- આનંદ શુક્લ
ભાજપના ભીષ્મ
પિતામહ લાલકૃષ્ણ અડવાણી 90ના દાયકામાં પોતાના પક્ષને પાર્ટી વિથ ડિફરન્સ કહેતા
હતા. ક્યારેક પાર્ટી વિથ ડિફરન્સનો દાવો ક્યારેક ભાજપ સાથે મિડલ ક્લાસને જોડવાનું
કારણ બન્યો હતો. પરંતુ હવે કોંગ્રેસ અને અન્ય પક્ષો સાથેનો આ ડિફરન્સ ભૂંસાય ગયો
હોવાની વળતી દલીલો થઈ રહી છે.
1951-52માં
ભારતીય જનસંઘની સ્થાપનાથી લઈને બે સભ્યપદ પર જનતા પાર્ટીમાંથી અલગ થઈને ભારતીય
જનતા પાર્ટી બની. ભાજપની સ્થાપના 1980માં થઈ અને ત્યારથી પંદર વર્ષ એટલે કે છેક
1995 સુધી સ્વદેશી, ભારત ભક્તિ અને
રાજનીતિમાં પારદર્શકતાની ખૂબ વાતો તત્કાલિન સત્તાધારી કોંગ્રેસ સામે કરવામાં આવી.
1976માં બંધારણના આમુખમાં સેક્યુલર અને સોશયલિસ્ટ શબ્દો ઉમેરવાથી લઈને છેક શાહબાનો
કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને સંસદમાં બહુમતીના જોરે બદલવા સુધીની વાતો ટાંકીને
મુસ્લિમ તુષ્ટિકરણના મુદ્દાઓ ઉઠાવાયા. ત્યારે સલમાન રશ્દીના પુસ્તક ધ સેતાનીક
વર્સિસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. બાંગ્લાદેશી લેખિકા તસલીમા નસરીનના પુસ્તક પર
પણ પ્રતિબંધ મૂકાયા. પણ અત્યારે ભારત જો લોકશાહી છે, તો કોઈ પુસ્તકને ટાંકીને
કરવામાં આવેલી ભાજપના મહિલા પ્રવક્તાની વાતને લઈને તેમનું સસ્પેન્શન કરવું.
મુસ્લિમ મિત્રો દ્વારા ભાજપનો પ્રચાર કરાવવાની રણનીતિ બનાવવી, કે આવા મુદ્દાઓ જે 135
કરોડ ભારતીયોને સમદ્રષ્ટિથી જોવાના સ્થાને એક વર્ગ વિશેષ હોવાનું પરોક્ષ રીતે
દેખાડે તેવી નીતિ સામે આંખ આડા કાન જાણે-અજાણે કરવા પાર્ટી વિથ ડિફરન્સનો ડિફરન્સ
ખતમ કરનાર નથી?
કહેવામાં આવે છે
કે કોંગ્રેસે મુસ્લિમોને ઠગ્યા વોટ લીધા પણ લાભ આપ્યા નહીં. જ્યારે સંઘ-ભાજપ ભરપૂર
પ્રચાર કરીને કહે છે કે તેમણે મુસ્લિમોને સશક્ત બનાવવા માટે નક્કર કામગીરી કરી છે.
સચ્ચર કમિટીનો જે ભાજપે વિરોધ કર્યો હતો, તે સચ્ચ કમિટીના
રિપોર્ટને ટાંકીને ગુજરાતના મુસ્લિમો દેશભરના મુસલમાનોથી વધારે સુખી હોવાનો પ્રચાર
દેશ-દુનિયામાં કરાયો છે. આ ભારતની રાજનીતિની વ્યવસ્થાનો દોષ છે કે વ્યવસ્થામાં 55
વર્ષ જેટલું શાસન કરનાર કોંગ્રેસે સેટ કરેલા માપદંડો સામે પાર્ટી વિથ ડિફરન્સનું
સરન્ડર છે?
આમ તો કોઈ પાર્ટી
પોતાના મૂળભૂત સિદ્ધાંતો, વિચારધારા અને
સૂત્રો-ઉદેશ્યોમાંથી યુટર્ન મારતી હોતી નથી. પરંતુ ભાજપ-આરએસએસએ મારેલો યુટર્ન
અભૂતપૂર્વ છે, ભૂતો ન ભવિષ્યતિ
છે. ભાજપે કોંગ્રેસી-ડાબેરી-સમાજવાદી-હિંદુત્વ સહીતની વિચારધારાઓનું રાજકીય કોકટેલ
તૈયાર કરી દીધું છે. વોટ સમીકરણો બનાવીને સત્તામાં આવવું લક્ષ્ય બનાવી દેવાયું છે.
ભાજપને રાષ્ટ્રીય સ્તરે આવી બાબતો જ પડકાર ઉભો કરી શકે છે. તેથી ભાજપ હવે
કોંગ્રેસી-ડાબેરી-જાતિવાદી સમીકરણોની રાજનીતિની વિચારધારાને આત્મસાત કરવા માટે
રાજકીય કોશિશોમાં છે.
પરંતુ સામે પક્ષે
કોંગ્રેસ-ડાબેરીઓ કે સપા-બસપા કે અન્ય કોઈ જાતિ-ક્ષેત્રનો જનાધાર ધરાવતી પાર્ટીઓ
ભાજપના આવા યુટર્નની ચર્ચા કરતી નથી. તેમને તો ખબર છે કે ભાજપને તેઓ જ રાષ્ટ્રીય
સ્તરે પડકારી શકે છે. તેથી ભાજપે તેમના વિચારો અપનાવી લીધાનું કહીને પોતાના
પોલિટિકલ સ્પેસમાં તેના માટે જગ્યા ઉભી કરવાની કોઈ શક્યતા ઉભી થવા દેવા માટે તેઓ
તૈયાર નથી. તેથી ભાજપને સેક્યુલર, ડાબેરી, કોંગ્રેસી-પ્રાદેશિક
પક્ષોના નેતાઓ હિંદુ કોમવાદી, મુસ્લિમ વિરોધી, ફાસીવાદી જેવા વિશેષણોથી
નવાજે છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં પણ આવો જ પ્રચાર કરાયો. આવા વિરુદ્ધમાં
થતા પ્રચારનો ફાયદો ભાજપને જ થઈ રહ્યો છે. તેના કારણે ભાજપની હિંદુવાદી છબી વધુ
મજબૂત બને છે.
No comments:
Post a Comment