Showing posts with label baba ramdev. Show all posts
Showing posts with label baba ramdev. Show all posts

Sunday, 3 July 2011

રાજકારણનો અર્થ ખજાનો શોધવાનો ધંધો



કે. એન. ગોવિંદાચાર્ય, રાજકીય વિચારક, સૌજન્ય- રાષ્ટ્રીય સહારા

આખો દેશ ભ્રષ્ટાચાર, કાળા ધન અને રાજકીય દળોના તકવાદથી પરેશાન છે.

પાર્ટીઓના બેવડાપણાંને કારણે કોઈ મુદ્દા પર કોઈ સ્પષ્ટ નીતિ બની રહી નથી. દેશમાં રાજનીતિ સામાજીક પરિવર્તન અને સેવાનું માધ્યમ ન થઈને પૈસાથી રાજનીતિ અને રાજનીતિથી પૈસા બનાવવાનો ખેલ બની ગઈ છે. પાર્ટીઓની સત્તોન્મુખ રાજનીતિને કારણે સામાન્ય કાર્યકર્તા હતાશ-પરેશાન છે. મોટાભાગના મુદ્દાઓ પર રાજકીય પક્ષોનો અભિપ્રાય એક જેવો બની રહ્યો છે. સુચિતાનો અભાવ સર્વત્ર દેખાઈ રહ્યો છે. રાજનીતિમાં સત્તા, સંપત્તિ અને સમ્માનનું જોડાણ થઈ ગયું છે.
રાજકીય પક્ષોનું આકલન મુખ્યત્વે પાંચ વાતોથી કરવાથી સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જાય છે. આ છે- પ્રેરણા, વિચારધારા, કાર્યપદ્ધતિ, આચરણ અને વ્યવહાર. આ વાતોને યોગ્ય રીતે કોઈ પક્ષમાં લાગુ કરવા માટે જરૂરી છે આત્મવિલોપન. કોઈ પક્ષમાં તેનો અભાવ થઈ જાય તો ગડબડો સ્વાભાવિક છે. કોઈ પક્ષ આ વાતોને સાધી લે છે તો તે સ્વાભાવિક પરિવર્તનનું ઓજાર બની જાય છે.

દુર્ભાગ્યથી આજે મોટાભાગના પક્ષોમાં તેનો અભાવ દેખાય છે, જે પક્ષમાં આની કમી થઈ જાય તે રાષ્ટ્રીય મહત્વના લક્ષ્યને પૂરા કરવામાં ઉપયોગી ભૂમિકા નિભાવી શકે નહીં. આવા પક્ષો તો સામાજીક અને આર્થિક હેસિયત વધારવાના માધ્યમ માત્ર બનીને રહી જાય છે. મૂલ્યો અને મુદ્દાઓથી ભટકેલા રાજકીય પક્ષોની સરકાર ભ્રષ્ટાચારના નવા-નવા રેકોર્ડ બનાવી રહી છે. નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચેની દીવાલ દિવસેને દિવસે પહોળી થઈ રહી છે. રાજકીય પક્ષ રાષ્ટ્રીય મહત્વના મુદ્દાના હલ કરવામાં નહીં, પરંતુ તેનો રાજકીય લાભ લેવામાં પોતાની ઊર્જા લાગવી રહ્યાં છે.

અત્યારે કહેવા માટે લોકપાલના સવાલ પર સત્તા અને વિપક્ષનો અભિપ્રાય જુદોજુદો છે. પરંતુ વિપક્ષી દલો પોતાના વિચાર જાહેર કરી રહ્યાં નથી, કારણ કે ભ્રષ્ટાચારના સવાલ પર મોટાભાગે તમામ પાર્ટીઓ અને સરકારોનો અભિપ્રાય સમાન છે. ભારતમાં સમગ્ર શાસક વર્ગે ભ્રષ્ટાચાર, કાળા ધન અને ઘણાં બધાં મુદ્દાઓ પર મૌન સંમતિ બનાવી લીધી છે. જ્યાં સુધી ગરીબપરસ્ત સરકાર બનતી નથી, ત્યાં સુધી ભ્રષ્ટાચાર ખતમ થઈ શકે નહીં. 

આજે જનપ્રતિનિધિ હોવાનો દાવો કરનારા સાંસદ, મંત્રી, ધારાસભ્ય- તમામ જનતાના નામે મૂડીવાદીઓ અને કોર્પોરેટ હાઉસોના હિતમાં કામ કરી રહ્યા છે. તેવામાં જ્યારે જનતા પોતાનો હક માંગી રહી છે તો તેના નેતાઓને જનતાના પ્રતિનિધિ માનવામાં આવી રહ્યા નથી. આ આશ્ચર્યજનક અને ખતરનાક સંકેત છે. હું તમામ રાજકીય પક્ષો પર બેવડાપણાંનો આરોપ લગાવી રહ્યો છું. પીએમઓ, ચીફ જસ્ટિસને લોકપાલની મર્યાદામાં રાખવામાં આવે કે નહીં, સત્તા પક્ષ સાથે જ વિપક્ષે પણ પોતાનો અભિપ્રાય રજૂ કરવો જોઈએ. પરંતુ વિપક્ષ તક શોધી રહ્યું છે. આ રાજકીય તકવાદની ચરમસીમા છે.

ભ્રષ્ટાચાર, કાળું ધન કોઈ અન્ના હજારે, બાબા રામદેવ અને ગોવિંદાચાર્યનો મુદ્દો નથી. બધાંએ આ રોગ વિરુદ્ધ એકજૂટ થઈ સત્તાપક્ષ સામે લડવું પડશે. સાથે જ વ્યક્તિગત અહમને ત્યાગવો પડશે. અનુભવ અને ઉદાહરણને જોતા કહી શકાય કે સત્તાપક્ષ અને વિપક્ષમાં કોઈ અંતર રહી ગયું નથી. નીતિ અને નિયતિ પણ તમામ રાજકીય પક્ષોની એક છે. હા, આ ખુશીની વાત છે કે જનતા દ્વારા આંદોલન થઈ રહ્યું છે. આ લોકશાહીની અસલી શક્તિ છે. જનતા હવે ભ્રષ્ટ સરકારોને સહન કરવાની વિરુદ્ધ છે. તેવામાં જો તેનું સમાધાન કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનો વધશે. સાથે જ સરકારી દમન વધાવની આશંકાથી પણ ઈન્કાર કરી શકાય નહીં.

લોકપાલ બિલ પર શરૂઆતથી જ સરકારનું વલણ ટાળવાનું છે. જનાક્રોશને ઓછો કરવા માટે યૂપીએ સરકારે લોકપાલ બિલ બનાવવાની વાત મંજૂર કરી હતી. ત્યાર બાદ જ તેઓ રામદેવના મુદ્દા પર દમન કરવા ઉતરી આવી. આનાથી તેની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. પહેલા દિવસથી જ સરકાર ખોટી નિવેદનબાજી અને છેતરપિંડી કરવા પર ઉતારુ છે. શાતિર લોકો પાસેથી અન્ના સદાશયતાની આશા કેમ રાખી રહ્યાં છે? લોકપાલ, ભ્રષ્ટાચાર અને કાળા ધન મુદ્દે સૌએ એકજૂટ થઈને સરકારની મનસાને બદલવી પડશે.

પ્રસ્તુતિ- પ્રદીપ સિંહ

Thursday, 30 June 2011

નેતૃત્વનું સંકટ


અભય કુમાર દુબે, સૌજન્ય- અમર ઉજાલા

સરકાર અને જાહેર જીવનના ભ્રષ્ટાચારથી બચવા માટે થઈ રહેલી જદ્દોજેહાદનું આગળ જઈને જે પણ પરિણામ નીકળે, પરંતુ ઓછામાં ઓછી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આ સમયે આપણો દેશ રાજકીય ક્ષેત્રમાં સક્ષમ અને કુશળ નેતૃત્વની ઘેરી કમીના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. સરકાર, વિપક્ષ અને લગભગ તમામ રાજકીય પક્ષો તો નેતૃત્વના સંકટના શિકાર છે જ, સરકાર વિરુદ્ધ નાગરીક હસ્તક્ષેપની ઈચ્છા રાખનારા તત્વોને પણ ખબર નથી કે રાજકીય નેતૃત્વ ખરેખર  શું છે. તેનું સૌથી વધારે દિલચસ્પ ઉદાહરણ ત્યારે જોવા મળ્યું, જ્યારે જન લોકપાલ બિલ માટે સંઘર્ષ કરી રહેલા અન્ના, વિદેશી બેંકોમાં જમા કાળું ધન કાઢવાનું અભિયાન ચલાવનારા બાબા રામદેવ અને આ બંનેના પ્રયત્નોના દમ પર પોતાની રાજનીતિને પાણી પાવાની કોશિશ કરનારા ગોવિંદાચાર્ય વચ્ચે આ મુદ્દાઓ પર ચર્ચા થઈ.

અન્નાનું કહેવુ હતુ કે રામદેવમાં સામાજીક આંદોલન ચલાવવા માટે જરૂરી નેતૃત્વ ક્ષમતાનો અભાવ છે. જ્યારે ગોવિંદાચાર્યનું કહેવુ હતુ કે રામદેવ અને અન્ના, બંને જ રાજકીય નેતૃત્વની ક્ષમતાથી વંચિત છે. એ સાચું છે કે રામદેવમાં જો રાજકીય કૌશલ હોત, તો તેઓ તે રાત્રે દેશના નાયક બની શકતા હતા. જો તેઓ સૂત્રો પોકારત ટેકેદારોથી ઘેરાઈને પોલીસને માત્ર અડધો કલાક રોકી શકત, તો પછી રામદેવ આખા દેશને રાજકીય યોગ શીખવવાનો દાવો કરવાની સ્થિતિમાં આવી જાત. આ અનોખો મોકો તેમના હાથમાંથી વહી ગયો. પરંતુ રામદેવની નેતૃત્વકારી ક્ષમતાઓ પર પ્રશ્નચિન્હ લગાવનારા હજારેએ શું કર્યું? તેમણે પોતાના કૌશલહીન નિવેદનોથી જીતેલી બાજી હાથમાંથી જવા દીધી.

તેમનુ પહેલું અનશન ભારતીય લોકતંત્રની ઐતિહાસિક ઘડી બની શકતું હતું, પરંતુ તેમણે પોતાની ટિપ્પણીઓ દ્વારા એ તમામ ડાબેરી અને સેક્યુલર તત્વોને પોતાના પર શંકા કરવા માટે મજબૂર કરી દીધા, જે ખુદ કોઈ સરકાર વિરોદી નૈતિક સહારાની શોધમાં હતા. જો અન્ના તે ભૂલ ન કરત, તો આજે તેની સાથે તમામ ડાબેરી કાર્યકર્તાઓ ઉભા હોત અને તેમના પર સંઘના મ્હોરા હોવાનો આરોપ લગાવતા પહેલા કોંગ્રેસ સો વખત વિચારત. આ બંનેની રાજકીય બુદ્ધિ પર શંકા કરનારા ગોવિંદાચાર્યની સ્થિતિ પણ કંઈ સારી નથી. અટલ બિહારી વાજપેયીને મ્હોરા કહેવાની રણનીતિક ભૂલને કારણે આજ સુધી રાજકીય વનવાસ કાપી રહેલા ગોવિંદાચાર્યે પોતાના વક્તવ્યોથી સંઘ પરિવાર અને રામદેવના સૂત્રનો પર્દાફાશ કરી દીધો. પરંતુ ગોવિંદાચાર્ય જેવા લોકો પૃષ્ઠભૂમિમાં રહીને જ કોઈ આંદોલનનો સાથ આપી શકે છે. જનતાની આગેવાની કરવી તેમના વશની વાત નથી.

બીજી તરફ પ્રવર્તમાન સરકારનો બંદોબસ્ત કંઈક આ પ્રકારે છે કે સર્વોચ્ચ નેતૃત્વના રાજકીય આયામ તેના વહીવટી પક્ષથી સંપૂર્ણપણે કપાઈ ગયા છે. રાજનીતિની કમાન સોનિયા ગાંધીના હાથમાં છે અને વહીવટી બાગડોર મનમોહન સિંહની પાસે છે. શરૂઆતમાં આ સમીકરણ ઘણું નવું અને પ્રભાવશાળી લાગતું હતું, પરંતુ તેની સીમાઓ સ્પષ્ટ થવા લાગી છે. નેતૃત્વના બે ધ્રુવોમાં વહેંચાઈ જવાને કારણે આ સરકાર ઘણી વાર સારી પહેલથી વંચિત નજરે પડી છે. સરકારની આ નાકામીઓને કારણે તેના વિરુદ્ધ ઉઠનારો એક અવાજ પણ ઘણા મોટા પડઘાનું રૂપ લઈ લે છે. વિપક્ષનું નેતૃત્વ પણ એવા લોકોના હાથમાં છે, જે સતત એવી હરકતો કરતા રહે છે કે જેનાથી તેમની પાર્ટી શર્મસાર થાય છે અથવા તેમની પાસે મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ પર અમલ કરવા માટે કોઈ લાઈન જ હોતી નથી.

ડાબેરીઓની હાલત એ છે કે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં ભાગ લેવાની વાત તો દૂર રહી, તેમની પાસે કોઈ પ્રકારનું નિવેદન આપવાની રાજકીય બુદ્ધિ પણ રહી નથી. કમ્યુનિસ્ટ પાર્ટીઓની આવી બિચારપણાની સ્થિતિ પહેલીવાર જોવા મળી છે. એ સાચું છે કે સિવિલ સોસાયટીના અસ્તિત્વથી તેમને સૈદ્ધાંતિક ગુંચવણ છે, પરંતુ ભ્રષ્ટાચારના સવાલ પર પોતાની સ્વતંત્ર રાજનીતિ કરવાથી તેમને કોઈએ રોક્યા નથી.

ભારતીય જાહેર જીવનમાં નેતૃત્વની મુખ્યત્વે ત્રણ પેટર્ન રહી છે. પહેલુ રૂપ છે, બુદ્ધિજીવી પ્રકારના જનનેતાનું. તેનું પ્રતિનિધિત્વ ગાંધી, નેહરુ, લોહિયા, ચરણ સિંહ અને જયપ્રકાશ નારાયણ જેવી હસ્તીઓના હાથમાં રહ્યું છે. આ નેતૃત્વકારી પેઢીમાં બંને પ્રકારની ક્ષમતાઓ હતી. તે સરકાર પણ ચલાવી શક્તી હતી અને વિપક્ષનો ઝંડો પણ બુલંદ કરતી હતી. દુર્ભાગ્યે આ પ્રકારના નેતાઓની પેઢી હવે સમાપ્ત થવાના આરે છે. નેતૃત્વનું બીજું રૂપ, સંગઠન આધારીત નેતાઓનું રહ્યું છે. વલ્લભભાઈ પટેલ, હરકિશન સિંહ સુરજીત અને લાલકૃષ્ણ અડવાણીની ગણતરી આ પ્રકારના નેતાઓમાં થાય છે.

સોનિયા ગાંધી પણ આ પ્રકારના નેતા છે. નેતૃત્વનો ત્રીજો પ્રકાર જાતિગત અને સમુદાયગત નેતાઓનો છે. મુલાયમ સિંહ યાદવ, માયાવતી, ચંદ્રાબાબુ નાયડુ જેવા લોકો આ પરંપરાની દેણ છે. આ લોકો રાજકીય કુશળતાના ધની છે અને તેમની પાસે જનાધાર પણ છે. પરંતુ તેમની મુશ્કેલી એ છે કે તેમની પહોંચ અને અપીલ રાષ્ટ્રીય નથી. શું આ વિડંબણા નથી કે આઝાદીના ચોસઠ વર્ષ બાદ પણ આપણું લોકતંત્ર આવી ક્ષણોનો સામનો કરી રહ્યું છે, જ્યારે તેજીથી ઉભરી રહેલા ભારતની બાગડોર સંભાળનારા હાથ મંચ પરથી ગેરહાજર છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્રને એક એવા નેતાની પ્રતિક્ષા છે, જેની આંગળીઓ જનતાની નસ પર હોય, જે પક્ષ અને વિપક્ષની ભાષા એકસાથે બોલવામાં માહેર હોય, જે માત્ર આમ નહીં, ખાસની આગેવાનીનો પણ દાવો કરી શકે.

Sunday, 26 June 2011

દેશની સ્થિતિને અઘોષિત કટોકટી માનું છું: રામદેવ



પોતાના અનશન અને મૌન વ્રત બાદ રાજધાની નવી દિલ્હી આવેલા બાબા રામદેવે રવિવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યુ છે કે આ સરકારમાં ભ્રષ્ટાચાર સામે લડવાની ઈચ્છાશક્તિ નથી અને જે કોઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, તેને સરકાર કચડી નાખે છે.

યોગગુરુએ સરકારને સવાલ કર્યો કે જો તેમના મુદ્દા ખોટા હતા, તો તેમની સાથે વાતચીત કરવા માટે ચાર મંત્રીઓને એરપોર્ટ પર કેમ મોકલવામાં આવ્યા હતા. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે રામલીલા મેદાન પર પોલીસ કાર્યવાહી દરમિયાન મહિલા ટેકેદારો સાથે બળાત્કારની કોશિશ કરવામાં આવી.

પોતાના અને પોતાના ટેકેદારો પર પોલીસ કાર્યવાહીના 21 દિવસ બાદ રાજધાની નવી દિલ્હી આવેલા યોગગુરુએ આજે પોતાનુ વલણ યથાવત રાખતા સરકાર પર ઘણાં નવા આક્ષેપો લગાવ્યા, પરંતુ પોતાની આગળની રણનીતિનો ખુલાસો કર્યો નથી. તેમણે માત્ર એટલું કહ્યું કે તેઓ એક જુલાઈથી હરિદ્વારમાં નિ:શુલ્ક નિવાસી શિબિર લગાવશે અને ચાર ઓગસ્ટથી ગ્રામ સ્વાવલંબન યોજના શરૂ કરશે, જેના અંતર્ગત 624 ગામડાંઓને આદર્શ ગામ બનાવવામાં આવશે.

રામદેવે તેમના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અથવા ભાજપના મ્હોરા હોવાના આરોપોને રદિયો આપ્યો છે, પરંતુ લોકપાલના મુદ્દા પર ગાંધીવાદી અન્ના હજારે દ્વારા 16 ઓગસ્ટથી પ્રસ્તાવિત અનશનથી જોડાવા સંદર્ભેના સવાલોના જવાબ ટાળી દીધા હતા.

તેમણે માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલ સાથે ફોન પર ચાર જૂને થયેલી વાતચીતનું વિવરણ જાહેર કરવાની માગણી પણ કરી હતી.

રામદેવે કહ્યુ કે આ સરકાર પહેલા ભ્રષ્ટાચારી હતી, પરંતુ હવે તે અત્યાચારી થઈ ગઈ છે. યોગગુરુએ કહ્યું કે તેમણે જનહિતમાં મુદ્દા ઉઠાવ્યા હતા, જેને હાસિયામાં ધકેલી દેવાયા છે. આ સરકારમાં ભ્રષ્ટાચાર સાથે લડવાની ઈચ્છાશક્તિ નથી. જે કોઈ ભ્રષ્ટાચાર-કાળા ધન વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, તેને સરકાર કચડી નાખે છે અને ષડયંત્ર કરે છે. 

રામદેવે પોલીસ કાર્યવાહીમાં ગંભીરપણે ઘવાયેલી પોતાની મહિલા સમર્થક રાજબાલાને જી.બી.પંત હોસ્પિટલમાં મળ્યા હતા. ત્યાર બાદ પત્રકાર પરિષદમાં તેમણે એક દસ્તાવેજ દેખાડીને દાવો કર્યો હતો કે દેશમાં અત્યાર સુધી જનતાએ કુલ 200 લાખ કરોડનો કર આપ્યો છે. સરકારે જણાવવું જોઈએ કે આ 200 લાખ કરોડ રૂપિયા કઈ જગ્યાએ ખર્ચ્યા છે.

દિલ્હી પાછા ફરવા સંદર્ભે પુછવામાં આવતા તેમણે કહ્યુ કે દિલ્હી આવવા માટે તેમણે આજનો દિવસ એટલા માટે પસંદ કર્યો, કારણ કે આ દિવસોમાં જ કટોકટી લાગુ કરાઈ હતી. તેમણે કહ્યું હતું કે હવે તેઓ દેશની પરિસ્થિને અઘોષિત કટોકટી માને છે. ચાર જૂનની રાતની ઘટના એ ઈશારો કરે છે કે ક્યાંક સરકાર અને સરકાર દ્વારા પોષિત લોકોનું જ કાળું ધન વિદોશોમાં જમા નથી ને? કદાય એ કારણ છે કે તેમના આંદોલનને ચાર જૂને કચડી નાખવામાં આવ્યું.

રામદેવે કહ્યુ, જો કાળું ધન પાછું લાવવાનો મુદ્દો ખોટો હતો, જો તેમનું આંદોલન અલોકતાંત્રિક હતું અને જો તેઓ કોમવાદી છે, તો તેમની સાથે વાતચીત કેમ કરવામાં આવી. વડાપ્રધાને તેમને પત્ર કેમ લખ્યો. યોગગુરુએ કહ્યુ કે તેમના અને તેમના ટેકેદારો પર થયેલી કાર્યવાહી લોકતંત્રની હત્યા હતી. તેમણે એ આરોપ પણ લગાવ્યો કે ત્યાં અનશન માટે આવેલી તેમની મહિલા ટેકેદારો સાથે પોલીસ કાર્યવાહી દરમિયાન દારૂના નશામાં ધુત લોકોએ ખરાબ વ્યવહાર કર્યો, તેમને પકડી અને તેમની સાથે બળાત્કાર કરવાની કોશિશ કરવામાં આવી.

રામદેવે કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલને પડકાર ફેંકતા કહ્યુ કે સરકાર તેમના ફોન ટેપ કરી રહી હતી. તેઓ ચાહે છે કે ચાર જૂને તેમની સિબ્બલ સાથે થયેલી વાતચીતની ટેપ જાહેર કરવામાં આવે. તે ટેપમાં સિબ્બલે કાળાધનને બંધારણીય રીતે રાષ્ટ્રીય સંપત્તિ ઘોષિત કરવા સહીતના અન્ય આશ્વાસન આપ્યા હતા. જો કે આ મુદ્દા પર એક અન્ય કાર્યક્રમ બાદ જ્યારે સિબ્બલની પાસે પત્રકારોએ જવાબ માંગ્યો, તો મંત્રી મહાશય પત્રકારોના સવાલોનો કોઈ જવાબ આપ્યા વગર ચાલ્યા ગયા હતા.

રામદેવે રામલીલા મેદાનથી ભાગી નીકળવાના આરોપ સંદર્ભે કહ્યુ હતુ કે ચાર જૂનની રાત્રે તેઓ ધરપકડ વ્હોરવા ઈચ્છતા હતા, પરંતુ પોલીસનો ઈરાદો તેમની ધરપકડ કરવાની જગ્યાએ રસ્તામાંથી હટાવવાનો હતો. યોગગુરુએ કહ્યુ, તેમને જાનવરની મોત મરવું ન હતુ. તેમને કેન્દ્રની કઠપૂતળી બનેલી પોલીસના હાથે મરવુ ન હતુ, માટે તેઓ ત્યાંથી નીકળી ગયા. પોલીસે ત્યાં બંધ પંડાલમાં ટિયર ગેસના સેલ છોડયા અને બર્બર કાર્યવાહી કરી.

તેમણે કોંગ્રેસનું નામ લીધા વગર કહ્યુ, શું દેશમાં એક જ પાર્ટીના લોકોને રહેવાનો હક છે. શું દિલ્હીમાં માત્ર એક જ પાર્ટીના લોકો આવી શકે છે. આ કેવું લોકતંત્ર છે. તેમણે રામલીલા મેદના પર આતંકવાદી હુમલો થવાની આશંકા સંદર્ભે કેન્દ્રના દાવાઓને ફગાવ્યા હતા. નવ દિવસ બાદ અનશન તોડવા સંદર્ભેના સવાલો પર તેમણે કહ્યુ, તેમને મોરારી બાપુ અને શ્રી શ્રી રવિશંકર સહીત અખાડાના સંતોએ અનુરોધ કર્યો હતો, માટે તેમણે અનશન તોડયા હતા. તેમણે અનશન એટલા માટે તોડયા ન હતા કે જીવ જોખમમાં હતો.

યોગગુરુએ તેમના પર આરએસએસ અને ભાજપના મ્હોરા હોવાના આરોપો ફગાવતા કહ્યુ, તેઓ કોઈ પાર્ટી અથવા સંગઠનના મ્હોરા નથી. તેઓ દેશના 120 કરોડ લોકોના મ્હોરા છે. લોકપાલ મુદ્દા પર હજારેના પ્રસ્તાવિત અનશન સંદર્ભે રામદેવે કહ્યુ, જે કોઈપણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવશે, તેઓ તેમની સાથે ઉભા રહેશે. પછી તે ચાહે કોઈપણ પાર્ટી અથવા સંગઠન હોય. 

તેમણે કહ્યુ કે સરકારના મુસદ્દામાં લોકપાલની મર્યાદામાં ટ્રસ્ટો અને બિનસરકારી સંગઠનો સાથે જ વડાપ્રધાન તથા સાંસદોને પણ સામેલ કરવાની જોગવાઈ કરવામાં આવત તો તેમને ખુશી થાત. રામદેવે તેમની વિરુદ્ધ સતત નિવેદનબાજી કરનારા કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજય સિંહનું નામ લીધા વગર કહ્યુ, તેમને (બાબા રામદેવને) કેટલાંક લોકો ચોર, ઠગ અને મહાઠગ કહે છે. પરંતુ તેઓ ચુપ રહ્યાં. તેઓ આવા બિનજવાબદાર લોકોની અશ્લિલ ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપીને પોતાની જીભ ખરાબ કરવા ઈચ્છતા નથી.

પોતાના નજીકના સાથીદાર આચાર્ય બાલકૃષ્ણનો પાસપોર્ટ નકલી હોવાના આરોપો સંદર્ભે યોગગુરુએ કહ્યુ કે આ પાસપોર્ટ 1998માં બન્યો અને તે ગેરકાયદેસરનો નથી. કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક તપાસ અધિકારીએ પાસપોર્ટ બનાવવા દરમિયાન ખોટો રિપોર્ટ આપ્યો હતો. આવું છે તો તે વહીવટી તંત્રની ભૂલ છે. તેમા બાલકૃષ્ણની કોઈ ભૂલ નથી. તેમણે કહ્યુ કે આ સરકારની ભ્રષ્ટાચાર અને કાળા ધનના મુદ્દાઓથી ધ્યાન હટાવવાની કોશિશ છે.

Thursday, 23 June 2011

કાળું ધન સ્વિસ બેંકોમાં નહીં, દેશની અંદર છે



સ્વામીનાથન અંકલેસરિયા અય્યર, સૌજન્ય- નવભારત ટાઈમ્સ

બાબા રામદેવનું વિદેશોમાં જમા કાળા ધન માટે આંદોલન અપ્રભાવી રહ્યું, કારણ કે તે માત્ર શંકા પર આધારીત હતું. પરંતુ આશ્ચર્યની એ વાત છે કે મીડિયા પણ આ કલ્પિત કથાને વારંવાર પુનરોચ્ચારિત કરી રહ્યું છે કે ઘણાં મોટા પ્રમાણમાં આપણા દેશનું કાળું ધન સ્વિસ બેંકોમાં પડેલુ છે. આવું માત્ર મૂર્ખ લોકો જ કરી શકે છે, જેમને પોતાના ધનની યોગ્ય વ્યવસ્થા કરવાનું આવડતું નથી. કારણ કે સ્વિસ બેંકોમાં વ્યાજનો દર એક ટકાથી પણ ઓછો છે. જે લોકો પાસે ખરેખર કાળું ધન છે, તેઓ તેની વ્યવસ્થા માટે આર્થિક સલાહકાર રાખે છે. બજારમાં આ પ્રકારના અનેક સલાહકાર અને વિશેષજ્ઞ હાજર છે, જેઓ આવા ધનને શેર માર્કેટ, બોન્ડ્સ અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરાવી શકે છે અને 10થી 20 ટકા સુધી કમાણીનો ભરોસો અપાવી શકે છે. જ્યારે આ પ્રકારનો વિકલ્પ અહીં જ હાજર છે તો કોઈ નૌસિખિયો જ સ્વિસ બેંકોમાં નાણાં જમા કરાવવા જશે.

જર્મનીમાં માત્ર 18 ખાતા

જર્મનીની લિક્ટેંશ્ટાઈન બેંકના ઉદાહરણથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે. તેણે વિશેષ રૂપથી ઓળખ કરીને ત્યાં 26 ભારતીયોના ખાતા કાઢયા, જેમાંથી માત્ર 18 ખાતાઓ એવા છે કે જેમને અહીં ટેક્સની મર્યાદામાં લાવી શકાય. તેના સિવાય સંપૂર્ણ બે વર્ષોની મહેનત બાદ તેમાંથી માત્ર 39 કરોડ રૂપિયા ટેક્સની પ્રાપ્તિ કરી શકાય. બની શકે છે, જ્યારે સ્વિસ બેંકના રહસ્યો ખુલે તો કંઈક વધારે ટેક્સની વસૂલી થઈ જાય. સરકાર ઘણાં દેશો સાથે આ પ્રકારની સંધિ કરી રહી છે કે તેમની બેંકોમાંથી વધારેમાં વધારે માહિતી આપણને મળી શકે. કોઈ સારા રોકાણની રાહ જોવામાં કોઈ નેતા અથવા વેપારી થોડા સમય માટે આવી કોઈ સ્વિસ બેંકમાં પોતાનું કાળું ધન રાખી શકે છે, જ્યાં સુધી કોઈ સારા રોકાણ સલાહકારની વ્યવસ્થા થઈ જતી નથી. પરંતુ દશકો પહેલા જે કાળું ધન વિદેશોમાં મોકલવામાં આવ્યું છે અથવા દશકોથી જે મોકલાતું રહ્યું છે, તેનો મોટાભાગનો હિસ્સો કોઈપણ સંપત્તિના સ્વરૂપમાં વિશ્વના કોઈપણ ખૂણામાં છુપાવીને રાખવામાં આવ્યો હોઈ શકે છે.

છુપાવવા માટે ભારત શ્રેષ્ઠ

તે ક્યાં રાખવામાં આવ્યું હશે, કોઈ જાણતું નથી. પરંતુ તેને છુપાવવા માટે સૌથી સારી જગ્યા ભારત વર્ષ જ છે- સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા અથવા યૂરોપ નહીં. વર્ષ 2000થી અત્યાર સુધીના સમયગાળામાં અમેરિકામાં મકાનની કિંમતો બેગણી થઈ ગઈ, પરંતુ રિયલ એસ્ટેટમાં આ ઉછાળો એક ગુબ્બારાની જેમ હતો, જે ફૂટી ગયો. પરંતુ ભારત વર્ષમાં રિયલ એસ્ટેટ, ઘર અથવા જમીન-સંપત્તિની કિંમતો દશ ગણી થઈ ગઈ છે, જેવું કે રાજનેતા પોતાની સંપત્તિના ઘોષણાપત્રમાં દેખાડે છે. આ જમીન-સંપત્તિ પ્રત્યે તેમનું આકર્ષણ દેખાય છે.

ન્યૂયોર્કમાં દેખાઈ રહ્યું છે કે ડાઉ જોન્સનો ઈન્ડેક્ષ વર્ષ 2000થી ઉપર છે, પરંતુ ભારતમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ છ ગણો ઉપર પહોંચ્યો છે. ભારતમાં બોન્ડનું વ્યાજ 8 ટકા છે. જ્યારે અમેરિકા અને જર્મનીમાં આ ત્રણ ટકાની નજીક છે. આજે ભારતમાં ઈન્કમટેક્ષના નિયમો ઘણાં જ સરળ છે, જેને જમા કરીને કોઈપણ ભારતીય પોતાની સંપત્તિ રાખી શકે છે. લભાંશ અને કેપિટલ ગેન પર કોઈ ટેક્સ નથી. આ પ્રકારે કાળા ધનના મોટાભાગને, જે વિદેશોમાં હતો, ગત બે દશકોમાં સફેદ બનાવીને દેશની અંદર લવાયો છે. સંભવ છે કે તે ધન આજે દેશના આર્થિક વિકાસમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યું છે. પરંતુ જમીન-સંપત્તિની કિંમતોમાં આટલો વધારો અને ચૂંટણીમાં આટલા મોટા પ્રમાણમાં ખર્ચ તો નિશ્ચિતપણે આ કાળા ધનનું જ પરિણામ છે.

આજે ભારતમાં લગભગ 6 અબજ ડોલર વાર્ષિક એનઆરઆઈ દ્વારા વિદેશોમાંથી મોકલાયેલુ અને 50 અબજ ડોલર વ્યવસાયમાં ભાગ તરીકે આવે છે. જે કાળું ધન વિદેશોમાં છે, તે પણ અહીં આ નાણાંના એક મોટા ભાગ તરીકે લાવામાં આવે છે. ઘણાં બધાં નાણાં એ દેશોમાંથી વ્યવસાયિક લેણદેણ તરીકે આવે છે, જે દેશો સાથે આપણા ડુઅલ ટેક્સ એવોયડેન્સ એગ્રીમેન્ટ છે અથવા જ્યાં ટેક્સના દર ઓછા છે. આ દેશોમાંથી કાળું ધન સફેદ બનાવીને ફરીથી ભારતમાં રોકાણ કરીને ઈન્કમટેક્ષ બચાવી શકાય છે. પરંતુ આપણે માત્ર વિદેશોથી આવનારા નાણાં પર જ આટલી હાઈતોબા કેમ મચાવી રહ્યાં છીએ? હજી ભારતમાં 3.1 કરોડ લોકો ઈન્કમટેક્ષ આપે છે, જે આપણી વસ્તીના માત્ર 2.5 ટકા છે. આ ટકાવારી 10 ગણી વધીને ઓછામાં ઓછી 25 ટકા હોવી જોઈએ. દેશની અંદર કોઈપણ અડચણ વગર કાળું ધન સફેદ અને સફેદ ધન કાળું થતું રહે છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં હજારો કરોડ રૂપિ.યા દર વર્ષે લગાવાય છે. તેના જાણકારો તમને સલાહ આપશે કે કેવી રીતે તમારા નાણાં કાળા-સફેદ કરી શકાય છે. ગામડાંઓમાં કરોડો રૂપિયાનો કારોબાર પણ કેશથી જ થાય છે. ત્યાં કોઈ ઈન્કમટેક્ષ આપતું નથી. આયકર અધિકારી ભ્રષ્ટ છે અને તેમને તકનીકી જાણકારી પણ ઓછી છે. માટે પકડાવાની સંભાવના ઘણી ઓછી છે. કંપનીઓ પોતાની અંદર સેંકડો કંપનીઓ બનાવે છે અને તેમાથી પેદા થાય છે અભેદ્ય જાળું. દેશનો એક મોટો ભાગ ઈન્કમટેક્ષ ઓફિસના 50 કિલોમીટરના અંતરથી બહાર છે.

બાબા પહેલા આ શોધે

અહીં એટલું સંભવ નથી કે કાળા ધનના દરેક સંભવિત માર્ગોનું વર્ણન કરી શકાય. પરંતુ જો બાબા રામદેવ, અન્ના હજારે અને સરકાર કાળું ધન શોધવા માટે ગંભીર છે, તો તેમની પ્રાથમિકતા સ્વિસ બેંક ન હોવી જોઈએ. તેઓ સૌથી પહેલા દેશની અંદર રહેલા કાળા ધનને શોધે. મોટાભાગનું કાળું ધન દેશની બહાર જતું નથી અને જે જાય છે, તેમાંથી ઘણું બધું ધન સફેદ થઈને દેશની અંદર ફરીથી આવી જાય છે.

Wednesday, 22 June 2011

અન્નાના હાલ રામદેવ જેવા થશે: દિગ્વિજય


લોકપાલ કાયદાને લઈને સિવિલ સોસાયટી અને સરકાર વચ્ચે જબરદસ્ત ટકરાવના આસાર દેખાઈ રહ્યા છે. એક તરફ અન્ના સરકારને પાઠ શીખવાડવા માટે 16 ઓગસ્ટથી અનશન પર બેસવાની જીદ પર અડગ છે, તો બીજી તરફ દિગ્વિજય સિંહે કહ્યું છે કે અન્ના અનશન પર બેસીને તો દેખાડે, તેના એવા જ હાલ થશે જેવા રામદેવના થયા.

બુધવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન અન્ના હજારેએ કહ્યું કે સરકારના મનમાં બેઈમાની છે. તે કડક લોકપાલના પક્ષમાં નથી. તેમણે સમાનાંતર સરકાર બનાવવાની કોશિશ કરવાના સરકારના આરોપોને રદિયો આપતા સવાલ કર્યો કે સુપ્રીમ કોર્ટ, ચૂંટણી પંચ અને સીવીસીના સ્વતંત્ર અને સ્વાયત થવાનો અર્થ શું દેશમાં સમાનાંતર સરકાર ચલાવવાનો છે.

અન્નાએ તો ત્યાં સુધી કહ્યું કે આજની તારીખમાં આતંકવાદથી વધારે ખતરનાક ભ્રષ્ટાચાર છે.

અન્નાએ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ પર દેશની જનતાને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે તેમના લોકપાલના ડ્રાફ્ટમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે પ્રસ્તાવિત તપાસ એકમને જીડીપીના 1 ટકા જેટલું બજેટ ફાળવવામાં આવે.

અન્ના હજારેએ બુધવારે ફરી એક વખત ઘોષણા કરી છે કે તેઓ 16 ઓગસ્ટથી આંદોલન કરશે અને આ આંદોલન એપ્રિલમાં થયેલા આંદોલનથી ઘણું મોટું હશે. આ આઝાદીની બીજી લડાઈ હશે. જો સરકાર તેમને જંતર-મંતર જવાની મંજૂરી નહીં આપે, તો તેઓ લાઠીઓ ખાશે, ધરપકડ વ્હોરશે અને જેલ જશે, પરંતુ આંદોલન જરૂર થશે.

એ સવાલ પર કે તેમના પ્રસ્તાવિત આંદોલનને પણ બાબા રામદેવના આંદોલનની જેમ જ સરકાર દ્વારા કચડી નાખવાની સ્થિતિમાં શું થશે? હજારેએ કહ્યું કે તેઓ આવી કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તેઓ ગોળીઓ ખાવા માટે પણ તૈયાર છે.

બીજી તરફ, કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે અન્ના હજારેને ગાંધીવાદી અને વડીલ નેતા ગણાવતા કહ્યું કે તેમના ટેકેદારો તેમને ચણાના ઝાડ પર ચઢાવીને અનશન પર બેસાડી દે છે, જ્યારે તેમની ઉંમર જોતા તેમનું અનશન પર બેસવું યોગ્ય નથી.

દિગ્વિજય સિંહે કહ્યું કે અન્ના હજારે જો નવી દિલ્હીમાં અનશન પર બેસે છે, તો તેનની સાથે પણ તે વ્યવહાર કરવામાં આવશે, જે તે વખતની પરિસ્થિતિઓમાં કરી શકાય છે.

રામદેવ જૂઠ્ઠા, સત્યાગ્રહી ક્યારેય ભાગે નહીં: શંકરાચાર્ય


યોગગુરુ રામદેવ પર હવે જગદગુરુ શંકરાચાર્ય પીઠાધીશ્વર (દ્વારકા શારદા પીઠ) સ્વામી સ્વરૂપાનંદે પણ શાબ્દિક હુમલો કર્યો છે. શંકરાચાર્યે બાબા રામદેવને જૂઠ્ઠા ગણાવ્યા છે. સ્વામી સ્વરૂપાનંદે કહ્યું છે કે સત્યાગ્રહી ક્યારેય સત્યાગ્રહ છોડીને ભાગે નહીં, તે ધરપકડ વ્હોરે છે.

શંકરાચાર્યે મંગળવારે મેરઠના સમ્રાટ પેલેસ ખાતે રાજરાજેશ્વરી મંદિરમાં મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે હિંદુઓની ત્રણ ઓળખ છે, ગંગા, ગૌમાતા અને રામજન્મભૂમિ, પરંતુ રામદેવ આના સંદર્ભે ક્યારેય કંઈ બોલ્યા નથી.

શંકરાચાર્યે રામદેવના સંદર્ભમાં પુછાયેલા એક સવાલ પર તેમને આડે હાથ લેતા કહ્યું હતું કે રામદેવનો સત્યાગ્રહ અસત્ય પર ટકેલો હતો. માટે તેમના આવો જ હાલ થવાનો હતો. તેમણે સત્યાગ્રહને લઈને દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને યોગ્ય ઠેરવી હતી.

શ્રી શ્રી રવિશંકર પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે આ અબજપતિ સંતે કરોડપતિ રામદેવને જ્યૂસ પીવડાવીને અનશન તોડાવી નાખ્યા.

શંકરાચાર્યે અન્નાના આંદોલન પર પણ એમ કહીને આંગળી ચિંધી કે લોકપાલ બિલ માટે અન્નાનું આ આંદોલન મીડિયા દ્વારા પ્રાયોજીત છે. તેમણે કહ્યું હતું કે એસએમએસ અને પ્રચાર-પ્રસાર કરીને મીડિયાને પહેલા જ સહભાગી બનાવી લેવાયું છે.

કોમવાદી હિંસા વિરોધી બિલ પર શંકરાચાર્યે કહ્યું કે કાયદો બધા માટે બરાબર છે અને તેવામાં કોઈપણ કાયદો બંધારણથી વિપરીત બનાવી શકાય નહીં.