Monday, 1 August 2011

શિવમંદિર પર આશ્ચર્યજનક મૌન!



તરુણ વિજય

દેશની રાજનીતિ અને હિંદુઓની વિશ્વ દ્રષ્ટિ એટલી સંકીર્ણ થઈ ગઈ છે કે બારસો વર્ષ જૂનાં એક શિવમંદિર પર થયેલા ફાયરિંગ સંદર્ભે ભારતમાંથી કોઈએ ન તો નિવેદન કર્યું અને ન તો મીડિયામાં તેની કોઈ ચર્ચા થઈ. આ શિવમંદીર યૂનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત ઘોષિત કરવામાં આવ્યું છે. થાઈલેન્ડ અને કંબોડિયાની સરહદે આવેલું આ મંદિર બંને દેશ પોતાનું ગણાવે છે. ફેબ્રુઆરી,2008થી અત્યાર સુધી આ મંદિર પર નિયંત્રણ કરવાની કોશિશમાં થાઈસેનાએ ચારસોથી વધારે મોર્ટાર બોમ્બ ફેંકયા અને આ યુદ્ધમાં અત્યાર સુધી થાઈલેન્ડ અને કંબોડિયાના 15 સૈનિકો માર્યા ગયા છે. 1962માં આંતરરાષ્ટ્રીય કોર્ટે એક ચુકાદામાં મંદિરને કંબોડિયાનું ગણાવ્યું હતું, પરંતુ તેની આસપાસની જમીન સંદર્ભે ભ્રમની સ્થિતિ બનેલી છે. થાઈલેન્ડે બાદમાં મંદિર પર કોર્ટના ચુકાદાને પણ નામંજૂર કર્યો. ફેબ્રુઆરી, 2008માં જ્યારે યૂનેસ્કોએ મંદિરને વિશ્વ વિરાસત ઘોષિત કર્યું અને તેનો પ્રશસ્તિપત્ર કંબોડિયાને આપી દીધો તો થાઈલેન્ડે આ સંદર્ભે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો અને વિશ્વ વિરાસત સમિતિનો બહિષ્કાર કર્યો. 

થોડા દિવસો પહેલા ભારતીય રાજકારણની પતિત ને સંકીર્ણ માનસિકતાથી થોડીક રાહત મેળવવા હું આ મંદિરના દર્શન કરવા અને થાઈ તથા કંબોડિયાના નેતાઓ સાથે આ સંદર્ભે વાતચીત કરવા કંબોડિયાની રાજધાની ફાનોમપેન અને બેંકોક ગયો હતો. ફાનોમપેનમાં કંબોડિયાના નાયબ વડાપ્રધાન સોક આને મને રાજકીય અતિથિનો દરજ્જો આપીને મંદિર સંદર્ભે સંપૂર્ણ માહિતી આપી. આ મંદિરનું મૂળ નામ શિખરેશ્વર શિવ મંદિર છે. તે કૈલાસ પર્વતના પ્રતિક સ્વરૂપે કંબોડિયાના દંગ્રેક પર્વત પર અત્યંત મનોહારી સ્વરૂપમાં સ્થિત છે. તેનું નિર્માણ નવમી સદીમાં સમ્રાટ જયવર્મન દ્વિતિયના પુત્ર સમ્રાટ ઈન્દ્રયુધવર્મને શરૂ કરાવ્યું હતું. ચાર સદીઓ સુધી કંબોડિયાના હિંદુ રાજાઓ દ્વારા આ મંદિર નિર્માણને રાજ્ય સંરક્ષણ મળતું રહ્યું અને 12મી સદીમાં સમ્રાટ ધરનીન્દ્રવર્મન અને સમ્રાટ સૂર્યવર્મનના શાસનકાળમાં તેનું નિર્માણ પૂર્ણ થયું. 

કંબોડિયા ભારતથી ગયેલા કંબોજ ઋષિ દ્વારા વસાવાયું હતું. તેમણે અહીંની નાગ જાતિની રાજકુમારી સાથે વિવાહ કરીને ખમેર જાતિને આગળ વધારી. વિશ્વનું સૌથી મોટું હિંદુ મંદિર અંગકોરવાટ ત્યાં છે અને કમ્યુનિસ્ટ શાસન હોવા છતાં ત્યાંના રાષ્ટ્રીય ધ્વજ પર આ મંદિરનું રેખાંકન તેવી રીતે શોભિત છે, જેમ ભારતના રાષ્ટ્રીય ધ્વજ પર અશોક ચક્ર અંકીત છે. આ સમગ્ર દક્ષિણ-પૂર્વ ક્ષેત્રમાં બુદ્ધ અને શિવ એકસાથે સમ્માન અને અત્યંત શ્રદ્ધા સહીત પૂજાય છે. ખમેર ભાષામાં સંસ્કૃતના શબ્દો પ્રચુર માત્રામાં છે. ત્યાં પ્રજ્ઞા પારમિતા મહેલ છે અને ખમેર રાષ્ટ્રીય નૃત્યનું નામ છે અપ્સરા, જે ભરતનાટ્યમ જેવું છે. થાઈલેન્ડના સમ્રાટનું નામ છે મહારાજા અતુલ્ય તેજ ભૂમિબલ. તેમને રામનવમની ઉપાધિથી ઓળખવામાં આવે છે, કારણ કે તે ખુદને રામની પરંપરાના માને છે. ત્યાંના સૌથી મોટા એરપોર્ટનું નામ સ્વર્ણભૂમિ છે. આ એરપોર્ટમાં પ્રવેશ કરવાથી સાગર મંથનની વિશાળ પ્રતિમાના દર્શન થાય છે, જેની વચ્ચે વિષ્ણુ છે. આ તથ્ય માત્ર એટલા માટે હું જણાવી રહ્યો છું કે જેથી વાચકોને આ ક્ષેત્રની સાથે હિંદુ સભ્યતાના પ્રચીન જોડાણની જાણકારી મળી જાય. આ ક્ષેત્રમાં જો બે બૌદ્ધ દેશ એક શિવ મંદિર માટે યુદ્ધરત હોય તો શું આ આપણાં માટે ઉપેક્ષાનો વિષય હોવો જોઈએ?

આ મંદિર સુધી પહોંચવા માટે મને વિશ્વ પ્રસિદ્ધ પુરાતત્વ વિશેષજ્ઞ પ્રોફેસર સચ્ચિદાનંદ સહાય પાસેથી મહત્વપૂર્ણ મદદ મળી. તેમના દ્વારા આ શિવ મંદિર પર કરવામાં આવેલા સંશોધનને યૂનેસ્કોએ પ્રકાશિત કર્યું છે. આ મંદિર માટે કંબોડિયાના નગર સીએમ રીપ પહોંચવું પડે છે. ત્યાંથી સડક માર્ગેથી ત્રણ કલાકના અંતરે દેંગ્રેક પર્વત આવે છે. ત્યાર બાદ કુલ 2050 પગથિયા ચઢવા પડે છે. જો કે એક સડક માર્ગ પણ છે, પરંતુ તે એક થાઈલેન્ડના ભાગમાંથી પસાર થાય છે, માટે કંબોડિયા ખાતે ભારતીય રાજદૂતાવાસની સલાહ પર અમે માત્ર આ માર્ગથી ગયા જે સંપૂર્ણ રીતે કંબોડિયા અંતર્ગત છે. 

આ મંદિર પ્રાચીન હિંદુ ખમેર વાસ્તુશિલ્પનું અદભૂત ઉદાહર ણ છે. તેમાં પાંચ ગોપુરમ છે. શિવ, રામ, સીતા, લક્ષ્મણ, ઈન્દ્ર વગેરેની અત્યંત મનોહરી શિલ્પકૃતિઓ અહીં જોવાં મળે છે. એક કિલોમીટર લાંબા અક્ષ પર આ મંદિરનું નિર્માણ થયું છે. વિરાટ અને ભવ્ય પ્રસ્ત કરળાનું આ વિશ્વ પ્રસિદ્ધ આશ્ચર્ય માત્ર હિંદુ બહુલ ભારતમાં જ ઉપેક્ષા અને અજ્ઞાનનું પાત્ર બન્યું છે. ચીન, જર્મની, ઈન્ડોનેશિયા અને વિયતનામ જેવાં દેશો જ નહીં, પરંતુ અમેરિકા પણ આ મંદિરને બચાવવાના મામલામાં ઉંડો રસ લઈ રહ્યું છે. 
દુર્ભાગ્યથી એક વિકૃત સેક્યુલરવાદના કારણે ન તો ભારત સરકાર આ સંદર્ભે કોઈ ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે અને ન તો કોઈ હિંદુ સંગઠને આ સંદર્ભે પહેલ કરી છે. હું આ મંદિરમાં પૂજા કરનારો પહેલો ભારતીય સાંસદ બન્યો અને કંબોડિયા તથા પાછા ફરતા બેંકોકમાં મુખ્ય રાજકીય અને બૌદ્ધ નેતાઓ સાથે વાતચીત બાદ ભારતના વિદેશ મંત્રી એસ. એમ. કૃષ્ણાને સંપૂર્ણ જાણકારી આપી. સૌભાગ્યથી લાલકૃષ્ણ અડવાણી તથા સુષ્મા સ્વરાજની સાથે નીતિન ગડકરીએ પણ આ વિષયના મહત્વને સમજ્યું છે. અશોક સિંઘલ પણ આ વિષયમાં કેટલીક રચનાત્મકતા કરવા માટે ઉત્સુક છે. લાલકૃષ્ણ અડવાણીએ ભારતના મુખ્ય સલાહકાર શિવશંકર મેનનની સાથે પણ આ સંદર્ભે વાત કરી. તે આ વિષયમાં હિંદુ સમાજ તરફથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. આશા છે કે મનમોહન સિંહ, જેમની પૂર્વી એશિયામાં ઘણી સમ્માનિત છબી છે, આ વિષયની ગંભીરતા સમજશે અને ભારતીય પુરાતત્વ વિભાગને આ મંદિરના સંરક્ષણ અને આ ક્ષેત્રમાં શાંતિ માટે ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા સુનિશ્ચિત કરી શકશે.

સૌજન્ય- દૈનિક જાગરણ

No comments:

Post a Comment