એ. સૂર્યપ્રકાશ
લઘુમતી તુષ્ટિકરણના પોતાના એજન્ડા પર પ્રતિબદ્ધ યુપીએ સરકાર એક એવો કાયદો બનાવવા જઈ રહી છે, જે કોમી સૌહાર્દને નષ્ટ-ભ્રષ્ટ કરી શકે છે, બંધારણની સંઘીય વિશેષતાઓને કમજોર કરી શકે છે અને કેન્દ્ર સરકારને રાજ્યોના શાસનમાં હસ્તક્ષેપ કરવાના નવા બહાના ઉપલબ્ધ કરાવી શકે છે. પ્રસ્તાવિત બિલને સાંપ્રદાયિક અને લક્ષિત હિંસા રોકથામ બિલ નામ આપવામાં આવ્યું છે અને તેનો જે ઉદેશ્ય બતાવાય રહ્યો છે તે કોમી સંઘર્ષની ઘટનાઓ પર અંકુશ લાગવવો, પરંતુ તેનું નિર્માણ એ પૂર્વગ્રહો સાથે કરવામાં આવ્યું છે કે તમામ સ્થિતિઓમાં ધાર્મિક બહુમતી જ લઘુમતી સમૂહ પર ઝુલમ કરે છે. માટે બહુમતી સમાજના સભ્યો દોષિત છે અને લઘુમતી સમુદાયના લોકો પીડિત. આ ધારણા આ કાયદાનો આધાર છે, માટે એ સ્વાભાવિક છે કે પ્રસ્તાવિત કાયદો 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 28માં બહુમતી હિંદુઓને કોમવાદી હિંસા માટે જવાબદાર માને છે અને મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય ધાર્મિક લઘુમતીઓને પીડિત સ્વરૂપે જોવે છે.
આ કાયદાનો મુસદ્દો એ રાષ્ટ્રીય સલાહકાર પરિષદે તૈયાર કર્યો છે જે છદ્મ સેક્યુલારિસ્ટો, હિંદુ વિરોધીઓ અને નહેરુ-ગાંધી પરિવારના સમર્થકોનો એક સમૂહ છે અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેના અધ્યક્ષ છે. આ પરિષદને કેન્દ્રની એક એવી સરકાર પાસેથી બરાબર મહત્વ મળી રહ્યું છે, જેનું નેતૃત્વ પહેલીવાર લઘુમતી સમાજના એક સભ્ય દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રસ્તાવિત કાયદામાં એવી જોગવાઈ છે કે તે કોમી સૌહાર્દને પ્રોત્સાહન આપવાનું તો દૂર, હિંદુઓની વચ્ચે પંથનિરપેક્ષતાની પ્રતિબદ્ધતાને જ કમજોર કરી શકે છે.
બિલના મુસદ્દા પ્રમાણે, જો કોઈ સમૂહની સદસ્યતાને કારણે જાણીજોઈને કોઈ વ્યક્તિ વિરુદ્ધ આવું કૃત્ય કરવામાં આવે જે રાષ્ટ્રના સેક્યુલર તાણા-વાણાને નષ્ટ કરનાર હોય. સૌથી મોટી શરારત શબ્દ સમૂહની પરિભાષામાં કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સમૂહનું તાત્પર્ય ભારતના કોઈ રાજ્યમાં ધાર્મિક અથવા ભાષાકીય લઘુમતી અથવા અનુસૂચિત જાતિ અથવા જનજાતિથી છે. તેનો અર્થ છે કે હિંદુ, જે આજે મોટાભાગના રાજ્યોમાં બહુમતી છે, આ કાયદા હેઠળ સમૂહની મર્યાદામાં આવશે નહીં. માટે તેમને આ કાયદા હેઠળ સંરક્ષણ મળી શકશે નહીં, પછી ભલે તેઓ મુસ્લિમ અથવા ખ્રિસ્તી કોમવાદ, ધૃણા અથવા હિંસાના શિકાર હોય. અનેક વિશ્લેષકોએ કહ્યું પણ છે કે તેનો અર્થ છે કે જો 2002માં આ કાયદો લાગુ હોત તો જે 59 હિંદુઓને ગુજરાતના ગોધરા સ્ટેશનમાં સાબરમતી ટ્રેનમાં બાળીને મારી નાખવામાં આવ્યા તેમની હત્યા સંદર્ભે એફઆઈઆર દાખલ કરી શકાઈ ન હોત. કારણ કે આ કાયદા હેઠળ ગુજરાતમાં હિંદુ બહુમતી છે, પરંતુ મુસ્લિમ ગોધરા બાદના હુલ્લડો માટે આ કાયદાની જોગવાઈનો ઉપયોગ કરી શકત. તેનો સીધો અર્થ છે કે કોમવાદી હિંસાનો શિકાર થનારા હિંદુઓને બીજા દરજ્જાના નાગરીકના રૂપમમાં જોવામાં આવશે અને આ મહદ અંશે પાકિસ્તાન જેવા ઈસ્લામિક રાજ્યમાં લાગુ હિંદુ વિરોધી કાયદાની જેમ છે.
પ્રસ્તાવિત કાયદાના મુસદ્દા પ્રમાણે એક પીડિતની વ્યાખ્યા લઘુમતી સમુદાયના સભ્યના રૂપમાં કરવામાં આવી છે, જેને કોમવાદી હિંસાની ઘટનામાં શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક અને આર્થિક નુકસાન પહોંચ્યું હોય અથવા તેની સંપત્તિને નુકસાન થયું હોય. તેની મર્યાદમાં તેના સંબંધી, કાયદેસરના વાલી અને ઉત્તરાધિકારી પણ સામેલ છે. આ વ્યાખ્યાના આધારે દેશના કોઈ ભાગમાં કોઈ મુસ્લિમ અથવા ખ્રિસ્તીનો જો કોઈ સામાન્ય મુદ્દા પર પોતાના હિંદુ પડોશી સાથે વિવાદ થશે તો તે આ કાયદાનો ઉપયોગ કરીને પોતાના પડોશી પર એ આરોપ લગાવી શકે છે કે તેણે તેને મનોવૈજ્ઞાનિક નુકસાન પહોંચાડયું છે. જો તે કોઈ કારણે આવું ન કરે તો તેના સંબંધી આવું કરી શકે છે.
આ સમગ્ર કવાયતનો જે પાયાનો હેતુ નજરે પડે છે, તે છે હિંદુઓને નિશાન બનાવવા. બિલ કહે છે કે તેને આખા ભારતમાં લાગુ કરવામાં આવશે, પરંતુ જ્યારે દેશના એકમાત્ર મુસ્લિમ બહુલ રાજ્ય જમ્મુ-કાશ્મીરની વાત આવે છે, તો તેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર રાજ્યની સંમતિથી તેને ત્યાં લાગુ કરી શકે છે.
જો કે આ બિલમાં આ પ્રકારે આખરી ઓપ આપવામાં આવ્યો છે કે હિંદુ સમુદાયે તેની વિચિત્ર જોગાવાઈઓનો માર સહન કરવો પડે, પરંતુ મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખોને પણ પરેશાની સહન કરવી પડે તેમ છે, કારણ કે બહુમતી-લઘુમતીના નિર્ધારણ માટે રાજ્ય જ એકમ છે. 2001ની વસ્તીગણતરીના આંકડા પ્રમાણે, શીખ પંજાબમાં 59.9 ટકા છે, જ્યારે હિંદુઓની વસ્તી 36.9 ટકા છે. જો આ કાયદો લાગુ થઈ જાય છે તો બહુમતી શીખ સમાજને હિંદુઓની ફરીયાદ પર પરેશાનીનો સામનો કરવાની સ્થિતિ ઉભી થઈ શકે છે. તેવી જ રીતે ખ્રિસ્તીઓ નાગાલેન્ડ, મિઝોરમ અને મેઘાલયમાં બહુમતીમાં છે. જો આ રાજ્યોમાં હિંદુઓ આ કાયદાનો મનફાવે તેવો ઉપયોગ કરે તો ખ્રિસ્તી સમુદાયને મુસીબતો ઉઠાવવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. માટે મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ સમુદાયએ કોંગ્રેસ પાર્ટીના આ દાવાઓ પર ક્યારેય ભરોસો ન કરવો જોઈએ કે આ બિલ પંથનિરપેક્ષતાને મજબૂત કરશે, કારણ કે આ બિલ કોમી હિંસા અને ઘૃણાના તમામ દોષિતોને બરાબરીથી જોતું નથી.
પ્રત્યેક રાજ્યમાં બહુમતી અને લઘુમતીના નિર્ધારણમાં એક અન્ય વિસંગતિ પણ છે. મણિપુરમાં હિંદુઓ 46 ટકા છે અને અરુણાચલ પ્રદેશમાં 34.60 ટકા છે. જો કે આ રાજ્યોમાં કોઈ ધાર્મિક સમૂહ પાસે સ્પષ્ટ બહુમતી નથી, માટે કોને પીડિત માનવામાં આવે અને કોને દોષિત? તેનાથી વધારે જો અનુસૂચિત જાતિ અને જનજાતિને હિંદુ સમાજથી અલગ કરી દેવામાં આવે તો આ રાજ્યોમાં હિંદુ વસ્તીની ટકાવારી શું હશે? કેરળનો મામલો પણ છે, જ્યાં 56.20 ટકા હિંદુ છે. જો તેમાંથી 22 ટકા અનુસૂચિત જાતિ અને જનજાતિને અલગ કરી દેવામાં આવે તો હિંદુઓની ટકાવારી શું હશે? એ કહેવામાં સંકોચ ન હોવો જોઈએ કે જે કાયદો બનાવાય રહ્યો છે, તે હકીકતમાં કોમવાદી પણ છે અને એક સમુદાય એટલે કે હિંદુઓને નિશાન બનાવનારો પણ છે. જો આ બિલના સૂત્રધારો પોતાના મનસૂબામાં સફળ રહેશે તો ભારતની એકતા અને અખંડિતા જોખમમાં પડી જશે. આવું બિલ એ વ્યક્તિ ન બનાવી શકે કે જે લોકતાંત્રિક અને પંથનિરપેક્ષ ભારતને પ્રેમ કરે છે. આપણે તેની તપાસ કરવી જોઈએ કે બિલનો મૂળ મુસદ્દો ક્યાંથી આવ્યો છે?
સૌજન્ય-દૈનિક જાગરણ
No comments:
Post a Comment