- આનંદ શુક્લ
રાહુલ ગાંધીનું
પત્તું એમની આસપાસની સલાહકાર મંડળી દ્વારા કરાવવામાં આવેલી રાજનીતિથી કપાયું છે.
હવે 2024માં લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિપક્ષના ક્યાં નેતા કે
નેતાઓ તરફથી રાષ્ટ્રીય સ્તરે પડકાર મળશે, તેને લઈને રાજકીય
ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે.
મોદી સરનેમ
બદનક્ષી કેસમાં 2 વર્ષની સજા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ ગયું છે. તેની સાથે
2024ની લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી એકતાના સમીકરણોના ચકરડાં નવેસરથી ફરવા
લાગ્યા છે. રાહુલ ગાંધીને આ મામલામાં રાહત નહીં મળે તો તેવા સંજોગોમાં તેમને
2024ની લોકસભાની ચૂંટણી લડવાની તક નહીં મળે. આવા સંજોગોમાં સૌથી મોટી વિપક્ષી
પાર્ટી કોંગ્રેસમાંથી પીએમ પદના ચહેરા તરીકે કોઈ નેતાને આગળ કરવામાં આવે અથવા
તેમના નામ પર વિપક્ષના અન્ય દળો રાજી થાય તેવી શક્યતાઓ હાલ દેખાય રહી નથી. રાહુલ
ગાંધીને રાહત નહીં મળવાની સ્થિતિમાં તેમને 8 વર્ષ ચૂંટણીથી દૂર રહેવું પડશે અને
તેમના સ્થાને પ્રિયંકા ગાંધી કોંગ્રેસની ચૂંટણી રાજનીતિમાં ચોક્કસ ડ્રાઈવિંગ સીટ
પર જશે. પણ તેમને વિપક્ષી દળોમાં સ્વીકૃતિ માટે લાંબી મજલ કાપવાની બાકી છે.
આવા સંજોગોમાં
2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોણ રાજકીય પડકાર ફેંકશે. તો તેમાં સૌથી આગળ
કોઈનું નામ હોય, તો તે ટીએમસી ચીફ
અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે.
આ સિવાય બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, તેલંગાણાના મુખ્યમંત્રી
કે. ચંદ્રશેખર રાવ, ડીએમકેના ચીફ અને
તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્તાલિનનું નામ ચર્ચામાં છે. આમ આદમી પાર્ટીના ચીફ
અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ આ દોડમાં સામેલ છે.
રાહુલ ગાંધીને
સજા અને સદસ્યતા રદ્દ થયા બાદ બની શકે કે ત્રીજા મોરચાની ગતિવિધિ વધુ તેજ થાય અને
આવા સંજોગોમાં કોંગ્રેસ માટે રાજકીય શક્યતાઓ ધૂંધળી થઈ રહી છે.
યુપીના પૂર્વ
મુખ્યમંત્રી અખિલેશ યાદવે તાજેતરમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે
મુલાકાત કરીને ત્રીજા મોરચાની તરફધારી કરી હતી. થર્ડ ફ્રન્ટ બને તો મમતા બેનર્જી
સ્વાભાવિક તેના નેતા બનશે. મમતા બેનર્જીએ ઓડિશાના સીએમ નવીન પટનાયક સાથે પણ
મુલાકાત કરી છે. પરંતુ નીતિશ અને કેસીઆર સંમત થશે કે કેમ? કોંગ્રેસ વિપક્ષી નેતાને
ટેકો આપશે અથવા અલગ ચોકો ચાતરવાનું જ મુનાસિબ માનશે? વિપક્ષમાં મતભેદને કારણે
હજીપણ 2024માં પીએમ મોદીને કોણ પડકારશે તેના પર સ્થિતિ અસ્પષ્ટ છે.
No comments:
Post a Comment