Saturday, 25 March 2023

શું ભાજપ માટે કોંગ્રેસ જ માપદંડ છે? -

 -      આનંદ શુક્લ

ભાજપને એક સમયે પાર્ટી વિથ ડિફરન્સ ગણાવાય હતી. પરંતુ હવે આ ડિફરન્સ ભાજપમાંથી ગાયબ થયેલો દેખાય રહ્યો છે, કારણ કે ભૂલો-મુદ્દાઓને છૂપાવવા માટે કોંગ્રેસ ભાજપ માટે માપદંડ બની ગયો છે. આવી સ્થિતિ એક જ બાબત તરફ સંકેત કરે છે કે હજીપણ કોંગ્રેસ જ ભારતીય રાજનીતિમાં માપદંડ તરીકે છે અને ભાજપ-આરએસએસ પણ આવું માને છે, તેવું માનવા માટે તેમનો વ્યવહાર પ્રેરે છે.

ભારતીય જનતા પાર્ટી ભારતને કોંગ્રેસ મુક્ત બનાવવાની વાત કરે છે. 2014ની લોકસભા ચૂંટણી પહેલાથી આ સૂત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ રાજકારણ કરતી વખતે ભાજપના નેતાઓના મોઢે તો દેશની રાજનીતિના માપદંડના આદર્શ તરીકે કોંગ્રેસ જ ચઢેલી હોય છે. ચોંકશો નહીં, પણ ભાજપ કોઈપણ સંજોગો અને મુદ્દા પર કોંગ્રેસની નકલ કરતું દેખાય છે. એટલે કે કોંગ્રેસ મુસ્લિમ લીગ અને ભાજપ કોંગ્રેસ બની રહ્યું હોવાના સંઘ પરિવારના જ રહેલા કેટલાક નેતાઓની પીડાને સાચી સાબિત કરનારી બાબતો હકીકત બનતી દેખાય છે.

અદાણી-હિંડનબર્ગના મામલાની સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી કમિટી તપાસ કરે છે. વિપક્ષ જેપીસીની માગણી કરી રહ્યો છે. ત્યારે તેના બચાવમાં સાંભળવા મળે છે કે અંબાણી સાથે કોંગ્રેસના સંબંધો શું હતા? ધીરુભાઈ અંબાણી અને ઈન્દિરા ગાંધીના ફોટોગ્રાફ દ્વારા ટ્રોલ આર્મી સોશયલ મીડિયા પર કોંગ્રેસ પર તૂટી પડે છે.

ચીન પર નીતિઓને લઈને રાહુલ ગાંધીના વેધક પ્રશ્નો પર ચર્ચાના સ્થાને તેમના પરનાના પંડિત જવાહરલાલ નહેરુની ચીન સામેની હારને વાગોળવામાં આવે છે. સવાલ આજે ચીન સીમા પર શું થઈ રહ્યું છે, તેનો થઈ રહ્યો છે.. પણ તેનો જવાબ માત્ર એટલો મળે છે- ભારતની એક ઈંચ જમીન કોઈના કબજામાં ગઈ નથી. ચીન સરહદે સ્થિતિ ખતરનાક હોવાના સંકેત વિદેશ મંત્રી એસ. જયશંકર સહીતના મંત્રીઓ-નેતાઓના નિવેદનોથી મળી રહ્યા છે. સેના-સરકાર પોતાની તમામ શક્તિઓ લગાવી રહ્યા છે. પરંતુ વિપક્ષ સવાલ ઉઠાવે છે, તો જનતાને સંતોષ થાય તેવો જવાબ ખોંખારીને મળવો તો જોઈએ. ભારતની દેશભક્ત જનતા દેશની સાર્વભૌમતાની સુરક્ષા માટે જાનની બાજી પણ લગાવવા માટે તૈયાર છે.

નેતાઓના નામના રસ્તા-ઈમારતોની એ જ કોંગ્રેસની જૂની નીતિ હજી ચાલુ છે. કલ્યાણકારી યોજનાના ઓઠાં નીચે ધન લૂંટાવીને વોટરોને પટાવવાની એ જ કોંગ્રેસની નીતિ હજી ચાલુ છે. રાજકીય ધનના પાર્ટી પ્રચારના દુરુપયોગનું રોલ મોડલ પણ અપનાવી લેવાયું છે. પાર્ટી ફંડનો હિસાબ આપવાનો ઈન્કાર કરીને એક સંગઠિત ભ્રષ્ટાચાર રાજકારણનો લોકાચાર બની ગયો છે. નિયમિત પક્ષપલટાની ઈન્દિરા ગાંધી સમયની રાજકીય મોસમ ફરીથી બેસી ચુકી છે. વળી ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીથી કોઈને કોઈ વાંધો નથી. પરંતુ ભ્રષ્ટાચારની તપાસ હંમેશા વિપક્ષના નેતાઓ સામે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા થઈ રહી છે. શું સત્તાપક્ષના તમામ નેતાઓ ચોખ્ખા-ચણાક હોવાનો દાવો થઈ શકે છે? ક્યારેક કોંગ્રેસ માટે પણ આવું જ કહેવામાં આવતું હતું. શું આ કોંગ્રેસી રાજનીતિક આદર્શ ભાજપે અપનાવી લીધો નથી?

ભાજપના નેતાઓનો વાણીવિલાસ હોય કે લોકશાહી પર તાનાશાહીના ગ્રહણની વાત હોય કે વંશવાદનો મુદ્દો હોય, તમામ મુદ્દે બચાવમાં કોંગ્રેસે શું કર્યું , તેની જ ચર્ચાઓ ટીવી ડિબેટોમાં થતી જોવા મળે છે. એનો અર્થ એ થયો કે કોંગ્રેસ ગઈ અને ભાજપ આવી કે યુપીએ ગઈને એનડીએ આવી, પણ બાબતો તો કોંગ્રેસના સમયની હતી તેવીને તેવી જ રહી છે. તો ભાજપનો પાર્ટી વિથ ડિફરન્સનો દાવો ક્યાં ગયો?

રાહુલ ગાંધી બૂમો પાડીને કહે છે કે લોકશાહીની સંસ્થાઓ પર ભાજપ-આરએસએસના લોકોનો કબજો થઈ ગયો છે. ત્યારે તેઓ પણ ભૂલી જાય છે કે ભાજપ-આરએસએસ પણ કોંગ્રેસની રાજકીય સંસ્કૃતિમાંથી બહાર નીકળવા જેટલા સક્ષમ નથી. ઈન્દિરા ગાંધી-રાજીવ ગાંધીના સમયમાં આવી જ બૂમરાણ તત્કાલિન વિપક્ષી દળો દ્વારા થતી હતી. ઈમરજન્સી તેની ચરમસીમા હતી. પણ સોશયલ મીડિયામાં આવી દલીલબાજીઓ અને ટીવી ડિબેટોની આવી બૂમાબૂમ વચ્ચે જો દરેક વાતમાં કોંગ્રેસ-ઈન્દિરા-રાજીવ ગાંધીને ટાંકવા અને તેમને સંપૂર્ણ માનવાની મજબૂરી હોય. જો કોંગ્રેસ જ દરેક કામ, નીતિ-અનીતિનો માપદંડ હોય, તો કોંગ્રેસ મુક્ત ભારતનું સૂત્ર એક છેતરપિંડીથી વિશેષ શું બની શકે? તેની સાથે આદર્શવાદની અને આદર્શ રાજનીતિની સંઘ પરિવાર તરફથી કહેવાયેલી કરવામાં આવેલી તમામ રાજનીતિ પણ ફ્રોડ સાબિત થઈ નથી જતી?

No comments:

Post a Comment