયત એ છે કે ગરીબોના ખિસ્સા બિલકુલ ખાલી થવા લાગ્યા છે અને જે લોકો ગરીબીની રેખાની આસપાસ છે, તેઓ ગરીબીની રેખા નીચે ધકેલાય જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આ બંને મહાનુભાવોનું અર્થશાસ્ત્ર ક્રિમિનલ છે અને તેમની નીતિઓ આર્થિક આતંકવાદની નીતિઓ છે. તાજેતરમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે, દેશમાં 1.53 લાખથી વધારે કરોડપતિઓ છે. પરંતુ આજે દેશનો ગરીબ વધારે ગરીબ બની રહ્યો છે. ત્યારે અત્રે વિચારવું પડે કે દેશની આર્થિક નીતિઓમાં ઘણી મોટી ખામી છે.

દેશમાં ગરીબીની રેખાની નીચે અથવા તેની આસપાસ આવતા પરિવારોની મોંઘવારીને કારણે શું હાલત થશે? પેટ્રોલ 68 રૂપિયે લિટર, ડીઝલ 44 રૂપિયે લિટર, રાધણ ગેસમાં એકસાથે 50નો વધારો, કેરોસિનના ભાવમાં વધારો, દાળના ભાવ 80-90ની આસપાસ, દૂધ 32 રૂપિયે લિટર, વીજળીના ભાવમાં તોળાઈ રહેલો ભાવવધારો, જેના કારણે પાંચ વર્ષ પહેલા ભારતમાં વ્યક્તિ જેટલી આસાનીથી જીવતો હતો, તેટલી આસાનીથી 2011માં આમ આદમી જીવી શકે તેમ નથી. મોંઘવારીની રફતાર વધતી જ રહી છે. 11 જૂને સમાપ્ત થયેલા અઠવાડિયામાં ફૂગાવાનો દર 9.06 ટકા, જ્યારે ખાદ્ય પદાર્થોમાં ફૂગાવાનો દર 9.13 ટકા પહોંચ્યો હતો. આ પરિસ્થિતિથી માત્ર આમ આદમી જ ચિંતિત નથી, રિજર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ આવા દબાણોને કષ્ટકારક બતાવ્યા છે. રિજર્વ બેંક ચિંતિત છે, પરંતુ લાગે છે કે સરકાર આ બાબતે જરાપણ ગંભીર નથી.

તેને કારણે તો સરકાર વારંવાર પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો કરવાથી બાજ આવતી નથી. આર્થિક નીતિની સામાન્ય જાણકારી રાખનાર પણ સમજી શકે છે કે ઈંધણની કિંમતોમાં વદારો કરવાથી લગભગ તમામ ચીજોના ભાવ વધશે. રિજર્વ બેંક તો પોતાની તરફથી પ્રયત્ન કરી રહી છે, બની શકે કે તે આગામી દિવસોમાં બેંકના રેટ વધારી દે, પરંતુ સરકારે આમ આદમી માટે જે કરવું જોઈએ તે કરી રહી નથી. દોષ માત્ર કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનો નથી. મોંઘવારી માટે શાસકને સ્થાને વેપારી બની ગયેલી કેન્દ્ર અને રાજ્યોની સરકારો બરાબરની ગુનેગાર છે. આપણી સરકારોને કોઈપણ કિંમતે મહેસૂલમાં વધારો જોઈએ છે.

ભાવ જેટલા વધશે, સરકારની આવક એટલી જ વધતી જવાની છે. ગત એક વર્ષમાં પેટ્રોલિયમ પેદાશોથી સરકારને પ્રાપ્ત થયેલી મહેસૂલમાં 21 ટકાનો વધારો થયો છે. જેના કારણે વર્ષ 2010-2011માં કેન્દ્ર સરકારની મહેસૂલ 1,35,434 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રાજ્ય સરકારો પણ આમાથી ઘણી મહેસૂલ પ્રાપ્તિ કરી રહી છે. 2009-10માં રાજ્ય સરકારોને 72,082 કરોડ રૂપિયાની મહેસૂલ મળી હતી અને વર્ષ 2010-11માં 89,991 કરોડ રૂપિયા મહેસૂલ મળી છે. સરકાર એક તરફ આપણા ખિસ્સા ખાલી કરી રહી છે, તો બીજી તરફ તે ઓઈલ કંપનીઓને ઉધારી માટે મજબૂર કરી રહી છે. સરકારી ઓઈલ કંપનીઓની ઉધારી 1,23,000 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહ વડાપ્રધાન છે અને વિદ્વાન પ્રણવ મુખર્જી નાણાં મંત્રી છે, ત્યારે સવાલ એ છે કે જનતાને આખરે કઈ રાહત થઈ? મોંઘવારી આમ આદમીની કમર તોડી રહી છે અને સરકારને માત્ર તેમની મહેસૂલની પડી છે. વધતી મોંઘવારી અને ઓઈલના કારોબાર પર નજર કરવામાં આવે, તો સરકાર નફાખોર વેપારીથી પણ ખરાબ વ્યવહાર કરી રહી છે.

સરકારનો તર્ક છે કે દેશનો વિકાસ તેને પ્રાપ્ત થતી મહેસૂલની આવકમાંથી થઈ રહ્યો છે, પરંતુ સરકાર ભૂલી જાય છે કે વધતી મોંઘવારી વિકાસ અને તેના માટેના પ્રયત્નોની વ્યાપકતાને અર્થહીન સાબિત કરવા લાગી છે. દેશમાં હાલ ચાલતી આર્થિક નીતિઓથી કેટલાંક લોકોને લાભ પહોંચતો હશે, પરંતુ મોટાભાગના લોકો મુશ્કેલીમાં છે. દેશના કરોડો પરિવારો ધસમસતા મોંઘવારીના પૂરમાં બેહાલ બની રહ્યાં છે. તેમને ત્યાં બે વખત ચુલો પણ સળગતો નથી. તો બીજી તરફ દેશના ઉદ્યોગપતિઓ વિશ્વના સૌથી ધનવાન લોકોની યાદીમાં સ્થાન પામે છે, દેશમાં કરોડપતિઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

ભારતના આમ આદમી પર ચારે તરફથી સરકાર પ્રહારો કરી રહી છે. એક તરફ ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે, તો બીજી તરફ ભોજન બનાવવાના સાધનો મોંઘા થઈ રહ્યાં છે. ત્યારે સવાલ એ છે કે યુપીએ સરકારને આમ આદમીની સરકાર ગણાવવાનો દાવો કરનારી કોંગ્રેસનો હાથ ક્યાં છે? શું આ હાથ 2જી સ્પેક્ટ્રમ, કોમનવેલ્થ ગેમ્સ, આદર્શ સોસાયટી જેવાં કૌભાંડોના રૂપિયા ભેગા કરવામાં લાગેલો છે? તો બીજી તરફ ભ્રષ્ટાચાર અને કાળું નાણું બે અલગ મુદ્દા છે. તેના સંદર્ભે બાબા રામદેવ અને અન્ના હજારેએ અનશન કર્યા છે. વળી અન્ના 16 ઓગસ્ટથી લોકપાલ મુદ્દે અનશન પર બેસવાના છે. ત્યારે બંનેએ સમજવું જોઈએ કે ભારતની તાત્કાલિક સમસ્યા આમ આદમીને મોંઘવારીને કારણે કઠિન બનેલા જીવનનું કષ્ટ છે. આ બંને અનશનવીરોએ હકીકતમાં મોંઘવારી સામે વ્યાપક અનશન આંદોલન ચલાવવું જોઈએ અને નફાખોર વેપારી જેવી વિકાસની આર્થિક નીતિઓ પર ચાલતી સરકારને જનકલ્યાણની વેલફેર સ્ટેટની આઝાદી વખતની નીતિઓ પર લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ.

Friday, 24 June 2011

મોંઘા ભોજનનો અર્થ


એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોની મોંઘવારી ઓછી કરવાની કોઈ રીત સરકાર પાસે નથી. 11 જૂને પૂર્ણ થયેલા સપ્તાહમાં ખાદ્ય પદાર્થોની મોંઘવારી વધીને 9.13 ટકા થઈ. 4 જૂને પૂર્ણ થયેલા સપ્તાહમાં તે 8.96 ટકા હતી. સરકાર અથવા નીતિ-નિર્માતા આ મોંઘવારીનો કોઈ ઉપાય શોધી શક્યા નથી, તમામ જાણકારોને પણ સમજ પડતી નથી કે મોંઘવારી કેવી રીતે ઓછી કરાય.

મુશ્કેલી એ છે કે માત્ર ખાદ્ય પદાર્થો જ નહીં, તમામ ચીજોની કિંમતો વધી રહી છે. રિજર્વ બેંક સતત વ્યાજ દરો વધારી રહી છે, પરંતુ મોંઘવારી કાબૂમાં આવી રહી નથી. રિજર્વ બેંકના અધિકારીઓનો અભિપ્રાય એ છે કે ખાદ્ય મોંઘવારી ઓછી કરવા માટે સ્થાયી ઉપાય એ છે કે ખાવા-પીવાની ચીજોની આપૂર્તિ વધારવામાં આવે. હવે આશા મોનસૂનથી છે કે જો સારો વરસાદ થશે તો મોંઘવારી ઓછી થાય, પરંતુ વરસાદથી પણ કેટલી આશા લગાવી શકાય. ગત વર્ષ શાનદાર મોનસૂન અને રેકોર્ડ ઉપજ છતાં મોંઘવારીમાં ક્યાં કોઈ ફરક પડયો?

હવે એક વાત સ્વીકાર કર્યા બાદ જ આગળ વધી શકાય છે કે ખાદ્ય પદાર્થોની આપૂર્તિમાં જે સમસ્યા છે, તેને દૂર કરીને જ આ મોંઘવારીનો ગ્રાફ સ્થાયી રીતે રોકી શકાય છે. સ્પષ્ટ છે કે જો આ સમસ્યાઓનો હલ કરી પણ લેવામાં આવે છે, તો તેની અસર થવામાં વખત લાગશે. માટે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ કોઈ નથી.

એક મોટી સમસ્યા એ છે કે ગત વર્ષોમાં ખેતીની તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી. ઘણાં વર્ષોથી ખેતીનો વિકાસદર લગભગ નગણ્ય જ રહ્યો છે, જ્યારે વસ્તી વધતી ગઈ છે અને અનાજની માગણી પણ વધી રહી છે. બીજી સમસ્યા એ છે કે જો અનાજ અથવા અન્ય ખાદ્ય વસ્તુઓ પેદા થાય છે, તેમનો ગ્રાહકો સુધી પહોંચવાનો રસ્તો બેહદ જટિલ, વાંકોચુકો અને કંટકો ભરેલો છે.

તેનાથી થાય છે એ કે જે ખાદ્ય વસ્તુઓ ઉપલબ્ધ છે, તે પમ ગ્રાહકો સુધી પહોંચતી નથી અથવા પહોંચે છે, તો તેમાં ઘણી બધી બરબાદી છે. તેમાં ઘણાં નાણાં ખર્ચ થાય છે અને સમય પણ બરબાદ થાય છે, જેનું પરિણામ વસ્તુઓની અછત અથવા ખૂબ મોંઘવારીના સ્વરૂપે સામે આવે છે. આપણે ત્યાં આપૂર્તિ શ્રૃંખલા એવી છે કે તેમાં માત્ર વચેટિયાઓને ફાયદો થાય છે, ખેડૂત અને ગ્રાહકો,બંને નુકસાનમાં રહે છે.

ખેતીની ઉત્પાદકતા વધારવાની ચર્ચા સરકારી ક્ષેત્રોમાં ગત એક-બે વર્ષમાં શરૂ થઈ છે, પરંતુ જમીની સ્તર પર તેને અમલમાં લાવવામાં કેટલાંક વધુ વર્ષ લાગી જશે. લગભગ 45 વર્ષ પહેલા શરૂ થયેલી હરિત ક્રાંતિ દેશના મોટા ભાગ સુધી પહોંચી નથી. ખાસ કરીને દેશના પૂર્વ ભાગમાં ખેતી પર વિશેષ ધ્યાન આપીને ખાદ્યાન્ન ઉત્પાદન મોટા પ્રમાણમાં વધારી શકાય છે.

બીજી સમસ્યા ભંડારણ અને વિતરણની છે. દર વર્ષે દેશમાં ન જાણે કેટલું અનાજ યોગ્ય ભંડારણ વગર સડી જાય છે. તેવી જ રીતે શાકભાજી અને ફળોનો લગભગ એક ચતુર્થાંસ બાગ ગ્રાહકો સુધી પહોંચતા પહેલા સડી જાય છે. યોગ્ય ભંડારણ, ગ્રાહકો સુધી ઝડપી પહોંચ અને વચેટિયાઓની સંખ્યામાં ઘટાડાથી ખાદ્ય મોંઘવારી પર લગામ લગાવી શકાય છે.

ખાદ્ય મોંઘવારીની તેજ ચાલ દેશના વિકાસ પર પણ બ્રેક લગાવી શકે છે, કારણ કે જે પરિવાર ગરીબી રેખાની હદમાં નથી, પરંતુ તેની આસપાસ છે, તેમની આવકનો મોટો ભાગ ભોજનમાં ખર્ચાય જાય છે. મોંઘા ભોજનનો અર્થ એ છે કે તેમની તે આવક, જે તેમનું જીવનસ્તર ઉઠાવવામાં મદદગાર થઈ શકતી હતી, તે ભોજન પર ખર્ચાય જશે. સસ્તુ ભોજન માત્ર સારા આરોગ્ય અને ઉત્પાદકતા માટે જ જરૂરી નથી, પરંતુ તે દેસના ગરીબ વર્ગોના જીવનસ્તરને ઉંચે ઉઠાવવામાં પણ મદદગાર છે. પરંતુ આ સ્પષ્ટ છે કે સમસ્યા પાયાગત છે, માટે તેનો ઉકેલ પણ ઘણો જ બુનિયાદી અને જમીની સ્તરનો હોવો જોઈએ.