-
આનંદ શુક્લ
જાપાનના
વડાપ્રધાન કિશિદાની યુદ્ધગ્રસ્ત યુક્રેનની મુલાકાતના ટાઈમિંગને લઈને એશિયામાં નવા
સામરીક સમીકરણોમાં સળવળાટની સ્થિતિ છે. ચીન-તાઈવાન તણાવમાં એક ચુક આમા ભડકો પેદા
કરી શકે છે. આવા સંજોગોમાં ભારત માટે કૂટનીતિક સંતુલન પર ધ્યાન કેન્દ્રીત કરવું
સૌથી મોટી પ્રાથમિકતા રહેશે.
દુનિયાનું શક્તિ
સંતુલન ડગમગી રહ્યું છે, ત્યારે એશિયામાં
એક નવી જૂથબંધી આકાર લઈ રહી છે. મંગળવારે જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા
દિલ્હીમાં પીએમ મોદી સાથે પાણીપુરી ખાતા જોવા મળ્યા, તેમણે ચીનના વધતા
વર્ચસ્વનો મુકાબલો કરવા માટે ઈન્ડો-પેસિફિકને મુક્ત બનાવી રાખવા સામરિક રણનીતિ
હેઠળ 75 અબજ ડોલર ખર્ચવાની વાત કહી હતી. તો કિશિદા દિલ્હીથી અચાનક યુદ્ધગ્રસ્ત
યુક્રેન પહોંચી ગયા.
બીજા વિશ્વયુદ્ધ
બાદ આ પહેલો પ્રસંગ છે કે જ્યારે જાપાનના વડાપ્રધાન કોઈ યુદ્ધગ્રસ્ત દેશની
મુલાકાતે ગયા હોય. ટ્રેનથી યુક્રેન પહોંચેલા કિશિદાને બૂચા શહેર લઈ જવાયા હતા.
અહીં રશિયાના હુમલાથી મોટી ખુવારી થઈ છે. જાપાને યુક્રેનને મદદની ઘોષણા પણ કરી છે.
જાપાનના
વડાપ્રધાન કિશિદાની પહેલા ભારત અને બાદમાં યુક્રેન મુલાકાત એવા સમયે થઈ છે કે
જ્યારે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ મોસ્કોમાં પ્રમુખ વ્લાદીમિર પુતિનની
મહેમાનગતિ માણી રહ્યા હતા. તો જિનપિંગે શાંતિના ગીત ગાતા-ગાતા યુક્રેન મામલે
અમેરિકા-નાટો દેશોને આંટીમાં લેવાની કોશિશ કરીને તાઈવાનના સળગતા મુદ્દા વચ્ચે
પુતિનને સાથે રાખવાની કૂટનીતિ કરી હોવાનું માનવામાં આવે છે. જો કે પશ્ચિમી દેશો
ચીનના શાંતિ પ્રસ્તાવ હેઠળના યુદ્ધવિરામને યુક્રેનની જમીન પર રશિયાના સ્થાયી
કબજાની શક્યતા તરીકે જોઈ રહ્યા છે.
કિશિદા જી-7ના
એશિયન સદસ્યો અને દુનિયાના આ વિસ્તારમાં અમેરિકાના મિત્ર દેશોના પહેલા ટોચના નેતા
છે કે જેઓ યુક્રેન મુલાકાતે ગયા. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કિશિદાને
આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના સાચા અને મજબૂત રક્ષક ગણાવ્યા અને યુક્રેનના જૂના મિત્ર
પણ કહ્યા હતા. તો જિનપિંગે પુતિનને ચીન આવવાનું નિમંત્રણ આપ્યું છે. પ્રતિબંધો
છતાં રશિયા-ચીન વેપારમાં 30 ટકાનો વધારો થયો છે.
કિસિદાની યુક્રેન
મુલાકાતથી જાપાનની સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી ખુશ થઈ છે અને તેની સાથે
અમેરિકાને ખુશ કરવાનો ઉદેશ્ય પણ પાર પડયો છે. જાપાને દક્ષિણ કોરિયા સાથે સંબંધો
મજબૂત કરીને ઉત્તર કોરિયા વિરુદ્ધ સંયુક્ત મોરચો બનાવ્યો છે. તો ચીન દ્વારા તાઈવાન
પર હુમલાના સંભવિત ખતરાની સ્થિતિમાં જાપાનના યુદ્ધમાં ઉતરવાની શક્યતાઓ વચ્ચે
અમેરિકાના મિત્રો દેશોને પણ કિશિદાએ યુક્રેન મુલાકાતથી ઘનિષ્ઠતાના મજબૂત સંકેત
આપ્યા છે.
આવા સંજોગોમાં
એશિયા-પેસિફિકના જીઓ-પોલિટિક્સમાં નવો ઉભરો પણ આવશે. દુનિયાની બીજી અને ત્રીજી
ઈકોનોમી વિપરીત દિશાઓમાં આગળ વધી રહી છે. તેની અસર મે માસમાં કિશિદાના ગૃહ નગર
હિરોશિમામાં જી-7ના શિખર સંમેલન પર પણ
જોવા મળવાની શક્યતા છે. તેમાં રશિયા અને ચીનને મેજબાન જાપાનના કૂટનીતિક સ્વભાવથી
અલગ વાતો સાંભળવી પડે તેવી સ્થિતિ પણ નકારાય રહી નથી.
No comments:
Post a Comment