Tuesday, 12 July 2011
કેશ સબસિડી: ગરીબોના ખાતામાં સરકારી પૈસા
જોસેફ બર્નાડ
હજી થોડા દિવસો પહેલા નંદન નિલેકણીએ કેન્દ્રીય નાણાં મંત્રી સામે એક યોજના રજૂ કરી છે કે યૂઆઈડી (આધાર) કાર્ડ બન્યા બાદ કેવી રીતે તેનો ઉપયોગ ગરીબોને કેશ સબસિડી આપવામાં પણ થઈ શકે છે. તેનાથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે સરકાર છ માસ બાદ ગરીબોને કેશ એટલે કે રોકડ સબસિડી આપવાની શરૂઆત કરી શકે છે. આ આપણા દેશ માટે એક નવો વિચાર છે. હજી સુધી સરકાર ખાતર, કેરોસિન અને રાંધણ ગેસ જેવી કેટલીક ચીજોની કિંમતો ઓછી રાખવા માટે તેના પર સબસિડી આપે છે. પરંતુ સબસિડીની આ રકમ સામાન બનાવનારી અથવા તેને વેચનારી કંપનીને આપવામાં આવે છે. હવે સરકાર વિચારી રહી છે કે આ રકમ સીધી ગરીબોને આપી દેવામાં આવે, જેથી તેઓ મોંઘી ચીજ બજારમાંથી જાતે ખરીદી શકે.
28 ટકા લોકો ગરીબીની રેખા નીચે
સરકારના તાજેતરના આંકડા પ્રમાણે, હાલના સમયે દેશની 28 ટકા વસ્તી ગરીબીની રેખાથી નીચે જીવન ગુજારી રહી છે. કેશ સબસિડીની યોજના હેઠળ જે લોકો ગરીબી રેખાથી નીચે જીવન જીવી રહ્યાં છે, તેમના બેંક ખાતમાં એટીએમ અને મોબાઈલ બેંકિંગ દ્વારા સબસિડીની જગ્યાએ રોકડ રકમ સીધી મોકલવામાં આવશે. તેની પાછળ બે હેતુઓ છે- એક, ગરીબોને સબસિડી મળે. બીજું, સબસિડીનો લાભ ગરીબોને જ મળે, આર્થિક રીતે સંપન્ન લોકો અથવા વચેટિયાઓને નહીં.
કેશ સબસિડીના અર્થો
પ્રવર્તમાન સમયમાં કોઈ ગરીબ અથવા બીપીએલ કાર્ડધારક રાશનની દુકાન પર જાય છે, તો તેને કેરોસિન 11 રૂપિયે લીટર મળે છે. ખુલ્લા માર્કેટમાં તેની કિંમત 38 રૂપિયા પ્રતિ લીટર છે. આ પ્રકારે રાશનની દુકાન પર જે 27 રૂપિયા ઓછા લેવામાં આવ્યા, તે રૂપિયા બીપીએલ કાર્ડધારકની તરફથી સરકાર ભરે છે. કેશ સબસિડી યોજનામાં સરકાર આ 27 રૂપિયા તેલ કંપનીને આપવાને બદલે સીધા ગ્રાહકને આપી દેશે, જેથી તે ખુદ જ ખુલ્લા બજારમાંથી 38 રૂપિયે લીટર કેરોસિન ખરીદી લે. આ પ્રકારે ખાતર અને રાંધણ ગેસ જેવી ચીજો માટે પણ સબસિડીની રકમ સીધી ગરીબ ગ્રાહકોને આપી દેવામાં આવશે. આ રકમ સીધી તેમના બેંક ખાતામાં પહોંચશે, જેને બાદમાં તેઓ એટીએમ અથવા મોબાઈલ બેંકિંગ દ્વારા કાઢી શકશે.
કેશ સબસિડીની આ અવધારણા હજી સુધી કોઈ દેશમાં નથી. ચીન, અમેરિકા અને યૂરોપીય દેશોમાં નિકાસ પર કેશ સબસિડી આપવામાં આવે છે, જેનો વિરોધ થઈ રહ્યો છે. તેઓ પોતાના નિકાસકારોને કોઈ વસ્તુની નિકાસ ઓછી કિંમતે કરવા માટે કેશ સબસિડી આપે છે. જો કોઈ એક નિકાસકાર કોઈ વસ્તુ 100 રૂપિયામાં તૈયાર કરે. તેને 10 ટકા લાભ જોઈએ તો તે તેને 110 રૂપિયામાં એક્સપોર્ટ કરે. પરંતુ માર્કેટમાં પ્રતિસ્પર્ધાને જોતા તેના 100 રૂપિયામાં તે વસ્તુની નિકાસ કરવી છે, તો સરકાર તેને 10 ટકા કેશ સબસિડી આપશે. આ કારણ છે કે ચીન, અમેરિકા અને યૂરોપીય દેશોની વસ્તુઓ અન્ય દેશોમાં અપેક્ષાકૃત ઓછી કિંમતે મળે છે. ભારત હજી સુધી એક્સપોર્ટ પર કેશ સબસિડી આપતું નથી, પરંતુ હવે તે પણ આવું કરવા જઈ રહ્યું છે.
સરકારે કેશ સબસિડીને સીધી વિશેષ ઓળખ પત્ર એટલે કે યૂઆઈડી સાથે જોડવાનું એલાન કર્યું છે. તેનું માનવું છે કે યૂઆઈડી કાર્ડ જો ગરીબને મળી જાય છે, તો તેની સબસિડી કોઈ છીનવી શકશે નહીં. કારણ કે બેંકમાં ગયા બાદ યૂઆઈડી કાર્ડ પર લેવામાં આવેલા અંગૂઠાના નિશાન દ્વારા આ જાણી શકાશે કે કાર્ડ તેનું છે કે નહીં. ત્યાર બાદ જ કેશ સબસિડીની રકમ તેને આપવામાં આવશે. સરકારને લાગે છે કે માત્ર એટલી સાવધાની રાખવાથી જ સબસિડી પર થનારી છેતરપિંડી થોભી જશે.
પરંતુ આ રસ્તો એટલો આસાન નથી. ભારતની બેંકિંગ સિસ્ટમ એટલી મજબૂત નથી કે તે કેશ સબસિડીનો પૂરો લાભ ઉઠાવી શકે. હજી તે દરેક ગામમાં એટીએમ સ્થાપિત કરી શકી નથી. બેંકોનું વર્ક કલ્ચર પણ એટલું સ્વચ્છ નથી કે તે ગરીબોને ઘણી આસાનીથી કેશ સબસિડી આપી દેશે. હાલના સમયમાં તો હોમ લોન અને પર્સનલ લોન આપવામાં પણ ખુલીને લાંચ માંગવામાં આવે છે. જ્યારે અભણ અને ગરીબ ગ્રાહક પોતાની સબસિડીની રોકડ બેંકમાં લેવા જશે, તો એ વાતની શું ગેરેન્ટી હશે કે તેમને પૂરી રકમ આપી દેવામાં આવશે.
આ સિવાય, હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે કેશ સબસિડી, સામાન ખરીદયા બાદ આપવામાં આવશે અથવા પછી અનુમાન પ્રમાણે ખાતમાં રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. સરકારે અત્યાર સુધીમાં એ સંકેત આપ્યા છે કે કોઈ ખરીદદારી બાદ જ સબસિડીની રકમ ગ્રાહકના ખાતામાં નાખવામાં આવશે. જો આવું થશે તો ફર્ટિલાઈઝર, કેરોસિન અને રાંધણ ગેસ સિલિંડરને માર્કેટ રેટ પર ખરીદવા માટે ગરીબોએ પહેલા મોટી રકમ ભેગી કરવી પડશે. એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે સરકારની નજરમાં કેશ સબસિડી મેળવવાને કોણ હકદાર હશે? ગરીબીની સરકારી માપદંડવાળી પરિભાષા અનુસાર તે પરિવાર ગરીબી રેખાથી નીચે રહેનાર માનવામાં આવશે, જેની આવક એક ડોલર એટલે કે 46 રૂપિયા પ્રતિદીન અથવા તેનાથી ઓછી છે. શું આવો પરિવાર સબસિડી લઈને પણ રાંધણ ગેસ ખરીદી શકશે?
સાવધાનીની જરૂરત
કેશ સબસિડી શરૂ કરતાં પહેલા સરકારે નિશ્ચિત પણે તેની સિસ્ટમ પર ઘણી મહેનત કરવી પડશે. તેણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ગરીબોને પૂરી સબસિડી મળે. તેના માટે માત્ર બેંકિંગ નેટવર્કનો વિસ્તાર જ નહીં, પરંતુ તેને વધારે જવાબદેહ પણ બનાવવો પડશે. કોઈ પ્રકારની ગડબડની આસાનીથી સુનાવણી અને તેના પર તાત્કાલિક કાર્યવાહીની વ્યવસ્થા કરવી પડશે. મોબાઈલ બેંકિંગનો યોગ્ય ઉપયોગ થાય, તેના માટે ઓપરેટર કંપનીઓને સખત નિર્દેશ આપવા પડશે. તેની કડકાઈથી મોનિટરિંગ કરવાની વ્યવસ્થા કરવી પડશે. સૌથી પાયાની વાત એ છે કે જેને પણ કેશ સબસિડની મર્યાદમાં લાવવામાં આવે, તેમની પસંદગી ઈમાનદારીથી થાય, જેથી વાસ્તવિક ગરીબ જ કેશ સબસિડી મેળવવા માટે હકદાર બને. અને કેશ સબસિડીની યોજના ફ્લોપ શો સાબિત ન થાય.
(સૌજન્ય- નવભારત ટાઈમ્સ)
Labels:
આધાર,
કેશ સબસિડી,
નંદન નીલેકણી,
બેંકિંગ નેટવર્ક,
યૂઆઈડી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment