(અવધેશ કુમાર, સૌજન્ય-રાષ્ટ્રીય સહારા)
ભારત અને પાકિસ્તાન વચ્ચે પરસ્પર સંબંધ સારા કરવા, વિશ્વાસ બહાલી કરવા વગેરેની વાતો તો થશે.
બંને એકબીજાની સુખ-શાંતિની સાથે સંયુક્ત નિયતિને પણ પુનરાવર્તિત કરશે, તેમાં ભાવુક અને શ્રેષ્ઠ સંદેશ આપનારા શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવશે, પરંતુ ધરાતલ પર માત્ર અને માત્ર ભૂતકાળની જટિલતાઓ યથાવત રહેશે અને પ્રગતિના નામે કુલ મળીને શૂન્ય પરિણામ જ સામે આવશે. ભારતના વિદેશ સચિવ નિરુપમા રાવની બે દિવસીય પાકિસ્તાન યાત્રા બાદ ફરીથી તે ત્રાસદાયક સત્ય સામે આવ્યું છે. નિરુપમા રાવ અને પાકિસ્તાનના વિદેશ સચિવ સલમાન બશીરનું સંયુક્ત વક્તવ્ય સાંભળીએ તો પહેલી નજરમાં આશાનું મોટું આકાશ ફેલાતું નજરે પડશે, પરંતુ પરખીશુ તો બે દિવસની વાતચીતનું નક્કર પરિણામ શું આવ્યું તો કૂટનીતિક શબ્દાવલિઓના અંધેરમાં કંઈક ફંફોસવાનો પ્રયાસ અંતહીન સાબિત થઈને રહી જશે.
આ વખતની વાતચીતની થીમ વિશ્વાસ બહાલી ઉપાય (કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ)ની હતી. આ શબ્દ પ્રયોગ વારંવાર થઈ રહ્યો હતો. વાતચીત ત્રણ ભાગોમાં વિભાજીત હતી. વિશ્વાસ બહાલી ઉપાયો સહીત શાંતિ અને સુરક્ષા પહેલો ભાગ હતો. ત્યાર બાદ જમ્મુ-કાશ્મીર તથા સૌથી છેલ્લે મિત્રવત આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો એજન્ડા હતો. એ સારી વાત છે કે વાતચીતના પાસાઓને વિભાજીત કરીને એક વ્યવસ્થિત સ્વરૂપ આપવામાં આવ્યું, પરંતુ પરિણામ શું આવ્યું?
સંયુક્ત વક્તવ્ય અને પત્રકાર પરિષદમાં કહેવામાં આવેલી વાતો પ્રમાણે, પરમાણુ અને અન્ય પરંપરાગત હથિયારોના ક્ષેત્રમાં વિશ્વાસ નિર્માણના ઉપાયો પર ખુલીને ચર્ચા થઈ અને નક્કી થયું કે તેની સાથે સંબંધિત વ્યવસ્થાઓને સશક્ત કરવા માટે વિશેષજ્ઞ સ્તરની વાતચીત થાય અને આ વર્ષના અંતમાં તેમાં વધારાના વિષય જોડવામાં આવે. આ પ્રકારે નિયંત્રણ રેખાની આરપાર વિશ્વાસ બહાલીના ઉપાય તરીકે કાર્યદળની બેઠક બોલાવવાનો નિર્ણય થયો. તે બંને તરફ વેપાર અને પ્રવાસની જે વ્યવસ્થાઓ છે, તેને સશક્ત અને સક્રિય કરવાના ઉપાયનું સૂચન કરશે અને વધારે વિશ્વાસ બહાલીની રીતો પ્રસ્તાવિત કરશે.
આ વાતોનો વ્યવહારીક અર્થ શું છે? પરમાણુ અને પરંપરાગત હથિયાર ક્ષેત્રમાં વિશ્વાસ નિર્માણના ક્યાં વિષયો પર ખુલીને ચર્ચા થઈ, તે સ્પષ્ટ થવું જોઈએ. આ મામલામાં આજના પાકિસ્તાન સાથે ભારતની કોઈ વિશ્વસનીય વાતચીત સંભવ જ નથી. પરમાણુ ક્ષેત્રમાં વિશ્વાસ બહાલી ઉપાયમાં બે સમજૂતી પહેલેથી જ છે- મિસાઈલ છોડવાની પૂર્વ સૂચના અને પરમાણુ પ્રતિષ્ઠાનોની યાદીનું વાર્ષિક આદાન-પ્રદાન. વિશેષજ્ઞ બેસીને આનાથી આગળ શું કરશે. પાકિસ્તાનના પરમાણુ હથિયાર સૌથી વધારે જોખમી છે. તેની આતંકવાદીઓના હાથમાં જવાની આશંકા બનેલી રહે છે. સવાલ છે કે શું ભારત સાહસ સાથે પાકિસ્તાનને એ કહી શકે છે અને પાકિસ્તાન આ સત્યનો સ્વીકાર કરીને બચવાના ઉપાયો પર ભારત સાથે સહયોગ કરશે? જો તે આમ ન કરે તો તેના પર વાતચીત બેઈમાની છે.
લોકોનો પરસ્પર સંપર્ક વધે, આર્થિક ગતિવિધઓમાં વધારો થાય, તેના માટે નિયંત્રણ રેખાની આરપાર જવા-આવવા માટે વીઝા વગેરે આસાનીથી મળે, નિયમ વધુ નરમ બને અને આવાગમનની સુવિધાઓ વધે, તેનાથી અસંમતિ હોઈ જ ન શકે. પરંતુ આ બીમાર શરીર પર કંઈક સારા કપડા પહેરાવવા જેવા પગલાં માત્ર હશે, જેમનું દ્વિપક્ષીય સંબંધોમાં પરિવર્તનની દ્રષ્ટિથી મહત્વ નગણ્ય હશે. વાતચીતની વચ્ચે જ અમેરિકાની પ્યૂ સંસ્થાના એક સર્વેક્ષણ રિપોર્ટમાં પાકિસ્તાનના 57 ટકા લોકોએ અલ કાયદા અને તાલિબાનથી વધારે ખતરનાક ભારત હોવાનું માન્યું છે. પાકિસ્તાનની સત્તા (જેમાં નેતાઓ સિવાય મુલ્લા અને મિલેટ્રી સામેલ છે), મદરસા અને આધુનિક શિક્ષણ સંસ્થાનોએ આ જે માનસિકતા પેદા કરી છે, તેનો અંત આસાન નથી. આ માનસિકતામાં પળેલા લોકો નિર્ણાયક સ્તર પર છે.
જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો આપણા વિદેશ સચિવ કહે છે કે જમ્મુ-કાશ્મીર જેવા જટિલ મુદ્દાને ઉકેલવા માટે તેને બંદૂક અને ઉગ્રવાદી હિંસાની છાયામાંથી અલગ કરવો પડશે. તેમની એ વાતથી પણ અસંમતિ નહીં થઈ શકે કે આતંક અને હિંસા મુક્ત માહોલમાં જ આવા જટિલ મુદ્દાઓના સમાધાનની વાતચીત થઈ શકે છે. પરંતુ આવી શબ્દાવલિઓથી જો હિંસાનો અંત થવાનો હોત તો તે ઘણો પહેલા જ થઈ જાત. સંયુક્ત વક્તવ્યમાં કહેવામાં આવ્યું છે કે બંને વિદેશ સચિવોએ કાશ્મીર મુદ્દા પર પોતાના મતનું આદાન-પ્રદાન કર્યું અને અસમંતિઓ ઘટાડવા અને સંમતિ દ્વારા શાંતિપૂર્ણ સમાધાન શોધવાની દ્રષ્ટિથી વાતચીત ચાલુ રાખવાની સંમતિ વ્યક્ત કરી. પરંતુ બીશરે એ કહેવાનું પણ જરૂરી ગણ્યું કે કોઈએ પણ પોતાના વલણમાં ફેરફાર કર્યો નથી. પોતાના વલણમાં ફેરફાર ન કરવા અને આગળ વધવા વચ્ચે શું સમાનતા હોઈ શકે છે?
આપણા વિદેશ સચિવે તો જમ્મુ-કાશ્મીર પર વાતચીત કરતાં કહ્યું છે કે 21મી સદીમાં સૈનિક સંઘર્ષ માટે કોઈ સ્થાન નથી. પરંતુ આ વાતચીતના એક દિવસ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ પાક અધિકૃત કાશ્મીરમાં કહ્યું કે તેમની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનું નિર્માણ જ કાશ્મીરને આઝાદ કરાવવા માટે થયું. તેમણે ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને ટાંકીને ઘાસનો રોટલો ખાઈને પણ એક હજાર વર્ષ સુધી કાશ્મીર માટે લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. વિદેશ સચિવોની વાતચીત પહેલા વડાપ્રધાનના આટલા આક્રમક વક્તવ્યનો શું અર્થ હોઈ શકે? ત્યાર બાદ પણ આપણે જમ્મુ-કાશ્મીર પર દરેક ડગલે આગળ વધવાની વાત કરી રહ્યાં છીએ.
પાકિસ્તાન હાલના સમયમાં પોતના જીવનના સૌથી કઠિન તબક્કામાં ફસાયું છે. પોતાના દ્વારા ઉત્પન્ન અને સંરક્ષિત આતંકવાદી જ તેને એક રાષ્ટ્રના રૂપમાં ધ્વસ્ત કરવા માટે તલપાપડ છે અને આખી દુનિયામાં તેની શાખ ઘટી ગઈ છે. જે સેનાને પાકિસ્તાનની અંદર સૌથી વધારે માન-પાન મળતું હતું, લાદેન પ્રકરણ બાદ તેના માટે માથું ઉઠાવવાનું મુશ્કેલ થઈ ગયું છે. હેડલી અને રાણાએ આઈએસઆઈ અને લશ્કરના સંબંધોની સાક્ષી આપીને પરિસ્થિતિને વધારે ખરાબ કરી નાખી છે. આવા લજ્જિત, ગભરાયેલા અને આત્મવિશ્વાસથી હીન પાકિસ્તાન સાથે નિપટવામાં આપણી કૂટનીતિની આવી દશા દુર્ભાગ્યપૂર્ણ છે.
આપણાથી વધારે વાતચીતની જરૂર પાકિસ્તાનને છે, પરંતુ તે ઉદંડતા સાથે પોતાનો પક્ષ રાખે છે અને આપણે કૂટનીતિક શબ્દોમાંથી બહાર નીકળતા નથી. હકીકતમાં પાકિસ્તાન સાથે વાતચીતનું આપણું લક્ષ્ય શું છે, તે જ આજ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. મુંબઈ હુમલા બાદ સમગ્ર વાતચીતને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. પછી અચાનક ભૂટાનની રાજધાની થિમ્પૂ અને ઈજીપ્તના શર્મ અલ શેખમાં દોસ્તી અને વિશ્વાસ બહાલીની પ્રક્રિયા અને સમગ્ર વાતચીત શરૂ કરવાનો નિર્ણય લેવાયો.
ફેબ્રુઆરીમાં વાતચીત ફરીથી શરૂ થયા બાદ સંરક્ષણ, ગૃહ અને વાણિજ્ય સચિવોની બેઠકો થઈ ચુકી છે. વડાપ્રધાન મનમોહન સિંહે સૌથી મોટું પગલું પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીને વિશ્વ કપ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે નિમંત્રણ આપીને ઉઠાવ્યું. આ વાતચીતને સામાન્ય પાટા પર લાવવાના ઈરાદાનું તે સૌથી મોટું પ્રમાણ હતું. અને ત્યારે ગિલાની કાશ્મીર માટે એક હજાર વર્ષ સુધી લડવાનું નિવેદન આપી રહ્યાં છે. સરહદ પાર આતંકવાદ પર તેઓ કોઈ વચન આપવા માટે તૈયાર નથી, પરંતુ વિદેશ સચિવની વાતચીતના એક દિવસ પહેલા સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટની ચાર્જશીટ દાખલ કરીને તેની નકલ પાકિસ્તાન લઈ જવામાં આવે છે. શું તેનાથી પાકિસ્તાનનું માનસ પરિવર્તિત થશે?
સાચું કહીએ તો આ એક ભ્રમિત, દ્વિપક્ષીય સંબંદોના મામલામાં લક્ષ્યહીન, કારણ વગર અંધારામાં તીર ચલાવનારા અને પોતાના રાષ્ટ્રહિતથી વધારે દુનિયાને ધ્યાનમાં રાખનાર નેતૃત્વની કરણી છે. ભારતે પાકિસ્તાનની જટિલ માનસિકતા સહીત સર્વપક્ષીય હકીકતોનું ધ્યાન રાખીને જો વાતચીતનું લક્ષ્ય નિશ્ચિત કર્યું હોત તો તેની ભૂમિકા ભટકાવની ન હોત. જો અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામા એલાન કરી શકે કે પાકિસ્તાન અમેરિકીઓની હત્યા કરનારાઓનું સુરક્ષિત આશ્રયસ્થાન બને તેને તેઓ સહન કરશે નહીં, તો શું આપણા નેતૃત્વે આવું દ્રઢતાપૂર્વક કહેવામાં સમસ્યા શા માટે આવે છે?
No comments:
Post a Comment