Saturday, 25 March 2023

કે.સી.વેણુગોપાલને ખસેડી ખડગે પ્રિયંકા ગાંધીને મોટી ભૂમિકા આપે તેવી શક્યતા -

-- આનંદ શુક્લ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે પોતાની નવી ટીમમાંથી શક્તિશાળી કે.સી. વેણુગોપાલને ખસેડીને ગાંધી-નહેરુ પરિવારના સદસ્ય પ્રિયંકા ગાંધી વાડ્રાને કોંગ્રેસના સંગઠન મહાસચિવ બનાવે તેવી શક્યતાઓને લઈને બજાર ગરમ છે.

 

કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે ઘણાં આરોહ-અવરોહ વચ્ચે થયેલી ચૂંટણીમાં મલ્લિકાર્જૂન ખડગે ચૂંટાયા બાદ હવે તેમની નવી ટીમ પર સૌની નજર છે. રાહુલ ગાંધીના નિકટવર્તી કે.સી.વેણુગોપાલને કોંગ્રેસ પાર્ટીના સંગઠન મહામંત્રી પદેથી ખડગે હટાવે તેવી શક્યતાઓની ચર્ચાઓ છે. આની પાછળ ખડગેના કે.સી.વેણુગોપાલ સાથેના સંબંધો સારા નહીં હોવાને કારણ માનવામાં આવે છે. સૂત્રોનો દાવો છે કે મલ્લિકાર્જૂન ખડગે લોકસભા ચૂંટણી હાર્યા અને તેમની પછી તેમને મહારાષ્ટ્રનો પ્રભાર અપાયો, ત્યારથી કઈક ખટપટ હતી. ખડગે અને તેમની ટીમ કે.સી.વેણુગોપાલને પસંદ કરતી નહીં હોવાથી નવા સંગઠન મહામંત્રીને લઈને ચર્ચાઓ થઈ રહી છે.

 

દિલ્હીના 24 અકબર રોડ પરના કોંગ્રેસ મુખ્યમથકમાં ચર્ચા છે કે રાહુલ ગાંધી પાર્ટીના કોઈપણ કામમાં માથું મારવાથી દૂર રહે છે. સોનિયા અને રાહુલ ગાંધીએ ખડગેને તેમની પસંદગીની ટીમ પસંદ કરવાની સ્વતંત્રતા આપી છે. આવા સંજોગોમાં ખડગે પોતાની નવી ટીમમાં ગાંધી-નહેરુ પરિવારના નિકટવર્તી અને વફાદારોને સ્થાન આપે તેવી શક્યતા છે. રાયપુર અધિવેશનમાં જ ખડગેને કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના પોતાની પસંદથી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

 

આવા સંજોગોમાં કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી પ્રિયંકા ગાંધી વાડ્રાને આગળ કરવાને લઈને ઘણાં નેતાઓ કોશિશો કરી રહ્યા છે. આવા સંજોગોમાં કોંગ્રેસના ઘણાં નેતાઓ પ્રિયંકા ગાંધી વાડ્રાને કોંગ્રેસ સંગઠન મહામંત્રી બનાવવાને લઈને લોબિંગ કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધી હાલ કોંગ્રેસના મહાસચિવ અને યુપીના પ્રભારી છે. તો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના સત્તામાં આવવાનો શ્રેય પણ સ્ટાર પ્રચારક તરીકે તેમને જ અપાય રહ્યો છે.

 

જો કે ગાંધી-નહેરુ પરિવાર કોંગ્રેસના પાર્ટી સંગઠનમાં અધ્યક્ષને ઓથોરિટી આપ્યા બાદ બેકસીટ ડ્રાઈવિંગના મૂડમાં નહીં હોવાનું માનવામાં આવે છે. રાયપુર અધિવેશનમાં પણ રાહુલ અને સોનિયા ગાંધી પહેલા દિવસે સંધ્યાકાળે પહોંચ્યા હતા અને તેના પહેલા અધ્યક્ષની પરંપરાગત કાર્યવાહી બંનેની ગેરહાજરીમાં થઈ હતી.

 

તો આવા સંજોગોમાં પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસના સંગઠન મહામંત્રી બનાવાય, તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની સત્તામાં ઓટ આવવાની શક્યતા છે અને પક્ષની અંદર જ બીજું પાવર સેન્ટર સત્તાવાર રીતે ઉભું થશે, તેવું માનવામાં આવે છે. આવા સંજોગોમાં તેઓ આવી જવાબદારી ગ્રહણ કરે તેવી શક્યતા હાલ ઓછી માનવામાં આવે છે. પરંતુ એક સચ્ચાઈ એ પણ છે કે ગાંધી-નહેરુ પરિવારના સદસ્ય કોંગ્રેસમાં અલગ પાવર સેન્ટર તરીકે તો હંમેશાથી રહેતા જ આવ્યા છે અને ખડગેના કાર્યકાળમાં પણ આમા કોઈ પરિવર્તન આવવાનું નથી. પરંતુ આવા સંજોગામાં કોઈને સંગઠન મહામંત્રી બનાવવામાં આવે, તો ગાંધી-નહેરુ પરિવારના આ સદસ્ય ડિફેક્ટો અધ્યક્ષ બની જશે.

 

આ સિવાય રાહુલ ગાંધીની ટીમના તમામ સદસ્યો પ્રિયંકા ગાંધી વાડ્રાના પાર્ટી સંગઠન મહાસચિવ બનવાના પ્રસ્તાવથી અસહજ છે. ટીમ રાહુલના સદસ્યો પાર્ટીના દૈનિક કામકાજમાં પ્રિયંકાનો હસ્તક્ષેપ ઈચ્છતા નથી. તેવા સંજોગોમાં પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવીને બીજી મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવે.

 

કોંગ્રેસ મધ્યપ્રદેશને વિધાનસભા ચૂંટણીમાં જીત માટે સરળ રાજ્ય માની રહ્યા છે. મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધીને તેના પ્રભારી બનાવવામાં આવે, તો કોંગ્રેસ માટે સંભાવનાઓ વધવાની ગણતરી પણ થઈ રહી છે. જો કોંગ્રેસ જીતી જાય તો પ્રિયંકા ગાંધીની રાજકીય ધાક વધુ મજબૂત થશે. તેથી યુપી સાથે મધ્યપ્રદેશના પાર્ટી પ્રભારી તરીકે તેમને જવાબદારી આપવાની પણ તૈયારીઓની ચર્ચા છે. વળી ભૂપેશ બધેલ સાથેની તેમની કેમેસ્ટ્રીને જોતા મધ્યપ્રદેશ સાથે છત્તીસગઢનો પાર્ટી પ્રભાર પણ પ્રિયંકા ગાંધીને મળવાની ઘણાં જાણકાર વર્તુળો શક્યતા દર્શાવી રહ્યા છે. પરંતુ આ જવાબદારી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે જ નક્કી કરવાના છે..

 

No comments:

Post a Comment