Saturday, 25 March 2023

આખરે ગ્રે ઝોન વોરફેર શું છે?

     - આનંદ શુક્લ

ભારતીય સેનાધ્યક્ષ જનરલ મનોજ પાંડે જે ગ્રે ઝોન વોરફેરની વાત કહી રહ્યા છે, તે આખરે છે શું? એક્સપર્ટ્સ દ્વારા એવું માનવામાં આવી રહ્યું છે કે ચીને પણ આવી જ રણનીતિ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર બંને દેશો વચ્ચેની અનિશ્ચિત સીમા પર અખત્યાર કરી છે અને તેમાં પાકિસ્તાન પણ ચીનની પડખે છે.

 

હાલના સમયમાં દુનિયાના દેશોના હિતો પારસ્પરીક રીતે સંકળાયેલા છે. તેવામાં વ્યાપારીક અને અન્ય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને કોઈ દેશ ભાગ્યે ખુલીને યુદ્ધનો વિકલ્પ પસંદ કરે છે. લોકશાહી દેશોમાં આની સંભાવના બિલકુલ ઓછી છે. છેલ્લા ઘણાં સમયથી ચીનની રણનીતિને એક્સપર્ટ્સ ગ્રે ઝોન સ્ટ્રેટજી કહી રહ્યા છે. થોડા સમય પહેલા જ સેનાધ્યક્ષે ભારતને ગ્રે ઝોન ક્ષમતાઓ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ રણનીતિ હેઠળ યુદ્ધ જમીન પર થતું નથી, પરંતુ અલગ-અલગ રીતે શત્રુને નબળો પાડવાની રણનીતિ અપનાવાય છે.

 

આખરે ગ્રે ઝોન વોરફેર એટલે શું... તો તેમાં દુશ્મન  દેશને હેરાન કરવાની હરકતો કરાય છે. તેમાં રાજકારણમાં હસ્તક્ષેપ, દેશની છબી ખરાબ કરવી, અનિયમિત ઘર્ષણ, સાર્વભૌમ નિર્ણયો લેવામાં અડચણો પેદા કરવી, આંતરીક યુદ્ધની સ્થિતિ સુધી દુશ્મન દેશને હેરાન કરવો, સાઈબર એટેકથી માંડીને તમામ હરકતો અપનાવાય છે. ચીને તાજેતરના વર્ષોમાં ખાસ કરીને 2007થી લઈને 2023 સુધીના સમયગાળામાં અખત્યાર કરેલી રણનીતિને જોવો. આ રણનીતિ બિલકુલ એવી છે કે કોલ્ડવોર સમયે અમેરિકા અને તત્કાલિન સોવિયત રશિયા એકબીજાના ટેકેદાર દેશોમાં અખત્યાર કરતા હતા.

 

સંસનદી એક સમિતિએ ચીન-પાકિસ્તાનના સામરીક પડકારો તરફ સંકેત કરીને ભારીય સેનાના બજેટને વધારવાની ભલામણ કરી છે. જેથી બંને પાડોશી દેશોના પડકારોને પહોંચી વળવાની ક્ષમતામાં વધારો થાય. તેની સાથે સશસ્ત્ર દળોના આધુનિકીકરણ માટેના નિર્ધારીત ફંડમાં હમેશા વધારો કરવાની પણ સમિતિએ ભલામણ કરીને ડિફેન્સ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના વખાણ કર્યા છે.

 

જો કે ગ્રે ઝોન વોરફેરમાં સરકાર-સેના તરફની તૈયારીઓ સાથે સિવિલયન્સે પણ પોતાની માનસિકતા, સુરક્ષા ઉપાયો સહીતની સતર્કતા પણ દાખવવી પડશે અને આના માટેની તૈયારીઓ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. યુદ્ધ તો યુદ્ધ હોય છે. તે લાંબા ગાળાનું હોય કે ટૂંકા ગાળાનું. યુક્રેન-રશિયાના યુદ્ધની સ્થિતિ પરથી તો તેનો અંદાજો આસાનીથી મેળવી શકાય છે.

No comments:

Post a Comment