Saturday, 25 March 2023

જામીનવીર રાહુલ ગાંધીને માફીવીર બનાવવાની કોશિશો -

 

આનંદ શુક્લ

સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરને માફીવીર ગણાવનારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભાજપ અને સંઘ પરિવારના નિશાને છે. હવે રાહુલ ગાંધીને જામીનવીરમાંથી માફીવીર બનાવવાની કોશિશો થઈ રહી છે. રાહુલ ગાંધી રાફેલ ડીલ મામલે કરેલા આરોપો મામલે બિનશરતી માફી માંગી ચુક્યાનું ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ તેમને યાદ કરાવ્યું છે.

રાહુલ ગાંધીને ભાજપ-સંઘ પરિવાર માફીવીર સાબિત કરવાની ફિરાકમાં છે. તો રાહુલ ગાંધી ભૂતકાળમાં કહી ચુક્યા છે કે તેઓ રાહુલ ગાંધી છે સાવરકર નહીં. હવે રાહુલ ગાંધીની આસપાસ જે પ્રકારે રાજકીય ચક્રવ્યૂહ ઉભો કરાયો છે, તેને જોતા તેમની પાસે માફી મંગાવવાની કોશિશો તીવ્ર બની છે અને તેના માટે જવાબદાર પણ રાહુલ ગાંધીની અપરિપકવ આક્રમકતા છે. આવી અપરિપકવતા તો વિમાનની પાયલટ સીટ પરથી દેશની પાયલટ સીટ પર બેઠેલા તેમના પિતા રાજીવ ગાંધીએ પણ દેખાડી ન હતી. રાહુલ ગાંધી તો તેમના પિતા રાજીવ ગાંધીથી વધુ સમયથી રાજકારણમાં છે. રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસ મામલે અને હવે સુરત કોર્ટના મોદી સરનેમની ફોજદારી બદનક્ષીના મામલામાં જામીન લઈને જામીન થવું પડયું છે.

સંસદમાં અદાણી-હિંડનબર્ગ રિપોર્ટના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને કરવામાં આવેલા સંબોધનનો મામલો પણ લટકી રહ્યો છે. તો લંડન ખાતે આપેલી સ્પીચમાં ભારતની લોકશાહીને લઈને કરેલી ટીપ્પણીઓના મામલે પણ તેમની માફીની સંસદમાં માગણી થઈ રહી છે અને બજેટ સત્રના બીજા તબક્કાની કાર્યવાહી ખોરંભે ચઢી છે.

13 એપ્રિલ, 2019ના રોજ ગત લોકસભા ચૂંટણી દરમિયાન તત્કાલિન અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં સભામાં કહ્યુ હતુ કે તમામ ચોરોની સમાન અટક મોદી જ કેમ છે અને કેટલા મોદી નીકળશે?  આ ટીપ્પણી પર ભાજપના નેતા અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ ફોજદારી બદનક્ષીનો કેસ કર્યો હતો. તેમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. તેમને કોર્ટે 30 દિવસની જામીન  આપી છે. આના પર રાજકારણ શરૂ થઈ ચુક્યું છે.

ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કહ્યુ છે કે રાહુલ ગાંધીને તથ્યોથી પર થઈને મનઘડંત આરોપો લગાવવાની આદત છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ રાફેલના નામે દેશને ભ્રમિત કરવાની કોશિશ કરી હતી. સુપ્રીમ કોર્ટના ઠપકા બાદ રાહુલે બિનશરતી માફી માંગી હતી.

મામલાને છેક ઓબીસી સમુદાયના અપમાન તરફ ટર્ન આપવાની પણ કોશિશ થઈ રહી છે. નડ્ડાએ ટ્વિટ કર્યું છે કે રાહુલ ગાંધીનો અહંકાર ઘણો મોટો અને સમજ ઘણી નાની છે. પોતાના રાજકીય ફાયદા માટે તેમણે આખા ઓબીસી સમાજનું અપમાન કર્યું. તેને ચોર કહ્યો. સમાજ અને કોર્ટ દ્વારા વારંવાર સમજાવવા અને માફી માંગવાના વિકલ્પને પણ તેમણે અવગણ્યો અને સતત ઓબીસી સમાજની ભાવનાને ઠેસ પહોંચાડી.

એટલે કુલ મળીને રાહુલ ગાંધીને ઘમંડી સાબિત કરવાની સાથે ઓબીસી સમુદાયના અપમાનનો મુદ્દો ઉઠાવાયો છે, કારણ કે મોદી સમુદાય ઓબીસીમાં આવે છે અને ઓબીસી સમુદાય યુપી-બિહાર સહીતના હિંદી બેલ્ટના રાજ્યોથી માંડીને મોટાભાગના દેશના રાજ્યોમાં મોટો મુદ્દો છે.

No comments:

Post a Comment