શરદ યાદવ, સૌજન્ય- અમર ઉજાલા
આઝાદ ભારતમાં કહેવા માટે પહેલી વખત જાતિય આધારીત વસ્તીગણતરી ત્રિપુરાથી શરૂ થઈ ચુકી છે. પરંતુ ગંભીરતાથી વિચારીએ, તો શું આ ખરેખર જાતિ આધારીત વસ્તીગણતરી છે? સૌથી પહેલા તો સમજવું જોઈએ કે જાતિ આધારીત વસ્તી ગણતરી શું છે અને તે કેટલી જરૂરી છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનું કહેવું છે કે દેશમાં જાતિ આધારીત વસ્તીગણતરી હોવી જોઈએ. આ સિવાય સંસદમાં તમામ રાજકીય દળોમાં આ પ્રકારની સંમતિ બની છે કે દેશમાં જાતિગત વસ્તીગણતરી થવી જોઈએ, જેથી તમામ જાતિઓની વસ્તુસ્થિતિની વાસ્તવિકતાની ખબર પડી શકે. આ પ્રકારની જાતિગણનાથી દેશના વિકાસ કાર્યક્રમોનું પ્રારૂપ તૈયાર કરવામાં મદદ મળી શકશે. આ સિવાય તેનાથી સમાજના કમજોર અને અન્ય વર્ગો સંદર્ભે વિસ્તૃત માહિતી મળી શકશે, જેનાથી સમાજમાં વ્યાપ્ત વિષમતાઓ દૂર કરી શકાશે. માટે વર્તમાન પરિદ્રશ્યમાં જાતિ આધારીત વસ્તી ગણતરી ઘણી કામની ચીજ છે.
આ આરોપ એકદમ ખોટા છે કે જાતિની રાજનીતિ કરનારા લોકો જ જાતિગત વસ્તીગણતરીના તરફદાર છે. જો આમ હોત, તો તમામ રાજકીય પક્ષોના સાંસદ તેના પર સંમત થયા ન હોત. એ યાદ રાખવું જોઈએ કે કોઈ એક જાતિ અથવા પાર્ટીના લોકોએ નક્કી કર્યું નથી કે દેશમાં જાતિ આધારીત વસ્તીગણતરી થવી જોઈએ. કેટલાંક લોકો વસ્તીગણતરીમાં જાતિ જોડવાથી ખચકાય છે.
આવા લોકો એ સમજતા નથી કે જાતિ વ્યવસ્થા આપણા દેશની હકીકત છે, માટે તેનાથી ભાગવાથી કામ ચાલશે નહીં. જો ખરેખર લોકો જાતિ વ્યવસ્થાને તોડવા ઈચ્છે છે, તો તેમણે આગળ આવીને સંસદમાં તેના માટે બિલ લાવવું જોઈએ અને દેશમાં અંતરજાતીય લગ્નોને પ્રોત્સાહન આપવું જોઈએ. તેના માટે સારું એ હશે કે જે લોકો અંતરજાતીય લગ્નો કરે છે, તેમને ખાનગી અને જાહેર ક્ષેત્રની તમામ નોકરીઓમાં પ્રારંભિક પાંચ ટકા અનામત આપવામાં આવે. બાદમાં અનામતની મર્યાદા વધારી શકાય છે.
આખરે જાતિ વ્યવસ્થા તોડવા માટે કોણ કોને રોકે છે? જો ખરેખર જાતિ વ્યવસ્થા તૂટી જાય, તો આ દેશ ઘણો શક્તિશાળી બની જશે. પરંતુ અહીં તો અન્ય જાતિઓમાં લગ્ન કરવા મુંછનો સવાલ બની જાય છે. જેનું પરિણામ હિંસા હોય છે. જાતિગત હિંસાને અંજામ આપનારા લોકો પણ જાતિગત વસ્તીગણતરીની ટીકા કરતા ખચકાતા નથી. હકીકતમાં જે લોકો જાતિ વ્યવસ્થાને ગાળ આપે છે, તેઓ જ જાતિવાદ કરે છે.
માટે જાતિગત વસ્તીગણતરી જરૂરી છે, પરંતુ સરકારે ત્રિપુરાથી જે કવાયત હાથ ધરી છે, તે આંખમાં ધૂળ નાખનારી છે. હકીકતમાં જાતિગત વસ્તીગણતરીની ચોતરફ માંગ પર સરકારે ગત વર્ષ ઓગસ્ટમાં સંસદને આશ્વાસ્ત કરી હતી કે ફેબ્રુઆરીમાં વસ્તીગણતરી સાથે જ આ કામ પણ થશે. પરંતુ બાદમાં તેણે કહ્યું કે જાતિગત વસ્તીગણતરીનું કામ અલગથી રજીસ્ટ્રાર જનરલના માર્ગદર્શનમાં જૂન, 2011થી સપ્ટેમ્બર સુધી ચાલશે.
અંતમાં સરકારે એ સ્પષ્ટ કર્યું કે અલગથી જાતિગત વસ્તીગણતરી નહીં થાય, પરંતુ ગરીબી અને જાતિ સર્વેક્ષણ થશે અને રજીસ્ટ્રાર જનરલના તત્વાધાનમાં કામ નહીં થાય. આ પ્રકારે આ સર્વેક્ષણની જવાબદારી હવે રાજ્ય સરકારો પર છોડી દેવામાં આવી છે. માટે આ કામ થવાનું જ નથી, કારણ કે રાજ્યોમાં જાતિગત વસ્તીગણતરીનું કામ ગ્રામીણ અને શહેરી વિભાગને સોંપી દેવામાં આવ્યું છે, જેમની પાસે આધારભૂત માળખાનો અભાવ છે. તેવામાં તેઓ જાતિગત વસ્તીગણતરીના કામને કેવી રીતે યોગ્ય રીતે પાર પાડશે અને કેવી રીતે ગરીબોની ગણતરી શક્ય બનશે.
આ કથિત વસ્તીગણતરી સંદર્ભે કેન્દ્ર સરકાર કેટલી અગંભીર છે, તેની ખબર એ તથ્યથી પણ પડે છે કે ગરીબી અને જાતિ સર્વેક્ષણના કામમાં તાલીમ પામેલા શાળાના શિક્ષકોની કોઈ ભૂમિકા નથી, જે દર વસ્તીગણતરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તેનો અર્થ તો એ છે કે કેન્દ્ર સરકારની આ કવાયત માત્ર ઔપચારીકતા છે. જાતિગત વસ્તીગણતરીનો ઉદેશ્ય માત્ર એ ન હોવો જોએ કે અમુક જાતિમાં કેટલાં લોકો ગરીબીની રેખા નીચે છે અને કેટલા લોકો ગરીબીની રેખા ઉપર છે. તેમાં દરેક જાતિની સામાજીક, શૈક્ષણિક અને રોજગાર સાથે જોડાયેલી સમગ્ર માહિતી હોવી જોઈએ.
જો કેન્દ્ર સરકાર જાતિગત વસ્તીગણતરી સંદર્ભે ગંભીર હોય અને તેને સફળતાપૂર્વક અંજામ આપવા સંદર્ભે વિચારે, તો વસ્તીગણતરી કાયદો, 1948 હેઠળ પોતાના દિશા-નિર્દેશમાં રજીસ્ટ્રાર જનરલ દ્વારા જ તેને અંજામ આપત. જો કે આમ થઈ રહ્યું નથી અને કેન્દ્ર સરકારે ઘણી ચાલાકીથી આ જવાબદારી રાજ્ય સરકારો પર થોપી દીધી છે. માટે કેટલાંક રાજ્યોએ કેન્દ્રની આ મનસા પર વાંધો ઉઠાવ્યો છે. ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતીએ તો જાતિગત વસ્તીગણતરી કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કેન્દ્ર સરકારને સ્પષ્ટ કહી દીધું છે કે આ તેમનું કામ છે, તેઓ કરાવે. બની શકે કે ભવિષ્યમાં વધુ રાજ્યો જાતિગત વસ્તીગણતરી કરવાનો ઈન્કાર કરી દે.
હકીકતમાં સરકાર જે કામચલાઉ રીતોથી જાતિ અને ગરીબી સર્વેક્ષણને જોડી રહી છે, તેનાથી પણ સંમત થઈ શકાય નહીં. ગરીબી સંદર્ભે નક્કર માહિતી જરૂરી છે. આ દેશમાં ગરીબી એક સ્થાયી સમસ્યા છે, માટે ગરીબી સાથે જોડાયેલી તમામ જાણકારી પ્રાપ્ત કરવી જરૂરી છે. તે એટલા માટે પણ જરૂરી છે, કારણ કે આપણા દેશમાં ગરીબોની સંખ્યાને લઈને ઘણી દુવિધાની સ્થિતિ પ્રવર્તી રહી છે. ગરીબોની સંખ્યાને લઈને કેન્દ્ર સરકારના આંકડા કંઈક છે, તો રાજ્ય સરકારોના આંકડા કંઈક અલગ છે. જ્યારે યોજના પંચના આંકડા કંઈક બીજું જ કહે છે. માટે ગરીબોની સંખ્યાની યોગ્ય જાણકારી માટે અલગથી એક પંચની રચનાની જરૂરત છે. તેની ગણતરી જાતિગત વસ્તીગણતરી સાથે થઈ શકે નહીં. તેવામાં જાતિગત વસ્તીગણતરીનો મૂળ હેતુ, કે જે સમાજમાં વ્યાપ્ત સામાજીક અને આર્થિક વિષમતાઓની ભાળ મેળવાવનો છે, તે પૂરો થઈ શકશે નહીં.
No comments:
Post a Comment