Saturday, 25 March 2023

રાજ્યસભામાં સભાપતિની AAPના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે ટીખળ!

 

આનંદ શુક્લ

રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડે રાઘવ ચઢ્ઢા સાથે ટીખળ કરી કહ્યુ કે તમે શાંત રહો, પહેલેથી જ ચર્ચામાં છો.. અને રાજ્યસભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું..

આમ આદમી પાર્ટીમાંથી રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા હાલ ચર્ચામાં છે. તેઓ બોલીવુડ એક્ટ્રેસ પરિણિતિ ચોપડા સાથે જોવા મળ્યા હતા. જ્યારે રાઘવ ચઢ્ઢાને આના સંદર્ભે સવાલ કરાયો, તો તેમણે સ્મિત સાથે કહ્યુ હતુ કે તમે મારી સાથે રાજનીતિ પર વાત કરો, પરિણિતિ પર નહીં. આ નિવેદન બાદ બંનેના સંબંધોને લઈને ચર્ચાઓ થઈ રહી છે. હવે આ વાત બોલીવુડથી નીકળીને સંસદ સુધી પહોંચી છે. રાઘવ ચઢ્ઢાએ એક વીડિયો શેયર કર્યો છે. જેમાં રાજ્યસભાના સભાપતિ જગદીશ ધનખડ તેમના પર હળવા અંદાજમાં મજાક કરતા કહી રહ્યા છે કે તમે રોકાઈ જાવ, તમે પહેલેથી જ સોશયલ મીડિયામાં છવાયેલા છો.

રાજ્યસભામાં એવી ઘટના બની કે સભાપતિ જગદીપ ધનખડ નિયમ-267 હેઠળ નોટિસ આપનારા સાંસદો અને નોટિસ સંદર્ભે જાણકારી આપી રહ્યા હતા. ત્યારે રાઘવ ચઢ્ઢાએ વચ્ચે બોલવાની કોશિશ કરી હતી. સભાપતિ જગદીપ ધનખડ તેમના હળવા અંદાજ માટે જાણીતા છે. તેમણે સ્મિત સાથે કહ્યુ કે તમે શાંત રહો, આમ પણ સોશયલ મીડિયા પર તમારી ખૂબ ચર્ચા થઈ રહી છે. તેના પછી રાજ્યસભામાં સાંસદોનું હાસ્ય સંભળાયું હતું.

આનો જવાબ આપતા આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યુ હતુ કે તેઓ સૌથી નાના છે અને સભાપતિ સૌથી મોટા છે. તેવામાં તેમનું કહેવું છે કે પરિવારના મોટા સદસ્ય, સૌથી નાના સદસ્યનો ખાસ ખ્યાલ રાખે છે, તેને પ્રેમ આપે છે, બોલવાનો મોકો આપે છે અને તેને શેતાની કરવાની પણ છૂટ હોય છે.

પરંતુ રાઘવ ચઢ્ઢા અને પરિણિતિ ચોપડા વચ્ચે શું ચાલી રહ્યું છે?  આ ડિનર અને લંચ ડેટનો સિલસિલો હવે ક્યાં પહોંચવાનો છે?   તે અટકળો પર ખુદ રાઘવ ચઢ્ઢા અને પરિણિતિ ચોપડા જ વિરામ લગાવી શકે છે.

પ્રિયંકા ગાંધીને પીએમ કેન્ડિડેટ જાહેર થશે?

- આનંદ શુક્લ

શું કોંગ્રેસ પોતાના માટે બ્રહ્માસ્ત્ર ગણાતા પ્રિયંકા ગાંધીને 2024ની લોકસભા ચૂંટણીમાં ઉતારવાની તૈયારી કરી રહી છે? કોંગ્રેસના નેતા પ્રમોદ કૃષ્ણનને ફરીથી પ્રિયંકા ગાંધીને પાર્ટીના પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાની માગણી પણ કરી દીધી છે.

રાહુલ ગાંધીને ફોજદારી બદનક્ષીના કેસમાં માફી માંગવા પર રાહત મળવાની સંભાવના હતી અને આગામી સમયમાં ઉચ્ચ અદાલતોમાં અપીલ દરમિયાન પણ આની સંભાવના રહેશે. પરંતુ રાહુલ ગાંધી પોતે સાવરકર નહીં હોવાનું કહીને માફી માંગવાનો સદંતર ઈન્કાર કરી રહ્યા છે. આવા સંજોગોમાં તેમના માટે આગામી સમયમાં ચૂંટણીલક્ષી રાજકારણમાં પડદા પાછળ રહેવા સિવાય કોઈ વિકલ્પ રહે તેવી શક્યતા રહેશે નહીં. આમ કરીને રાહુલ ગાંધીએ રાજકીય શહાદતના આધારે સહાનુભૂતિ મેળવી છે. પરંતુ તેની સાથે જ તેમણે પોતાની રાજકીય કારકિર્દીમાં પડદા પાછળ જવાનો વિકલ્પ પણ પસંદ કરી લીધો છે.

આમ પણ કોંગ્રેસમાં 2013થી 2023 સુધીમાં અપવાદને બાદ કરતા દરેક હાર માટે રાહુલ ગાંધીને સીધા કે આડકતરા જવાબદાર ઠેરવવામાં આવતા હતા. જેના કારણે તેમને પાર્ટટાઈમ પોલિટિશિયન કે અપરિપક્વ રાજનેતા કે ફેલ પોલિટિશયન જેવા ટેગ આપવામાં આવતા રહ્યા છે. આવા સંજોગોમાં રાહુલ ગાંધી ખુદ પડદા પરથી હટીને પડદા પાછળ જવાનો વિકલ્પ વિચારતા હોય. તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે પણ તૈયાર થયા ન હતા. આવા સંજોગોમાં હાલની રાજકીય શહાદતની સ્થિતિ તેમના માટે પડદા પાછળ જવાનો સારો વિકલ્પ બની શકે છે.

આવા સંજોગોમાં ગાંધી પરિવારના એક એવા વ્યક્તિ કે જેમના પર કોંગ્રેસ પાર્ટીની સાથે ઘણાં લોકોને લાગે છે કે તેઓ રાહુલ ગાંધી કરતા સારી રાજનીતિ કરી શકશે. હાલમાં જ્યારે રાહુલ ગાંધી કોંગ્રેસને જીતાડી શકતા ન હતા, ત્યારે તેવા સંજોગોમાં પ્રિયંકા ગાંધી માટે આપોઆપ રાહ આસન થતી દેખાય રહી હતી. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીતનો શહેરો પણ પ્રિયંકા ગાંધીના માથે જ બાંધવામાં આવ્યો હતો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ કૃષ્ણને આ સપ્તાહે એક મીડિયા હાઉસ માટે લખ્યું છે કે હવે સમય આવી ગયો છે કે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ પીએમ પદના ઉમેદવાર ઘોષિત કરે. તેમણે કહ્યુ છે કે એવું નથી કે રાહુલ ગાંધીમાં કોઈ ખામી છે. પરંતુ તેઓ સંત છે. તેમનું કહેવું છે કે ભાજપ અને નરેન્દ્ર મોદીનો મુકાબલો કરવા માટે પ્રિયંકા ગાંધીમાં જ કાબેલિયત છે. આ વાત માત્ર પ્રમોદ કૃષ્ણન દ્વારા આવી છે, તેવું નથી.

આમ તો પ્રિયંકા ગાંધી ભાઈ રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દીમાં અડચણ પેદા થાય નહીં, તેથી નેતૃત્વથી બચતા રહ્યા છે. પરંતુ રાજકીય વર્તુળોમાં એ પણ ચર્ચા છે કે પરિવારમાં પાર્ટી પર પ્રભુત્વને લઈને કોઈ સંઘર્ષ નથી, પરંતુ બધું ઠીકઠાક પણ નથી રહ્યું. કોંગ્રેસમાં રાહુલ ગાંધીના સમર્થકો પર સોનિયા ગાંધીના ટેકેદારો ભારે પડી રહ્યા છે. રાહુલ ગાંધીના નજીકના સાથી જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા ઘણાં લોકો પાર્ટી છોડી ગયા. સચિન પાયલટ હજી સુધી પોતાની તાજપોશી માટે ફરી રહ્યા છે. પંજાબમાં નવજોતસિંહ સિદ્ધૂ-કેપ્ટન અમરિન્દરસિંહ વિવાદ અને ચન્ની વચ્ચે જે પણ કંઈ થયું તેને પરિવારના સંઘર્ષ તરીકે કેટલાક જાણકારો દ્વારા જોવામાં આવ્યું હતું.  જો કે આ વાતને લઈને કોઈ નક્કર વાત હજી સુધી સામે આવી નથી.

પરંતુ કોંગ્રેસ માટે સમયની માંગ છે કે પ્રિયંકા ગાંધી આગળ આવીને કોંગ્રેસનું નેતૃત્વ સંભાળે. હિમાચલ પ્રદેશમાં થોડીક પણ રાજકીય અદૂરર્શિતાથી કોંગ્રેસ હારે તેવી સ્થિતિ હતી. પરંતુ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હતા અને આખો મોરચો પ્રિયંકા ગાંધીએ સંભાળ્યો હતો. હિમાચલમાં કોંગ્રેસની જીત થઈ હતી. ઓલ્ડ પેન્શન સ્કીમ, અગ્નિવીર અને સ્થાનિક મુદ્દાઓને કોંગ્રેસે અહીં લોકો વચ્ચે લઈ જઈને જીત મેળવી હતી. જૂથબંધી છતાં કોંગ્રેસને જીત મળી હતી.

એક બીજી ઘટનાને પણ ટાંકવી જરૂરી છે. એક વર્ષ પહેલા પ્રશાંત કિશોરની સોનિયા ગાંધી સાથે 10 દિવસ લાંબી વાતચીત ચાલી હતી. પરંતુ પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થયા ન હતા. આની પાછળનું કારણ એ હતું કે પ્રશાંત કિશોર ઈચ્છતા હતા કે કોંગ્રેસમાં રાહુલ ગાંધીના સ્થાને પ્રિયંકા મોરચો સંભાળે. પરંતુ સોનિયા ગાંધી રાહુલ ગાંધીને જ પ્રિયંકાથી આગળ જોવા માંગતા હતા અને પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાનું માંડી વાળ્યું હતું. હવે કોંગ્રેસના બ્રહ્માસ્ત્ર મનાતા પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતાઓ છે.


.. રાહુલજી, ગુસ્સો કેમ કરો છો એક સવાલ તો હતો!

 

-    આનંદ શુક્લ

રાહુલ ગાંધી પૂર્વ સાંસદ બન્યા બાદ પહેલીવાર મીડિયાની સામે આવ્યા. આક્રમકતા-શૈલી બધું ઠીકઠાક રહ્યું, પણ ખાલી એક પત્રકારના સવાલે પ્રેસ કોન્ફરન્સમાં તેમને ગુસ્સે કરી દીધા.. આ ગુસ્સો થોડો ખટકશે ખરો, થશે એક સવાલ જ તો હતો કે જેવા તમે પુછો છો...

રાહુલજી આટલો ગુસ્સો શા માટે... એક સવાલ જ તો હતો. તમે તો આકરા સવાલો પીએમ મોદીથી માંડીને ભાજપ-સંઘ પરિવારને પુછી જ રહ્યા છો. આજની પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારનો સવાલ આપને સહન થયો નહીં. રાહુલ ગાંધીજી તમે તો ગાંધી છો, ગાંધી માફી માંગવા જેવું કામ પણ કરતા નથી અને કોઈની પર ગુસ્સે પણ થતા નથી. સત્ય અને અહિંસા જ આપના હથિયાર છે. શાબ્દિક હિંસા પણ અહિંસાને અપવિત્ર કરી શકે છે. પત્રકારે સવાલ કર્યો તો તેના જવાબમાં રાહુલ ગાંધી તમે તેના પર ભાજપ માટે કામ કરવાનો આરોપ મૂક્યો અને બાદમાં કહ્યુ કે હવા નીકળી ગઈ?

રાહુલ ગાંધી આપના સરળ વ્યક્તિત્વને આ સુટ થતું નથી. આ પત્રકાર ભાજપ માટે કામ કરી રહ્યો હોય, તો પણ ભાજપનો સવાલ સમજીને જવાબ આપી દેવો હતો. હવે આ પત્રકારનો સવાલ એ હતો કે રાહુલજી જે જજમેન્ટ આવ્યું, તેના પર ભાજપે કહ્યું છે કે તમે ઓબીસીનું અપમાન કર્યું. આખા દેશમાં પ્રેસ કોન્ફરન્સની તૈયારી થઈ રહી છે. તમે આના શું કહેવા માંગો છો?

મોદી સરનેમ માનહાનિ વિવાદમાં ઓબીસીનો મુદ્દો જોડાતા રાજકીય સમીકરણોના ગડબડની શક્યતાઓને જોઈને કદાચ રાહુલજી ગુસ્સે થઈ ગયા હશે. પત્રકારના સવાલ પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો કે પહેલા તમારો એટેમ્પ્ટ ત્યાંથી આવ્યો, પછી અહીંથી. તમે સીધું ભાજપ માટે કેમ કામ કરી રહ્યા છો?  થોડું ફેરવી-તોળીને પુછો. હું તમને ઉદાહરણ આપું છું કે એવી રીતે બોલો પહેલા રાહુલજી- જો તમે ભાજપ માટે કામ કરવા માંગો છો, તો ભાજપનો સિમ્બલ ચેસ્ટ પર લગાવી દો. પછી હું તમને જવાબ આપીશ. પત્રકાર દેખાવાનું નાટક કરો નહીં. હવા નીકળી ગઈ?

મીડિયા અને પત્રકાર પર ઘણીવાર રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે. ગોદી મીડિયા તરીકે ઓળખાતા મીડિયાના વર્ગને રાહુલ ગાંધી પોતાના નિશાને રાખે છે. પરંતુ એક સવાલ રાહુલ ગાંધી તમને અકળાવી જાય છે, આવા તો ઘણાં સવાલો થતા રહેશે અને પુછાતા રહેશે. તમારી લડાઈ ખૂબ લાંબી ચાલવાની પુરી શક્યતા છે. ત્યારે તમે આંગળી ચિંધીને જે આક્ષેપો કરો છો, તેવા આક્ષેપોમાં તમે ફસાવો નહીં, ખાલી એક સવાલ જ તો હતો આ...

રાહુલ ગાંધીએ સજા પર સ્ટે નથી લીધો અને પેટમાં ભાજપને દુખે છે! -

-  આનંદ શુક્લ

બોલો રાહુલ ગાંધીએ સુરત કોર્ટના માનહાનિ કેસમાં દોષિસિદ્ધિ-સજા પર સ્ટે લીધો નથી, તો તેનાથી મુશ્કેલી ભાજપને થઈ રહી છે. ભાજપની આ મુશ્કેલીના મૂળિયા કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના આગામી યુદ્ધ સાથે જોડાયેલા છે. આવો જાણીએ કેવી રીતે?

રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા જવા પર તેમને શહીદ તરીકે રજૂ કરવાનું પોલિટિકલ નરેટિવ સેટ કરવાની કોશિશ થઈ રહી છે. આજે પ્રેસ કોન્ફરન્સમાં પણ પૂર્વ સાંસદ રાહુલ ગાંધી આક્રમક અને ઝુકેંગા નહીંની મુદ્રામાં પોતે સાવરકર નહીં ગાંધી હોવાનું જણાવીને માફી માંગવાનો સ્પષ્ટ ઈન્કાર કરી રહ્યા હતા.

હજી સુધી રાહુલ ગાંધીએ મોદી સરનેમ માનહાનિ કેસમાં દોષસિદ્ધિ પર સ્ટે લીધો નથી. આ મામલાને ભાજપના નેતા રવિશંકર પ્રસાદે ઉઠાવતા કહ્યુ છે કે કોંગ્રેસી નેતા પવન ખેડાના મામલામાં તેમને બચાવવા માટે એક કલાકમાં સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે લેવામાં આવ્યો હતો. પણ રાહુલ ગાંધીના મામલામાં કોંગ્રેસે આવું કર્યું નથી. તેથી સ્પષ્ટ છે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની દ્રષ્ટિએ મામલાને રાજકીય ફાયદામાં બદલવાની કોશિશ થઈ રહી છે. રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે ટીકાનો મતલબ ગાળ આપવાનો થતો નથી. રાહુલ ગાંધીએ એક સરનેમનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધી એકલા નથી કે જેમની સદસ્યતા ગઈ છે.

ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ તો સુરત કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધી પર ઓબીસી સમુદાયના અપમાનનો આરોપ લગાવીને પોલિટિકલ નરેટિવ સેટ કરવાનું શરૂ કર્યું હતું. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી અને અન્ય રાજ્યોમાં પણ આ પોલિટિકલ નરેટિવ કોંગ્રેસને ખૂબ મોટું રાજકીય નુકશાન કરવાની ક્ષમતા ધરાવે છે.

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે ભાજપની બસવરાજ બોમ્મઈની સરકારે ઓબીસી મુસ્લિમોનું 4 ટકા અનામત સમાપ્ત કરીને વોક્કાલિગા અને લિંગાયત સમુદાયના અનામતને વધાર્યું છે. વોક્કાલિગાને 4 ટકાથી વધારીને 6 ટકા અને લિંગાયતને 5 ટકાથી વધારીને 7 ટકા અનામત અપાયું છે. રાજ્યમાં કુલ અનામત હવે 56 ટકા થઈ ચુક્યું છે.  ત્યારે ઓબીસી કેટેગરીના અનામતના રાજકીય દાંવપેચમાં રાહુલ ગાંધીની સદસ્યતા સમાપ્તિની સહાનુભૂતિની અસર નાબૂદ કરવાની ચાલ પણ ચાલવામાં આવી છે.

તો કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કર્ણાટક મુલાકાત પહેલા જ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 124 ઉમેદવારોની યાદીને જાહેર કરી છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગે અને ડી. કે. શિવકુમારને ટિકિટો અપાય છે.  યાદ રહે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ્દ થયા બાદ શુક્રવારે સાંજે કોંગ્રેસના નેતાઓઓની બેઠકમાં મંથન થયું અને પ્રિયંકા ગાંધીએ કર્ણાટકમાં જીત દ્વારા જવાબ આપવાની વાત કરી હતી.

જો કે શુક્રવારે બેંગલુરુમાં રેલીના મંચ પર પૂર્વ સીએમ બી. એસ. યેદિયુરપ્પા અને મંત્રી સોમશેખરે અમિત શાહનું સ્વાગત એક તસવીરથી કર્યું હતું. જેમાં ચાણક્ય અને અમિત શાહના ચિત્રો હતા. એમ કહો કે બે ચાણક્ય અથવા ગઈકાલના અને આજના ચાણક્ય આ તસવીરમાં જોવા મળ્યા અને તેનો રાજકીય સંકેત કોંગ્રેસ માટે કર્ણાટકમાં રણ આસાન નહીં રહે તેમ જણાવે છે.

રાહુલ ગાંધીનો એક મરણિયો 100 પર ભારેનો અંદાજ, ભારે કરી! -

  - આનંદ શુક્લ

લોકસભા સંસદની સદસ્યતા ગયા બાદ રાહુલ ગાંધીએ એક મરણિયો સો પર ભારેના અંદાજમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે પીએમ મોદી અને લોકસભા સ્પીકરને નિશાને લીધા અને પોતે સાવરકર નહીં પણ ગાંધી હોવાથી માફી નહીં માંગે તેઓ હુંકાર પણ કર્યો હતો.

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા છીવનાયા બાદ કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર પણ નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે સ્પીકરને તેમણે બે વખત પત્ર લખ્યો, ત્રીજી વાર મળ્યા પણ તેમણે બોલવાનો મોકો આપ્યો નહીં.  મોદી સરનેમ માનહાનિ મામલે માફીને લઈને સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે તેઓ કોઈનાથી ડરતા નથી અને સાવરકર નહી પણ ગાંધી છે. આમ કહીને તેમણે હિંદુત્વ પોલિટિક્સના આઈકોન વિનાયક દામોદર સાવરકર દ્વારા અંગ્રેજોની માફી માંગ્યાનો મુદ્દો ઉઠાવીને ભાજપની રાજનીતિને ફરીથી નિશાને લીધી છે.  મોદી સરનેમ માનહાનિ મામલે રાહુલ ગાંધીએ ઓબીસી સમુદાયના અપમાન કર્યાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે અને કહ્યુ છે કે અદાણી સમૂહની સાથે જોડાયેલા સવાલોથી ધ્યાન ભટકાવવા માટે ઓબીસી સમુદાયના અપમાનનો આરોપ લગાવાયો છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમને લોકસભા સાંસદ તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા, કારણ કે વડાપ્રધાન મોદી તેમનાથી ડરેલા હતા. તેમણે કહ્યુ કે અદાણીની શેલ કંપની છે, તેમાં 20 હજાર કરોડ રૂપિયાનું કોઈએ રોકાણ કર્યું છે, આ નાણાં કોના છે? રાહુલ ગાંધીએ મંત્રીઓ પર ખોટું બોલવાનો આરોપ લગાવીને કહ્યુ છે કે લંડન સ્પીચ પર જેવા આરોપો લગાવાય છે, તેવી કોઈ વાત તેમણે કરી ન હતી. રાહુલ ગાંધીએ વાયનાડના લોકો માટે પત્ર લખવાની વાત કરતા કહ્યુ કે હિંદુસ્તાનના લોકતંત્ર માટે તેઓ લડી રહ્યા છે અને આગળ પણ લડશે. તેઓ ડરતા નથી. રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સુરતની કોર્ટે 2 વર્ષની સજા અને અપીલ માટે 30 દિવસની જામીન આપ્યા બાદ લોકસભા સચિવાલયે તેમની સદસ્યતા રદ્દ કરવાની કાર્યવાહી કરી હતી.

કોંગ્રેસી નેતાએ જ રાહુલ ગાંધીની ઓબીસી સમુદાયને માફી માંગવાની કરી માંગ!

 

 

-     - આનંદ શુક્લ

મોદી સરનેમ માનહાનિ કેસમાં 2 વર્ષની સજા પામેલા રાહુલ ગાંધી ઓબીસી સમાજની માફી માંગે તેવી માગણી હવે એક કોંગ્રેસી નેતાએ જ કરી દીધી છે.

મોદી સરનેમ માનહાનિ કેસમાં 2 વર્ષની સજા બાદ પૂર્વ સાંસદ બની ચુકેલા રાહુલ ગાંધી ઓબીસી સમાજની માફી માંગે તેવી માગણી ભાજપ તરફથી થઈ રહી છે. ભાજપના જ સૂરમાં સૂર મિલાવતા મહારાષ્ટ્રના વિદર્ભથી કોંગ્રેસના નેતા આશિષ દેશમુખે એક મરાઠી ચેનલ સાથેની વાતચીતમાં માગણી કરી છે કે  રાહુલ ગાંધી ઓબીસી સમાજની માફી માંગે. જો રાહુલ આમ નહીં કરે, તો આગામી ચૂંટણીઓમાં તેનું નુકશાન ઉઠાવવું પડશે. 

કોંગ્રેસના નેતા આશિષ દેશમુખે મરાઠી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ છે કે  રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના માધ્યમથી સાડા ત્રણ હજાર કિલોમીટરની પદયાત્રા કરી. સાડા ચાર મહીના સુધી ચાલ્યા. ભારત જોડો યાત્રાને દેશભરમાં સારો પ્રતિસાદ મળ્યો. રાહુલ ગાંધી આજે લોકપ્રિયતાના ઉચ્ચત્તમ શિખર પર છે. પરંતુ તેમ છતાં ચાર વર્ષ પહેલા તેમણે એક ખોટું નિવેદન આપ્યું હતું. તેનાથી ઓબીસી સમાજની ભાવનાઓ ઘવાય હતી. માટે તે દેશના ઓબીસી સમાજની માફી માંગે.

વિદર્ભના નેતાએ કહ્યુ છે કે રાહુલ ગાંધી ચોકીદાર ચોર અને રાફેલ પર આપેલા નિવેદન પર કોર્ટની માફી માંગી ચુક્યા છે. આ સવાલ એક વ્યક્તિનો નથી, આખા ઓબીસી સમાજનો છે. રાહુલ ગાંધીના નિવેદનથી ઓબીસી સમાજની ભાવનાઓ ઘવાય છે, તો રાહુલ ગાંધીએ માફી માંગી લેવી જોઈએ. આ એક આખા સમાજનો સવાલ છે.

જો કે આશિષ દેશમુખની માગણી પર મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેને સવાલ કરાતા તેમણે કહ્યુ કે આશિષ દેશમુખ તેમની પાર્ટીમાં નથી. એટલે કે આશિષ દેશમુખ કોંગ્રેસમાં નથી.

પરંતુ દર્શકોને જણાવી દઈએ કે આશિષ દેશમુખ 2014 બાદ વિધાનસભાના સદસ્ય હતા. 2019ની ચૂંટણીમાં તેઓ દેવેન્દ્ર ફડણવિસની સામે હારી ગયા હતા. જાન્યુઆરીમાં આશિષ દેશમુખે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નાના પટોલેને હટાવવાની મુહિમ શરૂ કરી હતી. એટલે કે નાના પટોલે અને આશિષ દેશમુખ કોંગ્રેસમાં એકબીજાના વિરોધી છે.

ભારતની લોકશાહી અમેરિકા જેવી નહીં ચીન જેવી બની જશે? -

 

 - આનંદ શુક્લ

અલા ભાઈ ભારતને તો ભારત બનાવવાની વાત હતી, પણ ભારતની વ્યવસ્થા અમેરિકા જેવી પણ નહીં- ચીન જેવી બનવાનો ખતરો છે. મલ્ટી પાર્ટી ડેમોક્રસીને ટુ પાર્ટી ડેમોક્રસીમાં ફેરવવાની વાતો વચ્ચે પરોક્ષ પણે ભારત સિંગલ પાર્ટી સિસ્ટમ તરફ આગળ તો નથી વધી રહ્યું ને?

ભારતને ભારત બનાવવાના સ્થાને અમેરિકા-જાપાન-સિંગાપુર કે કેટલાક અંશે ચીન બનાવવાની કોશિશો થઈ રહી છે. આના માટે માનસિકતાથી માંડીને વ્યવસ્થા સુધીના બદલાવ માટેના અનુકરણો થઈ રહ્યા છે. આવું જ એક મોટું અનુકરણ રાજકીય વ્યવસ્થામાં બહુપક્ષીય લોકશાહીના સ્થાને દ્વિપક્ષીય લોકશાહીની ચર્ચાનું છે. ભાજપની રણનીતિ રહી છે કે પ્રાદેશિક પક્ષોના સ્થાને રાષ્ટ્રીય પક્ષોને વોટર પસંદ કરે અને આના માટેની હાકલો ચૂંટણી વખતે લાલકૃષ્ણ અડવાણી જેવા નેતા પણ કરી ચુક્યા છે. દેશમાં માત્ર બે પાર્ટીઓ રહેવી જોઈએ તેવી ભાજપની માનસિકતા ઘણી જૂની છે. તેથી પ્રાદેશિક પક્ષોને હરાવવા અથવા તેને ખતમ કરવા કે તોડી નાખવા ભાજપની રણનીતિનો હિસ્સો છે.

ભાજપની રાજનીતિ છે કે કોંગ્રેસ નબળી રહે અને પ્રાદેશિક પક્ષો હારે અથવા તૂટી જાય કે ખતમ થઈ જાય. આનાથી ભાજપને પોતાનું સ્થાયી શાસન સ્થાપિત કરવામાં અનુકૂળતા પણ દેખાય છે. પરંતુ આમ થવાથી તો ભારતમાં પરોક્ષપણે દ્વિપક્ષીય જ નહીં, પણ એકપક્ષીય લોકશાહી સ્થાપિત થઈ જવાનો ખતરો છે. બિલકુલ ચીન જેવી સિંગલ પાર્ટી વ્યવસ્થા. દ્વિપક્ષીય લોકશાહી તો અમેરિકા જેવી વ્યવસ્થાની વાત હતી. પણ હવેની રાજકીય પરિસ્થિતિ તો ભારતની રાજકીય વ્યવસ્થાને પરોક્ષપણે ચીન જેવી સિંગલ પાર્ટી સિસ્ટમ તરફ દોરી રહી છે.

ભારતીય જનસંઘના જમાનાથી એટલે કે લગભગ 72 વર્ષોથી પ્રચારના દમ પર કોંગ્રેસને દેશની તમામ સમસ્યાઓના મૂળમાં હોવાનું ઠાંસીઠાંસીને ભરવામાં આવ્યું છે. ભારત વિભાજનથી લઈને દેશની ગરીબી, ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી, વસ્તી વધારા સહીતની તમામ સમસ્યાઓની જવાબદારી કોંગ્રેસ પર ભારતીય જનસંઘ અને હવે ભાજપ તથા આ સિવાયના વિપક્ષી દળોએ ઢોળી છે. આનું પરિણામ એ આવ્યું છે કે ભાજપ માટે હવે કોંગ્રેસને હરાવવી આસાન છે. જ્યાં ભાજપ અને કોંગ્રેસનો દ્વિપક્ષીય મુકાબલો હોય છે, ત્યાં ભાજપને મોટી જીત મળે છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં આવો ટ્રેન્ડ છેલ્લી ઘણી ચૂંટણીઓથી સ્થાપિત થઈ ચુક્યો છે. કોંગ્રેસના 52 જેટલા સાંસદો છે. આમાના મોટાભાગના સાંસદો એવી બેઠકો પરથી જીત્યા છે કે જ્યાં સહયોગી દળોની ટેકણ લાકડી કોંગ્રેસને મળી છે અથવા જ્યાં ભાજપ સાથે તેની સીધી લડાઈ ન હતી.

મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેનાના દમ પર જ વર્ષો બાદ કાઠું કાઢયું. પણ જ્યારે શિવસેનાએ કોંગ્રેસ-એનસીપી સાથે ગઠબંધન કરીને ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવ્યા, તો ભાજપે 288 ધારાસભ્યો ધરાવતી વિધાનસભામાં 40 ધારાસભ્યોવાળા એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા. શિવસેનાને તોડીને ભાજપે મહારાષ્ટ્રમાં પોતાનો રાજકીય ઉદેશ્ય પ્રાપ્ત કર્યો હોવાના આરોપો થઈ રહ્યા છે. બિહારમાં પણ જેડીયુ સાથે આવો રાજકીય પ્રયોગ કરવાની શક્યતાઓની ઘણી ચર્ચા થઈ હતી. મુલાયમસિંહ યાદવના નિધન બાદ તેમના વખાણ કરવા કે શ્રદ્ધાંજલિ આપવી, એ સમાજવાદી પાર્ટી સાથે પણ આવા પ્રયોગોના મંડાણ તરીકે જોવાય છે. કોંગ્રેસની ભૂલો અને પ્રાદેશિક પક્ષોની મહત્વકાંક્ષાઓ ભાજપને તેના રાજકીય મિશનમાં કામિયાબ પણ બનાવી રહી છે.

કેજરીવાલ ભાજપ માટે 2024માં સૌથી મોટા મદદગાર સાબિત થવાની સંભાવના! -

-    આનંદ શુક્લ

બોલો અરવિંદ કેજરીવાલ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના સૌથી મોટા મદદગાર સાબિત થવાની સંભાવના છે. તો અખિલેશ યાદવ- મમતા બેનર્જી પણ વિપક્ષી એકતામાં પંક્ચર પાડીને ભાજપને જ યુપી અને પશ્ચિમ બંગાળમાં ફાયદો કરાવે તેવી પુરી શક્યતા છે.

2024ની લોકસભાની ચૂંટણી પહેલા 15 રાજ્યોમાં ભાજપના ચૂંટણી સમીકરણો સાધવામાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને અમિત શાહની રાજકીય મુત્સદીની મોટી ભૂમિકા રહેવાની છે. પશ્ચિમ બંગાળ, બિહાર, યુપી, પંજાબ અને દિલ્હી એમ કુલ પાંચ રાજ્યોમાં ભાજપ બેઠકો વધારવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. આના માટે ભાજપ પછાત અને લાભાર્થી એવા હિંદુ વોટરોના 65થી 70 ટકાને પોતાના ખેમામાં જોડવાની કોશિશ કરી રહ્યું છે.

તો પંજાબમાં 38 ટકા હિંદુઓ છે, તેમને ખાલિસ્તાની હંગામામાં ભગવા રંગે રંગવાની કોશિશો પૂર્ણતાના આરે છે. શીખ વોટરો માટે અકાલીદળ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પરસ્પર લડશે, તો પંજાબની 13 બેઠકોમાં ભાજપ એકલા હાથે અથવા તાલમેલથી કેટલીક વધુ બેઠકો જીતી જશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું સીટ શેરિંગ મામલે સાથે આવવું મુશ્કેલ છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં ખાલિસ્તાનના મામલાને લઈને અરવિંદ કેજરીવાલ હિંદુ અને શીખ બંનેમાં ખરાબ રીતે બદનામ થાય તેવી રણનીતિને પણ ધાર અપાશે.

ભાજપ માટે હવે કેજરીવાલ તમામ રીતે ઉપયોગી છે. કેજરીવાલનો ઉપયોગ ભાજપ પોતાની રણનીતિમાં પંજાબમાં હિંદુઓને સાથે જોડવા, દિલ્હી-હરિયાણામાં પંજાબીઓને પોતાની તરફ ખેંચવા આમ આદમી પાર્ટીના ભ્રષ્ટાચારના મુદ્દાથી વોટરોનું મોબિલાઈઝેશન કરશે. તો હરિયાણા, હિમાચલ, રાજસ્થાન, ઉત્તરાખંડ સહીતના રાજ્યોમાં કેજરીવાલ સામેના આ બંને મુદ્દાને પ્રચારમાં આવરી લઈને કોંગ્રેસના વોટ કાપવાની ગુજરાત જેવી રણનીતિ પણ અખત્યાર કરવામાં આવશે. 2024માં આમ આદમી પાર્ટીને શૂન્ય પર સમેટીને દિલ્હી વિધાનસભામાં પણ તેના સફાયાની વ્યૂહરચનાને ભાજપના રણનીતિકારો ધાર આપશે.

તો પશ્ચિમ બંગાળમાં વસ્તીના કુલ 70 ટકા હિંદુઓમાંથી 45 ટકા હિંદુ વોટરોને જોડવાની ભાજપની રણનીતિ છે. ઘણી હદે ગત લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કારગર પણ નીવડી છે. ભલે ભાજપ આનાથી જીત્યું નહીં, પણ તેને બેઠકો તો અપાવી હતી. તો બિહારમાં સમ્રાટ ચૌધરીને ભાજપે પ્રદેશ પ્રમુખ બનાવીને બિન-યાદવ હિંદુ વોટરોને ખેંચવાની વ્યૂહરચના પર કામ શરૂ કર્યું છે. જેડીયુને બિહારમાં લોકસભાની ચૂંટણીમાં 15 ટકા વોટ પર સમેટવાની કોશિશ કરાય રહી છે. બિહારમાં મુસ્લિમ અને પછાત વર્ગના લોકોની બહુમતીવાળા વિસ્તારોમાં ભાજપની રણનીતિ અલગ-અલગ છે.

યુપીમાં માયાવતી બાદ અખિલેશ યાદવ ભાજપના પરોક્ષ મદદગારની છબી મુસ્લિમોમાં બની રહી છે. આવી જ ઈમેજ મમતા બેનર્જીની પશ્ચિમ બંગાળના મુસ્લિમોમાં બની રહી છે. આમ યુપી-પશ્ચિમ બંગાળમાં અખિલેશ યાદવ અને મમતા બેનર્જી ભાજપના મદદગાર સાબિત થઈ શકે છે. ઘણાંનું માનવું છે કે મોદી વિરોધી તમામ સેક્યુલર વોટ અને મુસ્લિમ વોટરો મનમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસને ઝુઝારું માની રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે કોંગ્રેસ ખતમ થાય તેવું કેટલાક વિપક્ષી દળો પણ ઈચ્છી રહ્યા છે અને આ પ્રાદેશિક પક્ષો ખતમ થાય તો કોંગ્રેસનો પ્રભાવ વધે તેવું પણ કોંગ્રેસી નેતાઓ માની રહ્યા છે. આમ મોદી-શાહને 2024માં સત્તામાંથી હટાવવાનું નક્કી કરનારા વિપક્ષ પાસે આંતરીક વર્ચસ્વની લડાઈના તેમના સામુહિક આપઘાતના ઘણાં ઉપાયોમાંથી એક સાબિત થવાની પુરી શક્યતા છે.

2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત રાજનીતિના હિંદુકરણને પૂર્ણ બનાવશે -

આનંદ શુક્લ

2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની રણનીતિક ડિઝાઈન શું રહેશે, તેની સૌથી મોટી ચિંતા વિપક્ષી દળોને કોરી ખાય છે. વિપક્ષી દળોની આવી સ્થિતિ કેમ છે, તો તેના પર એક નજર કરીએ...

ભારતની રાજનીતિનું સંપૂર્ણ હિંદુકરણ કરવા તરફ ભાજપ-સંઘ પરિવારનું ફોકસ છે અને આ લક્ષ્ય 2024ની લોકસભાની ચૂંટણીમાં મોટી જીતથી પુરું થઈ શકે છે. આના માટે ભાજપે પણ સંઘ પરિવારના સમર્થનથી અસરદાર રણનીતિ પર કામગીરી શરૂ કરી છે. હરિયાણાના પાણિપતમાં યોજાયેલી આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં આને લઈને કેટલુંક સીધું અને કેટલુંક આડકતરું મંથન અવશ્ય થયું છે. યુપી, બિહાર પશ્ચિમ બંગાળના હિંદુ વોટરોને ભગવા રંગમાં રંગવા સંઘ પરિવાર અને ભાજપની પહેલી પ્રાથમિકતા છે.  2019માં ભાજપે યુપી, બિહાર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા સહીતના 13 રાજ્યોમાં કુલ વોટના 50 ટકાથી વધારે વોટ મેળવ્યા હતા. તેમાં હિમાચલ પ્રદેશમાં 69 ટકા, ગુજરાતમાં 62 ટકા અને ઉત્તરાખંડમાં 61 ટકા વોટ ભાજપને મળ્યા હતા. ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી સહીતના 6 રાજ્યોમાં ભાજપને 57 ટકાથી લઈને 59 ટકા વચ્ચે વોટ મળ્યા હતા. તો છત્તીસગઢ, કર્ણાટક, ગોવા, ચંદીગઢ જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભાજપને 51 ટકા વોટ મળ્યા હતા. યુપીમાં ભાજપને 50 ટકા વોટ મળ્યા હતા. આ 13 રાજ્યોની કુલ 273 બેઠકોમાંથી ભાજપને 243 બેઠકો મળી હતી. 

બિહારમાં જેડીયુના વોટને અલગ કરીએ, તો ભાજપ અને ચિરાગ પાસવાનની પાર્ટીના ત્યારના કુલ વોટ 32 ટકા હતા. બંનેને ફાળે 23 બેઠકો આવી હતી. જેડીયુના ત્યારે 22 ટકા વોટ હતા. તો પશ્ચિમ બંગાળમાં 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 41 ટકા વોટ અને 18 બેઠકો મળી હતી. આમ 15 રાજ્યોની કુલ 355 બેઠકોમાંથી ભાજપ પાસે હાલ 284 બેઠકો છે.  2024માં જો 2019ની તર્જ પર પરિણામોનું પુનરાવર્તન થાય અથવા તો ભાજપ માટે વધુ સારું પરિણામ આવે, તો પછી અખિલેશ, મમતા, અરવિંદ કેજરીવાલ અને નીતિશ કુમાર શું કંઈ બાકી બચે તેમ છે?

2024ની ચૂંટણી ભારતીય લોકશાહીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બનશે

 


-આનંદ શુક્લ

2024ની લોકસભાની ચૂંટણી વિશ્વના સૌથી મોટા લોકતંત્ર માટે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ પણ હશે. કદાચ કોંગ્રેસ મુક્ત ભારતનું અભિયાન વિપક્ષ મુક્ત બનવા તરફ ફંટાય તેવી પુરી સંભાવનાઓ આકાર લેશે.

2024ની લોકસભાની ચૂંટણી વિશ્વના સૌથી મોટા લોકતંત્રનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હશે. આ ચૂંટણી કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છેલ્લી ચૂંટણી હશે, કારણ કે તેઓ 75 વર્ષની વયને વટાવી જશે. કોંગ્રેસની હાલત 2014, 2019ની લોકસભાની ચૂંટણીઓ બાદ સૌ કોઈ જાણે છે અને 2024માં પરિણામોના પુનરાવર્તનથી ભારતની સૌથી જૂની રાજકીય પાર્ટીની સ્થિતિ વધુ કથળશે. આવી જ સ્થિતિ 2014 અને 2019ના ચૂંટણી પરિણામોના 2024માં પુનરાવર્તનથી અખિલેશ યાદવ, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, નીતિશ કુમાર, તેજસ્વી યાદવ સહીતના વિપક્ષી નેતાઓની થવાની છે. મે-2024 બાદ સમાજવાદી પાર્ટી, ટીએમસી, આમ આદમી પાર્ટી, જેડીયુ જેવા વિપક્ષી દળો જીવતા તો રહેશે, પણ ડાબેરી મોરચા, રિપબ્લિકન પાર્ટી અને બીએસપી જેવી સ્થિતિમાં હશે. પાર્ટીઓના બોર્ડ હશે, બાકી તેમના ભવનો ખાલી રહેવાની શક્યતા છે.

2024માં 2019ની જેમ સરકાર રિપીટ થવાની સ્થિતિમાં હિંદુ,ત્વની રાજનીતિનું ફોક્સ અમિત શાહ અને યોગી આદિત્યનાથ માટે જમીન બનાવવા પર હશે. આમ કરીને કોંગ્રેસે જેવી રીતે 55થી વધુ વર્ષ સત્તા ભોગવી તેવી રીતે ભાજપ પણ દાયકાઓ સુધી કેન્દ્રની સત્તામાં રહેવા પર ફોકસ કરશે. તેના માટે નરેન્દ્ર મોદીની તર્જ પર અમિત શાહ, યોગી આદિત્યનાથ જેવા નેતાઓને આગળ વધારવા માટે રાજકીય જમીન વધુ ફળદ્રુપ કરવાના તમામ પ્રયાસો કરાશે.

વિપક્ષી એકતાની વાતો વચ્ચે કોઈપણ ભાજપ વિરોધી પક્ષ સીટ શેરિંગના મામલે હાલ નમતું જોખવા માટે તૈયાર દેખાય રહ્યો નથી અને તેની સાથે વિપક્ષી મોરચાનું નેતૃત્વ કરવાની હોડ તેમને એક થવામાં મોટી અડચણ બની છે. જો વિપક્ષી એકતા સંધાશે નહીં તો તેનો સીધો ફાયદો ભાજપને થવાનો છે અને આ ફાયદો 2019ની લોકસભાની ચૂંટણી કરતા પણ વધારે હોવાની શક્યતા છે. ભાજપ પશ્ચિમ ભારત અને ઉત્તર ભારત સિવાય પૂર્વ-પૂર્વોત્તર ભારત અને દક્ષિણ ભારતમાં પણ પોતાના દેખાવને સુધારે તેવી રણનીતિ પર કામ કરી રહ્યું છે.

ગુજરાત અને ગોવાના પરિણામો જોવામાં આવે, તો માત્ર આમ આદમી પાર્ટીના ચૂંટણીમાં ઉતરવાથી જ મત સમીકરણો હલબલી ગયા હતા અને ગુજરાતમાં તો ભાજપને સૌથી મોટી 156 બેઠકોવાળી જીત પણ મળી. જેમાં કોંગ્રેસના જૂના જનાધારનું ધોવાણ પણ થયું હતું. 2024માં વિપક્ષી એકતા નહીં થવાની સ્થિતિમાં કોંગ્રેસના જૂના જનાધારના ધોવાણની પણ મોટી શક્યતાઓ છે.

આ સિવાય ભ્રષ્ટાચાર સહીતના અન્ય કેસોના મામલે તપાસ એજન્સીઓની સક્રિયતા દર્શાવે છે કે વિપક્ષી નેતાઓની આસપાસ આવા મામલામાં સકંજો કસવામાં કોઈ કોર-કસર બાકી નહીં રાખવામાં આવે. આ આશંકાને કારણે જ 14 રાજકીય પક્ષો ઈડી-સીબીઆઈના દુરુપયોગના આરોપ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી ચુક્યા છે. જો કે ભ્રષ્ટાચાર અને અન્ય મામલામાં થતી તપાસ સામે સુપ્રીમ કોર્ટ કોઈ ઢાલનું કામ કરવાની નથી. હા દુરુપયોગની આશંકાઓને દૂર કરવાની કોઈ કોશિશ જરૂર કરશે. પણ તપાસ એજન્સીઓ તપાસની કામગીરી તો ચાલુ જ રાખશે. આવા સંજોગોમાં લાલુ યાદવ, સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને રાહુલ ગાંધી જેવા હાલ ઘણાં વિપક્ષી નેતાઓના થવાની શક્યતાઓ છે.

2024માં નરેન્દ્ર મોદીને ક્યાં વિપક્ષી નેતા તરફથી મળશે પડકાર -

 - આનંદ શુક્લ

રાહુલ ગાંધીનું પત્તું એમની આસપાસની સલાહકાર મંડળી દ્વારા કરાવવામાં આવેલી રાજનીતિથી કપાયું છે. હવે 2024માં લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિપક્ષના ક્યાં નેતા કે નેતાઓ તરફથી રાષ્ટ્રીય સ્તરે પડકાર મળશે, તેને લઈને રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે.

મોદી સરનેમ બદનક્ષી કેસમાં 2 વર્ષની સજા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ ગયું છે. તેની સાથે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી એકતાના સમીકરણોના ચકરડાં નવેસરથી ફરવા લાગ્યા છે. રાહુલ ગાંધીને આ મામલામાં રાહત નહીં મળે તો તેવા સંજોગોમાં તેમને 2024ની લોકસભાની ચૂંટણી લડવાની તક નહીં મળે. આવા સંજોગોમાં સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસમાંથી પીએમ પદના ચહેરા તરીકે કોઈ નેતાને આગળ કરવામાં આવે અથવા તેમના નામ પર વિપક્ષના અન્ય દળો રાજી થાય તેવી શક્યતાઓ હાલ દેખાય રહી નથી. રાહુલ ગાંધીને રાહત નહીં મળવાની સ્થિતિમાં તેમને 8 વર્ષ ચૂંટણીથી દૂર રહેવું પડશે અને તેમના સ્થાને પ્રિયંકા ગાંધી કોંગ્રેસની ચૂંટણી રાજનીતિમાં ચોક્કસ ડ્રાઈવિંગ સીટ પર જશે. પણ તેમને વિપક્ષી દળોમાં સ્વીકૃતિ માટે લાંબી મજલ કાપવાની બાકી છે.

આવા સંજોગોમાં 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોણ રાજકીય પડકાર ફેંકશે. તો તેમાં સૌથી આગળ કોઈનું નામ હોય, તો તે ટીએમસી ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે.  આ સિવાય બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ, ડીએમકેના ચીફ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્તાલિનનું નામ ચર્ચામાં છે. આમ આદમી પાર્ટીના ચીફ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ આ દોડમાં સામેલ છે.

રાહુલ ગાંધીને સજા અને સદસ્યતા રદ્દ થયા બાદ બની શકે કે ત્રીજા મોરચાની ગતિવિધિ વધુ તેજ થાય અને આવા સંજોગોમાં કોંગ્રેસ માટે રાજકીય શક્યતાઓ ધૂંધળી થઈ રહી છે.

યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે તાજેતરમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત કરીને ત્રીજા મોરચાની તરફધારી કરી હતી. થર્ડ ફ્રન્ટ બને તો મમતા બેનર્જી સ્વાભાવિક તેના નેતા બનશે. મમતા બેનર્જીએ ઓડિશાના સીએમ નવીન પટનાયક સાથે પણ મુલાકાત કરી છે. પરંતુ નીતિશ અને કેસીઆર સંમત થશે કે કેમ? કોંગ્રેસ વિપક્ષી નેતાને ટેકો આપશે અથવા અલગ ચોકો ચાતરવાનું જ મુનાસિબ માનશે? વિપક્ષમાં મતભેદને કારણે હજીપણ 2024માં પીએમ મોદીને કોણ પડકારશે તેના પર સ્થિતિ અસ્પષ્ટ છે.