Saturday, 25 March 2023

શું સંસદમાં વિપક્ષ મૌન વ્રત પાળે? -

 

  -    આનંદ શુક્લ

સંસદ સરકારના જયગાન માટે અથવા મૌન વ્રત પાળવા માટે નથી. ભારતની લોકશાહીનું સર્વોચ્ચ પાવર સેન્ટર સંસદ છે. પરંતુ જ્યારે સંસદને ચુપ કરી દેવામાં આવે, પ્રેસ ખુદ ખામોશ થઈ જાય અને ન્યાયતંત્રની ભૂમિકા અસ્પષ્ટ થઈ જાય તો લોકશાહીનું ભવિષ્ય ડામાડોળ થઈ જશે

ભારત એક મલ્ટીપાર્ટી લોકશાહી છે. મલ્ટી પાર્ટી લોકશાહીમાં બહુમતી મળી હોય તે ભલે સરકાર ચલાવે, પરંતુ તેમને અલ્પમત મળ્યા છે, તેમના અભિપ્રાયોને કાને ધરવા અને તેના પર ચર્ચા થવી જરૂરી છે. સંસદ લોકશાહીની સર્વોચ્ચ પંચાયત છે અને અહીં આમ થવું જરૂરી છે. પરંતુ સંસદના નજારાને લઈને એક જ સંકેત મળી રહ્યો છે અને તે સંકેત લોકશાહી માટે ખતરનાક છે. આ સંકેત છે- સરકાર ચાહે છે કે સંસદમાં તેનો જયજયકાર થાય અથવા તો સાંસદ ચુપ રહે. સરકારને સવાલ પસંદ નથી, કદાચ. ખાસ કરીને એવા મામલા કે જેને સરકાર પોતાના માટે સંવેદનશીલ માને છે, તેના પર તો સવાલ થાય તેવું બિલકુલ તેના દ્વારા ઈચ્છવામાં આવતું નથી.

 

શુક્રવારે સંસદ ટીવી અચાનક મ્યૂટ થઈ ગયું. આ રહસ્યમય હતું. લંડનમાં રાહુલ ગાંધીએ પોતાની સ્પીચમાં તેમનું માઈક બંધ કરી દેવાની વાત કરી હતી, શુક્રવારની ઘટના આવી વાતને આધાર આપે છે. શુક્રવારે સંસદ ટીવીના મ્યૂટ થવાની વાત કોઈના ગણળે ઉતરી નથી. તે પણ ત્યારે જ્યારે વિપક્ષ પોતાની વાત રજૂ કરી રહ્યો હતો અને રાહુલ ગાંધીને બોલવા દેવાની માંગ ઉઠી હતી.

 

આના એક દિવસ પહેલા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સંસદમાં પોતાને બોલવા દેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેના માટે લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે તેમણે મુલાકાત કરી અને તેમની પાસે બોલવા માટે સમય પ માંગ્યો હતો. શુક્રવારે સામે આવ્યું કે સ્પીકરનો નિર્ણય છે કે રાહુલ ગાંધીને બોલવા દેવામાં આવે નહીં.

 

રાહુલ ગાંધીનો તર્ક હતો કે સંસદમાં ઘણાં મંત્રીઓ અને ભાજપના નેતાઓ તેમની વિરુદ્ધ ભાષણ કરે છે, તો તેમને સંસદના મંચ પર જવાબ આપવાનો મોકો આપવો જોઈએ. આ સામાન્ય સંસદીય પ્રક્રિયા છે. આ તર્કમાં દમ પણ છે.

 

હવે સવાલ એ છે કે ભારતીય લોકશાહીને કેવી રીતે સમજી શકાય, લોકશાહીમાં સંસદ, ન્યાયતંત્ર અને પ્રેસની ખાસ ભૂમિકા છે. સંસદને ખામોશ કરી દેવાય, પ્રેસ ખુદ ચુપ થઈ જાય અને ન્યાયતંત્રની ભૂમિકા સ્પષ્ટ રહે નહીં, તો પછી લોકશાહીની મૂળભૂત સમજ પર ફેરવિચારણા કરવી પડે. આવા સંજોગોમાં અહેસાસ ઉભો થશે કે જો મૂળભૂત સામાન્ય સમંતિઓને માટે જગ્યા બાકી નહીં બચે, તો વ્યવસ્થામાં ભલે ચૂંટણીઓ થતી રહે, પરંતુ તેને લોકશાહી કહી શકાશે નહીં તેવો અહેસાસ વધુ તીવ્ર બનશે.

No comments:

Post a Comment