Saturday, 25 March 2023

મોદી-કિશિદા અને પુતિન-જિનપિંગની લગભગ એક સમયે થઈ રહેલી મુલાકાતના વ્યાપક રણનીતિક અર્થો -

-  આનંદ શુક્લ

દિલ્હીમાં જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત એવા સમયે થઈ છે કે જ્યારે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિનની મુલાકાતે ગયા હતા. મોદી-કિશિદાની મુલાકાતના ઘણાં વ્યાપક રણનીતિક અર્થો છે, કારણ કે બંને દેશોના સંબંધો મજબૂત હોવા છતાં યુક્રેન યુદ્ધના મામલે ભારત અને જાપાનના વલણો વિરોધાભાસી છે.

ભારત દુનિયાનું સૌથી મોટું અને જાપાન દુનિયાના સૌથી અમીર લોકતંત્રોમાં સ્થાન ધરાવે છે. બંને લોકશાહી દેશોના પારસ્પરિક કૂટનીતિક, આર્થિક અને સુરક્ષાના હિતોમાં ઘણી સમાનતા પણ છે. પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાના પરમાણુ હુમલાના કારણે હિરોશીમા-નાગાસાકીની તબાહી સહન કરનારા જાપાન અને 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થનાર ભારત મહાયુદ્ધ બાદના કોલ્ડવોરના સમયગાળામાં વિરોધી ખેમામાં જ રહ્યા હતા. પરંતુ વૈશ્વિક પરિમાણોના બદલાવાની સાથે બંને દેશો એકબીજાની નજીક આવ્યા અને ઘનિષ્ઠતા તરફ પણ આગળ વધ્યા.

2007માં જાપાનના તત્કાલિન વડાપ્રધાન શિંઝો આબેએ ભારતની સંસદમાં ભાષણ આપીને હિંદ અને પેસિફિક મહાસગારોને સંયુક્ત રણનીતિક ક્ષેત્ર તરીકે જોવાની અને બંનેમાં ભારત-જાપાનનના સંયુક્ત હિતો હોવાની વાત કહી હતી. શિંઝો આબે અને મનમોહનસિંહના સમયગાળામાં જાપાન અને ભારત એકબીજાની વધુને વધુ નજીક આવવાનું શરૂ થયું હતું. મોદી-શિંઝો આબેએ બંને દેશોની ઘનિષ્ઠતાને વધારી હતી. કિશિદા પણ મોદી સાથે મળીને બંને દેશોના પારસ્પરિક સંબંધોને વધુ મજબૂત કરી રહ્યા છે.

ભારત અને જાપાનના હિતોની સંયુક્ત સફર બંનેને હમસફર પણ બનાવે છે. બંનેના ભૂરાજકીય અને સામરિક-સુરક્ષાના સંયુક્ત સંબંધો ઘનિષ્ઠ થયા છે. ભારત અને જાપાનને નજીક લાવવામાં ચીનને લઈને ઉભા થયેલા સામરિક પડકારો સૌથી મોટું કારણ છે. જાપાનના વિદેશ મંત્રીએ તાજેતરમાં કહ્યુ હતુ કે જાપાન, ભારત સાથે મળીને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માંગે છે.

જો કે કોલ્ડવોર સમયે ભારત અને જાપાન અનુક્રમે સોવિયત રશિયા અને અમેરિકાના ખેમામાં એટલે કે વિરોધી ખેમામાં હતા. હાલ રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ ભારતનો ઝુકાવ પોતાના પરંપરાગત ઘનિષ્ઠ સહયોગી દેશ રશિયા તરફ સ્વાભાવિકપણે છે. પરંતુ જાપાન યુક્રેન તરફ વધારે ઝુકેલું છે. પરંતુ આવા સંજોગોમાં બંને દેશોનો સમાન શત્રુ ચીન છે અને તેમા કોઈ પરિવર્તન થયું નથી.

વૈશ્વિક રાજકારણની ખેંચતાણ વચ્ચે રસપ્રદ ઘટના પણ ઘટી છે. આ રસપ્રદ ઘટના એ છે કે મોસ્કોની મુલાકાત લઈને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુતિન સાથે મુલાકાત કરી છે. જ્યારે આ સમયગાળામાં જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા નવી દિલ્હીના મહેમાન બન્યા છે. કિશિદાએ દિલ્હીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાની સામરીક હમસફર બનવાની સફર આબે-મનમોહન, મોદી -આબે અને હવે મોદી-કિશિદા દ્વારા આગળ વધી રહી છે.

No comments:

Post a Comment